આખી દુનિયાને આર્થિક મદદ કરતી અમેરિકન એજન્સી બંધ થતા ભારતને કેટલો ફટકો પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સપ્તાહ પહેલાં અમેરિકી સરકારની મુખ્ય વિદેશી સહાય એજન્સી યુએસએઆઇડીને બંધ કરવાની અને તેને વિદેશ મંત્રાલયમાં ભેળવી દેવાની જાહેરાત કરી છે.
સોમવારે, સહાય એજન્સીના કર્મચારીઓને તેના વૉશિંગ્ટન મુખ્યાલયથી દૂર રહેવા અને તેમને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું હતું.
વિદેશમંત્રી માર્કો રુબિયોએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ હવે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (યુએસએઆઇડી)ના કાર્યકારી વડા છે.
આ એજન્સી વિશ્વભરમાં અબજો ડૉલરની સહાયનું વિતરણ કરે છે, જેમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં આ નિર્ણયથી સ્વાભાવિક રીતે તેના દ્વારા ચલાવાતા ઘણા આરોગ્ય અને પોષણ સંબંધિત કાર્યક્રમોને અસર થશે.
યુએસ રાષ્ટ્રપતિએ 90 દિવસ માટે તમામ પ્રકારની વિદેશી સહાય પર પ્રતિબંધ મૂકતા ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશનીતિની સમીક્ષા ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.
યુએસએઆઇડી વિશ્વભરમાં NGO, સહાય જૂથો અને બિનનફાકારક સંસ્થાઓને અબજો ડૉલરની સહાય પૂરી પાડે છે.
યુએસએઆઇડીની સ્થાપના 1961માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જૉન એફ. કૅનેડી દ્વારા કરવામાં આવી હતી. વિશ્વભરમાં તેના લગભગ 10,000 કર્મચારીઓ છે અને તેનું વાર્ષિક બજેટ લગભગ 40 બિલિયન ડૉલર છે, જ્યારે યુએસ સરકારનું વિદેશી સહાય માટેનું કુલ બજેટ 68 બિલિયન ડૉલર છે.
યુએસએઆઇડી યુક્રેન, ઇથોપિયા, જૉર્ડન, કોંગો, સોમાલિયા, યમન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નાઇજીરિયા, દક્ષિણ સુદાન અને સીરિયાને મહત્ત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએસએઆઇડીએ કહ્યું છે એ પ્રમાણે આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા એવા ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં તેના તમામ કામ તાત્કાલિક બંધ કરશે.
ભારતને કેટલી મદદ મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુએસએઆઇડી ભારતને આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સ્વચ્છ ઊર્જા, પાણી અને સ્વચ્છતા જેવાં ક્ષેત્રોમાં મદદ કરે છે.
ભારતને આપવામાં આવેલી સહાય વિશે યુએસએઆઇડીની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, તેણે પોષણ, રસીકરણ, સ્વચ્છતા, પર્યાવરણ, સ્વચ્છ ઊર્જા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
યુએસએઆઇડીની મદદથી ભારતમાં 8 કૃષિ યુનિવર્સિટીઓ અને 14 એન્જિનિયરિંગ કૉલેજોની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત, દેશની પ્રથમ ભારતીય ટેકનોલૉજી સંસ્થા એટલે કે IIT ખડગપુરની સ્થાપના પણ યુએસએઆઇડીની મદદથી કરવામાં આવી હતી.
પરંતુ 2004માં સુનામી દરમિયાન, ભારતની તત્કાલીન મનમોહનસિંહ સરકારે શરતી વિદેશી સહાય સ્વીકારવાની નીતિમાં ફેરફાર કર્યા બાદ યુએસએઆઇડી તરફથી ભારતને મળતી સહાય પ્રમાણમાં ઘટી ગઈ.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, કોરોના મહામારી પછી, ભારતની યુએસએઆઇડી સહાયમાં વધારો થયો છે.
યુએસ સરકારના ફોરેન આસિસ્ટન્સ પોર્ટલ અનુસાર, ભારતને છેલ્લાં ચાર વર્ષમાં 650 મિલિયન ડૉલરની સહાય મળી છે. જ્યારે 2001થી અત્યાર સુધીમાં ભારતને 2.86 બિલિયન ડૉલરની સહાય મળી છે.
પોર્ટલ અનુસાર, ભારતને 2022માં યુએસએઆઇડી તરફથી 228.2 મિલિયન ડૉલર, 2023માં 175.7 મિલિયન ડૉલર અને 2024માં 151.9 મિલિયન ડૉલરની સૌથી વધુ સહાય મળી.
યુએસએઆઇડી તરફથી સહાય મેળવવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે.
યુએસએઆઇડીએ 2023માં જણાવ્યું હતું એ પ્રમાણે તેણે કોરોના મહામારીનો સામનો કરવા ભારતને 200 મિલિયન ડૉલર ફાળવ્યા છે.
અઢી દાયકાથી સામાજિક સુરક્ષા અને સ્વચ્છતા માટે કાર્યરત NGO, જન પહલના રાષ્ટ્રીય સચિવ ધર્મેન્દ્રકુમારે બીબીસી હિન્દીને જણાવ્યું, "તાજેતરના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધ્યા પછી મદદમાં વધારો થયો છે."
આ ઉપરાંત, યુએસએઆઇડીએ ભારતમાં સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે સરકાર સાથે મળીને ઘણા કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું છે.
ભારતીય રેલવે 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન લક્ષ્યને હાંસિલ કરી શકે એ માટે જૂન 2023માં ભારત સરકાર અને યુએસએઆઇડી વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત માટે સહાય કેટલી મહત્તા ધરાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બાળમૃત્યુદર ઘટાડવાનો પડકાર હજુ પણ સામે ઊભો છે. ભારત હજુ પણ શિશુ મૃત્યુદર (દર 1,000 જન્મદીઠ) 20થી નીચે લાવવા સંઘર્ષ કરી રહ્યું છે.
યુએસએઆઇડી એડ માતા અને બાળ પોષણ કાર્યક્રમો પર સરકાર સાથે કામ કરે છે.
ધર્મેન્દ્રકુમાર કહે છે, "શિશુ મૃત્યુદર ધીમે ધીમે ઘટ્યો છે, પરંતુ તે હજુ પણ 20થી ઉપર છે. યુએસએઆઇડીએ શિશુ અને માતા મૃત્યુદર ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."
આ સમસ્યા પોષણ સાથે સંબંધિત છે. કુપોષણનાં વિવિધ પરિમાણો, જેમ કે રુંધાયેલો વિકાસ, ઊંચાઈ, વજન, રોગપ્રતિકારક શક્તિ વગેરેના આધારે મોટી સંખ્યામાં બાળકો હજુ પણ કુપોષણથી પીડાઈ રહ્યાં છે.
ધર્મેન્દ્રકુમારના મતે, "ભારતમાં કુપોષણનો દર વિશ્વમાં સૌથી વધુ છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં આપણાં 35 ટકા બાળકોનો વિકાસ અટકેલો છે. તેવી જ રીતે 48 ટકા બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી છે."
તેઓ કહે છે, "આ ભારત સામેનો સૌથી મોટો પડકાર રહ્યો છે અને યુએસએઆઇડીએ આમાં સુધારો લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે."
તેવી જ રીતે યુએસએઆઇડીની મદદથી ટીબી, પોલિયો, એઇડ્સ જેવા રોગોના નાબૂદી માટેના કાર્યક્રમો પણ ચલાવાઈ રહ્યા છે.
યુએસએઆઇડીનો દાવો છે કે તેની મદદથી ચલાવવામાં આવતા ટીબી નાબૂદી કાર્યક્રમો દ્વારા છેલ્લા બે દાયકામાં ભારતમાં 70 લાખ લોકોના જીવ બચાવામાં આવ્યા છે.
ધર્મેન્દ્રકુમાર કહે છે, "ભારતમાં હજુ પણ ટીબી નાબૂદ થયો નથી. વચ્ચે ટીબીના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ ટીબી ફરીથી વધી રહ્યો છે. જો ભારતને ટીબીમુક્ત નહીં બનાવવામાં આવે, તો દુનિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે."
તેમણે કહ્યું કે "યુએસએઆઇડીએ પણ એઇડ્સ નિવારણમાં અગ્રણી ભૂમિકા ભજવી છે."
તમામ વિદેશી સહાય ઘટાડવાની સાથે અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માંથી પણ ખસી જવાની જાહેરાત કરી છે, ભલે તે વૈશ્વિક સંગઠનનો સૌથી મોટો દાતા હોય. જર્મની બીજા ક્રમે છે અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ત્રીજા ક્રમે છે.
આનાથી વૈશ્વિક માનવતાવાદી સહાય કાર્યક્રમો વધુ જટિલ બન્યા છે. ઉદાહરણ તરીકે, ખોરાક સલામતી અને આરોગ્ય.
ધર્મેન્દ્રકુમાર કહે છે, "ભારત, યુએસએઆઇડીના સહયોગથી સ્થાનિક સ્તરે અને સબ-સહારન આફ્રિકાના ગરીબ દેશોમાં ખાદ્ય સુરક્ષા કાર્યક્રમો ચલાવે છે. આ એક કટોકટી સહાય છે. જો યુએસએઆઇડી બંધ થઈ જાય, તો ભારત સરકારે કટોકટી ભંડોળ માટે યોજના બનાવવી જોઈએ."
યુએસએઆઇડી પર ટ્રમ્પની નારાજગીનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકાર, અબજોપતિ ઈલોન મસ્ક યુએસએઆઇડીના કડક આલોચક રહ્યા છે.
સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આરોપ લગાવ્યો કે એજન્સી "કટ્ટરપંથી ડાબેરી પાગલો" દ્વારા ચલાવાઈ રહી છે. તેઓ "મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને નામ અને અન્ય માહિતી શૅર કરી રહ્યા નથી."
ટ્રમ્પ વહીવટીતંત્રમાં સરકારી ખર્ચ ઘટાડવા માટે રચાયેલા વિભાગના બિનસત્તાવાર વડા ઇલોન મસ્કે પણ યુએસએઆઇડી બંધ કરવાની વાત કરી હતી.
ગયા અઠવાડિયામાં યુએસએઆઇડીના બે ટોચના અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા અને એજન્સીની વેબસાઇટ ડાઉન થઈ ગઈ હતી.
યુએસએઆઇડી સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતાના આરોપો ઉપરાંત મસ્કે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.
તેમના માલિકીના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મસ્કે યુએસએઆઇડી માટે "દુષ્ટ", "ગુનાહિત સંગઠન" અને "કટ્ટરપંથી ડાબેરી વિચારધારાથી પ્રેરિત રાજકીય મનોવૈજ્ઞાનિક અભિયાન" (સામાન્ય રીતે કાવતરાખોર અથવા દુષ્ટ પ્રવૃત્તિઓને ઢાંકવા માટે વપરાતો શબ્દ) જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
મસ્કે સોમવારે ઍક્સ પર લાઇવ સ્ટ્રીમ દરમિયાન તેમણે કહ્યું હતું, "આ આખી બાબત પર વિરામ લગાવવાની જરૂર છે. તે અસાધ્ય છે... અમે તેને બંધ કરીશું."
સોમવારે અમેરિકન મીડિયાએ અનામી વ્હાઇટ હાઉસનાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે મસ્કને પગાર વિના પાર્ટ-ટાઇમ ખાસ સરકારી કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે નાણાકીય માહિતી અંગે તેમની સાથે હિતોનો સંઘર્ષ થઈ શકે છે.
જોકે, ટ્રમ્પે મસ્કનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તેમની પરવાનગી વિના કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.
તેમણે કહ્યું, "ઇલોન અમારી મંજૂરી વિના કંઈ કરી શકતા નથી અને કરશે પણ નહીં."
મસ્કને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નો હવાલો સોંપવામાં આવ્યો છે, જે સરકારી ખર્ચમાં કાપ મૂકવાની દેખરેખ રાખતો એકમ છે. જોકે આ કોઈ સરકારી વિભાગ નથી.
સરકારી કાર્યક્રમો બંધ કરવાની તેની કાનૂની સત્તાઓ વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી. એટલા માટે તેમની સામે કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.
મસ્કના નિવેદન પછી યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું છે કે યુએસએઆઇડીની ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
તેમણે કહ્યું, "હવે આ પ્રવૃત્તિઓ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો એક ભાગ હશે અને તેનું પાલન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની નીતિઓ અનુસાર કરવું પડશે."
જોકે, ટ્રમ્પ વહીવટીતંત્ર આ ફેરફાર માટે શું યોજના ધરાવે છે તે હજુ સ્પષ્ટ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












