ગુજરાતમાં ચાર વર્ષમાં 6000 જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગોને તાળાં કેમ લાગી ગયાં?

ગુજરાત, ઉદ્યોગ, એમએસએમઇ, લઘુ, મધ્યમ, નરેન્દ્ર મોદી, ભારત, મેક ઇન ઇન્ડિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં જુલાઈ 2020થી નવેમ્બર 2024 સુધીમાં કુલ 5,974 એમએસએમઈ યુનિટને તાળાં લાગી ગયાં છે.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના આર્થિક વિકાસમાં નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને સૌથી મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં તાજેતરનાં વર્ષોમાં હજારોની સંખ્યામાં એમએસએમઈ એકમો બંધ થયા હોવાની માહિતી બહાર આવી છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં જુલાઈ 2020થી નવેમ્બર 2024 સુધીમાં કુલ 5,974 એમએસએમઈ યુનિટને તાળાં લાગી ગયાં છે.

આખા દેશમાં સૌથી વધુ એમએસએમઈ યુનિટ બંધ થવામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 15,220 યુનિટ અને બીજા ક્રમે તામિલનાડુમાં 7894 યુનિટ બંધ થયાં છે. રાજસ્થાનમાં 4,994 યુનિટ અને ઉત્તર પ્રદેશમાં 3,769 યુનિટ બંધ થયાં હતાં.

વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું, "આખા દેશમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન પૉર્ટલ હેઠળ રજિસ્ટર થયેલાં 61,469 એમએસએમઈ એકમો બંધ થયાં હતાં, જેમાં 60,909 માઇક્રો યુનિટ, 507 નાનાં એકમો અને 53 મધ્યમ સાઇઝનાં એકમો બંધ થયાં હતાં."

આ સમયગાળામાં કોરોના મહામારીનો ગાળો પણ આવી જાય છે જ્યારે લૉક-ડાઉનના કારણે માગમાં મોટો ઘટાડો થયો હતો અને કામદારો પોતાના વતન જતા રહ્યા હતા. તેનાથી ટેક્સ્ટાઈલ અને કેમિકલ સેક્ટરને સૌથી વધારે અસર થઈ હોય તેવું જણાઈ આવે છે. કારણ કે, ઘટતી ડિમાન્ડ અને કાચી સામગ્રીના વધતા ભાવના કારણે ઘણાં એકમો ટકી શક્યા ન હતાં.

શું છે સમસ્યા?

ગુજરાત, ઉદ્યોગ, એમએસએમઇ, લઘુ, મધ્યમ, નરેન્દ્ર મોદી, ભારત, મેક ઇન ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોવિડના કારણે પહેલેથી ઘણા ઉદ્યોગો સંકટમાં હતા. ત્યાર પછી લોનના રેટ વધ્યા અને કૅશ-ફ્લોને અસર થઈ

ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ (આઈસીસી)ના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું, "એમએસએમઈને હાલમાં ફાઇનાન્સનો પ્રશ્ન સૌથી વધુ નડે છે. હવે 250 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી પણ એમએસએમઈમાં આવે છે. લોન આપવાની વાત આવે ત્યારે બૅન્કો એમએસએમઈમાં જ આવતી મોટી ઇન્ડસ્ટ્રીને લોન આપે છે, પણ સ્મૉલ અને માઇક્રો ઉદ્યોગોને લોન નથી મળતી. બૅન્કોએ કોલેટરલ વગર નાના ઉદ્યોગોને બે કરોડની લોન આપવાની હોય છે, પરંતુ તેવું થતું નથી. માત્ર ખાનગી બૅન્કો જ નહી, પરંતુ સરકારી બૅન્કો પણ નાના ઉદ્યોગોને લોન આપવાનું ટાળે છે."

તેમણે કહ્યું હતું કે, "કોરોનાને કારણે પહેલેથી ઘણા ઉદ્યોગો સંકટમાં હતા. ત્યારપછી લોનના રેટ વધ્યા અને કૅશ-ફ્લોને અસર થઈ. સરકારે નાના બિઝનેસના કૅશ-ફ્લોની સમસ્યા દૂર કરવા સીજીટીએમએસઈ સ્કીમ શરૂ કરી જેના માટે બૅન્કિંગ ફૅસિલિટી જરૂરી હતી. માઇક્રો એકમો પાસે બૅન્ક ફૅસિલિટી ન હોવાના કારણે તેઓ સીજીટીએમએસઈના લાભ મેળવી ન શક્યાં."

પહેલી એપ્રિલ, 2024થી દેશમાં એમએસએમઈ માટે 45 દિવસમાં પેમેન્ટનો નિયમ આવ્યો છે. તેથી કોઈ મોટા ઉદ્યોગો જ્યારે એમએસએમઈ પાસેથી સામાન કે સર્વિસ ખરીદે ત્યારે 45 દિવસની અંદર તેનું પેમેન્ટ કરવું પડે છે. મોટા ઉદ્યોગો તેના માટે રાજી ન હતા તેથી તેમણે નાના ઉદ્યોગોને દબાવવાનું શરૂ કર્યુ એવું પણ અમદાવાદ સ્થિત એક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું.

આઈસીસીના પથિક પટવારી કહે છે, "એમએસએમઈનો જે ડેટા આવ્યો તેમાં તમામ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે એવું નથી, પરંતુ તેમણે પોતાનું ઉદ્યમનું રજિસ્ટ્રેશન સરેન્ડર કરી દીધું છે. તેથી કારખાના ચાલુ જ છે. નાના ઉદ્યોગો પોતાના મોટા ખરીદદારોની શરતોને આધીન થઈ ગયા છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત

ગુજરાતમાં ઉદ્યમ પોર્ટલ હેઠળ કેટલા MSME રજિસ્ટર થયા?

ગુજરાત, ઉદ્યોગ, એમએસએમઇ, લઘુ, મધ્યમ, નરેન્દ્ર મોદી, ભારત, મેક ઇન ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત હવે મહત્ત્વનું અર્થતંત્ર હોવાથી આપણને વૈશ્વિક ઘટનાઓના ફાયદાની સાથે નુકસાન પણ જાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એમએસએમઈના રજિસ્ટ્રેશનને ઉદ્યમ રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે અને તેના હેઠળ નોંધાયેલાં એકમોને ટૅક્સેશન, બિઝનેસના સેટ-અપમાં મદદ, ધિરાણ વગેરે સુવિધા મળે છે. જોકે, બધા લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉદ્યમ હેઠળ રજિસ્ટર થયેલા હોય તે જરૂરી નથી.

સરકારી ડેટા મુજબ ઑગસ્ટ 2024 સુધીમાં ગુજરાતમાં 20 લાખ એમએસએમઈ ઉદ્યમમાં રજિસ્ટર થયેલા હતા. તેમાંથી 19.10 લાખ માઇક્રો, 81,841 સ્મૉલ અને 8460 મિડિયમ યુનિટ્સ હતાં. મિડિયમ યુનિટ્સના મામલે મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે હતું. રિઝર્વ બૅન્કના ડેટા અનુસાર પ્લાન્ટ અને મશીનરી પાછળ 50 કરોડ સુધીનું રોકાણ હોય અને 250 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર હોય તેવી ઇન્ડસ્ટ્રીને મિડિયમ ઍન્ટરપ્રાઇઝમાં ગણવામાં આવે છે. રાજ્યમાં રજિસ્ટર્ડ એમએસએમઈ દ્વારા લગભગ 1.10 કરોડ લોકોને રોજગારી મળે છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બરમાં ઇન્ડસ્ટ્રીને લગતા એક કાર્યક્રમમાં એમએસએમઈને ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાવ્યા હતા.

ઉદ્યોગ વિભાગના જોઇન્ટ કમિશ્નર આર. ડી. બારહટે તાજેતરમાં મીડિયાને જણાવ્યું હતું કે એમએસએમઈના ગ્રોથ માટે લીધેલાં પગલાંના કારણે કુલ રજિસ્ટ્રેશન 20 લાખનો આંકડો વટાવી ગયું છે. તેમણે કહ્યું હતું કે ટેક્સ્ટાઈલ, ફાર્મા, કેમિકલ અને એન્જિનિયરિંગ ઉપરાંત ઑટો, ઑટો ઍન્સિલરી, રિન્યુઍબલ ઍનર્જી અને ફૂડ પ્રોસેસિંગમાં નોંધપાત્ર નવાં રજિસ્ટ્રેશનો થયાં છે.

કેમિકલ ઉદ્યોગમાં પર્યાવરણને લગતા પ્રશ્નો

ગુજરાત, ઉદ્યોગ, એમએસએમઇ, લઘુ, મધ્યમ, નરેન્દ્ર મોદી, ભારત, મેક ઇન ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ઓછામાં ઓછા ચાર લાખ લોકો કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

ગુજરાતમાં અમદાવાદ, વાપી, અંકલેશ્વર, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કેમિકલ ફૅક્ટરીઓની મોટી સંખ્યા છે.

ગુજરાત ડાઇસ્ટફ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (જીડીએમએ)ના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ યોગેશ પરીખે જણાવ્યું કે હાલમાં કેમિકલ ઉત્પાદકો માટે પર્યાવરણીય મંજૂરી લેવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના રુલ 9ની એસઓપી હેઠળ ઍસિડ માટે પરમિશન મેળવવામાં ઘણો સમય લાગે છે. અરજી કર્યા પછી પણ ચારથી છ મહિના સુધી પરમિશન નથી મળતી જેનાથી કેમિકલ ઉદ્યોગ પરેશાન છે.

કેમિકલ ઉત્પાદકોની ફરિયાદ છે કે પર્યાવરણને લગતા વિવાદોનો ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ દ્વારા ઉકેલ આવે તે આ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, કારણ કે કાયદાકીય પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવવો પડે. તેના માટે ઇન્ડસ્ટ્રીને બંધ કરી ન શકાય.

વૈશ્વિક પરિબળોની અસર

ગુજરાતના ઉદ્યોગોને દેખીતી રીતે જ ગ્લોબલ પરિબળોની પણ અસર થાય છે. ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સના કહેવા પ્રમાણે ભારત હવે મહત્ત્વનું અર્થતંત્ર હોવાથી આપણને વૈશ્વિક ઘટનાઓના ફાયદાની સાથે નુકસાન પણ જાય છે.

કેમિકલ ઉત્પાદક યોગેશ પરીખ કહે છે કે, "ગુજરાતમાં ઓછામાં ઓછા ચાર લાખ લોકો કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ અત્યારે માંડ 50 ટકા જેટલો બિઝનેસ રહ્યો છે. તેનું કારણ છે કે ગ્લોબલ માર્કેટમાં સંકટ છે, તુર્કી અને ઇન્ડોનેશિયાની ડિમાન્ડ સાવ ઘટી ગઈ છે અને બાંગ્લાદેશમાં પણ નિકાસ અડધી થઈ ગઈ છે."

તાલીમબદ્ધ માણસો અને વર્કિંગ કૅપિટલની તંગી

ગુજરાત, ઉદ્યોગ, એમએસએમઇ, લઘુ, મધ્યમ, નરેન્દ્ર મોદી, ભારત, મેક ઇન ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતની ઇન્ડસ્ટ્રીએ અન્ય રાજ્યોના કામદારો પર ઘણો આધાર રાખવો પડે છે

ગુજરાતમાં સ્થાનિક સ્તરે તાલિમબદ્ધ લોકો નથી મળતા તે પણ એક મોટી ફરિયાદ છે. પરિણામે ગુજરાતની ઇન્ડસ્ટ્રીએ અન્ય રાજ્યોના માઇગ્રન્ટ વર્કર્સ પર ઘણો આધાર રાખવો પડે છે.

ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અનિલકુમાર જૈને જણાવ્યું હતું, "કચ્છની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સ્કીલ્ડ વર્કર્સની વધારે અછત છે. ઘણા ઉદ્યોગોમાં હાલમાં તાલીમબદ્ધ માણસો નથી મળતા. આ ઉપરાંત જીએસટીના મામલે પણ ગૂંચવણો છે જે વેપાર -ઉદ્યોગોને અસર કરે છે."

કોવિડ પછી અનસ્કીલ્ડ, નાના વર્કર્સને સૌથી મોટો ફટકો પડ્યો જેમાં મોટા ભાગના માઇગ્રન્ટ હતા. તેઓ કામ ન મળવાથી પોતાના વતન જતા રહ્યા.

આ ઉપરાંત વર્કિંગ કૅપિટલ અથવા કાર્યકારી મૂડીની અછત પણ નડતરરૂપ છે. અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીયલ ઉપકરણોના ઉત્પાદન સાથે સંકળાયેલા એક કારખાનેદારે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, "45 દિવસમાં પેમેન્ટ કરવાનો નિયમ લાગુ થયો ત્યારથી અમારી સાઇકલને અસર થઈ છે. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં બેથી અઢી મહિનાની ઉધારી પર કામ ચાલતું હતું. પરંતુ 45 દિવસનો નિયમ આવ્યો ત્યારથી તકલીફ પડી છે."

તેમણે કહ્યું કે, "અમારી પાસે રૉ મટિરિયલ આવે અને અમે ફિનિશ્ડ પ્રોડક્ટ વેચીએ તેની વચ્ચે ઘણી વખત લાંબો ગાળો હોય છે. તેથી રૉ મટિરિયલ ખરીદ્યા પછી ટૂંકા ગાળામાં પેમેન્ટ કરવાનું ઘણા લોકો માટે શક્ય નથી હોતું. આના કારણે ઘણા લોકો મૅન્યુફૅક્ચરિંગના કામમાંથી સાવ નીકળી ગયા અને તેના બદલે ટ્રેડિંગ શરૂ કરી દીધું છે જેથી નાણાકીય જોખમને ઘટાડી શકાય."

આ વિશે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ગુજરાતમાં ઉદ્યોગોને કોઈ જાતની તકલીફ નથી. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 20 લાખ નાના-મધ્યમ ઉદ્યોગોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઘણી વખત નાના ઉદ્યોગ મોટા ઉદ્યોગની કૅટેગરીમાં જાય ત્યારે પેપર પર એવું લાગે કે લઘુ ઉદ્યોગ બંધ થયા છે. પણ વાસ્તવમાં એવું નથી હોતું."

તેમણે કહ્યું કે, "ગુજરાત સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુમાં વધુ ફાયદો થાય તેવી ઉદ્યોગનીતિ અપનાવી છે, જેમાં ઇન્ડસ્ટ્રીને જરૂરી માર્ગદર્શન અને સબસિડી આપવામાં આવે છે."

દેશના અર્થતંત્રમાં એમએસએમઈનો હિસ્સો

ગુજરાત, ઉદ્યોગ, એમએસએમઇ, લઘુ, મધ્યમ, નરેન્દ્ર મોદી, ભારત, મેક ઇન ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના કુલ જીડીપીમાં એમએસએમઈ લગભગ 30 ટકા જેટલો હિસ્સો આપે છે

ભારતના અર્થતંત્રમાં એમએસએમઈ કેટલી મોટી ભૂમિકા ભજવે છે તેનો અંદાજ એ વાત પરથી આવશે કે દેશના કુલ જીડીપીમાં એમએસએમઈ લગભગ 30 ટકા જેટલો હિસ્સો આપે છે. આખા ભારતના કુલ ઉત્પાદનમાં એમએસએમઈ મૅન્યુફૅક્ચરિંગ એકમોનો હિસ્સો 36 ટકા કરતાં વધુ છે.

ભારતની કુલ નિકાસમાં પણ એમએસએમઈ સ્પેસિફાઇડ ઉત્પાદનોનો હિસ્સો લગભગ 43 ટકા છે. ગુજરાતમાં કુલ રોજગારીમાં લગભગ 40 ટકા હિસ્સો એમએસએમઈ સેક્ટરનો છે.

મેકિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના એક તાજેતરના રિપોર્ટ પ્રમાણે અન્ય ઉભરતાં અર્થતંત્રોમાં કુલ રોજગારીમાં એમએસએમઈ સેક્ટરનો હિસ્સો 77 ટકા હોય છે, જ્યારે ભારતમાં કુલ રોજગારી પેદા કરવામાં એમએસએમઈ 62 ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના આંકડા પ્રમાણે ગુજરાતમાં લગભગ 11.25 લાખથી વધારે એમએસએમઈ રજિસ્ટર થયેલા છે અને આખા દેશમાં 1.48 કરોડની આસપાસ એમએસએમઈ છે. એટલે કે દેશમાં કુલ એમએસએમઈમાં એકલા ગુજરાતનો હિસ્સો 7.5 ટકા જેટલો છે.

ગુજરાતમાં ખાસ કરીને કેમિકલ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, સિરામિક, જેમ્સ અને જ્વેલરી, ટેક્સ્ટાઈલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં સૌથી વધારે એમએસએમઈ છે.

ઇન્ડસ્ટ્રીયલ ઍક્સ્ટેન્શન બ્યૂરો (ઈન્ડેક્સ્ટબી) મુજબ ભારતના ફાર્માસ્યુટિકલ માર્કેટમાં ગુજરાત લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે જ્યાં 130 યુએસએફડીએની માન્યતા ધરાવતાં એકમો છે અને 628 જીએમપી મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સ આવેલાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.