પ્રેમીને ઝેર આપનાર પ્રેમિકાને મોતની સજા, પ્રત્યક્ષ પુરાવા વિના કોર્ટમાં કેવી રીતે સાબિત થયું?

- લેેખક, એસ મહેશ
- પદ, બીબીસી ન્યૂઝ
કેરળની એક સેશન્સ કોર્ટે ગ્રીષ્મા નામની 24 વર્ષની યુવતીને તેમના પ્રેમીને ઝેર આપીને મારી નાખવા બદલ મોતની સજા ફટકારી છે.
કેરળની અદાલતોથી લઈને સ્થાનિક પોલીસ સુધી આ મામલાની ચર્ચા ચાલે છે.
ગ્રીષ્મા પર આરોપ હતો કે તેમણે વર્ષ 2022માં પોતાના પ્રેમી શેરોન રાજને ઝેર આપીને મારી નાખ્યા હતા.
આ કેસની ખાસ વાત એ છે કે અદાલતે ડિજિટલ પુરાવાના આધારે તેમને દોષિત જાહેર કર્યાં છે અને મોતની સજા સંભળાવી છે.
પોલીસને આ ગુનો સાબિત કરવા માટે ગૂગલ ક્લાઉડ દ્વારા મળેલા પુરાવા મદદરૂપ સાબિત થયા હતા.
સરકારી વકીલે જણાવ્યા અનુસાર, "આ મામલામાં ભૌતિક પુરાવા ન હોવા છતાં ગુનાને સાબિત કરવા માટે સાંયોગિક પુરાવા અને ડિજિટલ પુરાવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના આધારે જ અદાલતે આકરી સજા સંભળાવી છે."
રહસ્યમય મોતનો મામલો શું છે?

ગ્રીષ્મા કન્યાકુમારી જિલ્લાના દેવીકોડનાં રહેવાસી છે. તેમણે અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી છે જ્યારે શેરોન રાજ પરસલાઈ વિસ્તારમાં રહેતા હતા.
સરકારી વકીલો મુજબ આ હત્યા થઈ ત્યારે શેરોન કન્યાકુમારીની એક કૉલેજમાં બૅચલર ઑફ રેડિયોલૉજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે ગ્રીષ્મા અને શેરોન રાજ એકબીજાને પ્રેમ કરતાં હતાં. આ દરમિયાન ગ્રીષ્માનાં માતાપિતાએ તેમનાં લગ્ન બીજા કોઈ યુવક સાથે કરાવવાનો નિર્ણય લીધો.
તેમના કહેવા મુજબ ગ્રીષ્માની સગાઈ ભારતીય સેનામાં કામ કરતા એક છોકરા સાથે કરાવવામાં આવે અને ગ્રીષ્માને શેરોન સાથેના તમામ જૂના સંબંધો તોડી નાખવા માટે જણાવાયું.
જોકે, શેરોન આ વાતથી બહુ દુખી હતા અને તેમણે સંબંધો તોડવાનો ઇનકાર કર્યો.
સરકારી વકીલોનું કહેવું છે કે શેરોનની સૌથી મોટી ફરિયાદ ગ્રીષ્મા સામે હતી, કારણ કે તે માતાપિતાએ નક્કી કરેલા યુવાન સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી.
તેમના કહેવા મુજબ શેરોન આ મામલે ગ્રીષ્માની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા. ગ્રીષ્માને એ વાતની ચિંતા હતી કે શેરોન ભવિષ્યમાં તેમનાં લગ્નને બરબાદ કરી શકે છે. તેથી તેણે શેરોનને મારી નાખવાની યોજના બનાવી.
આ ઈરાદા સાથે જ ગ્રીષ્માએ શેરોનને પોતાના ઘરે બોલાવ્યા અને તેના ખોરાકમાં ઝેર ભેળવી દીધું, જેના કારણે શેરોનનું મોત થયું.
તપાસમાં શું જાણવા મળ્યું?

શેરોનના મોતના મામલે તપાસ કરવા કેરળ પોલીસે એક ટુકડી એટલે કે એસઆઇટીની રચના કરી હતી.
એસઆઇટીના વડા ડીએસપી રશીદે બીબીસી તમિળ સાથે વાત કરતા જણાવ્યું કે, "શરૂઆતમાં પારસાલઈ પોલીસે બિનકુદરતી મોત તરીકે એફઆઇઆર નોંધી અને પછી આ દિશામાં તપાસ શરૂ કરી હતી."
પરંતુ શેરોનના સગાંસંબંધીઓને આ મોત માટે ગ્રીષ્મા પર શંકા હતી.
ડીએસપી રશીદે કહ્યું, "ત્યાર બાદ આ કેસ કેરળ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી."
ડીએસપી રશીદના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ગ્રીષ્માએ સાચી વાત જણાવી દીધી. પોલીસ તપાસ દરમિયાન તે મામલો છુપાવી શકી નહીં.
ડીએસપી રશીદના જણાવ્યા અનુસાર પોલીસ કસ્ટડીમાં ગ્રીષ્માએ શૌચાલય સાફ કરવા માટે રાખવામાં આવેલી જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ મામલે ગ્રીષ્માનાં માતા અને મામાની પૂછપરછ કરવામાં આવી તો શેરોનને ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા બળવત્તર બની.
આ મામલે બીબીસી તમિળે સરકારી વકીલ વીએસ વિનીતકુમાર સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "આ કેસમાં પ્રત્યક્ષ પુરાવા ન હતા જે સૌથી મોટો પડકાર હતો. તેથી અમે ડિજિટલ, ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓની મદદથી સાંયોગિક પુરાવાઓને જોડીને કોર્ટમાં કેસ સાબિત કર્યો."
"અગાઉ એક વખત ગ્રીષ્માએ જ્યૂસમાં પેરાસિટામોલની 50 ગોળીઓ ભેળવીને શેરોનને પીવા માટે આપી હતી, પરંતુ જ્યૂસ કડવો હોવાથી શેરોને તે પીધો ન હતો, તેથી તે દિવસે તે બચી ગયા."
મોબાઇલ ડેટા ડિલીટ કરવાના કારણે શંકા ગઈ

હત્યાની કોશિશ કરતા અગાઉ ગ્રીષ્માએ મોબાઇલ ફોન પર આ વિશે માહિતી સર્ચ કરી હતી. વિનીતકુમારે જણાવ્યું કે, "પોલીસ તપાસમાં આ બહુ મહત્ત્વનું સાબિત થયું."
તપાસમાં એવું બહાર આવ્યું કે ગ્રીષ્માએ એક ષડયંત્ર બનાવીને શેરોનને પોતાના ઘરે બોલાવ્યા હતા. તેમણે પોતાના ઘરે શેરોનને એક આયુર્વેદિક પીણું પીવા માટે આપ્યું. ગ્રીષ્માએ તેમાં ઝેર ભેળવી દીધું હતું.
પોલીસના કહેવા મુજબ આ આયુર્વેદિક ટોનિક પીધા પછી શેરોનની તબિયત લથડી. તેમને ઝાડાં-ઊલટી શરૂ થઈ ગઈ અને સારવાર માટે થિરુવનંતપુરમ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમની હાલત ખરાબ થઈ ગઈ. તેમના એક પછી એક અંગ કામ કરતાં બંધ થઈ ગયાં. અંતે 25 ઑક્ટોબર, 2022ના રોજ તેમનું મૃત્યુ થયું.
પોલીસે ગ્રીષ્માનો મોબાઇલ ફોન ચેક કર્યો. પરંતુ તેની તપાસમાં જોવા મળ્યું કે તમામ ડેટા ડિલીટ કરી દેવાયો હતો.
વિનીતકુમારે કહ્યું કે, "પોલીસ શેરોનના મોતની તપાસ કરવા આવશે તેવી બીકે ગ્રીષ્માએ પોતાના મોબાઇલ ફોનનો બધો ડેટા ડિલીટ કરી નાખ્યો. તેણે સર્ચ એન્જિન પર એ પણ શોધ્યું હતું કે ડિલીટ કરાયેલો ડેટા ફરીથી મોબાઇલ ફોન પર કેવી રીતે રિકવર કરી શકાય છે."
પોલીસે તેમનો મોબાઇલ ફોન ફૉરેન્સિક લૅબમાં મોકલ્યો અને ગૂગલ ક્લાઉડ ડેટામાં સંગ્રહિત તમામ માહિતી પાછી મેળવી હતી.
ગ્રીષ્માના મોબાઇલમાંથી વૉટ્સઍપ ચેટ, વીડિયો કૉલ, સર્ચ એન્જિન ડેટા વગેરે જપ્ત કરવામાં આવ્યાં અને કોર્ટમાં ડિજિટલ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
વિનીતકુમારે જણાવ્યું કે, "આ વિસ્તારમાંથી એકઠા થયેલા સીસીટીવી ફૂટેજ અને બંને વચ્ચેની વૉટ્સઍપ વાતચીતને પુરાવા તરીકે લેવામાં આવી. તેના પરથી ખબર પડી કે ઘટનાના દિવસે શેરોન ગ્રીષ્માના ઘરે ગયો હતો."
"સાથે સાથે બંને દ્વારા ઉપયોગમાં લેવાતી પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક અને સીડીમાં હાજર ડિજિટલ પુરાવા અને અન્ય સાંયોગિક પુરાવા દ્વારા અમે કોર્ટમાં સાબિત કર્યું કે ગ્રીષ્માએ શેરોનની હત્યા કરી હતી."
પડકારજનક તપાસ અને જજની ટિપ્પણી

ઇમેજ સ્રોત, Getty Images
વિનીતકુમારે જણાવ્યું કે, "તપાસ દરમિયાન સ્પષ્ટ થઈ ગયું કે શેરોને ગ્રીષ્માને ઝેર આપ્યું હતું. પરંતુ પોસ્ટમૉર્ટમમાં મૃતકને ઝેર મળ્યાના કોઈ પુરાવા મળ્યા ન હતા."
"સારવાર માટે ભરતી થયાના 11 દિવસ પછી શેરોનનું મૃત્યુ થયું. સારવાર દરમિયાન ત્રણ વખત તેમનું ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું. તેથી તેમનું લોહી સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયું હતું. તેમના શરીરમાં કોઈ પણ ઝેરી પદાર્થનો પુરાવો બાકી રહ્યો ન હતો."
તેમણે કહ્યું કે, "અમે અદાલતમાં સાંયોગિક પુરાવાની સાથે આખી વાત જણાવી."
20 જાન્યુઆરી, 2025ના રોજ આપેલા ચુકાદામાં નોય્યાટિંકરાઈ ઍડિશનલ સેશન્સ કોર્ટના જજ એએમ બશીરે ગ્રીષ્માને મૃત્યુદંડની સજા સંભળાવી અને તેમના કાકા નિર્મલ કુમારન નાયરને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.
ન્યાયાધીશે પોતાના ચુકાદામાં પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.
ન્યાયાધીશે ચુકાદામાં કહ્યું, "આ કેસમાં પીડિતા શેરોન રાજ અને હત્યારા ગ્રીષ્મા એક જ ઉંમરના હતા. શેરોન ગ્રીષ્માને ખૂબ પ્રેમ કરતાં હતાં. તેમણે તેના પર આંધળો વિશ્વાસ કર્યો. પરંતુ, ગ્રીષ્માએ તેને છેતર્યા."
ફરિયાદ પક્ષના વકીલ વિનીતકુમારના જણાવ્યા અનુસાર, "શેરોન મરણપથારીએ હતા ત્યારે તેમણે મૅજિસ્ટ્રેટ સમક્ષ જુબાની આપી હતી કે તેમને ગ્રીષ્મા સામે કોઈ દ્વેષ નથી. તેઓ નહોતા ઇચ્છતા કે ગ્રીષ્માને સજા થાય. આ ખૂબ જ ઘૃણાસ્પદ અપરાધ છે. એક નિર્દોષ યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે."
"ઝેરના કારણે શેરોનની કિડની, લીવર અને ફેફસાં સહિત તમામ આંતરિક અવયવોને નુકસાન થયું હતું. તેમને આખા શરીરમાં અસહ્ય દુખાવો થતો હતો. હૉસ્પિટલમાં વિતાવેલા 11 દિવસ દરમિયાન તે પાણીનું એક ટીપું પણ પી શક્યા ન હતા."

ઇમેજ સ્રોત, Getty Images
જસ્ટિસ બશીરે કહ્યું, "એક કૉલેજના વિદ્યાર્થીના શુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર સમાજને ચોંકાવી દીધો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ કેસને દુર્લભ ગણીને ગ્રીષ્માને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે."
બીબીસી સાથે વાત કરતા શેરોનના ભાઈ ડૉ. શિમોન રાજે કહ્યું કે, "અમે ઇચ્છતા હતા કે ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે. કેસનું પરિણામ અમારી અપેક્ષા મુજબ જ આવ્યું તેનાથી અમે ખુશ છીએ. ચુકાદો સાંભળીને મારાં માતાએ રાહત અનુભવી છે."
તેમણે કહ્યું, "મારો ભાઈ હવે મારી સાથે નથી તે વાત કદી નહીં ભુલાય. પરંતુ મોટી રાહતની વાત એ છે કે ગુનેગારને મોતની સજા સંભળાવાઈ છે."
મહત્ત્વની માહિતીઃ
- દવાઓ અને થૅરપીથી માનસિક સમસ્યાનો ઇલાજ કરી શકાય છે. તેના માટે મનોચિકિત્સકની મદદ લો. તમે આ હેલ્પલાઇનનો પણ સંપર્ક કરી શકો છો.
- ઈન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ ઍલાઇડ સાયન્સિસ -9868396824, 9868396841, 011-22574820
- તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પર કૉલ કરો.
- સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.
- નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 080 - 26995000 છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












