યુનિફોર્મ સિવિલ કોડ: ભારતમાં સમાન નાગરિક સંહિતાનો અમલ વાસ્તવમાં શક્ય છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
કર્ણાટકમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ઢંઢેરો જાહેર કરતાં જણાવ્યું છે કે જો ભાજપને રાજ્યમાં ફરીથી સત્તા મળશે તો એ યુનિફોર્મ સિવિલ કોલ લાગુ કરશે.
ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે. યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના 'પ્રયાસ' કરવા જોઈએ. અલબત, એકસમાન કાયદાની ટીકા દેશના બહુમતી હિન્દુઓ અને લઘુમતી મુસ્લિમો બન્ને સમાજ કરતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના શબ્દોમાં કહીએ તો આ એક 'ડેડ લેટર' છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પક્ષની સરકાર આ વિચારને ફરી આગળ વધારી રહી છે. ભાજપશાસિત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં યુસીસી બાબતે ચર્ચા થઈ ચૂકી છે.
અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે રામમંદિરનું નિર્માણ, કાશ્મીરના વિશેષ દરજ્જા પર પૂર્ણવિરામ અને યુસીસીનો અમલનો ભાજપનાં ચૂંટણીવચનોમાં સમાવેશ થાય છે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, કાશ્મીરની સ્વાયતતા છીનવી લેવાઈ છે અને હવે યુસીસીની ચર્ચા ચાલી રહી છે.
જમણેરી હિન્દુત્વવાદી સંગઠનો, મુસ્લિમ પર્સનલ લૉના કથિત 'પછાત' કાયદાઓને આગળ ધરીને યુસીસીના અમલની માગણી કરતા રહ્યાં છે. મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈ મુજબ ત્રણ તલાક કાયદેસર હતા અને એ કાયદા મારફત મુસલમાનો તેમની પત્નીઓને તત્કાળ છૂટાછેડા આપી શકતા હતા, પરંતુ મોદી સરકારે 2019માં તે કાયદાને દંડપાત્ર બનાવી દીધો હતો.
ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ જણાવવામાં આવ્યું હતું કે 'ભારત સમાન નાગરિક સંહિતા અપનાવશે નહીં ત્યાં સુધી લૈંગિક સમાનતા મૂર્તિમંત થશે નહીં.'
જોકે, રાજકીય વિશ્લેષક આસિમ અલી માને છે કે 'વાસ્તવિકતા વધારે જટિલ છે.' બીજા શબ્દોમાં કહીએ તો ભાજપ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હોવાનો દાવો કરે છે, પરંતુ યુસીસી બનાવવાના વિચારે, દેશના બહુમતી હિન્દુઓ માટે પણ અનપેક્ષિત પરિણામની સંભાવના ધરાવતો પટારો ખોલી નાખ્યો છે. આસિમ અલી કહે છે કે "યુસીસીનો પ્રભાવ મુસલમાનોની સાથે-સાથે હિન્દુઓના સામાજિક જીવન પર પણ પડશે.".

ભારતમાં યુસીસીનો અમલ મુશ્કેલ કેમ?

ઇમેજ સ્રોત, AFP
ભારત જેવા પારાવાર વૈવિધ્ય ધરાવતા, વિશાળ દેશમાં યુસીસીને એકીકૃત કરવાનું અત્યંત મુશ્કેલ છે. દાખલા તરીકે, હિન્દુઓ ભલે વ્યક્તિગત કાયદાઓનું પાલન કરતા હોય, પરંતુ તેઓ જુદાં-જુદાં રાજ્યોમાં અલગ-અલગ સમુદાયોની પ્રથાઓ તથા રીત-રિવાજોનું પાલન પણ કરે છે. બીજી તરફ મુસ્લિમ પર્સનલ લૉ તમામ મુસલમાનો માટે સંપૂર્ણપણે સમાન નથી. દાખલા તરીકે કેટલાક વોહરા મુસલમાનો ઉત્તરાધિકારની બાબતમાં હિન્દુ કાયદાઓના સિદ્ધાંતોનું પાલન કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ રીતે સંપત્તિ અને ઉત્તરાધિકારની બાબતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા-જુદા કાયદા છે. પૂર્વોત્તર ભારતના ખ્રિસ્તીઓની બહુમતીવાળા નાગાલૅન્ડ અને મિઝોરમ જેવાં રાજ્યોના પોતાના પર્સનલ લૉ છે અને ત્યાં તેમના ધર્મનું નહીં, પણ પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. ગોવામાં 1867નો સમાન નાગરિક કાયદો છે, જે ત્યાં વસતા તમામ સમુદાયના લોકોને લાગુ પડે છે, પરંતુ કેથલિક ખ્રિસ્તીઓ તથા બીજા કેટલાક સમુદાયો માટે અલગ નિયમો છે. જેમ કે માત્ર ગોવામાં જ હિન્દુ બે લગ્ન કરી શકે છે.
ભારતમાં યુસીસી કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામાન્ય રુચિનો મુદ્દો બની રહ્યો છે. રાજ્યો છેક 1970થી પોતાના કાયદા બનાવી રહ્યાં છે. ઘણાં વર્ષો પછી 2005માં કાયદામાં એક સુધારો કરવામાં આવ્યો હતો અને એ પછી વર્તમાન સેન્ટ્રલ હિન્દુ પર્સનલ લૉમાં દીકરીઓને પણ પૂર્વજોની સંપત્તિમાં દીકરા જેટલો જ અધિકાર આપવામાં આવ્યો હતો.
દેશનાં કમસેકમ પાંચ રાજ્યોએ તો તેના અમલ માટે પોતાના કાયદાઓમાં પહેલેથી જ ફેરફાર કરી નાખ્યો હતો. હવે એ જોઈએ કે પર્સનલ લૉઝ અલગ-અલગ બાબતોમાં જુદાં કઈ રીતે પડે છે.

બાળક દત્તક લેવાની બાબતમાં અલગ

ઇમેજ સ્રોત, Getty Images
બાળક દત્તક લેવાના મામલાનો વિચાર કરીએ તો હિન્દુ પરંપરા મુજબ ધર્મનિરપેક્ષ અને ધાર્મિક બન્ને હેતુસર કોઈને પણ દત્તક લઈ શકાય છે, કારણ કે સંપત્તિનો વારસદાર પુરુષ જ હોઈ શકે છે અને પરિજનોના અંતિમસંસ્કાર પુરુષ જ કરી શકે છે. બીજી તરફ ઇસ્લામી કાયદામાં બાળક દત્તક લેવાનું સ્વીકૃત નથી, પરંતુ ભારતમાં એક ધર્મનિરપેક્ષ જુવેનાઇલ જસ્ટિલ લૉ નામનો કાયદો છે, જે નાગરિકોને ધર્મની દરકાર કર્યા વિના બાળકને દત્તક લેવાની પરવાનગી આપે છે.
નિષ્ણાતો એ બાબતે પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે એકસમાન કાયદાનો અમલ થશે તો બાળક દત્તક લેવાના નિયમ બનાવતી વખતે શું તટસ્થ સિદ્ધાંતો હશે?
બેંગલુરુસ્થિત સ્વતંત્ર કાયદાકીય નીતિ સલાહકાર જૂથ વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસીના ફેલો આલોક પ્રસન્ના કુમાર સવાલ કરે છે કે "ક્યા સિદ્ધાંતનો અમલ કરશો - હિન્દુ, મુસ્લિમ કે પછી ખ્રિસ્તી?" આલોક પ્રસન્ના કુમાર કહે છે કે "યુસીસીએ પાયાના કેટલાંક સવાલોનાં જવાબ આપવા પડશે. જેમ કે લગ્ન અને છૂટાછેડાના માપદંડ શું હશે? બાળક દત્તક લેવાની પ્રક્રિયા અને પરિણામ શું હશે? તલાકના કિસ્સામાં ભરણપોષણ કે સંપત્તિના વિભાજનના અધિકાર શું હશે? આખરે સંપત્તિના ઉત્તરાધિકારના નિયમ શું હશે?"
આસિમ અલીના કહેવા મુજબ, આ બાબતે રાજકારણ રમાશે, જે આસાનીથી આંચકો આપી શકે છે. આસિમ અલી કહે છે કે "ભાજપ સરકાર ધર્માંતર કાયદા અને યુસીસી વચ્ચે સુમેળ કેવી રીતે સાધશે? યુસીસી વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો વચ્ચે લગ્નની સ્વતંત્ર રીતે મંજૂરી આપે છે, જ્યારે ધર્માંતરણનો કાયદો આંતર-ધાર્મિક લગ્નો પર અંકુશ લાદવાની હિમાયત કરે છે."
સુપ્રીમ કોર્ટ પણ યુસીસીના મુદ્દે અસ્પષ્ટ જણાતી હોય તો એ આશ્ચર્યની વાત નથી. છેલ્લા ચાર દાયકામાં આપેલા અલગ-અલગ ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે 'રાષ્ટ્રની અખંડતા' માટે એકસમાન નાગરિક સંહિતા અમલી બનાવવાની પ્રેરણા સરકારને આપી છે. સરકારને કાયદાકીય ફેરફારો માટે સલાહ આપતી સંસ્થા કાયદા પંચે 2018માં જણાવ્યું હતું કે યુસીસી 'જરૂરી પણ નથી અને ઇચ્છનીય પણ નથી.'

યુસીસી વિના લૈંગિક ભેદભાવનો અંત શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આલોક પ્રસન્ના કુમાર કહે છે કે "યુસીસી જાદુઈ ગોળી નથી એ તો સ્પષ્ટ છે. કાયદાની એકરૂપતાથી તેનું મૂલ્ય વધતું નથી. વાસ્તવમાં તેનું પોતાનું જ આગવું મૂલ્ય હોય છે. એક સારો કાયદો સ્પષ્ટ અને બંધારણીય હોય છે."
નિષ્ણાતોનું કહેવું છે કે પર્સનલ લૉમાંના લૈંગિક ભેદભાવ દૂર કરવા માટે એક સર્વસામાન્ય કાયદાની માગ કરવાને બદલે તેમાં ફેરફાર કરવાના માર્ગમાં કોઈ અડચણ આવતી નથી. તેનો અર્થ નિશ્ચિત રીતે એવો થાય કે વ્યક્તિગત કાયદાઓની સર્વોત્તમ જોગવાઈઓને અપનાવવી જોઈએ.
આસિમ અલી માને છે કે ભાજપશાસિત મોટા ભાગનાં રાજ્યોમાં યુસીસીને અમલી નહીં બનાવવાનું મુખ્ય કારણ કદાચ એ છે કે એવું કરવાથી તેમની વોટ બૅન્ક પર માઠી અસર થશે. આસિમ અલી કહે છે કે "તેનો ઉદ્દેશ તેમની રાજકીય મૂડીમાં વધારો કરવાનો અને નવા ભાજપના માળખામાં પોતાનું અસ્તિત્વ સુનિશ્ચિત કરવાનો છે. નવા ભાજપમાં તેઓ તેમની હિન્દુ શાખ સતત ચકચકતી રાખવા ઇચ્છે છે."
ચોંકાવનારી બીજી વાત એ છે કે ભાજપ ઘણાં રાજ્યોમાં આપબળે સત્તા પર હોવા છતાં લાંબા સમયથી આ કાયદાને અમલી બનાવતો નથી. આલોક પ્રસન્ના કુમાર કહે છે કે "યુસીસીના મુદ્દે અત્યારે બુમરાણ બહુ થઈ રહી છે, પણ એ વિશે રાજકીય ચર્ચા શરૂ થઈ નથી. પ્રસ્તાવિત કાયદાનો મુસદ્દો પહેલાં અમને દેખાડવો જોઈએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













