ગુજરાતમાં સૌથી વધુ રોજગારી આપતા નાના ઉદ્યોગોની આવી હાલત કેમ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત અને સમગ્ર દેશના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર નાના ઉદ્યોગો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો ક્યાંક માગની સમસ્યા સામે આ ઉદ્યોગો ઝઝૂમી રહ્યા છે.
પાછલાં અમુક વર્ષોથી ગુજરાતની જીવાદોરી ગણાતા નાના ઉદ્યોગો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવે છે.
30 ઑગસ્ટ નેશનલ સ્મૉલ ઇન્ડસ્ટ્રી ડે તરીકે ઊજવાય છે, તે પહેલાં જાણીએ કે ઔદ્યોગિક રાજ્ય ગણાતા ગુજરાતના વિકાસમાં નોંધનીય ફાળો આપનાર નાના ઉદ્યોગો કેમ સંઘર્ષ કરી રહ્યા છે? તે પ્રશ્ન વધુ પ્રાસંગિક બની જાય છે.
નિષ્ણાતોના મતે આમ તો હાલ ગુજરાતના તમામ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ધંધાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ ઉદ્યોગોમાં પણ ગુજરાતમાં નાના પાયે ચાલતા ટેક્સટાઇલ, ઇમિટેશન જ્વેલરી, ઑટોપાર્ટ્સ, હોઝિયરી અને જરી ઉદ્યોગો વધુ સંકટમાં મુકાઈ ગયા છે.
જોકે, એવું તો શું બન્યું કે ગુજરાતને સાચા અર્થમાં ઔદ્યોગિક રાજ્ય બનાવનાર આ નાના ઉદ્યોગો કેમ હાલ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? જાણતા પહેલાં આપણે જાણી લઈએ કે નાના ઉદ્યોગો કોને કહેવાય છે?

નાના ઉદ્યોગો એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના માઇક્રો, સ્મૉલ અને મીડિયમ ઍન્ટર્પ્રાઇઝ (MSME) ડેવલપમેન્ટ ઍક્ટ, 2006 અનુસાર અતિ નાના, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે નક્કી કરાઈ છે.
માલનાં ઉત્પાદન, પ્રક્રિયા અને સંભાળને લગતા ઉદ્યોગો પૈકી જે ઉદ્યોગમાં પ્લાન્ટ અને મશીનરી માટેનો ખર્ચ 25 લાખ કરતાં વધુ ન હોય તેવા ઉદ્યોગને માઇક્રો એટલે કે અતિ નાનો ઉદ્યોગ કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે આવી જ રીતે જે ઉદ્યોગમાં પ્લાન્ટ અને મશીનરી પરનું કુલ મૂડીરોકાણ 25 લાખ કરતાં વધુ પરંતુ પાંચ કરોડ કરતાં ઓછું હોય તેવા ઉદ્યોગને નાનો ઉદ્યોગ ગણવામાં આવે છે.
તેમજ જે ઉદ્યોગમાં પ્લાન્ટ અને મશીનરી પરનું કુલ મૂડીરોકાણ પાંચ કરોડ કરતાં વધુ, પરંતુ દસ કરોડ કરતાં ઓછું હોય તેવા ઉદ્યોગને મધ્યમ કદનો ઉદ્યોગ કહેવામાં આવે છે.
જ્યારે સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે આવા વિભાગીકરણ માટે સેવા પૂરી પાડવા માટે વસાવેલ માલસામગ્રીના ખર્ચને ધ્યાને લેવામાં આવે છે.
જે અનુસાર માલસામગ્રી પરનું મૂડીરોકાણ જે ઉદ્યોગોમાં દસ લાખ કરતાં ઓછું હોય તેવા ઉદ્યોગોને અતિ નાના કદના ઉદ્યોગ તરીકે માન્યતા મળે છે.
જ્યારે આ ખર્ચ દસ લાખ કરતાં વધુ પરંતુ બે કરોડ કરતાં ઓછો હોય તેવા સંજોગોમાં આ ઉદ્યોગને નાનો ઉદ્યોગ કહેવામાં આવે છે.
તેમજ માલસામગ્રીમાં બે કરોડ કરતાં વધુ પરંતુ પાંચ કરોડ કરતાં ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગને મધ્યમ કદના ઉદ્યોગ તરીકે માન્યતા અપાય છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ડિસેમ્બર, 2018 સુધીમાં કુલ 9,41,675 MSME હતાં.

ગુજરાતના વિકાસમાં નાના ઉદ્યોગોનો ફાળો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એચ. કે. આર્ટ્સ કૉલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. હેમંતકુમાર શાહ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નાના ઉદ્યોગોનો મહત્ત્વપૂર્ણ ફાળો હોવાની વાત કરે છે.
તેઓ કહે છે કે, “ગુજરાતમાં ઉત્પાદન અને રોજગારી સર્જનની દૃષ્ટિએ જોઈએ તો અતિ નાના અને નાના કદના ઉદ્યોગો આ ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટા ઉદ્યોગો જેટલો જ રાજ્યના નાના ઉદ્યોગોનો પણ ફાળો છે."
"મૂડીરોકાણની દૃષ્ટિએ કદાચ મોટા ઉદ્યોગો વધુ મૂડીરોકાણ ધરાવતા હોઈ શકે, પરંતુ સામે નાના ઉદ્યોગોએ ઓછી મૂડીએ રાજ્યમાં વધુ રોજગારી પૂરી પાડવાનું કામ કર્યું છે. આમ, રોજગારી સર્જનની દૃષ્ટિએ જોઈએ તો મોટા અને મધ્યમ કદના ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગો આગળ છે.”
આ વાત સાથે સૂર પૂરાવતાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદના અર્થશાસ્ત્રના પ્રોફેસર સબેશ્ચિયન મોરિસ જણાવે છે, “ગુજરાતના વિકાસમાં નાના ઉદ્યોગોનો ઘણો ફાળો છે. રાજ્યના કુલ આઉટપુટના લગભગ 50 ટકા આઉટપુટ નાના ઉદ્યોગોનું છે."
"જ્યારે રોજગારી સર્જનની વાત કરીએ તો રાજ્યમાં કુલ રોજગારી પૈકી 85 ટકા રોજગારી નાના ઉદ્યોગો દ્વારા સર્જવામાં આવે છે.”

મંદી બની પડતીનું કારણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પ્રોફેસર ડૉ. હેમંતકુમાર શાહ ગુજરાતમાં નાના ઉદ્યોગોને પડી રહેલી મુશ્કેલીનાં કારણો દર્શાવતાં કહે છે કે, “અતિ નાના, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની વ્યાખ્યા બદલાઈ જવાને કારણે જે સરકારી લાભો ખરેખર નાના ઉદ્યોગોને મળવાપાત્ર હોય છે તે તેમને મળી શકતા નથી.”
“નાના અને અતિ નાના ઉદ્યોગો માટે ઘડાયેલી યોજનાઓના લાભ પણ મધ્યમ કદ કે મોટા કદના ઉદ્યોગોને મળવાને કારણે ગુજરાતમાં નાના ઉદ્યોગો હાલ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.”
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા અતિ નાના, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો હાલ ગુજરાતમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવાની વાત જણાવે છે.
ઉદ્યોગોની આ પરિસ્થિતિનું કારણ આપતાં તેઓ કહે છે કે, “જૂન, 2016થી બજારમાં મંદીનો પ્રાથમિક તબક્કો શરૂ થયો હતો. ત્યાર બાદ નોટબંધી અને GSTના કારણે સમગ્ર દેશમાં મંદીનો માહોલ સર્જાઈ ગયો. એ પરિસ્થિતિમાં નાના ઉદ્યોગો પણ ફસાઈ ગયા.”
ગુજરાતમાં નાના ઉદ્યોગો સામે રહેલા પડકારો વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “મંદીની આ સર્વવ્યાપી પરિસ્થિતિને કારણે એવા નાના ઉદ્યોગો કે જેમની પાસે પૂરતું ભંડોળ ન હોય, પૂરતી નાણાકીય સહાય ન હોય અને મોટું માર્કેટ ન હોય, તેવા નાના ઉદ્યોગોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.”
હાલમાં કોરોનાના કારણે નાના ઉદ્યોગોમાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “વર્ષ 2016 પહેલાંથી બીમાર નાના ઉદ્યોગોને કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ઘાતક પ્રહારનો સામનો કરવો પડી રહ્યો છે.”
મંદીના કારણે નાના ઉદ્યોગોને તકલીફ પડી રહી હોવાની વાત સાથે સંમત થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વડા કે. કે. ખખ્ખર જણાવે છે, “અત્યારે સરકાર ઉદ્યોગોને નાણાં આપવા માટે તૈયાર બેઠી છે. પરંતુ માગની અછતને કારણે પહેલાંના ઉત્પાદનનો પૂરવઠો ખૂટ્યો નથી, તેથી ઉદ્યોગોને નવી લૉન લઈને ઉત્પાદન કરવામાં કોઈ લાભ નથી દેખાઈ રહ્યો. આ કારણે પણ નાના ઉદ્યોગોની હાલત ગુજરાતમાં બગડી છે.”

મોટા ઉદ્યોગમાં માગની અછતને કારણે નાના ઉદ્યોગોને પડી તકલીફ

ઇમેજ સ્રોત, Getty Images
નાના અને મધ્યમ કદના ઉદ્યોગો મોટા ભાગે મોટા ઉદ્યોગો માટે જરૂરી માલસામાન, પેદાશો અને સેવાઓ પૂરી પાડતા હોવાનું પરાગ તેજુરા જણાવે છે.
તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, “વર્ષ 2016થી સર્જાયેલી મંદીની પરિસ્થિતિને કારણે ઘણા મોટા ઉદ્યોગોમાં માગની અછત સર્જાઈ છે. જે કારણે તેમના પર આધારિત નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને રાજ્યમાં અસર થઈ છે.”
આ વાત સાથે સંમત થતાં કે. કે. ખખ્ખર જણાવે છે કે, “હાલ ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી મંદીનો સામનો કરી રહી છે, ત્યારે સમાંતરપણે રાજકોટના ઑટોપાર્ટ્સ બનાવતા નાના ઉદ્યોગોમાં પણ મંદી હોવાની એ વાત સ્વાભાવિક છે."
"આ વાત સંખ્યાબંધ અન્ય નાના ઉદ્યોગોમાં પણ લાગુ પડી છે. જેના પર આ નાના ઉદ્યોગો નભે છે એવા મોટા ઉદ્યોગોમાં માગની ગેરહાજરીને કારણે નાના ઉદ્યોગોની હાલત વધુ ખરાબ થઈ છે.”
નાના ઉદ્યોગોને ધીરાણ મેળવવામાં પડતી તકલીફો અંગે વાત કરતાં પ્રોફેસર શાહ જણાવે છે કે, “ગુજરાત સરકારે નાના ઉદ્યોગોને સહકારી મંડળીઓ અને બૅંકો થકી એક લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય કરવા માટેની યોજના ઘડી છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં આ નાણાકીય સંસ્થાઓ પાસે ગુજરાતના બધાં MSMEને 50 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય કરવા જેટલી પણ મૂડી નથી. આમ, નાણાકીય ભીડ અને લૉનની મુશ્કેલીઓને કારણે ગુજરાતમાં નાના ઉદ્યોગો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.”
“આ સિવાય હાલની પરિસ્થિતિ પ્રમાણે નાના અને અતિ નાના એકમોને જલદી લૉન મળે એ જરૂરી છે, પરંતુ ગુજરાતમાં તેના માટે કોઈ વ્યવસ્થા હાલ નથી. જેથી નાના ઉદ્યોગોને વધુ મુશ્કેલી પડી રહી છે.”
નાના ઉદ્યોગોને નાણાકીય ધીરાણ મેળવવામાં પડતી તકલીફો અંગે વાત કરતાં સબેશ્ચિન મોરિસ જણાવે છે કે, “ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નાના ઉદ્યોગોને બૅંકિંગ સેક્ટર દ્વારા વાજબી શરતો પર અને આકર્ષક દરે ધીરાણ ઉપલબ્ધ કરાવાતું નથી, જે કારણે MSME સેક્ટર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તેથી નાના ઉદ્યોગોને અપાતી લોનના વ્યાજના દર ઘટાડવામાં આવે એ જરૂરી છે.”

મોંઘી વીજળી અને પાણીના વધુ પડતા દર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
પ્રોફેસર મોરિસના મતે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ઉદ્યોગોને વીજળી, પાણી અને વાહનવ્યવહારનો ખર્ચ ખૂબ જ મોંઘો પડે છે.
તેઓ જણાવે છે કે, “ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રેલવે થકી પોતાનો માલ પહોંચાડવા કે મેળવવા માટેનો ખર્ચ ઉદ્યોગોને ભારે પડે તેટલો વધુ છે. તેવી જ રીતે ઉદ્યોગોને વીજળી પણ મોંઘા દરે અપાય છે.”
ગુજરાતમાં ઉદ્યોગોને પાણીના ખર્ચને કારણે ભોગવવી પડતી હાલાકી વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ગુજરાતમાં મોટા ભાગે પાણી કૃષિ ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવાય છે. જ્યારે કુલ વપરાશના માત્ર 5 ટકા પાણીનો જથ્થો જ ઉદ્યોગો દ્વારા વાપરવામાં આવે છે, પરંતુ ઓછા વપરાશ છતાં ઉદ્યોગોને પાણીના કુલ વપરાશના લગભગ 80 ટકા જેટલો ખર્ચ ભોગવવો પડે છે. જે ઉદ્યોગોના વિકાસ માટે સાવ વિપરીત પરિસ્થિતિના સંકેત આપે છે.”
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નાના ઉદ્યોગો સામે રહેલા અન્ય પડકારો વિશે વાત કરતાં પ્રોફેસર મોરિસ જણાવે છે કે, “ભારતમાં નાના ઉદ્યોગો માટે નુકસાનકારક એવી ઇન્વર્ટેડ ટેરિફની પરિસ્થિતિ સર્જાઈ છે.”
આ પરિસ્થિતિને સમજાવતાં તેઓ કહે છે કે, “ઇન્વર્ટેડ ટેરિફ એટલે કાચા માલની આયાત પર વધુ કરબોજ અને આ કાચા માલ થકી ઉત્પાદિત થયેલ માલ પર ઓછા કરબોજની પરિસ્થિતિ. આ પરિસ્થિતિને કારણે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નાના ઉદ્યોગો પર દબાણ સર્જાયું છે. જોકે, હાલનાં વર્ષોમાં ભારત સરકાર આ સમસ્યાના નિવારણ પર થોડું ધ્યાન આપતી જરૂર થઈ છે એ નોંધનીય છે.”
આ સિવાય અન્ય એક કારણ રજૂ કરતાં તેઓ કહે છે કે, “અન્ય દેશોની સરખામણીએ આપણા દેશનો વિનિમયદર વધુ છે. જે કારણે પ્રાદેશિક ઉત્પાદનોની માગમાં ઘટાડો થાય છે અને અન્ય દેશોમાંથી આયાત કરાયેલ માલની માગ પ્રાદેશિક બજારમાં વધે છે. આમ, સરકારની આવા પ્રકારની નીતિઓને કારણે નાના ઉદ્યોગોના વિકાસ માટે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે.”

‘MSMEના વિકાસ માટે ઘણાં પગલાં લેવાયાં’

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના MSME કમિશનર રજનીથકુમાર રાજ્યમાં MSMEના વિકાસ માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રયત્નો થતા હોવાની વાત કરે છે.
તેઓ જણાવે છે કે, “ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ઉદ્યોગોના વિકાસ માટે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત MSMEના વિકાસ માટે ઘણી જોગવાઈઓ કરાઈ છે.”
આ ઉપરાતં તેઓ રાજ્ય સરકાર દ્વારા MSMEના વિકાસ માટે કરાતાં કાર્યો વિશે વાત કરતાં કહે છે કે, “કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક જેવી વ્યવસ્થાઓ ગુજરાતમાં વિકસાવવા માટે પણ અમે દરખાસ્તો કરી છે.”
“તેમજ MSMEના ક્લસ્ટરમાં કૉમન ફૅસિલીટી સેન્ટર (CFC) વિકસાવવાનું કાર્ય ચાલુ છે, કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે દસ CFC માટે મંજૂરી આપી દેવાઈ છે. જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 90 ટકા સુધીની સબસિડી અપાય છે, જ્યારે બાકીનો 10 ટકા ખર્ચ ઇન્ડસ્ટ્રીના ઍસોસિયેશન દ્વારા ભોગવવામાં આવે છે.”
તેમજ નિકાસ કરતાં MSME માટે વિદેશી હૂંડિયામણના ઍક્સચેન્જ માટે પણ રાજ્ય સરકાર દ્વારા યોજના ચલાવાતી હોવાની વાત તેઓ કરે છે.
રાજ્યમાં MSMEને સરળતાથી લૉન મળી રહે તે હેતુથી સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા અને બૅંક ઑફ બરોડા સાથે કરાર કર્યા હોવાનું તેઓ જણાવે છે.
તેઓ કહે છે કે, “આ યોજના અંતર્ગત પાંચ કરોડ રૂપિયા સુધીની રકમની લોન માટે સાત દિવસની અંદર મંજૂરી આપવાની જોગવાઈ કરાઈ છે. તેમજ પાંચ કરોડ કરતાં વધુ રકમની લોન માટે 21 દિવસની અંદર મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












