શૅરબજારમાં ધોવાણ પછી મ્યુચ્યુઅલ ફંડની SIPમાં રોકાણ ચાલુ રાખવું કે બંધ કરવું?

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ, SIP

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય શૅરબજારમાં ગયા વર્ષથી જે ઘટાડો શરૂ થયો હતો તેને હજુ પણ બ્રેક નથી લાગી, જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો થયો છે, ડૉલરની સરખામણીએ રૂપિયો વિક્રમજનક નીચા સ્તરે છે અને કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોએ પણ ચિંતા જગાવી છે.

સપ્ટેમ્બર 2024માં લગભગ 86,000ના લેવલ નજીક પહોંચી ગયેલો બીએસઈ સેન્સેક્સ હાલમાં 76,700ની આસપાસ ચાલે છે.

આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા દર મહિને રોકાણ કરતા રોકાણકારો પણ ચિંતિત છે કારણ કે તાજેતરના મહિનાઓમાં તેમના રોકાણની વૅલ્યૂ પણ તળીયે જતી રહી છે. કેટલાકની તો માઇનસમાં પણ જતી રહી છે.

બીબીસી ગુજરાતીએ આ વિશે નાણાકીય બાબતોના નિષ્ણાતો સાથે વાત કરીને તેમનો મત જાણ્યો.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

SIPનું શું કરવું?

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોના મતે અત્યારે એસઆઈપીમાં વધુ રકમ રોકવી જોઈએ

નિષ્ણાતો માને છે કે અત્યારે એસઆઈપી બંધ કરવાનો કે મૂડી ઉપાડી લેવાનો સમય નથી, પરંતુ શક્ય એટલી વધુ રકમ રોકવાનો સમય છે.

અમદાવાદસ્થિત ફાઇનાન્સિયલ ઍડવાઇઝર મિથુન જાથલે બીબીસીને કહ્યું કે "મારી સલાહ છે કે આગામી 12 મહિના માટે તમારા એસઆઈપીની રકમ બમણી કરી નાખો. 13મા મહિનાથી તમે ભલે પહેલાં જેટલી જ એસઆઈપી કરો તેનો વાંધો નથી."

તેઓ કહે છે, "શૅરબજાર ઘટે અને એસઆઈપીમાં નૅગેટિવ વળતર મળે ત્યારે ગભરાવાનું કોઈ કારણ નથી."

મિથુન જાથલના મત પ્રમાણે, "સોનાનો ભાવ ઘટે તો આપણે ખરીદીએ છીએ, જમીન કે મકાન સસ્તા થાય તો આપણે ખરીદીએ છીએ, તો પછી માર્કેટ ઘટે ત્યારે એસઆઈપી શા માટે બંધ કરવી?"

તેમની સલાહ છે કે, "કોઈ પણ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શરૂ કરે ત્યારે શરૂઆતના પાંચ વર્ષ તેણે યુનિટ્સ એકઠા કરવા પર ધ્યાન આપવું જોઈએ અને પછી ફંડની વૅલ્યૂનો વિચાર કરવો જોઈએ."

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

જયપુર સ્થિત સર્ટિફાઈડ ફાઇનાન્સિયલ પ્લાનર વિનોદ ફોગલા કહે છે કે, "અત્યારે બજાર ભલે ઘટ્યું હોય અને એસઆઈપીમાં નૅગેટિવ રિટર્ન મળતું હોય તો પણ તમારાં નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખો, બજારને નહીં."

તેઓ કહે છે કે, "બજાર માટે ઘટાડો એ કોઈ નવી વાત નથી. કોરોના વખતે શૅરબજારમાં 38 ટકાનો કડાકો આવ્યો હતો અને પછી શૅરબજાર ઉછળ્યું હતું. તેથી જેઓ શિસ્ત અને સાતત્ય જાળવીને રોકાણ કરે છે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં ચોક્કસ કમાણી કરે છે."

તેમણે જણાવ્યું કે, "બજારમાં રોકાણ લૉન્ગ ટર્મ માટે હોય છે અને અત્યારે જે જે ગભરાટ છે તે શૉર્ટ ટર્મનો ઘોંઘાટ છે. તેથી રોકાણકારોએ તો ચિંતિત થવાના બદલે વધારે એસઆઈપી કરવી જોઈએ. જે લોકો હાલમાં એસઆઈપી બંધ કરી નાખે છે અથવા યુનિટ્સ વેચીને મૂડી ઉપાડી લે છે તેઓ ભૂલ કરે છે."

ફાઇનાન્સિયલ પ્લાનર વિનોદ ફોગલા પણ હાલમાં એસઆઈપી બંધ કરવાની કે મૂડી ઉપાડી લેવાના બદલે એસઆઈપીમાં વધુ રકમ રોકવાની સલાહ આપે છે.

તેઓ કહે છે, "આ ઉપરાંત તમારા હાથમાં ઓચિંતી કોઈ રકમ આવી હોય, બોનસ મળ્યું હોય કે ઇન્સેન્ટિવ મળ્યું હોય તો તેને ઇન્વેસ્ટ કરો."

મ્યુચ્યુઅલ ફંડની SIP ક્યાં સુધી ચાલુ રાખવી?

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈસ્થિત બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફાઇનાન્સિયલ ઍડવાઈઝર મિથુન જાથલ કહે છે કે, "ભારતમાં સામાન્ય રીતે 18 ટકા એસઆઈપી પાંચ વર્ષ સુધી ચાલુ રહે છે, માત્ર ત્રણ ટકા એસઆઈપી 10 વર્ષ પૂરા કરી શકે છે. વાસ્તવમાં કમાણી કરવી હોય તો આના કરતા વધુ સમય સુધી રોકાણ જાળવવું જોઈએ."

તેમના કહેવા મુજબ, "આપણે ત્યાં રિયલ એસ્ટેટને લોકો સરેરાશ 40 વર્ષ સુધી હોલ્ડ કરે છે અને ગોલ્ડને સામાન્ય રીતે ક્યારેય વેચતા નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં રોકાણ પણ 15 વર્ષ સુધી જાળવવું પડે છે અને પછી પાંચ-પાંચ વર્ષ લંબાવવામાં આવે છે. તેથી શક્ય એટલો લાંબો ઇન્વેસ્ટમેન્ટનો ગાળો સારું રિટર્ન મેળવવા માટે જરૂરી છે."

તેઓ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ક્યાં સુધી ચાલુ રાખવી તે સવાલનો એક જ જવાબ છે કે શક્ય હોય તેટલાં વર્ષો સુધી તેને ચાલુ રાખો.

ભારતમાં શૅરમાર્કેટના તાજેતરના ઘટાડા માટે વિદેશી રોકાણકારો એટલે કે FIIને મુખ્ય કારણ ગણવામાં આવે છે ત્યારે નિષ્ણાતોની નજર DII (ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો) તરફ જાય છે.

તેઓ કેટલીક વખત નીચા ભાવે ખરીદી કરતા હોય છે. DII દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત વીમા કંપનીઓ, લિક્વિડ ફંડ અને બીજા નાણાકીય સાધનોમાં પણ રોકાણ થતું હોય છે.

બજારના ઉતાર-ચઢાવમાં શું કરવું?

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શૅરબજારના ઘટાડાએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે

ઍક્સપર્ટ્સ માને છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી હોય તો બજારના ઉતાર-ચઢાવની પરવા કર્યા વગર નીચા ભાવે શક્ય એટલા યુનિટ્સ ખરીદવા પર ધ્યાન આપવું જોઈએ.

મિથુન જાથલ કહે છે કે, "માર્કેટમાં દર આઠ વર્ષે આવી ઘટાડાની સાઇકલ આવે છે. 1992માં હર્ષદ મહેતા સ્કૅમ વખતે બજાર તૂટ્યું, ત્યાર પછી 2000માં વાયટુકેના પરપોટાથી બજારમાં ઘટાડો થયો, 2008માં દુનિયામાં સબ-પ્રાઇમ કટોકટી આવી, તેનાં આઠ વર્ષ પછી નોટબંધી અને કોવિડ આવ્યાં. તેથી બજારમાં ઘટાડો થવો એ કોઈ મોટી વાત નથી, પરંતુ ખરીદીની સારી તક હોય છે."

તેઓ કહે છે કે, "મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે રોકાણ કરતા હોવ ત્યારે તમારાં લક્ષ્યોને ધ્યાનમાં રાખીને સમયગાળો નક્કી કરો."

"તમને ત્રણ વર્ષમાં રૂપિયાની જરૂર હોય તો માત્ર ડેટમાં એસઆઈપી કરો. ત્રણથી પાંચ વર્ષનો નાણાકીય લક્ષ્ય હોય તો હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરો જેમાં ડેટ અને ઇક્વિટીનું મિશ્રણ હોય છે."

તેમાં બૅલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ, એગ્રેસિવ ફંડ્સ, ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ વગેરેનો સમાવેશ થાય છે.

તેઓ કહે છે, "પાંચથી સાત વર્ષનું નાણાકીય લક્ષ્યાંક હોય તો માત્ર લાર્જ-કૅપમાં એસઆઈપી દ્વારા મૂડી ઇન્વેસ્ટ કરો."

"સાતથી 10 વર્ષ માટે રોકાણ કરવું હોય તો ફ્લેક્સિ-કૅપ, મલ્ટિ-કૅપ, લાર્જ-કૅપ ફંડમાં રોકાણ કરી શકાય, 10થી 15 વર્ષ માટે રોકાણ કરવું હોય તો મિડ-કૅપ ફંડ પસંદ કરો અને 15 વર્ષથી વધારે દૂરનું નાણાકીય લક્ષ્યાંક હોય તો સ્મૉલ અને માઇક્રૉ-કૅપમાં રોકાણ કરવું જોઈએ."

NFOમાં રોકાણ કરાય કે નહીં?

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જાન્યુઆરી મહિનામાં બજારમાં 12 એનએફઑ (ન્યૂ ફંડ ઑફર) આવી હતી જેમાં કુલ 4544 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા તેવું ઍમ્ફીના આંકડા દર્શાવે છે.

12 એનએફઓમાંથી પાંચ ઇક્વિટી-ફંડ, બે ડેટ-ફંડ, ચાર ઇન્ડેક્સ-ફંડ અને એક ઈટીએફ હતો.

નાણાકીય બાબતોના નિષ્ણાતો માને છે કે એનએફઑ (ન્યૂ ફંડ ઑફર)માં રોકાણ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં પરફોર્મન્સનો કોઈ રેકૉર્ડ હોતો નથી.

મિથુન જાથલ જણાવે છે કે, "ઓછામાં ઓછો આઠ વર્ષને ટ્રૅક રેકૉર્ડ હોય તેવા નીવડેલા ફંડને પસંદ કરો, એનએફઑથી દૂર રહો."

વિનોદ ફોગલા માને છે કે, "તમારા પોર્ટફોલિયોમાં વેલ્યૂ ઍડિશન થતું ન હોય ત્યાં સુધી એનએફઑમાં રોકાણ કરવાનો કોઈ ફાયદો નથી. તમે જે એનએફઑમાં રોકાણ કરવાના છો તે ચીજ તમારા પોર્ટફોલિયોમાં પહેલેથી હોય તો માત્ર ઓવરલેપિંગ થશે. એનએફઑને ટાળો."

ફોગલાએ જણાવ્યું કે, "મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ નવી-નવી યોજનાઓ લાવતી જ રહે છે, પરંતુ તમારે તેમાં પડવાના બદલે મજબૂત ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો તૈયાર કરવો જોઈએ."

થિમેટિક ફંડથી પણ દૂર રહો

મ્યુચ્યુઅલ ફંડ્સના ઍક્સપર્ટ્સના માનવા પ્રમાણે થિમેટિક ફંડમાં પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ.

ફાર્મા, ડિફેન્સ, એફએમસીજી, સ્પેશિયલ ઑપોર્ચ્યુનિટી વગેરે થિમ આધારિત ફંડમાં રોકાણ કરવાનું સલાહભર્યું નથી કારણ કે તે વધારે જોખમી હોઈ શકે છે.

વિનોદ ફોગલા કહે છે કે, "તમે સારા ડાઇવર્સિફાઈડ ફંડમાં રોકાણ કર્યું હશે તો તમામ સેક્ટરના સારા શૅર પણ તેમાં હોવાના જ છે. તેથી થિમેટિક ફંડમાં રોકાણ કરવાની કોઈ જરૂર નથી. લાંબા ગાળે થિમેટિક ફંડ્સનો ટ્રૅક રેકૉર્ડ સારો નથી હોતો."

ફાઇનાન્સિયલ ઍડ્વાઇઝર મિથુન જાથલ પણ કહે છે કે 'ઓલ્ડ બોરિંગ ફંડ'માં જ મૂડી રોકો અને થિમેટિક ફંડ્સથી દૂર રહો.

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ

બીબીસી ગુજરાતી ભારતીય શેરબજાર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરી 2025માં 26,000 કરોડથી વધારે રકમ એસઆઈપીથી રોકવામાં આવી

ભારતીય શૅરબજારને ટકાવી રાખવામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો મોટો હિસ્સો છે કારણ કે રોકાણકારો માસિક 500 રૂપિયા જેવી નાનકડી એસઆઈપીથી પણ રોકાણ કરતા હોય છે.

બજારમાં ઘટાડા વચ્ચે ઘણા રોકાણકારોએ ચિંતિત થઈને એસઆઈપી બંધ કરી છે.

ઍસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના જાન્યુઆરી મહિનાના આંકડા પ્રમાણે ઇક્વિટી ફંડ્સમાં ઇનફ્લોમાં અગાઉના મહિના કરતા 3.6 ટકાનો ઘટાડો થયો હતો અને કુલ 39,687 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા.

તેની સામે ડિસેમ્બર 2024માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 41,155 કરોડ રૂપિયા ઠલવાયા હતા.

જોકે, ઉપાડની સામે રોકાણ જોવામાં આવે તો સળંગ 47 મહિનાથી નેટ ઇન્વેસ્ટમેન્ટ પોઝિટિવ રહ્યું છે.

ઍમ્ફીના ડેટા પ્રમાણે જાન્યુઆરી 2025માં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા 22.92 કરોડ સુધી પહોંચી ગઈ હતી તથા રિટેલ એયુએમ (એસેટ અંડર મૅનેજમેન્ટ)નું કદ 39.91 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 38.77 લાખ કરોડ રૂપિયા થયું હતું.

જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ મારફત જે રોકાણ થયું તેમાંથી 26,400 કરોડ રૂપિયા એસઆઈપી મારફતે રોકવામાં આવ્યા હતા. રોકાણકારોએ જાન્યુઆરી 2025માં લાર્જ-કૅપ ફંડ્સમાં 3063 કરોડ રૂપિયા, મિડ-કૅપમાં 5147 કરોડ અને સ્મૉલ-કૅપ ફંડ્સમાં 5720 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.

મ્યુચ્યુઅલ ફંડ શું છે, રોકાણમાં કેવી સાવધાની રાખવી?

ભારતમાં ઍસેટ મૅનેજમૅન્ટ કંપનીઓ (એએમસી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરવામાં આવે છે. ઘણા બધા રોકાણકારોના ભંડોળથી એક ફંડ બનાવવામાં આવે છે અને મ્યુચ્યુઅલ ફંડના મૅનેજર તેનું સંચાલન કરે છે.

એએમસી દ્વારા નિયમિત રીતે એનએફઓ (ન્યૂ ફંડ ઑફર) લાવવામાં આવે છે, પરંતુ તેનો દેખાવ કેવો રહેશે તેની કોઈ આગાહી કરી શકાતી નથી તેથી એનએફઓમાં રોકાણ કરવામાં સાવધાન રહેવાની સલાહ અપાય છે.

મ્યુચ્યુઅલ ફંડમાં સાવ ઓછા જોખમથી લઈને અત્યંત ઊંચાં જોખમ સુધી અલગઅલગ કૅટેગરી હોય છે અને રોકાણકારો પોતાની જોખમ લેવાની ક્ષમતાના આધારે તેમાં રોકાણ કરી શકે છે. શૅરબજારની જેમ જ મ્યુચ્યુઅલ ફંડમાં પણ નૅગેટિવ રિટર્ન મળવાનો ખતરો રહે છે.

સામાન્ય રીતે સ્મૉલકેપ, માઇક્રોકેપ ફંડ, થિમેટિક ફંડ વગેરેને બહુ જોખમી ગણવામાં આવે છે જ્યારે સરકારી સિક્યૉરિટીઝમાં રોકાણ કરતા ફંડ ઓછા જોખમી હોય છે. ભારતમાં હવે માસિક 250 રૂપિયાના રોકાણથી પણ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ બજારનાં જોખમોને આધીન હોય છે, તેથી બજારનાં પરિબળો અનુકૂળ ન હોય ત્યારે નુકસાન સહન કરવાનો વારો પણ આવી શકે છે. આ ઉપરાંત ભૂતકાળમાં કોઈ ફંડે સારો દેખાવ કર્યો હોય તો તે ભવિષ્યમાં પણ જળવાશે તેની કોઈ ગૅરંટી હોતી નથી.

નોંધ- અહીં નાણાકીય નિષ્ણાતોએ રજૂ કરેલા મત તેમનો અંગત અભિપ્રાય છે, બીબીસી કોઈ રોકાણ માટે ભલામણ કરતું નથી. રોકાણકારોએ પોતાના નાણાકીય સલાહકારની સલાહ લઈને જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.