ભારતનું શૅરબજાર આ ચાર કારણને લીધે તૂટ્યું અને હજી તૂટશે, રોકાણ કરવું કે હવે રાહ જોવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
કોવિડ બાદ સાડા ચાર વર્ષ સુધી સતત તેજી જોયા બાદ ભારતીય શૅરબજારોમાં મોટા પાયે ઘટાડો શરૂ થયો છે.
સપ્ટેમ્બરમાં ઑલ-ટાઇમ હાઈ સપાટી સુધી પહોંચ્યા પછી 30 શૅરોનો સેન્સેક્સ ઘટીને 75460ની નજીક આવી ગયો છે. એટલે કે ચાર મહિનામાં સેન્સેક્સમાં 12 ટકાથી વધુ ઘટાડો થયો છે.
કોવિડ વખતે 24 માર્ચ 2020ના રોજ સેન્સેક્સ ઘટીને 25,638 સુધી તળિયે ગયો હતો, ત્યાંથી તે એક તબક્કે 85,978 સુધી પહોંચ્યો હતો.
એટલે કે તળિયાની સપાટીથી સેન્સેક્સે 330 ટકા વળતર આપ્યું હતું. ત્યાર બાદ બજારમાં નિરંતર ઘટાડો ચાલુ જ છે.
50 શૅરનો નિફ્ટી ઇન્ડેક્સ સપ્ટેમ્બર 2024માં 26277ની બાવન અઠવાડિયાની ટોચ પરથી ઘટીને હાલમાં 22850ની નજીક આવી ગયો છે, એટલે કે નિફ્ટીમાં 13 ટકાથી વધુ ઘટાડો થયો છે.
મહત્ત્વની વાત એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ આવવાની તૈયારીમાં છે, ત્યારે બજાર સતત ઘટતું જાય છે જેના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારનાં કારણો જવાબદાર છે.
27 જાન્યુઆરીએ સેન્સેક્સમાં લગભગ 900 પૉઇન્ટનો ઘટાડો થયો હતો. એક અંદાજ મુજબ એક જ દિવસમાં રોકાણકારોની રૂ. 9 લાખ 50 હજાર કરોડ જેટલી મૂડી ધોવાઈ ગઈ હતી.
ભારતીય બજાર હાલમાં કેવી સ્થિતિમાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય બજાર માટે અત્યારે માહોલ અનુકૂળ નથી જણાતો. કેટલાંક કારણોથી બજાર સતત દબાણમાં છે જેમાં મુખ્ય કારણો આ મુજબ છેઃ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
FII દ્વારા સતત વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારતમાં મૂડી ઠાલવતા હતા ત્યાં સુધી તેજી જળવાઈ અને હવે એફઆઈઆઈ ભારતીય શૅરબજારમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, જાન્યુઆરી 2025માં 24 જાન્યુઆરી સુધીમાં એફઆઈઆઈએ ભારતીય માર્કેટમાંથી 66,600 કરોડથી વધારે રકમના શૅર વેચ્યા છે.
એફઆઈઆઈ અત્યારે ભારત સહિતના ઉભરતા દેશોમાંથી મૂડી કાઢીને અમેરિકામાં રોકી રહ્યા છે.
રૂપિયાની નબળાઈ
ભારતીય રૂપિયાની ચાલ આ વર્ષે સતત ચિંતાજનક રહી છે. 27 જાન્યુઆરીએ બજાર ખૂલતા જ રૂપિયો 22 પૈસા ઘટ્યો હતો, જેથી એક ડૉલરનો ભાવ વધીને 86.44 થયો હતો.
દુનિયાનાં મુખ્ય છ ચલણ - યુરો, જાપાની યેન, બ્રિટિશ પાઉન્ડ, કૅનેડિયન ડૉલર, સ્વીડિશ ક્રોના અને સ્વિસ ફ્રાન્ક સામે ડૉલર કેટલો મજબૂત છે તેના માપને ડૉલર ઇન્ડેક્સ કહેવાય છે.
આજે આ ડૉલર ઇન્ડેક્સ 0.21 ટકા વધીને 107.66ના લેવલ પર પહોંચ્યો હતો. વધતા ડૉલરના કારણે તમામ ઊભરતાં બજારો પર દબાણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વૉર
અમેરિકાએ ભારત, ચીન, કૅનેડા સહિત તમામ મોટાં અર્થતંત્રો સામે ટેરિફ વૉરના સંકેત આપ્યા છે.
રૉઇટર્સના અહેવાલ પ્રમાણે, ટ્રમ્પે કંપનીઓને પણ ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકામાં તેમના માલનું ઉત્પાદન નહીં કરે, તો તેમણે ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે.
દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ટ્રમ્પે કહ્યું, "દરેક દેશ અમેરિકાના ટેરિફનો સામનો કરી શકે છે."
"તેમણે કહ્યું કે દુનિયાની તમામ કંપનીઓને મારો મૅસેજ સ્પષ્ટ છે. તમે અમેરિકા આવીને ઉત્પાદન કરો. અમે આખી દુનિયામાં સૌથી ઓછા ટૅક્સ દરનો ફાયદો આપીશું."
"પરંતુ તમે અમેરિકામાં તમારી પ્રોડક્ટનું ઉત્પાદન નહીં કરો, તો તમારે ટેરિફ ભરવો પડશે."
કંપનીઓનાં નબળાં પરિણામો
ભારતમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ રિઝલ્ટ આકર્ષક નથી જણાતાં.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, કૅપિટલ ગૂડ્સ, હેલ્થકેર અને ટેલિકૉમ સેક્ટરમાં ટૅક્સ બાદ નફો મજબૂત રહેશે. પરંતુ મેટલ, કેમિકલ્સ, કન્ઝ્યુમર પેદાશો, બૅન્કો અને ઑઇલ અને ગૅસ સેક્ટર નબળાં રિઝલ્ટ જાહેર કરે તેવી શક્યતા છે.
આ ઉપરાંત ટ્રમ્પ સરકારની આગેવાનીમાં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે તેવું લાગે છે.
બુધવારે અમેરિકાની ફેડરલ બૅન્કની મીટિંગ મળવાની છે અને તેમાં જે નિર્ણય લેવાશે તેનો બજારમાં પ્રતિભાવ જોવામાં આવશે.

શૅરબજારના નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ આ વિશે શૅરબજારના નિષ્ણાતો સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો.
શૅરબજારના ટેકનિકલ ઍનાલિસ્ટ ધ્રુમીલ વ્યાસે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "એફઆઈઆઈનું વેચાણ એ શૅરબજારમાં ઘટાડા માટે સૌથી મોટું કારણ છે."
"આ ઉપરાંત બજેટમાં કેવી જાહેરાતો થશે તેના વિશે પણ અનિશ્ચિતતા છે. સરકારની ભાવિ આર્થિકનીતિ વિશે સ્પષ્ટતા ન હોય ત્યાં સુધી આવું રહી શકે છે."
આ સિવાય રાજ્ય સરકારો અને રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી જાહેરાતો પણ ઘટાડા માટે કારણભૂત છે.
મૉનાર્ક નેટવર્થના સ્થાપક વૈભવ શાહે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "એફઆઈઆઈનું ભારતીય બજારમાં સતત વેચાણ અને રૂપિયાની નબળાઈ આ ઘટાડા માટે જવાબદાર છે."
"હાલમાં ડૉલરની ડિમાન્ડ બહુ ઊંચી છે, જેથી તમામ કરન્સી નબળી પડતી જાય છે."
વૈભવ શાહના મતે, "ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારો મફતમાં સુવિધાઓ આપવાનાં વચન આપતી હોય છે, તેનાથી પણ બજારમાં ચિંતા છે."
તેમણે કહ્યું કે, "જો ચૂંટણી વચનો પાળવા માટે મફતમાં સુવિધાઓ આપવામાં આવે અને તેની સામે ટૅક્સ કલેક્શનમાં વધારો થયો ન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સરકાર પૂરતો ખર્ચ ન કરે, તો દેશનો ગ્રોથ ધીમો પડી શકે છે. આવી ચિંતાથી બજાર ઘટતું હોય છે."
વર્ષ 2024 દરમિયાન બજારમાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો, ત્યારથી જ એક ઘટાડાની શક્યતા જોવાતી હતી.
પ્રૂડન્ટ કૉર્પોરેટ ઍડવાઇઝરીના ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "2024માં જે રીતે બજાર વધ્યું હતું તેને જોતા આ પ્રકારના કરેક્શનની શક્યતા હતી જ."
"આપણે ત્યાં બીજા ક્વાર્ટરનાં પરિણામો નબળાં આવ્યાં છે અને તેમાં એફઆઈઆઈની વેચવાલીએ બજારને નીચે પાડ્યું છે."
નિહાલ શાહ કહે છે, "ભારતની તુલનામાં એફઆઈઆઈ માટે હવે બીજા દેશો વધુ આકર્ષક છે. જેમ કે ચીનની સરકાર ઇકૉનૉમીને ઉત્તેજન આપવા જંગી રોકાણ કરવાની છે."
"અમેરિકા અને ચીનના બજારમાં શૅરોના ભાવ ભારતીય બજાર કરતાં વધુ આકર્ષક અને વાજબી હોવાથી સ્વાભાવિક રીતે એફઆઈઆઈએ પોતાની મૂડી વિકસિત દેશોમાં લગાવવાનું શરૂ કર્યું છે."
નિહલ શાહના મતે નિફ્ટી હજુ 400થી 500 પૉઇન્ટ નીચે જઈ શકે છે, એટલે કે નિફ્ટીમાં 22,000થી 22,300 સુધીના લેવલે ટેકો મળી શકે છે.
રોકાણકારોએ ગભરાવાનું કારણ ખરું?

ઇમેજ સ્રોત, Getty Images
બજારમાં ઘટાડો થયો તેનાથી ડરી જવાની કોઈ જરૂર નથી. ટેકનિકલ ઍનાલિસ્ટ ધ્રુમીલ વ્યાસે બીબીસીને જણાવ્યું, "બજારમાં હજુ પણ ગભરાટનું કોઈ કારણ નથી. અત્યારે રોકાણ કરવું હોય તો રોકાણકારે એકસાથે મૂડી રોકવાના બદલે 30 ટકા મૂડી રોકવી જોઈએ. ત્યાર પછી બજેટ આવી જાય અને ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જુઓ."
"આ દરમિયાન આ સ્તરેથી નિફ્ટી-સેન્સેક્સમાં 10 ટકા ઘટાડો થાય તો તે ખરીદી કરવા માટેની તક હશે અને તે સમયે રોકાણ કરી શકાય."
જોકે, બજારમાં આંખો બંધ કરીને કોઈ પણ મોટી પૉઝિશન લેવામાં જોખમ છે.
ધ્રુમીલ વ્યાસ બીબીસીને કહે છે કે, "બજારમાં અત્યારે શૉર્ટ કરવાનું જોખમ ન લેવું. એટલે કે અત્યારે શૅર વેચીને પછી વધુ નીચા ભાવે ખરીદી લેવાશે તેવી ગણતરીથી વાયદાના સોદા ન કરો."
ધ્રુમીલ વ્યાસનું માનવું છે, "મિડકૅપ અને સ્મૉલકૅપ બહુ જ ઓવરવૅલ્યૂડ છે તેથી તેને ટાળવા જોઈએ.
એફઆઈઆઈ મોટા ભાગે લાર્જકૅપ્સમાં રોકાણ કરતી હોય છે અને તેના ભાવ સરેરાશની નજીક આવી ગયા છે."
આ સ્તરે થોડી ખરીદી કરવામાં વાંધો નહીં. હાલમાં બૅન્ક શૅરોમાં ખરીદી કરવાની તક છે તેમ ટેકનિકલ ઍનાલિસ્ટે જણાવ્યું હતું.
ધ્રુમીલ વ્યાસ પણ સ્વીકારે છે કે બજારમાં પાંચ વર્ષથી સતત તેજી હતી, જેના કારણે શૅરોનું વૅલ્યૂએશન ઘણું વધી ગયું હતું. આ ઉપરાંત ફુગાવો પણ ચિંતાનું એક કારણ છે.
તેઓ કહે છે કે ભારતમાં લોકો એસઆઈપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા જંગી મૂડી સતત બજારમાં ઠાલવે છે, જેનાથી બજારને અત્યાર સુધી ટેકો મળ્યો હતો.
આ ઉપરાંત તાજેતરમાં ઘણા બધા આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ, જાહેરભરણું) આવ્યા જેના કારણે લોકોએ જૂની કંપનીમાંથી નાણાં કાઢીને આઈપીઓમાં રોક્યા હતા. તેણે પણ બજારની ઊથલપાથલમાં યોગદાન આપ્યું છે.
બજેટ પછી ચિત્ર સ્પષ્ટ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બજેટ પછી સરકાર માર્કેટને સપોર્ટ કરવા કોઈ પગલાં લઈ શકે કે નહીં તેનો જવાબ ધ્રુમીલ વ્યાસ નકારમાં આપે છે.
ધ્રુમીલ વ્યાસ કહે છે, "સરકાર પોતાના લાંબા ગાળાના ઇકૉનૉમિક ગ્રોથને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડતી હોય છે."
"તેથી બજારના ઉતારચઢાવને જોઈને તેની પૉલિસી ઘડે નહીં. સરકાર બજારની આવી ઊથલપાથલને અવગણતી હોય છે."
50 શૅરનો નિફ્ટી ઇન્ડેક્સ હાલમાં 22850 પર છે ત્યારે ધ્રુમીલ વ્યાસના માનવા મુજબ નિફ્ટીને 22600થી 22800 વચ્ચે મજબૂત સપોર્ટ છે.
આ લેવલથી નીચે જવાની શક્યતા બહુ ઓછી છે, તેથી રોકાણકારોએ આ સપાટીની નજીક રોકાણ કરવા વિચારી શકાય.
વૈભવ શાહ માને છે કે બજાર હાલના વૅલ્યૂએશન પર ખરીદી માટે લાયક છે.
વૈભવ શાહનું માનવું છે, " જો આઈટી (ઇન્ફર્મેશન ટેકનોલૉજી) અને બૅન્કિંગના શૅરોએ મજબૂત દેખાવ કર્યો ન હોત, તો નિફ્ટી ઇન્ડેક્સ કદાચ 20,500 નીચે પણ ગયો હોત."
વૈભવ શાહના માનવા મુજબ નિફ્ટી 22,300થી 22,500 વચ્ચે રહી શકે છે.
તેઓ અમેરિકન ચૂંટણીના રિઝલ્ટ અને નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને પણ બજારની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર ગણાવે છે.
વૈભવ શાહે કહ્યું કે દુનિયાની છ મોટી કરન્સીની સામે અમેરિકાના ચલણની મજબૂતી માપો તો, ડૉલર ઇન્ડેક્સ 105 પરથી વધીને 109 સુધી જઈ પહોંચી ગયો એ ટ્રમ્પની પૉલિસીનું પરિણામ છે.
વિદેશી રોકાણકારો બજારમાંથી મૂડી ખેંચી લે ત્યારે તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી દ્વારા થતી ખરીદી બજારને ટેકો મળતો હોય છે.
પરંતુ અત્યારે ડીઆઈઆઈની ખરીદી સામે એફઆઈઆઈની વેચવાલી ઘણી વધારે છે.
ડિસેમ્બર 2024 મહિનામાં પહેલી વખત મ્યુચ્યુઅલ એસઆઈપીની રકમ 26,459 કરોડ સુધી પહોંચી ગઈ હતી જ્યારે નવેમ્બરમાં એસઆઈપીથી બજારમાં 25,320 કરોડ રૂપિયા ઠલવાયા હતા.
આ દરમિયાન ક્રૂડઑઇલના ભાવમાં પણ વધારો થયો છે જેના કારણે ઊભરતાં બજારોમાં ફુગાવાની ચિંતા વધી છે.
સોશિયલ મીડિયા ટિપ્સના ભરોસે રોકાણ કરનારા સાવધ રહે

ઇમેજ સ્રોત, Getty Images
ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મિડકૅપ અને સ્મૉલકૅપ શૅરોમાં સૌથી વધારે કડાકો આવ્યો છે અને તેમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. તેમના વૅલન્યૂએશન અત્યંત ઊંચાઈ પર હતા, જે બિલકુલ વાજબી ન હતા."
"મિડ-કૅપ્સ અને સ્મૉલકૅપ શૅરો તેમની 20 વર્ષની એવરેજ વૅલ્યૂ કરતાં 12થી 13 ટકા ઉપર ચાલતા હતા તેથી તેમાં મોટું ગાબડું આવ્યું છે."
તેમણે કહ્યું કે "ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વૉટ્સઍપ વગેરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી સલાહ લઈને ઘણા લોકો જોખમી શૅરો ખરીદતા હોય છે. આવા લોકોએ વહેલી તકે બજારમાંથી નીકળી જવું જોઈએ, કારણ કે તેમાં હજુ ભારે નુકસાન થઈ શકે છે."
શૅરમાર્કેટ ઍનાલિસ્ટ નિહલ શાહે કહ્યું કે "લાંબા ગાળાના રોકાણકારો માટે લાર્જકૅપ શૅરોમાં ખરીદીની તક છે, કારણ કે ઘણા ક્વૉલિટી અત્યારે વાજબી ભાવે ખરીદી શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












