મુરાદાબાદ: ગૌહત્યા બાદ યુવાનની માર મારીને હત્યા, ન થયો મોબ લિંચિંગનો કેસ કે નથી થઈ ધરપકડ

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, શાહેદીનની ફાઇલ તસવીર
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના નવીન મંડી સ્થળમાં 29-30 ડિસેમ્બરની મધ્યરાત્રે શાહેદીન નામના યુવકની હત્યા થઈ. શાહેદીન પર વાછરડાને મારી નાખવાનો આરોપ હતો.

પોલીસે ગોવંશને મારવાના આરોપમાં અદનાન નામના એક યુવકની ધરપકડ કરી છે.

પરંતુ શાહેદીની માર મારીને થયેલી હત્યાના કેસમાં ઘટનાના ચાર દિવસ બાદ પણ કોઈની ધરપકડ થઈ નથી.

પોલીસે શાહેદીનની હત્યાના મામલામાં અજાણ્યા લોકો વિરુદ્ધ ખૂનના ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની ધારા 102(1) હેઠળ કેસ દાખલ કર્યો છે.

મોબ લિંચિંગનો ગુનો કેમ દાખલ ના થયો?

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, જ્યાં કથિત રીતે ગૌહત્યા થઈ હતી તે શાકમાર્કેટ

આ મામલામાં પોલીસે મોબ લિચિંગની ધારા 103(2) હેઠળ કેસ દાખલ નથી કર્યો. ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) જોગવાઈઓ મુજબ આવા ગુનાઓ મોબ લિંચિંગ તરીકે પરિભાષિત છે. જેમાં પાંચ અથવા એનાથી વધારે લોકોનો સમૂહ ધર્મ, લિંગ, નસ્લ, જાતિ અથવા સમુદાય, જન્મસ્થળ, ભાષા, વ્યક્તિગત વિશ્વાસ કે પછી બીજી કોઈ સમાન આધાર પર કોઈ વ્યક્તિની હત્યા કરે છે.

મોબ લિચિંગની ધારા હેઠળ ભીડમાં સામેલ બધા લોકોને જનમટીપ અથવા તો મોતની સજા થઈ શકે છે.

પરંતુ માર મારીને હત્યાની આ ઘટનામાં મુરાદાબાદ પોલીસે મોબ લિચિંગનો અપરાધ નોંધ્યો જ નથી. તેમણે અજ્ઞાત લોકો સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે.

શાહેદીનની હત્યોના મામલામાં કોઈ ધરપકડ નથી થઈ એવા પ્રશ્ન પર મુરાદાબાદના વરિષ્ઠ પોલીસ અધીક્ષક સતપાલ અંતિલે બીબીસીને જણાવ્યું:

"પોલીસ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. હત્યા એ ગંભીર ગુનો છે. માત્ર શંકાના આધાર પર કોઈની પણ ધરપકડ નહીં કરવામાં આવે."

"જ્યારે પોલીસને પુરતા પુરાવા મળશે, ત્યારે જ ધરપકડ પણ કરવામાં આવશે."

મોબ લિંચિંગની ધારા હેઠળ કેસ ના નોંધવા બાબતે સતપાલ અંતિલ કહે છે કે, "મૃતકના પરિવારજનોએ જે ફરિયાદ આપી છે, તેના આધારે આ મોબ લિચિંગનો ગુનો નથી બનતો."

પોલીસે ગોવંશનાં પશુઓને મારવાનાં મામલે મૃતક શાહેદીન અને ઘટનામાં સામેલ તેમનાં કથિત સાથિદારો વિરુદ્ધ યુપીના સખત ગૌહત્યા વિરોધી કાયદા હેઠળ કેસ નોંધ્યો છે.

આ બંને કેસ મુરાદાબાદનનાં મઝોલા થાણામાં નોંધાયેલા છે. પોલીસે ગૌહત્યાનાં આરોપમાં અદનાનની ત્રીસ ડિસેમ્બરનાં રોજ બપોરે ત્રણ વાગે તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

ગૌહત્યા અને હત્યા

વીડિયો કૅપ્શન, Blood Money શું છે, જેને ચૂક્વીને NImisha Priya યમનમાં થયેલી ફાંસીની સજા ટાળી શકે છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુરાદાબાદનું નવીન મંડી સ્થળ એક વિશાળ પરિસર છે. જ્યાં આસપાસના જિલ્લામાંથી આવીને ખેડૂતો ફળ અને શાકભાજી વેચતા હોય છે. છૂટક વિક્રેતાઓ પણ અહીંથી જ ફળ અને શાકભાજી ખરીદતા હોય છે.

ચાર દિવાલોથી ઘેરાયેલા આ પરિસરમાં અંદર બહાર આવવા જવાનાં બે જ રસ્તા છે, જેમાંથી એક પર પોલીસ ચોકી છે. અહીંયા મંડળીના ચોકીદારો પણ તહેનાત હોય છે.

બજારના સ્થળમાં પાછળ મોટી ખાલી જગ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં રખડતાં પશુઓ આશરો લે છે.

પોલીસ તપાસમાં સામેલ એક અધિકારી મોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, 'શાહેદીન અને તેમના સાથી અદનાન સ્કૂટી પર અહીંયા આવ્યા હતા અને એક વાછરડાની હત્યા કરી હતી. તેમનો ઇરાદો આ માંસને લઈ જઈને વેચવાનો હતો.

પોલીસને સ્થળ પરથી ગૌવંશનું મૃત પશુ, દોરડી, છરો અને સ્કૂટી મળ્યાં. ગૌહત્યાની બૂમરાણ થવાથી હાજર ભીડે શાહેદીનને પકડી લીધા.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શાહેદીનને ભીડમાંથી છોડાવી હૉસ્પિટલે પહોંચાડ્યા હતા.

જે જગ્યાએ આ ઘટનાક્રમ બન્યો, તે હિંદુઓની બહુમતીવાળો વિસ્તાર છે. મંડી પરિસરની ચારે બાજુ હિંદુઓની જ વસ્તી છે અને મુસલમાનોની નહીં જેવી વસ્તી છે.

એક સ્થાનિય હિંદુ યુવકના કહ્યા પ્રમાણે, ગૌહત્યાની જાણકારી મળતા જ અહીંયા ભીડ ભેગી થવા લાગી હતી. જોકે, એ યુવકનું કહેવું છે કે તેઓ ત્યાં હાજર નહતા.

શાહેદીનનું મૃત્યુ કેવી રીતે થયું?

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

ઘટના સંબંધિત અનેક એવા વીડિયો છે કે જેમાં શાહેદીન લોહીલુહાણ જમીન પર પડ્યા છે અને ભીડ તેમને ઘેરીને ઊભી છે.

આ વીડિયોમાં ભીડ તેમના પર હુમલો કરતી અને તેમનાં ધર્મને લઈને ટિપ્પણી કરતી સાંભળી શકાય છે.

કેટલાક લોકોના નામ પણ આ વીડિયોમાં સંભળાય છે. આ બધા વીડિયો વિશે પોલીસને માહિતી છે. જોકે, પોલીસનું એવું કહેવું છે કે તપાસ ચાલી રહી છે.

બીબીસીએ આ વીડિયો અને ઘટનાસ્થળની તપાસ કરી.

ઘટના દરમિયાન પહોંચેલા એક પોલીસકર્મીએ બીબીસીને કહ્યું કે "અમે ઘાયલ યુવકને લઈને તરત પોલીસ સ્ટેશને અને પછી ત્યાંથી હૉસ્પિટલ લઈ ગયા."

બીજા એક પોલીસના કહેવા મુજબ, શાહેદીનને પકડવાવાળા લોકોએ જ પોલીસ સહાયતા નંબર 112 પર ફોન કર્યો હતો.

વરિષ્ઠ પોલીસ અધીક્ષક સતપાલ અંતિલના જણાવ્યા મુજબ, જિલ્લા હૉસ્પિટલથી ઘાયલ યુવકને સાંઈ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાંથી તિર્થંકર મહાવીર યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

જ્યાં ગત સોમવારે સારવાર દરમિયાન ઘાયલ શાહેદીનનું મૃત્યુ થઈ ગયું.

કોણ હતા શાહેદીન ?

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, શાહેદીન કેટલાક સમયથી છૂટક મજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા

36 વર્ષના શાહેદીનનો પરિવાર મુરાદાબાદના ગલશહીદ વિસ્તારમાં એક રૂમનાં ઘરમાં ભાડે રહેતો હતો. તેમના પરિવારમાં પત્ની રીઝવાના અને ત્રણ બાળકો છે, જેમા સૌથી મોટા બાળકની ઉંમર પંદર વર્ષની છે.

તેમનાં બે સગીર બાળકો સો રૂપિયાથી પણ ઓછી રોજમદારીથી કપડાંની દુકાનમાં કામ કરતાં હતાં, જ્યારે સૌથી નાનું સંતાન નવ વર્ષનું છે અને તે શાળાએ જાય છે.

શાહેદીન બૉડી બિલ્ડર હતા પરંતુ બે વર્ષ પહેલાં તેમની તબિયત ખરાબ થઈ ગઇ હતી. તેમની સારવાર કરાવવામાં જ પરિવારની આર્થિક હાલત કથળી હતી. છેલ્લા થોડા દિવસોથી તેઓ પણ રોજમદાર તરીકે મજૂરી કરતા હતા.

શાહેદીના પડોશીઓ કહે છે કે તેમણે થોડો સમય માટે માંસની દુકાને પણ મજૂરી કરી હતી.

તેમના ભાઈ આલમે બીબીસીને જણાવ્યું કે, તબિયત ખરાબ થયા બાદ શાહેદીન ખૂબ જ કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને જે કામ મળતું તે કરી લેતા.

શાહેદીન જ્યારે બૉડી બિલ્ડીંગ કરતા ત્યારે તેમનું શરીર તંદુરસ્ત હતું, પરંતુ તબિયત ખરાબ થયા બાદ તેમનું શરીર લેવાઈ ગયું હતું. શાહેદીનની એક તસવીર સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શેર થઈ રહી છે. એ તસવીર શાહેદીન બૉડી બિલ્ડીંગ કરતા હતા તે સમયની છે.

શાહેદીના પડોશીઓ મુજબ હાલત ખરાબ હોવાથી તેમના ભાઈઓ તેમની આર્થિક મદદ કરતા હતા.

તેમના એક સગા કહે છે કે, જો અમારા ભાઈ પાસે કંઈ હોત તો તેમના બાળકો મજૂરી ના કરતા હોત. શાળાએ જતા હોત.

ઘટનાની રાત્રે તેઓ કામ પર જઈ રહ્યા છે તેમ કહી નીકળ્યા હતા. તેમના ભાઈના કહેવા પ્રમાણે, તેઓ તેમનાં બાળકોને કહીને ગયા હતા કે 'કામ પર જાઉં છું અને સવાર સુધીમાં પાછો આવી જઈશ.'

પોલીસના જણાવ્યા મુજબ શાહેદીનની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી.

કોણ છે અદનાન?

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, અદનાનનાં માતા અસમા

24 વર્ષીય અદનાનનો પરિવાર શાહેદીના ઘરથી એક કીલોમીટર દૂર કાચા મકાનમાં રહે છે. ચાર બહેનો વચ્ચે એક ભાઈ અદનાન કુટુંબનો એકલો કમાતો સદસ્ય હતો.

અદનાનની ગૌહત્યાના મામલે ધરપકડથી તેમનાં વિધવા માતા અને અવિવાહીત બહેનો પરેશાન છે. તેમના પિતાનું ઘણાં વર્ષો પહેલા જ મોત થઈ ગયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે અદનાની પહેલાં પણ ગૌતસ્કરીનાં મામલામાં ધરપકડ થઈ ચૂકી છે.

અદનાનનાં માતા આસમા બીબીસી સાથે વાત કરતા કરતા બેહોશ થઈ ગયાં. તેમણે રડતાં-રડતાં જણાવ્યું કે, મારો દીકરો એ દિવસે ઘરે સૂતો હતો અને પોલીસ આવીને તેને ઉઠાવી ગઈ.

અદનાનનાં એક બહેનનો દાવો છે કે તે છેલ્લા કેટલાય મહિનાથી બેરોજગાર હતા અને અદનાને માંસનું કામ છોડી દીધું હતું.

આસમા કહે છે કે, મારા નિર્દોષ દીકરાને ફસાવવામાં આવી રહ્યો છે. એ જેલમાં છે અને અમારા ઘરમાં કમાનાર કોઈ નથી. હું નથી જાણતી કે હવે હું કેવી રીતે મારી દીકરીઓનું પેટ ભરીશ?

પોલીસનું કહેવું છે કે અદનાન ઘટનાના સમયે શાહેદીનની સાથે જ હતા અને ગૌહત્યામાં પણ સામેલ હતા.

પોલીસ અધીક્ષક સતપાલ અંતિલ કહે છે, "મૃતક શાહેદીનના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અદનાન જ તેને મંડી સુધી લઈ ગયા હતા."

શાહેદીનના પરિવારના સવાલો

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, અદનાનના બે સગીર દીકરાઓએ પણ છૂટક મજૂરી કરવી પડતી

શાહેદીનના ઘરની આસપાસ તેનાં સગાવ્હાલા ભેગા થઈ રહ્યા છે. આ ઘટના બાદ તેમનામાં આક્રોશ અને ડર વ્યાપેલો છે. અહીંયા લોકો વાત કરતા પણ ખચકાય છે.

તેમના એક સગા હાજી શમશાદ આક્રોશ સાથે કહે છે, "વીડિયોમાં દેખાય રહ્યું છે કે કેવી બેરહેમી સાથે શાહેદીનને માર મારવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈની જ ધરપકડ થઈ નથી. ધરપકડ તો ઠીક કોઈની પૂછતાછ પણ નથી થઈ."

શમશાદ ઉમેરે છે, "મારવાવાળા લોકોએ જ વીડિયો બનાવ્યો અને વાઇરલ પણ કર્યો. પોલીસને બધી માહિતી છે કે કોણે શું કર્યું છે, પરંતુ તે ધરપકડ નથી કરી રહી. મુસલમાનનું મોબ લિંચિંગ થઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી."

"મારો ભાઈ મુસલમાન હતો એટલે કોઈને પકડવામાં નથી આવ્યા. જો કોઈ હિંદુનું મોત થયું હોત, તો આખા વિસ્તારને પોલીસે ઘેરી લીધો હોત."

શાહેદીનના નજીકના દોસ્ત વારીસ જમાલ કુરેશીને હવે તેનાં બાળકોનાં ઉછેરની ફિકર છે.

વારિસ કહે છે કે, તે એકલો કમાનાર હતો. ભીડે તેને મારી નાંખ્યો. તેનો પરિવાર બેસહારા થઈ ગયો. સરકારે એના પરિવારને આર્થિકસહાય આપવી જોઈએ.

શાહેદીન પરનો હુમલાનો વીડિયો બતાવતા તેમનાં એક બહેન કહે છે કે, મારા ભાઈને આવી બેરહમીથી મારી નાખવામાં આવ્યો. તે તડપી રહ્યો હતો અને તેને માર મારવામાં આવી રહ્યો હતો.

"પોલીસે હજુ સુધી આ લોકોને પકડ્યા નથી. અમે મુસલમાન છીએ એટલે જ અમને ન્યાય નથી મળી રહ્યો."

અજ્ઞાત શખ્સો વિરુદ્ધ કેમ કેસ નોંધાયો?

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, શાહેદીનના ભાઈ મોહમ્મદ આલમ

શાહેદીનની હત્યા માટે અજ્ઞાત શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શાહેદીનના મોટા ભાઈ મોહમ્મદ આલમ કહે છે, "વીડિયોમાં હુમલો કરનાર નથી દેખાઈ રહ્યા. એટલે અમે અજ્ઞાત સામે કેસ નોંધાવ્યો છે. અમને કોઈના ઉપર શંકા પણ નથી એટલે કોઈના નામ પણ નથી આપ્યા."

આલમ ઉમેરે છે, "એ વાતમાં કોઈ શંકા નથી કે મારા ભાઈને મંડીના લોકોએ જ માર્યો છે. પોલીસની જવાબદારી છે કે તે આ લોકોને ઓળખી કાઢે."

નિસહાયતા વ્યક્ત કરતા આલમ કહે છે, "પોલીસ પણ એમની જ છે. મારવાળા પણ એજ છે. જો અમે અમારા ભાઈના મોત અંગે વધારે બોલીશું, તો અમારા પર પણ ખોટા કેસ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે."

તેમ છતા આલમ કહે છે, "અમને આશા છે કે એક દિવસ અમને ન્યાય મળશે. કાનૂની લડાઈ જ્યાં સુધીની હશે, ત્યાં સુધી અમે લડીશું."

હિંદુવાદી સંગઠનનો દાવો

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, હિંદુવાદી નેતા રોહન સક્સેના

હિંદુવાદી સંગઠન રાષ્ટ્રીય બજરંગ દળનાં મુરાદાબાદનાં અધ્યક્ષ રોહન સક્સેનાનો દાવો છે કે તેમને ગૌહત્યાની જાણકારી તેમના કાર્યકરો દ્વારા મળી હતી અને તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા.

રોહન સક્સેનાએ ઘટના બાદ એક વીડિયો પણ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદના કાર્યકર્તાઓને મંડીમાં ગૌહત્યા વિશે જાણકારી મળી હતી.

રોહન સક્સેનાએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેઓ અથવા તેમના કાર્યકરો ઘટનાસ્થળે હાજર ન હતા. તેમણે પોલીસને માત્ર માહિતી આપી હતી.

રોહન સક્સેના કહે છે કે, "હું લગભગ સાડા પાંચ વાગે પોલીસ સ્ટેશન પહોંચ્યો. અમારા કાર્યકર્તાઓએ ગૌહત્યાની જાણકારી આપી હતી, પરંતુ કોઈ કાર્યકર ઘટના સમયે ત્યાં હાજર નહતો."

જ્યારે મુરાદાબાદ વિશ્વ હિંદુ પરિષદનાં અધ્યક્ષ ડૉ. રાજ કમલ ગુપ્તા કહે છે, "આ ઘટનાની પાછળ કોઈ મોટું કાવતરું પણ હોઈ શકે છે. હિંદુઓની બહુમતીવાળા વિસ્તારમાં આ લોકો શું માત્ર ગૌહત્યા કરવા માટે જ આવ્યા હતા?

રાજ કમલ ગુપ્તા શાહેદીનના મોત પર અફસોસ તો વ્યક્ત કરે છે. પરંતુ સાથે એમ પણ કહે છે કે, 'એ વાતની તપાસ થવી જોઈએ કે હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં ગૌહત્યાનો પ્રયાસ વાતાવરણને બગાડવા કે કોઈ મોટા હુલ્લડ કરાવવાનું ષડયંત્ર હતું કે કેમ?'

ગુપ્તા ઉમેરે છે કે, કોઈને પણ આ રીતે રહેંસીને મારી નાખવા ના જોઈએ પરંતુ ગૌમાતાની હત્યાને જોઇને હિંદુઓનું આક્રોશીત થવું સ્વાભાવિક છે.

પોલીસે આ સવાલોના જવાબ ના આપ્યા

ભારતીય ન્યાય સંહિતા, મોબ લિંચિંગ, મુરાદાબાદ, ગોવંશની હત્યા બાદ મુસ્લિમ યુવકની હત્યા, પોલીસ દ્વારા ધરપકડ કે કાર્યવાહી નહીં
ઇમેજ કૅપ્શન, મુરાદાબાદના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સતપાલ અંતિલ

હત્યાના મામલામાં પોલીસે હજુ સુધી કોઈની પણ પૂછપરછ નથી કરી. તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

બીબીસીએ આ ઘટના બાદ ઊભા થયેલા પ્રશ્નો અંગે પોલીસ અધિક્ષક સતપાલ અંતિલ સાથે વાત કરવાની કોશિષ કરી, પરંતુ તેમણે કૅમેરા સમક્ષ વાત કરવાનો ઇન્કાર કરી દીધો.

જોકે, બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 'મૃતકના પરિવારે જે ફરિયાદ આપી છે તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આગળ તેઓ વધારે પુરાવા આપશે, તો તેને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે.'

સતપાલ અંતિલે કહ્યું કે, મૃતકના ઘરવાળાઓનો આરોપ એ છે કે બીજા આરોપી અદનાને આખું ષડયંત્ર ઘડ્યું હતું. અમે મૃતકના પરિવારજનોની જુબાની લઈશું જેથી કોઈ એમ ના કહે કે પોલીસે એમના તરફથી કોઈ કાર્યવાહી ના કરી.

આ ઘટના સાથે જોડાયેલા કેટલાય વીડિયો સાર્વજનિક થયા છે, જેમાંથી કેટલાકમાં કથિત રીતે ત્યાં હાજર લોકોનાં નામ પણ સંભળાય છે.

ઘટનાનાં વીડિયો અંગેના પ્રશ્નના જવાબમાં પોલીસ અધિક્ષકે કહ્યું કે, "અમે ગંભીરતાથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને માત્ર પુરાવાનાં આધારે જ તપાસ થશે. શંકાના આધારે અમે કોઈની પણ ધરપકડ નહીં કરીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.