ગુજરાત: કપાસનું ઉત્પાદન ઘટવા છતાં ભાવ કેમ તળિયે છે?

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, કપાસની હરાજીમાં ભાગ લઈ રહેલા ખેડૂતો
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના યાર્ડમાં સૂરજ ક્ષિતિજથી ઉપર ચડવા માંડ્યો એટલે ખેડૂતોએ વેચાણ માટે લવાયેલા કપાસની સફેદી સૌને અંજાવા લાગી. તેવામાં કપાસની હરાજી ચાલુ થઈ.

દસેક વાગ્યા એટલે તડકો વધ્યો અને સફેદ ઝાંય વેપારીઓ, ખેડૂતો, મજૂરો એમ સૌને પજવવા લાગી. કેટલાક વેપારીઓએ કાળા ચશ્મા લગાવી લીધાં, તો કેટલાક સૂરજની દિશામાં ઊભા રહેવાનું ટાળવા લાગ્યા.

ખેડૂતો પોતાના હાથનું નેજવું કરી કપાસ પરથી પરાવર્તિત થઈ તેમની આંખોમાં આવતા સૂર્યપ્રકાશને રોકવા મથી રહ્યા, પરંતુ તડકો કડકડતી ઠંડીમાં સૌને થોડી રાહત આપતો હોય તેમ જણાતું હતું.

તેવામાં હરાજી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુધાધુના ગામેથી આવેલા નવલભાઈ પિપરિયા નામના ખેડૂત કપાસની 74 ગાંસડીઓ સાથે પહોંચ્યા. હરાજીકારે રૂપિયા 1400 પ્રતિમણના ભાવથી હરાજી ચાલુ કરી.

એક મિનિટ પૂરી થાય તે પહેલાં તો નવલભાઈનો કપાસ રૂપિયા 1470 ના ભાવે વેચાઈ ગયો. હરાજીકાર ઝડપભેર ગાંસડીઓની પાસેની થપ્પીની વાટ પકડીને, "બોલો ભાઈ..., આનો ભાવ બોલો..." અવાજ લગાવ્યો.

વેપારીઓ અને દલાલો પણ કપાસની ગાંસડીઓ અને ઢગલાંઓ વચ્ચેથી સરકી એ તરફ જતા રહ્યા, પરંતુ નવલભાઈ તો પોતાની ગાંસડીઓ પાસે એકલા જ ઊભા રહી ગયા.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

"હળપતિ કોઈ દિ' કરોડપતિ ન હોય"

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, ખેડૂત નવલભાઈ પિપરિયા

નવલભાઈએ જે દલાલ મારફત કપાસ વેચ્યો હતો, તેના માણસોને કહ્યું, "એલાવ (અલ્યા), ચા લેતા આવો હવે."

એ પછી 58 વર્ષીય નવલભાઈ ગાંસડીઓની થપ્પી પર બેસી ગયા. થોડી મિનિટો પછી મજૂરો આવી નવલભાઈના કપાસને જોખવા લાગ્યા. વજન પૂરું 139 મણ (20 કિલો એટલે એક મણ) થયું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અન્ય એક હરોળમાં રાજકોટ તાલુકાના વાછકપર બેડી ગામેથી આવેલ ખેડૂત માવજીભાઈ બોપલિયાનો 45 મણ કપાસ રૂપિયા 1450 ના ભાવે હરાજીથી ગયો. કોઈ ઉત્સાહ કે નિરાશા દેખાડ્યા વગર નવલભાઈ અને 65 વર્ષીય માવજીભાઈ ડિસેમ્બર મહિનાની આ ઠંડી સવારે કપાસ અને સૂર્યની હૂંફ લેતા પોતપોતાને ઢગલે સુસ્ત બેસી ગયા.

નવલભાઈ કહે છે, "ગયા વર્ષે મેં 15 વીઘા (6.25 વીઘાએ એક હેક્ટર થાય)માં કપાસ વાવ્યો હતો. સારા વર્ષે વીઘે 30-35 મણ ઉત્પાદન મળે. પણ ગત વર્ષે અમારે વરસાદ ઓછો થતા પાણીની ઘટ રહી અને વીઘે સરેરાશ 18 મણ ઉત્પાદન મળ્યું. ગયા વર્ષે સરેરાશ ભાવ 1500 થી વધારે મળ્યો હતો."

"આ વર્ષે પણ 15 વીઘામાં કપાસ વાવ્યો છે અને ઉત્પાદન 18 મણ જેટલું જ રહેશે, કારણ કે પહેલો ફાલ જન્માષ્ટમીમાં આવેલ ભારે વરસાદે ખેરી નાખ્યો."

"બીજો ફાલ સારો આવ્યો પરંતુ તે પણ નવરાત્રી દરમિયાન થયેલ માવઠાએ ખેરી નાખ્યો. ત્રીજા ફાલમાં તો ગુલાબી ઇયળો દર વર્ષે આવી જાય છે. મોંઘવારી વધતા કપાસની ખેતીમાં વીઘે 9000 નું ખર્ચ થાય છે પણ કપાસના ભાવ ઘટ્યા છે. ભાવ 1600-1700થી જેટલા ઓછા આવે તેટલા ઓછા ગણાય."

પ્રાથમિક શિક્ષણ મેળવેલ નવલભાઈ હસતા-હસતા ઉમેરે છે, "હળપતિ કોઈ દિ' કરોડપતિ ન હોય."

નવલભાઈ કુલ 40 વીઘામાં ખેતી કરે છે અને કપાસ ઉપરાંત મગફળીનું વાવેતર કરે છે.

વીસ વીઘા જમીનના માલિક માવજીભાઈ કહે છે કે સારા વર્ષે તેમને વીઘા દીઠ સરેરાશ 35 મણ જેટલા કપાસનું ઉત્પાદન મળે છે, પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે વીઘે 12 મણ જેટલો જ કપાસ પાકે તેમ લાગે છે.

માવજીભાઈ કહે છે, "બે વર્ષ પહેલાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022 માં) કપાસનો ભાવ રૂપિયા 2500 થયો હતો તેથી આશા તો ઊંચી જ રહે છે."

તેઓ ઉમેરે છે, "હા એ વાત પણ સાચી છે કે પાંચ વર્ષ પહેલાં ભાવ 1000 -1200 જ હતા, પણ ત્યારે મજૂરી, ખાતર અને ડીઝલ આટલાં મોંઘા ન હતાં. જો વીઘે 32 મણ ઉત્પાદન મળે, તો 1450 ના ભાવ પોસાય."

ઓછું વાવેતર, ઓછું ઉત્પાદન છતાં ઓછાં ભાવ

વીડિયો કૅપ્શન, Chickpea cultivation : ચણાનો પાક લેતા ખેડૂતોએ પિયત ક્યારે આપવું, આ પાકમાં કયા રોગ લાગે છે?

ખરીફ ઋતુ એટલે કે ચોમાસા દરમિયાન ગુજરાતમાં વવાતા પાકોમાં સૌથી વધારે વાવેતર કપાસનું થાય છે.

ભારતમાં કપાસનું સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે પણ વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારત સરકારના 2024-25ના ખરીફ ઋતુના પાકોના પ્રથમ અંદાજ (ફર્સ્ટ ઍડવાન્સ ઍસ્ટિમૅટ્સ) અનુસાર ગુજરાતમાં કુલ 23.92 લાખ હેક્ટર (અંદાજે એક કરોડ 48 લાખ વીઘા)માં કપાસનું વાવેતર નોંધાયું હતું.

આ આંકડો ગત વર્ષના 26.83 લાખ હેક્ટરની સરખામણીએ બે લાખ 91 હજાર હેક્ટર જેટલો ઓછો છે. આમ આ વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર ગત વર્ષની સાપેક્ષે લગભગ ત્રણ લાખ હેક્ટર જેટલો ઘટ્યો.

ગુજરાતના ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર, ગત ત્રણ વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 24 લાખ 95 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે અને આ વર્ષે 23 લાખ 71 હજાર હેક્ટરમાં જ આ પાકનું વાવેતર થયું છે.

આ સરેરાશની સરખાણીએ પણ 2024-'25નો વાવેતર વિસ્તાર એક લાખ 24 હજાર હેક્ટર એટલે કે સામાન્ય કરતાં પાંચેક ટકા જેટલો ઘટ્યો છે

વાવેતર વિસ્તારના ઘટાડા સાથે આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ ઘટવાનું અનુમાન છે. કપાસના ઉત્પાદનના આંકડા કૉટન બૅલ એટલે કે રૂની ગાંસડીમાં દર્શાવાય છે.

ભાવ કેવી રીતે નક્કી થાય?

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, મધુભાઈ જસાણી

ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા કપાસમાં રૂ અને કપાસિયા એમ બે ઘટક હોય છે. સામાન્ય રીતે 100 કિલો કપાસમાં 34 કિલો રૂ, 65 કિલો કપાસિયા અને એક કિલો જેટલો ભેજ કે અન્ય અશુદ્ધિઓ હોય છે.

જીનિંગ ફૅક્ટરીઓમાં કપાસમાંથી રૂના તાંતણાં અને કપાસિયા છૂટા પાડવામાં આવે છે. જીનિંગ પ્રક્રિયા બાદ છૂટાં પડેલાં રૂને દબાવીને 170 કિલોની (8.5 મણ) એક એવી ગાંસડી બનાવવામાં આવે છે, જયારે કપાસિયામાંથી ખાદ્યતેલ અને પશુઓ માટેનાં દાણ-ખોળ બનાવવામાં આવે છે.

આવી 170 કિલોની રૂની ગાંસડીને કપાસના ઉત્પાદનની ગણતરીમાં એકમ તરીકે લેવાય છે.

ભારતમાં ખેડૂતો દ્વારા કપાસના વેચાણની શરૂઆત સામાન્ય રીતે ઑક્ટોબરથી થાય છે તેથી ઑક્ટોબરથી બીજા વર્ષના સપ્ટેમ્બર સુધીના 12 મહિનાને કપાસની એક સિઝન કે 'કપાસવર્ષ' કહેવાય છે.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2023-24 માં કપાસનું ઉત્પાદન 90.60 લાખ ગાંસડી થયું હતું. ભારત સરકારના 2024-25 વર્ષના પ્રથમ અંદાજ મુજબ, આ વર્ષે ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં લગભગ છ લાખ ગાંસડીનો ઘટાડો થશે અને રાજ્યનું કુલ ઉત્પાદન 84 લાખ ગાંસડી આસપાસ રહેવાનું અનુમાન છે.

આ વર્તારા મુજબ મહારાષ્ટ્ર ગુજરાતથી આગળ નીકળી જશે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વાવેતર ગત વર્ષના 42 લાખ 34 હજાર લાખ હેક્ટરથી ઘટીને 40 લાખ 84 હજાર હેક્ટર થઈ ગયું છે, પરંતુ ઉત્પાદન 80 લાખ 45 હજાર ગાંસડીથી વધીને 84 લાખ 80 હજાર ગાંસડી રહેવાનો અંદાજ છે.

આંતરરાષ્ટ્રીય કારણોની સ્થાનિક બજારો પર અસર

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશ સાથેના રાજકીય તણાવની ત્યાંની ડિમાન્ડ પર અસર

ગુજરાતના વિવિધ એપીએમસીના (ઍગ્રિકલ્ચર પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી) યાર્ડોમાં કપાસની અવાક સૌથી વધારે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન નોંધાતી હોય છે અને રાજકોટ એપીએમસી રાજ્યમાં કપાસનું સૌથી મોટું બજાર ગણાય છે.

ભારત સરકારના ઍગમાર્કનેટ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ ભાવના આંકડા અનુસાર રાજકોટ યાર્ડમાં ડિસેમ્બર 2021માં કપાસની મોડાલ પ્રાઇસ (જે તે દિવસે વેચાણ થયેલા માલના કુલ લૉટની સંખ્યામાંથી જે કિંમતે સૌથીવધારે લૉટનું વેચાણ થાય તે કિંમતને મોડાલ પ્રાઇસ કહેવાય) સરેરાશ 1,700 રૂપિયા હતી.

2022ના એપ્રિલમાં તે સરેરાશ 2300 રૂપિયા થઈ ગઈ, પરંતુ કપાસનું નવું વર્ષ ચાલુ થતા 2022ના ડિસેમ્બરમાં ઘટીને સરેરાશ રૂ. 1,750 થઈ ગઈ. 2023ના ડિસેમ્બરમાં મોટા ઘટાડા સાથે તે સરેરાશ રૂ. 1,390 થઈ ગઈ પરંતુ 2023-24ના કપાસ વર્ષમાં સરેરાશ ભાવ એકંદરે રૂ. 1500 થી વધારે હતા. ડિસેમ્બર 2024 માં સરેરાશ ભાવ રૂ. 1420 છે.

રાજકોટમાં કપાસના વેપારી મધુભાઈ જસાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ઓછા ભાવ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે છે. તેમણે જણાવ્યું:

"ગયા વર્ષે કપાસના ભાવ 1600થી 1700 હતા, પરંતુ આ વર્ષે તેમાં મણદીઠ રૂ. 150 થી રૂ. 200નો ઘટાડો થયો છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે."

"વળી, ભારત બાંગ્લાદેશમાં મોટાપાયે કપાસની નિકાસ કરતું હતું, પરંતુ હાલમાં ત્યાંની રાજકીય પરિસ્થિતિના કારણે ભારતીય કપાસની નિકાસ ઘટી છે. ચીનમાં ભારતના કપાસની નિકાસ નથી."

"ઉપરાંત, આ વર્ષે કપાસિયાખોળની માંગ ઘટવાથી કપાસિયાનો ભાવ 670 પ્રતિ મણ છે જે ગયા વર્ષે 750 ની આજુબાજુ હતો. આવાં પરિબળોના કારણે ભાવ નીચા છે."

રાજકોટ એપીએમસીના પ્રમુખ જયેશ બોઘરાએ બીબીસી ગુજરતી સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતોમાં થોડો અસંતોષ છે.

બોઘરા જણાવે છે, "ગયા વર્ષની સરખામણીએ ભાવ દોઢસોથી બસો રૂપિયા ઓછા છે. તેથી હાલના ભાવથી ખેડૂતોને સંતોષ ન થાય તે સ્વાભાવિક છે."

"આ બધું ડિમાન્ડ-સપ્લાય પર નિર્ભર છે. હા, આ વર્ષે ઉતારો પાંચથી દસ મણ ઓછો છે. વીઘે 25 થી 30 મણ કપાસ થતો તે ઘટ્યો છે."

ટેકાના ભાવથી પણ નીચાં

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસીમાં કપાસની હરાજી

કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશમાં જેનું બહોળું વાવેતર થાય છે તે શંકર-6 કે શંકર-10 જાતના લાંબા તારવાળા બીટી હાઇબ્રિડ કપાસના લઘુતમ ટેકાના ભાવ 1494 રૂપિયા નક્કી કર્યા છે. બજારભાવ ટેકાના ભાવ કરતાં 50 -60 રૂપિયા નીચા છે.

મધુભાઈ જણાવે છે, "પરંતુ આ તફાવત કંઈ ખાસ ન કહેવાય, તેથી ખેડૂતો તેમનો કપાસ બજારમાં જ વેચી રહ્યા છે."

ભારતમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં કપાસ મોટા પાયે વવાય છે. પરંતુ ત્યાં પણ ગુજરાત જેવી જ સ્થિતિ છે.

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, ભારતમાં 2023-24માં કપાસનો વાવેતર વિસ્તાર 126 લાખ 88 હજાર હેક્ટર હતો તે 2024-25માં ઘટીને 113 લાખ 60 હજાર હેક્ટર થયો છે.

આમ, દેશના વાવેતર વિસ્તારમાં 13 લાખ હેક્ટર જેટલો ઘટાડો થયો છે. સૌથી વધારે ઘટાડો રાજસ્થાનમાં (3 લાખ 42 હજાર હેક્ટર) જેટલો નોંધાયો છે અને ત્યાર પછી ગુજરાત (લગભગ ત્રણ લાખ હેક્ટર), મહારાષ્ટ્ર (એક લાખ 35 હજાર હેક્ટર), મધ્ય પ્રદેશ (એક લાખ 18 હજાર હેક્ટર) અને પંજાબ (એક લાખ 14 હજાર હેક્ટર)નો ઘટાડો નોંધાયો છે.

તેવી જ રીતે દેશમાં કપાસનું કુલ ઉત્પાદન ગત વર્ષના 3 કરોડ 25 લાખ ગાંસડીથી ઘટીને લગભગ ત્રણ કરોડ ગાંસડી થવાનો અંદાજ છે. સૌથી વધારે ઘટાડો રાજસ્થાનમાં થવાનો અંદાજ છે. ત્યાં લગભગ છ લાખ ગાંસડીની ઘટ થતાં ઉત્પાદન 26 લાખ 22 હજાર ગાંસડીથી ઘટીને 20 લાખ 42 હજાર ગાંસડી થવાનું અનુમાન છે.

તેવી જ રીતે ગુજરાત (5 લાખ 77 હજાર ગાંસડીનો ઘટાડો) ઉપરાંત હરિયાણામાં 4 લાખ 86 હજાર ગાંસડી, પંજાબ અને મધ્ય પ્રદેશમાં બંનેમાં 3 લાખ 89 હજાર ગાંસડી, ઓડિશામાં 2 લાખ 33 હજાર, કર્ણાટકમાં લગભગ બે લાખ, તેલંગાણામાં 1લાખ 85 હજાર ગાંસડી અને તામિલનાડુમાં 1 લાખ 43 હજાર ગાંસડી જેટલો ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે.

મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જ એવા રાજ્યો છે જ્યાં કપાસના ઉત્પાદનમાં અનુક્રમે 4 લાખ 35 હજાર ગાંસડી અને બે લાખ ગાંસડી જેટલો વધારો થવાનો અંદાજ છે. આ બધાં રાજ્યોમાં કપાસના ભાવ નીચા ચાલી રહ્યા છે.

વૈશ્વિકબજારમાં ભારત ક્યાં?

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપાસના ખેડૂતની પ્રતીકાત્મક તસવીર

બજારના જાણકારો કહે છે કે નીચા ભાવ માટે વૈશ્વિક કારણો જવાબદાર છે. દુનિયામાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન ચીનમાં થાય છે. ત્યાર પછી ભારત, બ્રાઝિલ, અમેરિકા, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા ખંડનો નંબર આવે છે.

વિશ્વના કપાસબજાર પર ધ્યાન રાખી વિશ્લેષણો પૂરા પડતી ઇંગ્લૅન્ડની કંપની કૉટલૂક લિમિટેડના અંદાજ મુજબ 2024-25 ના વર્ષમાં ચીનમાં કપાસનું ઉત્પાદન ત્રણ કરોડ 66 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.

આ જ અંદાજ મુજબ, ભારતમાં 2 કરોડ 99 લાખ, બ્રાઝિલમાં 2 કરોડ 25 લાખ, અમેરિકામાં 1 કરોડ 85 લાખ, પાકિસ્તાનમાં 63 લાખ 79 હજાર, ઑસ્ટ્રેલિયામાં 60 લાખ 27 હજાર અને આફ્રિકામાં 57 લાખ 33 હજાર ગાંસડી જેટલો કપાસ થવાનો અંદાજ છે.

કૉટલૂકના અનુમાન મુજબ, ચીન અને બ્રાઝિલમાં આ વર્ષનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ અનુક્રમે 11લાખ 76 હજાર અને 10 લાખ 93 હજાર ગાંસડી વધારે હશે જયારે અમેરિકા અને પાકિસ્તાનમાં અનુક્રમે 7 લાખ 58 હજાર અને 4 લાખ 11 હજાર ગાંસડી ઓછું હશે.

પરંતુ કુલ વૈશ્વિક ઉત્પાદન 10 લાખ ગાંસડીના વધારા સાથે ગત વર્ષના 14 કરોડ 74 લાખ ગાંસડીની સામે આ વર્ષે 14 કરોડ 86 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.

વપરાશ કરતાં વધારે ઉત્પાદન

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, જયેશભાઈ બોઘરા

વિશ્વમાં કપાસના ઉત્પાદન અને વપરાશની બાબતમાં ચીન અને ભારત અનુક્રમે પ્રથમ અને બીજા નંબરે છે, પરંતુ ભારતમાં કપાસનું ઉત્પાદન તેના રાષ્ટ્રીય વપરાશ કરતાં વધારે રહે છે.

ભારત સરકારના આંકડા મુજબ ભારતમાં 2022-23ના વર્ષમાં 3 કરોડ 36 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું, પરંતુ તેની સામે ભારતમાં કાંતણ-વણાટ તથા અન્ય ઉદ્યોગો મળી કુલ માંગ 3 કરોડ 13 લાખ ગાંસડી જેટલી જ રહેવાં પામી હતી.

તેવી જ રીતે 2023-24ના વર્ષમાં કપાસનું ઉત્પાદન 3 કરોડ 25 લાખ ગાંસડી હતું અને 2022-23ના વર્ષની વણવપરાયેલી 61લાખ16 હજાર ગાંસડીની સિલક સહિત કુલ ઉપલબ્ધ જથ્થો 3 કરોડ 86 લાખ ગાંસડી હતો, પરંતુ ઉદ્યોગોની માંગ 3 કરો 23 લાખ ગાંસડી જ હતી.

2024 -25ના વર્ષમાં ગત વર્ષે આયાત કરાયેલ 15 લાખ 20 હજાર ગાંસડી સહિતની 47 લાખ 10 હજાર ગાંસડીની સિલક અને 2 કરોડ 99 લાખ ગાંસડીના ઉત્પાદનના અંદાજથી કુલ ઉપલબ્ધ જથ્થો 3 કરોડ 46 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે, પરંતુ માંગ 3 કરોડ 26 લાખ રહેવાનો અંદાજ છે.

આ આંકડા સૂચવે છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન તેના વપરાશથી વધારે છે અને તેથી જો કપાસની નિકાસ થાય તો ખેડૂતોને ભાવ ઊંચા મળે.

વૈશ્વિક બજાર કરતાં ઊંચા ભાવ

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને બ્રાઝિલમાં કપાસના વપરાશ કરતાં ઉત્પાદન વધુ

પરંતુ, કૉટન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ અમેરિકાના ઍટલાન્ટામાં આવેલા ઇન્ટરકૉન્ટિનેન્ટલ ઍક્સચેન્જ (ICE ) ફ્યૂચર્સ એટલે કે વાયદાબજારના 2021 -22 થી 2024 -25 ટ્રૅન્ડને ટાંકીને બીબીસીને જણાવ્યું કે આંતરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ ભારતના બજારભાવ કરતા નીચા છે.

અતુલ ગણાત્રા જણાવે છે, "ભારતમાં આ વર્ષે કૉટન કેન્ડીના ભાવ 60000 થી 53500 ચાલી રહ્યાં છે. ભારતમાં ભાવ ઘટવાનું મુખ્ય કારણ આંતરાષ્ટ્રીય બજારમાં થયેલો ભાવઘટાડો છે."

"ICE ફ્યૂચર્સ 100 સેન્ટ (એક ડૉલર=100 સેન્ટ)થી ઘટીને 68 (પ્રતિ પાઉન્ડ એટલે કે પ્રતિ 453.59 ગ્રામ) સેન્ટ થઈ ગયા છે. બીજું મુખ્ય કારણ છે બ્રાઝિલનો સસ્તો કપાસ. તે કપાસ અત્યારે 47000 -48000ના ભાવે મળી રહ્યો છે."

એક કૉટન કેન્ડીમાં 356 કિલો રૂ હોય છે. પ્રતિ મણ કપાસમાંથી સરેરાશ 6 કિલો 600 ગ્રામ રૂ અને 13 કિલો કપાસિયા મળે. તે હિસાબે, 53. 94 મણ કપાસમાંથી એક કેન્ડી રૂ મળે.

જો કેન્ડીનો ભાવ 53,500 હોય, તો કપાસનો ભાવ 1427 પ્રતિ મણ થાય (6 કિલો 600 ગ્રામ રૂના રૂપિયા 991 + 13 કિલો કપાસિયાના રૂ. 436 =1427) પણ જો કેન્ડીની કિંમત 47000 હોય, તો કપાસનો ભાવ 1307 રૂપિયા જ થાય.

રાજકોટસ્થિત સૌરાષ્ટ્ર જિનર્સ ઍસોસિયેશનના પ્રમુખ અને રૂના નિકાસના કારોબાર સાથે સંક્ળાયેલા અરવિંદ પટેલ જણાવે છે કે આવા સંજોગોમાં ભારતમાંથી નિકાસ ઘટી છે.

અરવિંદ પટેલ જણાવે છે, "છેલ્લાં બે-ત્રણ વર્ષથી નિકાસ ઓછી છે કારણ કે ચીન અને યુએસમાં કપાસ સસ્તો છે અને ચીનમાં યાર્ન (દોરાની) માંગ ઘટી ગઈ છે. આવા સંજોગોમાં ભારત સરકારે રૂની આયાત પર 11 ટકા જેટલો આયાતકાર લાદેલો છે."

"તેથી, આંતરાષ્ટ્રીય બજારમાંથી કોઈ નીચાં ભાવે કપાસ ખરીદી ભારતમાં આયાત કરે તો આયાતની પડતરકિંમત ભારતનાં સ્થાનિક બજારોમાં ચાલી રહેલ ભાવો જેટલી થઈ જાય છે અને તેથી ભાવોની સમાનતા જળવાઈ રહી છે."

અરવિંદ ઉમેરે છે, "તેમ છતાં કેન્દ્ર સરકારના અંદાજ મુજબ આયાત ગત વર્ષની 15 લાખ 20 હજાર ગાંસડીથી વધી 25 લાખ ગાંસડી થશે અને તેમાંથી ત્રણ લાખથી પણ વધારે ગાંસડીની આયાતના સોદા ઑક્ટોબર મહિનામાં જ થઈ ગયા છે."

બ્રાઝિલ, અમેરિકા સાથે હરિફાઈ અને સુસ્ત નિકાસ

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં કપાસના વાવેતરની વચ્ચે કપાસની ગાંસડી

વિશ્વમાં રૂની નિકાસની બાબતમાં પ્રથમ નંબર માટે તાજેતરનાં વર્ષોમાં અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે હરિફાઈ ચાલ્યા કરે છે. બ્રાઝિલમાં ઘરઆંગણે રૂનો ઘરેલુ વપરાશ ખૂબ ઓછો છે, તેથી તે પોતાના રૂની બહોળા પ્રમાણમાં નિકાસ કરે છે.

કૉટલૂકના અંદાજ મુજબ, 2024-25ના વર્ષમાં બ્રાઝિલમાં 2 કરોડ 25 લાખ ગાંસડીના ઉત્પાદન સામે કપાસનો સ્થાનિક વપરાશ 42 લાખ 33 હજાર ગાંસડી જ એટલે કે લગભગ 19 ટકા જ રહેશે.

તેવી જ રીતે અમેરિકામાં 1 કરોડ 85 લાખ ગાંસડીના ઉત્પાદન સામે સ્થાનિક વપરાશ 23 લાખ 52 હજાર ગાંસડી એટલે કે માત્ર 13 ટકા જેટલું જ રહેશે.

આ બંને દેશો ઉપરાંત આફ્રિકા ખંડના દેશો પણ કપાસના વૈશ્વિક બજારમાં ભારતના હરીફ છે.

સરકારે ખરીદી ચાલુ કરી

ખેડૂતોને કપાસના નીચાં ભાવો સામે રક્ષણ આપવા કેન્દ્ર સરકાર કાપડ મંત્રાલયના નેજા હેઠળની કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ટૂંકમાં, સીસીઆઈ) લિમિટેડ નામની કંપનીના માધ્યમથી ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.

બીબીસી સાથે જાન્યુઆરી 2 , 2025 ના રોજ વાત કરતા સીસીઆઈના ચૅરમૅન લલિતકુમાર ગુપ્તાએ જણાવ્યું, "દેશમાં કપાસની ખેતી મોટાપાયે થાય છે તેવાં 10 રાજ્યોમાં કુલ 500 ખરીદકેન્દ્રો ખોલી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવેથી અમે કપાસ ખરીદી રહ્યા છીએ."

"દેશમાં આ વર્ષે ત્રણ કરોડ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ છે, તેમાંથી એક કરોડ 30 લાખ જેટલી ગાંસડી બજારમાં આવી ગઈ છે."

"આ 130 લાખ ગાંસડીમાંથી 57 લાખ ગાંસડી અમે ટેકાના ભાવે ખરીદી લીધી છે. કેટલી ગાંસડી કપાસ ખરીદવો તેનો અમારો કોઈ લક્ષ્યાંક નથી, પરંતુ જ્યાં સુધી કપાસના ભાવ બજારોમાં નીચા રહેશે, ત્યાં સુધી અમે કપાસ ખરીદતા રહીશું."

ગુપ્તાએ ઉમેર્યું કે સીસીઆઈએ તેલંગાણામાંથી 29 લાખ, મહારાષ્ટ્રમાંથી 14 લાખ, ગુજરાતમાંથી સાડા ચાર લાખ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાંથી ત્રણ-ત્રણ લાખ અને મધ્ય પ્રદેશમાંથી બે લાખ ગાંસડી કપાસ ટેકાના ભાવે ખરીદ્યો છે.

ભાવ વધશે?

કપાસના ખેડૂતો, કપાસનું ઉત્પાદન, કપાસના ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની ગાંસડી, કપાસનો ભાવ કેવી રીતે નક્કી થાય, કપાસમાં કેન્ડી એટલે શું, કપાસના ટેકાના ભાવ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મોરબીની એક જીનિંગ મિલના કપાસ ખરીદી માટેના સુપરવાઇઝર ફારૂક હરેંજા માને છે કે ભાવ હવે વધારે નીચે જાય તેવું લાગતું નથી.

તેઓ જણાવે છે, "થોડા કેટલાક દિવસોમાં ભાવ થોડા ઊંચકાતા અત્યારે ભારતના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારના ભાવમાં સમાનતા આવી ગઈ છે અથવા તો ગાંસડી દીઠ હજારેક રૂપિયાનું માર્જિન રહે છે."

"તેથી, હવે આનાથી ભાવ નીચા જાય એવી શક્યતા પાંચેક ટકા જ લાગે છે. શક્ય છે કે શિયાળો ઉતારતા બજારભાવ ઊંચકાય. આવા સમયે જે મોટા ખેડૂતો છે કે જેમને પૈસાની તત્કાલ જરૂર નથી અને કપાસ સંગ્રહી રાખવાની ક્ષમતા છે તેવા ખેડૂતોનો નાનો વર્ગ તેમના કપાસને અત્યારે બજારમાં મૂકતો નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.