ભારતીયો અમેરિકામાં વિઝા વિના કયા રસ્તે પ્રવેશે છે અને કેમ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને અમેરિકી સેનાનું એક વિમાન અમૃતસર આવી ગયું છે. આ મુસાફરોમાં અનેક ગુજરાતીઓ પણ હોવાના અહેવાલો છે.
ટ્રમ્પે બીજી વાર સત્તા સાંભળ્યા બાદ ત્યાં રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાની પહેલી ઘટના છે.
પંજાબ સરકારમાં NRI બાબતોના મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે અમેરિકાથી ભારતીયોને દેશનિકાલ કરવાના સમાચાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા છે.
એમણે આ મુદ્દાને ખૂબ જ ગંભીર ગણાવ્યો છે. પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા સંદેશમાં તેમણે લખ્યું કે આ 205 ભારતીયો અમૃતસર ઍરપૉર્ટ પર ઊતરશે, જ્યાં તેઓ પોતે તેમને લેવા જશે.
અમેરિકન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઈ)એ ઑક્ટોબરમાં ભારતીય નાગરિકોથી ભરેલી એક ચાર્ટર્ડ ફ્લાઇટને ભારત પરત મોકલી હતી. તે અમેરિકામાંથી ભારતના લોકોને ડિપોર્ટ કરવાનું વધતું પ્રમાણ દર્શાવે છે.
આ કોઈ સામાન્ય ફ્લાઇટ ન હતી. આ વર્ષે અમેરિકામાં મોટા પાયે ડિપોર્ટેશન શરૂ થયું તેના ભાગરૂપે અનેક "રિમૂવલ ફ્લાઇટ" રવાના થઈ હતી. દરેકમાં સામાન્ય રીતે 100થી વધુ મુસાફરો હતા.
આ ફ્લાઇટ્સ દ્વારા એવા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા, જેઓ "અમેરિકામાં રહેવા માટે કાનૂની આધાર સાબિત કરી શક્યા ન હતા."
અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ પુખ્ત વયનાં પુરુષો અને મહિલાઓને લઈ જતી લેટેસ્ટ ફ્લાઇટ પંજાબ રવાના કરવામાં આવી હતી. ડિપોર્ટ થયેલા ઘણા લોકોનું મૂળ વતન પંજાબ નજીક છે. કયા શહેરના કેટલા લોકો હતા તેની વિગત નથી અપાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1.70 લાખ ભારતીયોની છેલ્લાં ચાર વર્ષમાં અટકાયત

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી રૉયસ બર્નસ્ટીન મુરેના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા અમેરિકન નાણાકીય વર્ષ 2024માં 1,000થી વધુ ભારતીય નાગરિકોને ચાર્ટર અને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા સ્વદેશ મોકલી દેવામાં આવ્યા હતા.
મીડિયા બ્રીફિંગ દરમિયાન મરેએ જણાવ્યું કે, "આ કાર્યવાહી છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુએસમાંથી ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં થયેલા વધારાનો ભાગ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારો ભારતીય નાગરિકોનો સાથે વધારે ભેટો થયો તેની સાથે આ અનુરુપ છે." (યુએસ-મેક્સિકો અથવા યુએસ-કૅનેડાની સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે બિન-નાગરિકોને યુએસ સત્તાવાળાઓ દ્વારા પકડવામાં આવે છે તેના સંદર્ભમાં.)
અમેરિકા દ્વારા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા મોકલી દેવાની કામગીરીમાં વધારો થાય છે, ત્યારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ તેમના પર કેવી અસર કરશે તે અંગે ચિંતા વધી રહી છે. ટ્રમ્પ પહેલેથી જ યુએસના ઇતિહાસમાં માઇગ્રન્ટ્સના સૌથી મોટા ડિપોર્ટેશનનું વચન આપી ચૂક્યા છે.
ઑક્ટોબર 2020થી અત્યાર સુધીમાં યુએસ કસ્ટમ્સ અને બૉર્ડર પ્રોટેક્શન (સીપીબી)ના અધિકારીઓએ ઉત્તર અને દક્ષિણ બંને સરહદો પર ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા લગભગ 1.70 લાખ ભારતીય માઇગ્રન્ટ્સની અટકાયત કરી છે.
વૉશિંગ્ટન સ્થિત થિંક ટૅન્ક નિસ્કાનેન સેન્ટરના ઇમિગ્રેશન વિશ્લેષકો ગિલ ગુએરા અને સ્નેહા પુરી કહે છે કે, "ભારતીયોની સંખ્યા લેટિન અમેરિકન અને કેરેબિયન કરતાં ઓછી છે, છતાં સીપીબીને છેલ્લાં ચાર વર્ષમાં પશ્ચિમી ગોળાર્ધ બહારના જેટલા માઇગ્રન્ટ્સ મળે છે તેમાં ભારતીયો સૌથી મોટું જૂથ છે. "
2022ના આંકડા પ્રમાણે લગભગ 725,000 અનઅધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં વસતા હતા. અમેરિકામાં ગેરકાયદે વસવાટમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ભારતીયો ત્રીજા ક્રમે છે, તેવું પ્યુ રિસર્ચ સેન્ટરનો ડેટા દર્શાવે છે. અમેરિકાની કુલ વસતીમાં અનઅધિકૃત ઇમિગ્રન્ટ્સનું પ્રમાણ ચાર ટકા છે અને વિદેશમાં જન્મેલા કુલ લોકોમાં તેઓ 22 ટકા હિસ્સો ધરાવે છે.
ડેટા પર નજર નાખતા ગુરેરા અને સ્નેહા પુરીએ તારણ કાઢ્યું છે કે ગેરકાયદે સરહદ પાર પ્રયાસ કરતા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
પહેલી વાત કે માઇગ્રેશન કરનારાઓ આર્થિક રીતે નબળા વર્ગના નથી. પરંતુ તેઓ મોટા ભાગે પોતાના ઓછા શિક્ષણ અથવા અંગ્રેજી નબળું હોવાના કારણે અમેરિકાના ટુરિસ્ટ વિઝા અથવા સ્ટુડન્ટ વિઝા મેળવી શકતા નથી.
તેના બદલે તેઓ એક લાખ ડૉલર (લગભગ 84 લાખ રૂપિયા) સુધીની ફી વસૂલતી એજન્સીઓની મદદ લે છે. ઘણી વખત તેઓ પકડાઈ ન જવાય તે માટે અત્યંત લાંબા અને વિકટ માર્ગનો ઉપયોગ કરે છે. આ રકમની વ્યવસ્થા કરવા ઘણા લોકો પોતાના ખેતર વેચી નાખે છે અથવા ઊછીના નાણાં લે છે. યુએસ ઇમિગ્રેશન કોર્ટનો 2024નો ડેટા દર્શાવે છે કે મોટાભાગના ભારતીય માઇગ્રન્ટ્સ 18-34 વર્ષની વયના પુરુષો હતા.
ભારતીયો ક્યા રસ્તે પ્રવેશે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીજું, ઉત્તર સરહદ પર કૅનેડા એ ભારતીયો માટે વધુ સરળ ઍન્ટ્રી પૉઇન્ટ બની ગયું છે, જેમાં વિઝિટર વિઝાના પ્રોસેસિંગનો સમય 76 દિવસનો છે (તેની તુલનામાં ભારતમાંથી યુએસ વિઝા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડે છે).
વર્મૉન્ટ સ્ટેટ અને ન્યૂ યૉર્ક તથા ન્યૂ હૅમ્પશાયરની કાઉન્ટીઓને આવરી લેતા સ્વાન્ટન સેક્ટરમાંથી ઘણા ભારતીય નાગરિકો પકડાયા છે. આ વિસ્તારમાં ચાલુ વર્ષની શરૂઆતથી ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં પકડાયા છે અને જૂનમાં તેની સંખ્યા 2,715ની ટોચે હતી તેમ સંશોધકો જણાવે છે.
અગાઉ મોટાભાગના ગેરકાયદે ભારતીય માઇગ્રન્ટ્સ અલ સાલ્વાડોર અથવા નિકારાગુઆ થઈને મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ મારફત અમેરિકામાં પ્રવેશતા હતા. અલ સાલ્વાડોર અને નિકારાગુઆ બંને માઇગ્રેશનની સુવિધા આપતા હતા. ગયા વર્ષના નવેમ્બર સુધી ભારતીય નાગરિકો અલ સાલ્વાડોરમાં વગર વિઝાએ પ્રવેશ કરી શકતા હતા.
ગુએરા અને સ્નેહા પુરી કહે છે કે, "યુએસ-મેક્સિકોની સરહદ કરતાં યુએસ-કેનેડા સરહદ વધારે લાંબી પણ છે અને ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ નથી. તે સાવ સુરક્ષિત છે એવું નથી, પરંતુ સાઉથ અને સેન્ટ્રલ અમેરિકાના રૂટ પર ગુનાહિત તત્ત્વો હોય છે એવું યુએસ-કેનેડા સરહદ પર નથી."
ત્રીજી વાત, મોટાભાગનું માઇગ્રેશન શીખોની બહુમતી ધરાવતા પંજાબ અને પડોશી રાજ્ય હરિયાણામાંથી થયું છે. આ બે રાજ્યોમાંથી પરંપરાગત રીતે લોકો વિદેશ સ્થળાંતર કરે છે. ત્યાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાંથી વધારે માઇગ્રેશન થાય છે.
ગેરકાયદે ભારતીય માઇગ્રન્ટ્સમાં પંજાબનો મોટો હિસ્સો છે. પંજાબમાં હાલમાં વ્યાપક બેરોજગારી, ખેતીની તકલીફો અને નશીલા પદાર્થોના વ્યસનની સમસ્યા છે.
ઘણા લાંબા સમયથી પંજાબમાંથી લોકોનું માઇગ્રેશન સામાન્ય છે. આ રાજ્યના ગ્રામીણ યુવાનો વિદેશ જવા ઉત્સુક છે.
પંજાબમાં તાજેતરમાં નવજોત કૌર, ગગનપ્રીત કૌર અને લવજીત કૌર દ્વારા 120 લોકો પર સરવે કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું છે કે 18-28 વર્ષની વય વચ્ચેના 56 ટકા લોકો ઘણીવાર માધ્યમિક શિક્ષણ પછી માઇગ્રેશન કરે છે. ઘણા લોકો બિન-સંસ્થાકીય લોન લઈને વિદેશ જતા અને ત્યાં કામ કરીને પરિવારને રૂપિયા પરત મોકલતા હતા.
આ ઉપરાંત શીખો માટે અલગ ખાલિસ્તાનની ચળવળના કારણે પણ તણાવમાં વધારો થયો છે.
પુરી કહે છે કે, "ભારતમાં કેટલાક શીખોને ડર છે કે સત્તાવાળાઓ અથવા રાજકારણીઓ તેમને ખોટી રીતે નિશાન બનાવી શકે છે. આ ભયના આધારે તેઓ શરણ માગે છે, પછી તે ભય સાચો હોય કે ન હોય."
પણ ક્યા કારણથી સ્થળાંતર કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP
પરંતુ ચોક્કસ કયા કારણથી લોકો માઇગ્રેશન કરે છે તે નક્કી કરવું મુશ્કેલ છે.
સ્નેહા પુરી કહે છે, "માઇગ્રેશન માટે અલગ અલગ પ્રેરક કારણો હોય છે, પરંતુ આર્થિક તક એ મુખ્ય પ્રેરક બળ છે. સામાજિક નેટવર્ક્સ દ્વારા તે પ્રબળ બને છે અને પરિવારના કોઈ સભ્ય અમેરિકામાં 'સેટલ' થયા હોય તો તે ગર્વની લાગણી અપાવે છે."
ચોથું, સંશોધકોને અમેરિકન સરહદે ભારતીય પરિવારોના ડેમોગ્રાફિક્સમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.
હવે વધુ પરિવારો સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2021માં કૅનેડા અને મેક્સિકો બંને સરહદે મોટા ભાગે સિંગલ લોકોને પકડવામાં આવ્યા હતા. પરંતુ હવે બંને સરહદે જે અટકાયત થાય તેમાં 16થી 18 ટકા પરિવારો હોય છે.
ક્યારેક તેનાં કરુણ પરિણામો આવ્યા છે. જાન્યુઆરી 2022માં 11 લોકોનું જૂથ અમેરિકામાં પ્રવેશવા પ્રયાસ કરતું હતું ત્યારે ગુજરાતના ચાર લોકોનો એક પરિવાર કૅનેડાની સરહદથી માત્ર 12 મીટરના અંતરે ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો હતો.
યુનિવર્સિટી ઑફ વર્મૉન્ટના માઇગ્રેશન અને અર્બન સ્ટડીઝના નિષ્ણાત પાબ્લો બોઝ કહે છે કે ભારતીયો વધુ આર્થિક તક મેળવવા અને "અમેરિકન શહેરોમાં અનૌપચારિક અર્થતંત્રોમાં પ્રવેશવા" માટે મોટી સંખ્યામાં યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, ખાસ કરીને તેઓ ન્યુ યોર્ક અથવા બૉસ્ટન જેવાં મોટાં શહેરોમાં જવા માંગે છે.
બોઝે બીબીસીને જણાવ્યું કે, "હું જે જાણું છું અને મેં જે ઇન્ટરવ્યુ લીધા છે, તેના પરથી કહી શકું કે મોટાભાગના ભારતીયો વર્મૉન્ટ જેવા ગ્રામીણ સ્થળ કે ન્યૂ યૉર્ક જેવી જગ્યાએ રહેતા નથી. તેઓ શક્ય તેટલી વહેલી તકે શહેરો તરફ જાય છે." ત્યાં તેઓ મોટા ભાગે ઘરેલુ મજૂરી અથવા રેસ્ટોરાંમાં કામ કરવા જેવી અનૌપચારિક નોકરીઓ કરે છે.
ટૂંક સમયમાં બધું મુશ્કેલ બની જાય તેવી સંભાવના છે. જાન્યુઆરીમાં ટ્રમ્પ થપથ લે ત્યાર પછી અમેરિકાની સરહદોનું સંચાલન પીઢ ઇમિગ્રેશન અધિકારી ટોમ હોમન સંભાળવાના છે. હોમને કહ્યું છે કે કેનેડા સાથેની ઉત્તરીય સરહદ તેમની પ્રાથમિકતા છે, કારણ કે આ વિસ્તારમાં ગેરકાયદેસર માઇગ્રેશન એ "રાષ્ટ્રીય સુરક્ષાનો વિશાળ પ્રશ્ન" છે.
હવે આગળ શું થશે તે સ્પષ્ટ નથી. પુરી કહે છે કે, "કૅનેડા તેની સરહદેથી યુએસમાં માઇગ્રેશન કરતા લોકોને રોકવા આવી નીતિ લાગુ કરી શકે છે કે નહીં તે જોવાનું રહે છે. જો આવું થશે, તો સરહદ પર ભારતીય નાગરિકોની અટકાયતમાં ઘટાડો થાય તેવી શક્યતા છે."
ગમે તે હોય, હજારો ભારતીયો અમેરિકામાં સુખી જીવન જીવવાના જે સપનાં જુએ છે, તે ઝાંખા પડવાની શક્યતા દેખાતી નથી, ભલે આગળનો રસ્તો ગમે તેટલો જોખમી કેમ ન હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












