પત્રકારનો મૃતદેહ સેપ્ટિક ટૅન્કમાં મળ્યો, હત્યા પાછળ કોની સંડોવણીની શક્યતા?

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
- લેેખક, આલોકપ્રકાશ પુતુલ
- પદ, રાયપુરથી, બીબીસી માટે
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ક્ષેત્ર બીજાપુરના ટીવી પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ 3 જાન્યુઆરીના રોજ એક સેપ્ટિક ટૅન્કમાંથી મળી આવ્યો છે.
33 વર્ષીય મુકેશ ચંદ્રાકર 1 જાન્યુઆરી, 2025ની રાત્રિથી જ તેમના ઘરેથી લાપતા હતા.
મુકેશ ચંદ્રાકર સ્વતંત્ર પત્રકાર તરીકે એનડીટીવી સાથે કામ કરી રહ્યા હતા. તે સિવાય તેઓ યૂટ્યૂબ પર એક લોકપ્રિય ચેનલ 'બસ્તર જંક્શન'નું પણ સંચાલન કરતા હતા.
મુકેશ ચંદ્રાકર બસ્તરના અંતરિયાળ વિસ્તારની કહાણીઓ પ્રસારિત કરતા હતા.
બસ્તરમાં નક્સલીઓ દ્વારા અપહ્યુત પોલીસકર્મીઓ અને ગ્રામીણોને છોડાવવામાં મુકેશે ઘણી વાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
બીજાપુર પોલીસે એક પ્રેસનોટમાં ત્રણ લોકોની ધરપકડની વાત કરી છે પરંતુ તેમનાં નામ સાર્વજનિક કરવામાં આવ્યાં નથી.

પોલીસે બીજું શું કહ્યું?

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
બસ્તરના આઈજી પોલીસ સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, "પત્રકાર મુકેશ ચંદ્રાકરના ભાઈની ફરિયાદ બાદ, એક વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી રહી હતી."
"શુક્રવારે સાંજે, અમને ચટ્ટન પરા બસ્તીમાં કૉન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરના પરિસરમાં આવેલી સેપ્ટિક ટાંકીમાંથી મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ કેસમાં શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનું કહેવું છે કે પત્રકાર મુકેશ ચંદ્રાકરના મોબાઇલ અને ફોન કૉલના છેલ્લા લોકેશનના આધારે તપાસ ચાલી રહી હતી.
તે દરમિયાન જ્યારે પોલીસે કૉન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરે તેના કામદારો માટે બનાવેલા રહેણાક સંકુલમાં શોધખોળ શરૂ કરી, ત્યારે તેમને તાજું કરેલું ચણતર દેખાયું.
એવું જાણવા મળ્યું કે ત્યાં જૂની સેપ્ટિક ટૅન્ક હતી, જેનું ઢાંકણું બંધ કરી દેવામાં આવ્યું હતું અને બે દિવસ અગાઉ જ ચણતર કરી દેવામાં આવ્યું હતું.
ત્યારપછી જ્યારે પોલીસે શંકાને આધારે તે સેપ્ટિક ટૅન્કનો ઉપરનો ભાગ તોડ્યો, ત્યારે તેમને પાણીની અંદર પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ મળ્યો. તેમના શરીર પર ઘણી ઊંડી ઈજાનાં નિશાન હતાં.
મુકેશના મોત પછી ભાજપ-કૉંગ્રેસ આમને-સામને

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટના બાદ કૉંગ્રેસ અને ભાજપે એકબીજા પર નિશાન સાધ્યું છે. સુરેશ ચંદ્રાકરના કૉંગ્રેસ સાથે જોડાણના કારણે ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.
જ્યારે કૉંગ્રેસ કાયદો અને વ્યવસ્થાને ટાંકીને ભાજપની ટીકા કરી રહી છે.
રાજ્યના મુખ્ય મંત્રી વિષ્ણુદેવ સાયે સોશિયલ મીડિયા પર લખ્યું, "બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકરજીની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે."
"મુકેશજીનું નિધન પત્રકારત્વ અને સમાજ માટે પૂરી ન શકાય તેવી ખોટ છે. આ ઘટનાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં."
"અમે ગુનેગારોને વહેલી તકે પકડવા અને તેમને કડકમાં કડક સજા અપાવવાની સૂચના આપી છે..."
અહીં વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે આ મામલે રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ હત્યા માટે રાજ્યના કથળતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપક બૈજે કહ્યું, "ભાજપના શાસનમાં પત્રકારોએ પોતાના જીવ સાથે પત્રકારત્વ કરવાની કિંમત ચૂકવવી પડી રહી છે."
"સેપ્ટિક ટૅન્કમાંથી જે રીતે મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ મળ્યો તે ભયાનક છે. તે દર્શાવે છે કે રાજ્યની કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી છે."
તો ભાજપના છત્તીસગઢ યુનિટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેનો જવાબ આપતા લખ્યું, "કૉન્ટ્રેક્ટર છે કે કૉંગ્રેસી કૉન્ટ્રેક્ટર કિલર. બીજાપુરના યુવા પત્રકાર સ્વ. મુકેશ ચંદ્રાકર જીની હત્યાના મુખ્ય આરોપી કૉન્ટ્રેક્ટર સુરેશ ચંદ્રાકરની કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપક બૈજ સાથેની નિકટતા જાણીતી છે."
"દીપક બૈજે જ સુરેશને કૉંગ્રેસ પાર્ટીના એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ, અનુસૂચિત જાતિ) મોરચાના રાજ્ય સચિવનું પદ એનાયત કર્યું છે."
"મોહબ્બતની તથાકથિત કૉંગ્રેસી દુકાનમાંથી અનેક પ્રકારના અપરાધોનો સામાન વેચાય છે, કારણ કે તમામ સૅલ્સમેન અપરાધી છે. રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ."
મુકેશ ચંદ્રાકર ક્યારથી લાપતા હતા?

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
મુકેશ ચંદ્રાકરના મોટા ભાઈ અને ટીવી પત્રકાર યુકેશ ચંદ્રાકરે બીબીસીને જણાવ્યું હતું કે મુકેશ બુધવાર (1 જાન્યુઆરી, 2025)ની સાંજે ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે સવારે પરિવારજનોને તેની જાણ થઈ હતી.
શરૂઆતમાં યુકેશે વિચાર્યું કે તેનો ભાઈ કોઈ સમાચાર માટે નજીકના વિસ્તારમાં ગયો હશે, પરંતુ જ્યારે તેનો ફોન પણ સ્વીચ ઑફ થઈ ગયો, ત્યારે તેમના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા.
યુકેશના કહેવા પ્રમાણે, "મુકેશ અને હું અલગ-અલગ રહીએ છીએ. હું મુકેશને છેલ્લી વાર નવા વર્ષના પહેલા દિવસે સાંજે મળ્યો હતો."
"બીજા દિવસે સવારે મુકેશ ઘરે ન હતો અને તેનો ફોન પણ બંધ હતો, તેથી મેં તેના પરિચિતોને પૂછપરછ કરી, પરંતુ તે ક્યાંય ન મળ્યો. આથી, મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી."
યુકેશનો દાવો છે કે કૉન્ટ્રેક્ટર સુરેશ ચંદ્રાકર 1 જાન્યુઆરીની સાંજે તેના ભાઈને મળવાનો હતો. સુરેશ ચંદ્રાકર પણ તેમના નજીકના સંબંધી પણ છે.
યુકેશે બીબીસીને કહ્યું, "કૉન્ટ્રેક્ટર સુરેશ ચંદ્રાકર દ્વારા બનાવવામાં આવેલા રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારના સમાચાર એનડીટીવી પર પ્રસારિત થયા હતા, એ પછી રાજ્ય સરકારે આ મામલે તપાસ કરવાની જાહેરાત કરી હતી."
"મારા ભાઈના ગુમ થયા પછી, અમે જ્યારે જોયું કે તેના લૅપટૉપ પર મોબાઇલનું છેલ્લું લોકેશન, કૉન્ટ્રેક્ટર દિનેશ ચંદ્રાકર અને રિતેશ ચંદ્રાકરના મજૂરો માટે બનાવેલા કૅમ્પસમાં દેખાતું હતું, તેથી મને વધુ શંકા ગઈ."
પોલીસમાં નોંધાવવામાં આવેલા રિપોર્ટમાં યુકેશે કૉન્ટ્રેક્ટર દિનેશ ચંદ્રાકર, સુરેશ ચંદ્રાકર અને રીતેશ ચંદ્રાકર વતી મુકેશને નુકસાન પહોંચાડવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો.
કોણ છે કૉન્ટ્રેક્ટર સુરેશ ચંદ્રાકર?

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
સુરેશ ચંદ્રાકર નામનો આ કૉન્ટ્રેક્ટર બસ્તરમાં સરકારી બાંધકામ અને ખાણકામ સાથે સંકળાયેલા મોટા કૉન્ટ્રેક્ટરો પૈકીના એક છે.
તેઓ છત્તીસગઢ પ્રદેશ કૉંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના રાજ્ય ઉપાધ્યક્ષ પણ છે.
થોડા મહિના પહેલાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને નવાપુર વિધાનસભાના નિરીક્ષક પણ બનાવ્યા હતા.
નક્સલીઓ સામે પોલીસ સુરક્ષા હેઠળ શરૂ કરાયેલા 'સલવા જુડુમ' અભિયાનમાં સામેલ સુરેશ ચંદ્રાકરનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓ નક્સલી વિસ્તારોમાં સરકારી નિર્માણકાર્યો માટે કૉન્ટ્રેક્ટ લઈને બસ્તરના ટોચના કૉન્ટ્રેક્ટરોમાંના એક બની ગયા હતા.
40 વર્ષીય સુરેશ ચંદ્રાકર પ્રથમ વખત 23 ડિસેમ્બર, 2021ના રોજ ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે બીજાપુરમાં ભપકાદાર અંદાજમાં લગ્ન કર્યાં હતાં. બીજાપુરમાં 73 ટકા આદિવાસી વસ્તી છે.
તેમણે તેની પત્નીને પોતાના સાસરે પહોંચાડવા માટે ખાનગી હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી હતી.
આ સિવાય બીજાપુર જેવી જગ્યાએ તેમણે પોતાનાં લગ્ન સમારોહમાં રશિયન ડાન્સર્સના સમૂહને નાચવા અને ગાવા માટે આમંત્રિત કર્યા હતા.
લગ્નના બીજા દિવસે તેણે બીજાપુરના સ્ટેડિયમમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. કહેવાય છે કે બસ્તરમાં આટલા શાહી સ્ટાઇલનાં લગ્ન પહેલાં ક્યારેય થયાં ન હતાં.
આ લગ્નસમારોહની તસવીરો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












