'યુસીસી આવશે તો અમારી પરંપરા ખતમ થઈ જશે', આદિવાસીઓ ચિંતા અને મૂંઝવણમાં કેમ?

મહિલા
    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

અનિલ જોંકો આદિવાસી છે અને ચાઈબાસામાં રહે છે. અનિલ ‘હો’ જનજાતિના છે. નાનકડા આદિવાસી ગામમાં તેઓ પોતાના બાપદાદા તરફથી મળેલા ઘરમાં બહેન સાથે રહે છે.

ચાઈબાસાથી 20 કિલોમીટર દૂર વસેલા આદિવાસી બહુમતી ધરાવતા ગામમાં મોટાં ભાગનાં મકાનો કાચાં છે અને ત્યાં માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ નથી.

40 વર્ષીય જોંકો તાજેતરમાં જમીનની માલિકીના હકને લઈને કાનૂની વિવાદમાં ગૂંચવાયા છે. તેઓ થોડા પરેશાન હતા એટલા માટે અદાલતમાં સુનાવણી પહેલાં પોતાનાં માતાપિતાની કબર પર જઈને પ્રાર્થના કરી રહ્યા હતા.

આશા છે કે કેસનો જલદી જ નિકાલ થઈ જશે, કેમ કે કેસની સુનાવણી એક એવી અદાલતમાં થઈ રહી છે જે માત્ર આદિવાસીઓ માટે બનેલી છે. ત્યાં માત્ર તેમના પારિવારિક કેસોની સુનાવણી થાય છે.

આ અદાલતને અહીં ‘માનકી-મુંડા ન્યાય પંચ’ના નામથી ઓળખવામાં આવે છે. આ એક પરંપરાગત પંચાયત છે, જોંકે જે અદાલતમાં ગયા હતા, તેની સ્થાપના ફેબ્રુઆરી 2021માં થઈ હતી.

આદિવાસીઓની આ વિશેષ અદાલત વિશે અનિલ જોંકો કહે છે, “માનકી મુંડા ન્યાય પંચ વિશે મેં પહેલી વાર સાંભળ્યું છે. ન્યાય પંચમાં ગામ સંબંધિત જમીન વિવાદનો કેસ ચાલે છે, આ જાણકારી ત્યાં ગયા પછી મળી.”

તેમને એ ન્યાય પંચ પસંદ છે, કેમ કે આ ‘ન્યાય પંચમાં તમામ પોતાના ક્ષેત્રના જ લોકો હોય છે. ત્યાં કાર્યવાહી પણ ‘હો’ ભાષામાં જ થાય છે.’

આ અદાલતમાં ન કોઈ વકીલ હોય છે ન કોઈ જજ. નિર્ણય ત્રણ પંચોના હાથમાં હોય છે. એકને પ્રતિવાદી નામાંકિત કરે છે, બીજાને અરજીકર્તા અને ત્રીજી વ્યક્તિ સ્થાનિક પ્રશાસન નક્કી કરે છે, જે કાર્યવાહીની અધ્યક્ષતા કરે છે.

આ અદાલતનો નિર્ણય એસડીએમની કચેરીને મોકલવામાં આવે છે, જ્યાં તેને અંતિમ મંજૂરી આપવામાં આવે છે.

જમીનના વિવાદો અને પારિવારિક વિવાદોના નિકાલ માટે આદિવાસીઓના પોતાના અલગ કાયદા અને પોતાની અલગ અદાલતો છે. હવે સરકાર ઇચ્છે છે કે સિવિલ કેસોમાં દેશભરમાં તમામ લોકો માટે સમાન નાગરિક સંહિતા (યુનિફૉર્મ સિવિલ કોડ) જેવો એક જ કાયદો લાગુ હોય.

ગ્રે લાઇન

આદિવાસી નારાજ

અનિલ જોંકો
ઇમેજ કૅપ્શન, અનિલ જોંકો

ઝારખંડમાં યુસીસીનો સખત વિરોધ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે જો યુનિફૉર્મ સિવિલ કોડ આવશે તો તેમના સદીઓ પૂરાણા જીવન જીવવાનો ઢંગ સમાપ્ત થઈ જશે અને ચાઈબાસામાં બનાવવામાં આવેલી આદિવાસીઓની ખાસ અદાલતનો કોઈ અર્થ નહીં રહેશે.

સ્થાનિક વકીલ શીતલ દેવગમ કહે છે, “હું પણ ‘હો’ જનજાતિમાંથી જ આવું છું. હું પણ અહીંની જ છું. અહીંના રીત-રિવાજ મારા પર લાગુ થાય છે, તો મને લાગે છે કે જે જમીનનો વિવાદ છે, જે અદાલતમાં જઈ રહી છે, તે જો યુસીસી આવી જશે, તો એ સૌથી વધુ ખેડૂતો અને આદિવાસી લોકો માટે મુશ્કેલી સર્જશે.”

ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશભરમાં લગભગ 750 આદિવાસી સમુદાય છે અને ઝારખંડમાં તેની સંખ્યા 32 છે. તેમના રીત-રિવાજ અને તેમની જમીન વેચવા માટે અંગ્રેજોના જમાનાથી જ કેટલાક વિશેષ કાનૂન લાગુ છે.

પર્સનલ લૉ હેઠળ વિવાહ, વારસો, દત્તક લેવું, બાળકની કસ્ટડી, ભરણપોષણ ભથ્થું, એકથી વધુ વિવાહ અને ઉત્તરાધિકારી સંબંધિત મામલા આવે છે, લોકો સામાન્ય રીતે મુસ્લિમ પર્સનલ લૉની વાત તો જાણે છે પરંતુ કેટલાક સમુદાયોના અલગ પર્સનલ લૉ છે, જેમાં આદિવાસી પણ સામેલ છે.

ગ્રે લાઇન

સંપત્તિ-પરંપરાના કાયદા

ઝારખંડમાં યુસીસીનો વિરોધ
ઇમેજ કૅપ્શન, ઝારખંડમાં યુસીસીનો વિરોધ

કેટલાય આદિવાસી સમૂહોને ડર છે કે એક સમાન સિવિલ કોડ લાગુ કરવાથી તેમની પરંપરાઓ પર અસર પડશે. આથી, ઝારખંડમાં આદિવાસીઓની સંપત્તિ અને પરંપરાઓની સુરક્ષા માટે અંગ્રેજોના જમાનાથી ત્રણ કાયદા લાગુ છે.

  • વિલ્કિન્સન નિયમ : 1837માં બ્રિટિશ રાજ દરમિયાન લાગુ કરાયેલા આ નિયમ હેઠળ, આદિવાસીઓના ભૂમિ સંબંધિત વિવાદો ઉકેલવા માટે આદિવાસી અદાલતો સ્થાપિત કરાઈ છે. આ પરંપરાઓ અને પ્રથાઓ અનુસાર ફેબ્રુઆરી-2021માં ચાઈબાસાના માનકી મુંડા ન્યાય પંચની સ્થાપના કરવામાં આવી હતી.
  • છોટાનાગપુર ભાડવાત અધિનિયમ : આ કાયદો 1908માં લવાયો હતો. આ કાયદો આદિવાસી ભૂમિનું ગેરકાનૂની અધિગ્રહણ વિરુદ્ધ તેમને કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે.
  • સંથાલ પરગણા ભાડવાત અધિનિયમ : 1978માં લાગુ કરાયેલ આ અધિનિયમ જિલ્લા ઉપાયુક્તની મંજૂરી વગર સંથાલોની માલિકીવાળી ભૂમિ બિન-સંથાલ વ્યક્તિઓ અથવા સંસ્થાઓને વેચવા પર રોક લગાવે છે.
આદિવાસી મહિલાઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સિવાય, સંવિધાનની પાંચમી અનુસૂચિમાં 10 રાજ્યોનો પણ ઉલ્લેખ છે, જ્યાં આદિવાસી બહુમતી ક્ષેત્રોમાં તેમની પરંપરાઓની સુરક્ષાની વાત કહેવામાં આવી છે.

આ જ રીતે બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં આદિવાસી સંસ્કૃતિની સુરક્ષાની વાત કરવામાં આવી છે, જ્યાં તેમની પરંપરાની સુરક્ષા માટે જિલ્લા પરિષદ હોય છે. 5મી અનુસૂચિમાં ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગુજરાત, છત્તીસગઢ, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન સામેલ છે.

બંધારણની છઠ્ઠી અનુસૂચિ આદિવાસી સંસ્કૃત્તિની સુરક્ષા અને જાળવણીના ઉદ્દેશ્યથી મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને આસામમાં સ્વાયત્ત જિલ્લા પરિષદોની સ્થાપનાની જોગવાઈ છે.

ઝારખંડમાં આદિવાસીઓના અધિકારો માટે વર્ષોથી લડત ચલાવતાં સામાજિક કાર્યકર્તા દયામની બારલા યુસીસી વિશે કહે છે, “એક દેશમાં એક કાયદો કેવી રીતે ચાલશે? અગાઉથી જ અમે 5મી અનુસૂચિમાં છીએ, અમારા માટે છોટાનાગપુર અધિનિયમ છે, સંથાલ પરગણા અધિનિયમ અમારા માટે છે, અમારા માટે વિલ્કિંસન નિયમ પણ છે. અમારી ગ્રામસભાના પણ પોતાના અધિકારો છે.”

દયામની જણાવે છે કે આ કેસ માત્ર જમીન-મિલકત સુધી સીમિત નથી. તેઓ પૂછે છે, “લગ્ન કરવાના પણ પોતાના રીત-રિવાજ આધારિત કાયદા છે. અહીં અમારી સંપત્તિનું કોણ ઉત્તરાધિકારી બનશે એ માટે પણ અમારા કાયદા છે. આ દેશમાં 140 કરોડ જનતા છે. હવે કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિવિધ જાતિ સમુદાયના લોકો છે, અલગ-અલગ ધર્મના લોકો છે, તો તેમને તમે એક જ ધારામાં કેવી રીતે રાખી શકશો?”

ગ્રે લાઇન

આદિવાસી મહિલાઓનો સંપત્તિમાં હિસ્સો

બીબીસી સંવાદદાતા ઝુબૈર અહમદ સાથે વાત કરી રહેલા શીતલ દેવગમ
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા ઝુબૈર અહમદ સાથે વાત કરી રહેલા શીતલ દેવગમ

જમીન આદિવાસીઓના જીવનના કેન્દ્રમાં છે. યુસીસીથી તેમનો સૌથી મોટું જોખમ જમીન છીનવી લેવાય એનું છે.

લગ્ન હોય અથવા દત્તક લેવાની પરંપરા, આદિવાસીઓમાં આ બધા જ વિવાદો પણ ક્યાંક ને ક્યાંક જમીન સાથે જ જોડાયેલા છે.

જેમ કે રાંચીના સૅન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રોફેસર સંતોષ કીડો કહે છે, “જમીન ઇશ્વરે અમને આપેલી ભેટ છે. અમે વ્યક્તિગતરૂપે એના માલિક નથી. અમે એનો માત્ર ઉપયોગ કરીએ છીએ અને પછી આગલી પેઢીને સોંપી દઈએ છીએ.”

આદિવાસી સમાજમાં દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં હિસ્સો નથી આપવામાં આવતો. તેમના લગ્ન પછી પતિની સંપત્તિમાં પણ તેમનો હિસ્સો નથી રહેતો. યુસીસી આવ્યા બાદ મહિલા-પુરુષ વચ્ચે સમાનતા આવશે અને આદિવાસી મહિલાઓને સંપત્તિમાં હિસ્સો મળી શકશે.

દયામની બારલા કહે છે કે એક આદિવાસી દીકરી જ્યારે પોતાના પિતાના ઘરે હોય છે, તો તે પિતાની સંપત્તિનો ઉપયોગ કરે છે અને જ્યારે પોતાના પતિના ઘરે જતી રહે છે, તો તેમની સંપત્તિની સુવિધાઓ પ્રાપ્ત કરે છે.

તેઓ કહે છે, “તેમનું કાગળમાં નામ નથી હોતું, છતાં તમે જોઈ શકો છો કે અમારા સમાજમાં દહેજપ્રથા નથી. દહેજ ન લાવતી દીકરીઓને સળગાવાતી નથી આવતી. અમારા ત્યાં બળાત્કારની ઘટનાઓ ન બરાબર છે.”

પ્રોફેસર સંતોષ કીડો અનુસાર આદિવાસી સમાજમાં મહિલાઓના અધિકાર સુરક્ષિત છે. જમીનમાં તેમના હિસ્સા પર તેઓ કહે છે કે આદિવાસી સંપત્તિ સામૂહિક મિલકત હોય છે, જેને કોઈ વ્યક્તિ કે સંસ્થાને ટ્રાન્સફર નથી કરી શકાતી.

ગ્રે લાઇન

શું આદિવાસીઓને યુસીસીમાં રાખવામાં આવશે?

મહિલા

એ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે આદિવાસીઓના મજબૂત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

અનૌપચારિક રીતે કેન્દ્ર તરફથી એવા ઇશારા મળી રહ્યા છે કે યુનિફૉર્મ સિવિલ કોડમાંથી આદિવાસીઓને બહાર રાખવામાં આવી શકે છે.

પરંતુ આદિવાસી ક્ષેત્રોમાં કાર્ય કરતા કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે યુસીસીમાં તમામ સમુદાયોને સામેલ કરવા જોઈએ.

રાંચી ટેકનિકલ યુનિવર્સિટીના પ્રોફેસર અમરકુમાર ચૌધરી એક આવા જ નિષ્ણાત છે.

તેઓ કહે છે, “મારા વિચાર અનુસાર આદિવાસીઓને યુસીસીથી અલગ ન રાખવા જોઈએ. સમય લો, ચર્ચા કરો, થોડા સમય પછી, 10 વર્ષ પછી લાગુ કરો, કેમ કે જો આ લાગુ થશે તો એ બધા જ માટે સારું હશે. જુઓ દેશ હવે આગળ વધી રહ્યો છે. તમામે સાથે ચાલવાની જરૂર છે. યુસીસી બધા જ માટે હોય, પરંતુ કોઈ પણ પ્રકારની કોઈ મૂંઝવણ ન હોય.”

આદિવાસી

પ્રોફેસર અમર ખુદ આદિવાસી નથી, પણ તેઓ આદિવાસીઓ વચ્ચે દાયકાઓથી કામ કરી રહ્યા છે. તેઓ ભાજપ અને આરએસએસ સાથે પણ જોડાયેલા છે.

તેઓ એ વાત પણ ભારપૂર્વક કહે છે કે આદિવાસીઓ સાથે વાતચીત વગર તેમને યુસીસી પર સામેલ ન કરવામાં આવે.

તેઓ કહે છે, “હું તેમની વચ્ચે રહું છું. આ શરૂઆતી સમય છે અને જે લોકો આ વિશે વાતો કરી રહ્યા છે તેઓ ભણેલા લોકો છે. તેઓ આ મુદ્દાને સમજી રહ્યા છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં જે આદિવાસી રહે છે, જે પહાડો પર અને જંગલોમાં રહે છે, તેમને યુસીસી વિશે કંઈ જ ખબર નથી એટલા માટે એના પર વાત થવી જોઈએ. તેમનામાં જાગૃતતા લાવી જોઈએ. યુસીસી તેમના માટે યોગ્ય છે કે નહીં એ પહેલા તેમની પાસે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ.”

હાલમાં ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને પણ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી આદિવાસી સમાજ યુસીસી માટે તૈયાર ન હોય તો તેમને તેમાંથી બહાર રાખવા જોઈએ.

યુસીસ પર બનેલી સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ પણ હાલમાં આદિવાસીઓને યુસીસીથી બહાર રાખવાની વકીલાત કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે ઔપચારિક રીતે આના પર કોઈ નિર્ણય નથી કર્યો.

નિષ્ણાતો કહે છે કે હાલ યુસીસી પર ચર્ચા મીડિયામાં આવેલા અહેવાલો પર થઈ રહી છે. હજુ સુધી બિલનો ડ્રાફ્ટ પણ સામે નથી આવ્યો.

રેડ લાઇન
રેડ લાઇન