'અમેરિકા 55 લાખ ખર્ચીને ગયો હતો, 20 દિવસમાં પાછો', ભારત પાછા આવેલા ભારતીયોએ શું કહ્યું?

અમેરિકા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ, એનઆરઆઈ, ડિપૉર્ટ કરાયેલા લોકો, અમૃતસર એરપોર્ટ ઉપર વિમાન ઉતર્યું, ભગવંત માન, અમેરિકાથી કેટલા ગુજરાતી પરત ફર્યા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ગેરકાયદેસર રીતે નિવાસ કરતા વધુ 119 ભારતીયોને ડિપૉર્ટ કરવામાં આવ્યા છે, જેમાં આઠ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. રવિવારે વહેલી સવારે તેમને લઈને અમેરિકાનું વિમાન પંજાબના અમૃતસર ઍરપૉર્ટ પર ઊતર્યું હતું.

તો અમેરિકાથી લવાયેલા ગુજરાતીઓનું પ્લેન પણ અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતરી ગયું છે.

અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને વિમાન જ્યારે પંજાબમાં ઊતર્યું ત્યારે પંજાબના મુખ્ય મંત્રી તથા એનઆરઆઈ બાબતોના મંત્રી પણ તેમને લેવા માટે અમૃતસર ઍરપૉર્ટ પર ઊતર્યા હતા, જ્યાં ડિપૉર્ટ કરાયેલા લોકોએ પોતાની આપવીતી વર્ણવી હતી.

વધુ એક વિમાનને અમૃતસર ઍરપૉર્ટ પર ઉતરાવા અંગે પંજાબની આમ આદમી પાર્ટી સરકારે સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે 'આ વિમાનને ગુજરાતમાં કેમ ઉતારવામાં ન આવ્યું?'

રવિવારે ડિપૉર્ટ કરાયેલા લોકો સાથેનું વધુ એક અમેરિકન વિમાન અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઊતરે એવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'55 લાખ ખર્ચીને ગયો હતો, પખવાડિયામાં પરત'

અમેરિકા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ, એનઆરઆઈ, ડિપૉર્ટ કરાયેલા લોકો, અમૃતસર એરપોર્ટ ઉપર વિમાન ઉતર્યું, ભગવંત માન, અમેરિકાથી કેટલા ગુજરાતી પરત ફર્યા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Ravinder Singh Robin/BBC

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી પંજાબમાં ઊતરેલા ભારતીયો

પોતાના સ્વજનોને લેવા માટે લોકો શનિવાર રાતથી જ અમૃતસર ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા. આવા જ એક સંબંધીએ ન્યૂઝ એજન્સી એએનઆઈની સાથે વાત કરતા કહ્યું :

'મિત્રોના કહેવાથી તે એજન્ટ પાસે ગયો હતો, કાયદેસર રીતે અરજી મંજૂર ન થતા તેણે બે નંબરનો રસ્તો અપનાવ્યો હતો. જમીન, ઢોરઢાંખર વેચીને લગભગ 50-55 લાખ ખર્ચીને તે અમેરિકા ગયો હતો.'

'તે 27 જાન્યુઆરીના પકડાઈ ગયો હતો અને હવે (રવિવારે સવારે) પરત ફરી રહ્યો છે.'

જે યુવક પરત ફરી રહ્યો છે તેના પિતાનું મૃત્યુ થયું છે. માતા અને બે અપરિણીત બહેનોની જવાબદારી તેની ઉપર છે.

અન્ય એક યુવકના પરિવારજને ઉપરોક્ત એજન્સી સાથે વાત કરતા જણાવ્યું, 'અહીં નોકરી રોજગાર વગેરેની તક નથી. બેકારી મારી રહી હતી. એટલે રૂ. 45 લાખ ખર્ચીને તેને અમેરિકા મોકલ્યો હતો. આ માટે દાગીના અને જમીન વેચ્યા હતા, પરંતુ તે 20 દિવસમાં જ પકડાઈ ગયો હતો.'

તેમણે માગ કરી હતી કે સરકારે લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટો સામે કાર્યવાહી કરવી જોઈએ અને અમને અમારાં નાણાં પરત મળવાં જોઈએ.

વીડિયો કૅપ્શન, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા

એએનઆઈ સાથે વાત કરતા અન્ય એક ડિપૉર્ટીએ જણાવ્યું હતું, ' અમેરિકા પહોંચ્યાના બે-ત્રણ કલાકમાં જ તેમને પકડી લેવામાં આવ્યા હતા. એ પછી અમને પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યાંથી બે-ત્રણ કલાકમાં અમને કૅમ્પમાં લઈ જવાયા હતા. આ કૅમ્પમાં 15-16 દિવસ રાખવામાં આવ્યા હતા. જ્યાંથી બે દિવસ પહેલાં અમને કહેવામાં આવ્યું હતું કે અમને અન્ય એક કૅમ્પમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે અમે પ્લેનમાં ચઢી રહ્યાં હતાં, ત્યારે અમને જણાવવામાં આવ્યું કે અમને ભારત પરત મોકલાઈ રહ્યા છે.'

'અમે અમેરિકાની સરકારને સહકાર આપ્યો છતાં કોઈએ અમારી વાત ન સાંભળી. અમારા હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા. કૅમ્પમાં મોબાઇલ જપ્ત કરી લેવાયા હતા.'

અન્ય એક ડિપૉર્ટીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ડિપૉર્ટેશન વેળાએ તેમના હાથ-પગ બાંધવામાં આવ્યા હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓને ઘરે મોકલાયા

અમેરિકા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ, એનઆરઆઈ, ડિપૉર્ટ કરાયેલા લોકો, અમૃતસર એરપોર્ટ ઉપર વિમાન ઉતર્યું, ભગવંત માન, અમેરિકાથી કેટલા ગુજરાતી પરત ફર્યા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, અમેરિકાથી ગેરકાયદે ગુજરાતીઓને લઈને આવેલું વિમાન આજે અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાથી ગેરકાયદે લવાયેલા ભારતીયોમાં સામેલ આઠ ગુજરાતીઓને આજે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ આઠ લોકોને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપૉર્ટ પરથી પોલીસની વાનમાં બેસાડીને લઈ જવાયા હતા.

પોલીસના બંદોબસ્ત વચ્ચે આ આઠ વ્યક્તિઓ સાથે મીડિયાને વાત કરવાની પરવાનગી નહોતી. કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે આ આઠમાંથી બે યુવતી હતી.

પોલીસ પૂછપરછ કર્યા બાદ તેમને ઘરે મૂકી દેવાશે.

ઍરપૉર્ટ પર અમદાવાદ સાથે મહેસાણા પોલીસ પણ હાજર હતી. ગુજરાતીઓ બહાર આવ્યા બાદ તેમને મહેસાણા પોલીસની વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.

આ વાનના કાચ પર બ્લૅક ફિલ્મ લગાડવામાં આવેલી હતી. તેમની ઓળખ કે અન્ય વિષયો અંગે પોલીસે કોઈ વાત કરી નહોતી.

રવિવારે સવારે જે બીજી ફ્લાઇટ અમૃતસરના ગુરૂ રામદાસજી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર લૅન્ડ થઈ તેમાં લગભગ 100 લોકો પંજાબ અને હરિયાણા છે.

સત્તાવાર સૂત્રોને ટાંકતા બીબીસી સહયોગી રોબિંદરસિંહ રૉબિને જણાવ્યું કે 119 ભારતીયો પૈકી 67 પંજાબના, 33 હરિયાણાના, 8 ગુજરાતના, 3 ઉત્તર પ્રદેશના, 2 ગોવાના, 2 મહારાષ્ટ્રના, 2 રાજસ્થાનના, એક-એક હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાંચમી ફેબ્રુઆરીના અમેરિકાનું સૈન્યવિમાન આ ઍરપૉર્ટ ઉપર ઊતર્યું હતું, જેમાં 104 ભારતીયોનું સ્વદેશાગમન થયું હતું, જેમાંથી 33 ગુજરાતી હતા. એ સમયે રાજ્ય સરકારે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને ગુજરાત લાવવા માટે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીને અમૃતસર મોકલ્યા હતા.

તેઓ અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઊતર્યા હતા, ત્યારે જે-તે જિલ્લાની પોલીસના વાહનોમાં તેમને પોત-પોતાના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

'ગુજરાત ઍરપૉર્ટે વિમાન કેમ ન ઉતાર્યું?'

અમેરિકા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ, એનઆરઆઈ, ડિપૉર્ટ કરાયેલા લોકો, અમૃતસર એરપોર્ટ ઉપર વિમાન ઉતર્યું, ભગવંત માન, અમેરિકાથી કેટલા ગુજરાતી પરત ફર્યા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચમી ફેબ્રુઆરીએ 33 ગુજરાતી સહિત 104 ઇલિગલ ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું સૈન્યવિમાન અમૃતસરના ઍરપૉર્ટ ઉપર ઊતર્યું હતું

રવિવારે સવારે ડિપૉર્ટ થયેલા લોકો સાથેનું વિમાન અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઉતર્યું. પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન તેમને મળવા માટ પહોંચ્યા હતા, પરંતુ વિમાન મોડું થતાં તેઓ પરત ફર્યા હતા.

બાદમાં રાજ્યના એન.આર.આઈ (નૉન રેસિડન્ટ ઇન્ડિયન) બાબતોના મંત્રી કુલદીપસિંહ ધાલિવાલ સહિત અન્ય મંત્રીઓ અને અધિકારીઓએ અમેરિકાથી આવેલા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ સાથે મુલાકાત કરી હતી.

આ પહેલાં કુલદીપસિંહ ધાલીવાલે કહ્યું હતું, "તમામ માઇગ્રન્ટ અમારા ભાઈ-બહેન છે. દિલ્હીનું ઍરપૉર્ટ હોવા છતાં ત્યારે ત્યાં કેમ વિમાન ઉતારવામાં નથી આવતું. શા માટે તેમને પંજાબ લાવવામાં આવે છે?"

"પંજાબ સરહદી રાજ્ય છે અને ત્યાં અમેરિકાનું સૈન્ય વિમાન ઉતારવામાં આવી રહ્યું છે, અગાઉથી જ અનેક સમસ્યાઓ છે ત્યારે ભાજપ પંજાબને બદનામ કરવા માગે છે."

ધાલીવાલે કહ્યું હતું કે પંજાબ સરકાર પરત ફરેલા ઇલિગલ ઇમિગ્રન્ટ્સની સાથે ચટ્ટાનની જેમ ઊભા છે.

આ પહેલાં ભગવંત માને પત્રકારપરિષદ સંબોધી હતી અને કહ્યુ હતું, "આપણાં બાળકો આવી રહ્યાં છે. આ ગુરૂ રામદાસની ધરતી છે. અહીં કોઈ ભૂખ્યું નહીં રહે. તમામ રાજ્યોના ઇમિગ્રન્ટ્સ માટે ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી તેઓ દિલ્હી જશે."

ભગવંત માને કહ્યું હતું, "અત્યારે એવું કહી રહ્યા છે કે 119માંથી 67 પંજાબના છે એટલે વિમાનને અમૃતસર ઉતારવામાં આવી રહ્યું છે. તો આ પહેલાં જે વિમાન આવ્યું હતું, તેમાં 30 પંજાબના, ત્રણ હરિયાણાના ત્રણ અને ગુજરાતના 33 હતા તો વિમાનને અંબાલા કેમ ન ઉતાર્યું?"

"ફ્રાન્સથી રફાલ વિમાન આવે, તો તેને અંબાલા ઍરબેઝ ઉતારો છે. અમને બાળક સમજો છો કે શું?"

પંજાબ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુના કહેવા પ્રમાણે, "દરેક બાબતે રાજકારણ ન કરવાનું હોય. જો (ભારતના ઇલિગલ ઇમિગ્રન્ટ્સ) ઉત્તર પ્રદેશ અને ગુજરાતના હોય અને તેઓ પંજાબમાં લૅન્ડ થઈ રહ્યા હોય, તો એમાં ખોટું શું છે?"

"પંજાબમાં તેમનું સ્વાગત કરવામાં આવશે અને તેમને પોત-પોતાના રાજ્યોમાં મોકલી દેવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી સમયથી જ અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કડકાઈના સંકેત રૂપે ખર્ચાળ હોવા છતાં સેંકડો ઇમિગ્રન્ટ્સને અમેરિકાના સૈન્યવિમાનોમાં વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીની અમેરિકાયાત્રા દરમિયાન આ મુદ્દો ઊઠ્યો હતો, ત્યારે ભારતના વડા પ્રધાને કહ્યું હતું કે જેમની ઓળખ પ્રસ્થાપિત થાય તેમને પરત સ્વીકારવા માટે ભારત તૈયાર છે તથા આ મુદ્દે બંને દેશોની નીતિ સરખી જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.