દેશના મુખ્ય મંત્રીઓની સંપત્તિ સહિતનો રિપૉર્ટ જાહેર, ભૂપેન્દ્ર પટેલ આ મામલે 'એકલા'

ઇમેજ સ્રોત, X/Bhupendrabjp
ભારતમાં રાજકારણ અને અપરાધ વચ્ચે સાંઠગાંઠ હોવાના ઘણી વખત આરોપો થાય છે ત્યારે ઍસોસિયેશન ઑફ ડેમૉક્રૅટિક રિફૉર્મ્સ (એડીઆર)ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે દેશના 31માંથી 13 મુખ્ય મંત્રીઓ ક્રિમિનલ રેકૉર્ડ ધરાવે છે. એટલે કે 42 ટકા મુખ્ય મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ થયેલા છે.
તેમાંથી દસ મુખ્ય મંત્રી સામે ગંભીર પ્રકારના કેસ છે, જ્યારે 18 મુખ્ય મંત્રીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ગુનાનો કોઈ રેકૉર્ડ ન હોય તેવા મુખ્ય મંત્રીઓમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ છે.
આ રિપૉર્ટમાં જણાવાયું છે કે સૌથી વધારે સંપત્તિ જાહેર કરનારા મુખ્ય મંત્રીઓમાં ભૂપેન્દ્ર પટેલ 15મા ક્રમે છે.

મુખ્ય મંત્રીઓ પાસે કેટલી સંપત્તિ?

ઇમેજ સ્રોત, Facebook/Nara Chandrababu Naidu
ભારતના સૌથી ધનિક મુખ્ય મંત્રીઓની વાત કરવામાં આવે તો તેમાં આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ ટોચ પર છે.
નાયડુએ તાજેતરમાં પોતાની 931 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે પેમા ખાંડુની સંપત્તિ 332 કરોડ રૂપિયા છે.
દેશના 55 ટકા મુખ્ય મંત્રીઓ એવા છે જેમણે એક કરોડ રૂપિયાથી માંડીને દસ કરોડ સુધીની સંપત્તિ જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી વખતે ભૂપેન્દ્ર પટેલે જે સોગંદનામું આપ્યું હતું તે પ્રમાણે તેમની પાસે 8.2 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે અને 1.50 કરોડનું દેવું છે. તેમણે સામાજિક કાર્યકર તરીકે પોતાની વાર્ષિક આવક 16.7 લાખ રૂપિયા દર્શાવી હતી.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્ય મંત્રીઓમાં પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજી આગળ છે, જેમની સંપત્તિ માત્ર 15 લાખ રૂપિયા છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના ઓમર અબ્દુલ્લાએ 55 લાખ રૂપિયા અને કેરળના પી. વિજયને 1.18 કરોડની સંપત્તિ દર્શાવી છે.
પેમા ખાંડુ પર સૌથી વધુ 180 કરોડ રૂપિયાનું દેવું છે જ્યારે કર્ણાટકના સિદ્ધારમૈયાના માથે 23 કરોડ અને ચંદ્રબાબુ નાયડુ પર 10.32 કરોડ રૂપિયાનું દેવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રીઓ સામે કેવા કેસ છે?

ઇમેજ સ્રોત, ANI
એડીઆરનો રિપૉર્ટ કહે છે કે દેશમાં 13 મુખ્ય મંત્રીઓનો ક્રિમિનલ રેકૉર્ડ છે તેમાંથી દસ સીએમ એવા છે, જેઓ ગંભીર કેસનો સામનો કરે છે. જે કેસમાં પાંચ વર્ષ અથવા વધારે સજા થઈ શકે તે ગંભીર કેસની કૅટગરીમાં આવે છે.
આ ગુનાઓમાં ચૂંટણીને લગતા ગુના, હુમલો, હત્યા, રેપ, અપહરણ પ્રકારના ગુના સામેલ છે. મહિલા અને બાળકો વિરુદ્ધના ગુના પણ આ શ્રેણીમાં આવે છે.
કુલ ગુના જોવામાં આવે તો તેલંગણાના મુખ્ય મંત્રી અનુમુલા રેવન્થ રેડ્ડી સામે સૌથી વધુ 89 ગુના દાખલ થયેલા છે, જેમાંથી 72 ગુના ગંભીર ગણી શકાય તેવા છે.
તમિલનાડુના મુખ્ય મંત્રી એમ કે સ્ટાલિન સામે કુલ 47 ગુના, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી નાયડુ સામે 19 ગુના છે અને આઇપીસીની (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા) ગંભીર કલમો લાગી શકે તેવા 32 કેસ છે, કર્ણાટકના સીએમ સામે 13, ઝારખંડના સીએમ સામે પાંચ ગુના દાખલ થયેલા છે.
અત્રે એ નોંધનીય છે કે એડીઆરે મુખ્ય મંત્રીઓનાં સોગંદનામાના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેથી ઉંમર, આવક તથા કેસોની વિગતો હાલ અલગ હોઈ શકે છે.
મુખ્ય મંત્રીઓની સરેરાશ ઉંમર કેટલી છે?

ઇમેજ સ્રોત, RAMESH PATHANIA/MINT VIA GETTY IMAGES
દેશમાં 51થી 60 વર્ષની ઉંમરના 12 મુખ્ય મંત્રીઓ છે જેમાં ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે.
દિલ્હીનાં સીએમ આતિશી માર્લેના 38 વર્ષની ઉંમરે સૌથી યુવાન મુખ્ય મંત્રી છે, જ્યારે 77 વર્ષના પી વિજયન સૌથી વૃદ્ધ મુખ્ય મંત્રી છે.
31થી 40 વર્ષના વયજૂથમાં માત્ર એક મુખ્ય મંત્રી આતિશી સામેલ છે. મોટા ભાગના મુખ્ય મંત્રીની ઉંમર 51થી 60 વર્ષની વચ્ચે આવે છે.
મુખ્ય મંત્રીઓ કેટલું ભણેલા છે?

ઇમેજ સ્રોત, ANI
એડીઆરના રિપૉર્ટ પ્રમાણે ભારતના બે મુખ્ય મંત્રીઓ ડૉક્ટરેટ ધરાવે છે, જ્યારે નવ મુખ્ય મંત્રી પોસ્ટ ગ્રૅજ્યુએટ છે અને પાંચ પાસે પ્રૉફેશનલ ગ્રૅજ્યુએટ ડિગ્રી છે. દસ મુખ્ય મંત્રીઓ ગ્રૅજ્યુએટ સુધીનું શિક્ષણ ધરાવે છે.
એક મુખ્ય મંત્રી ધોરણ દસ સુધી ભણ્યા છે, ત્રણ મુખ્ય મંત્રીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટલે ડિપ્લોમા ડિગ્રી ધરાવનારા એકમાત્ર મુખ્ય મંત્રી છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે દેશના કુલ 31 મુખ્ય મંત્રીમાંથી માત્ર બે મહિલા મુખ્ય મંત્રી છે જેમાં મમતા બેનરજી અને આતિશી માર્લેના સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












