વિકિપીડિયા કેવી રીતે ચાલે છે અને તેના પર કેટલો ભરોસો કરવો જોઈએ?

વિકિપીડિયા, માહિતી, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

તમે આ લેખ વાંચી રહ્યા છો તો શક્ય છે કે તમે વિકિપીડિયાથી વાકેફ હશો. સામાન્યથી માંડીને ગંભીર વિષયો સુધી જાણવા માટે ઘણા લોકોનું પહેલું ઠેકાણું વિકિપીડિયા હોય છે.

જોકે, આજકાલ વિકિપીડિયા દિલ્હી હાઈકોર્ટમાં તેની સામે દાખલ કરવામાં આવેલા એક કેસને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

સમાચાર એજન્સી એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ એટલે કે એએનઆઈએ વિકિપીડિયા સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.

એએનઆઈના વિકિપીડિયા પેજ પર એવું લખવામાં આવ્યું છે કે આ સમાચાર એજન્સી ખોટા અહેવાલો આપે છે, પરંતુ એએનઆઈએ તેનું ખંડન કર્યું છે.

આ બધાની વચ્ચે સવાલ વારંવાર થાય છે કે આખરે વિકિપીડિયા કામ કેવી રીતે કરે છે? તેના માટે કોણ લોકો લેખ લખે છે? વિકિપીડિયાનું સંચાલન કોણ કરે છે?

વિકિપીડિયા શું છે?

વિકિપીડિયા, માહિતી, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિકિપીડિયા 2001થી દુનિયાભરમાં એક ફ્રી ઑપન સોર્સ તરીકે જાણીતું છે

વિકિપીડિયા 2001થી દુનિયાભરમાં એક મફત ઓપન સોર્સ તરીકે ઓળખાય છે. તેને તમે ઑનલાઇન વિશ્વકોશ કહી શકો.

આ નૉન-પ્રોફિટ સંસ્થાનું સંચાલન વિકિપીડિયા ફાઉન્ડેશન કરે છે. એએનઆઈએ વિકિપીડિયા ફાઉન્ડેશન સામે કેસ કર્યો છે.

વિકિપીડિયા વિશ્વની સૌથી પ્રસિદ્ધ વેબસાઇટ્સ પૈકીની એક છે. તેના પર હાલ છ કરોડથી વધુ લેખો મોજૂદ છે અને દર મહિને તેને લગભગ 10 અબજથી વધુ પેજ વ્યૂ મળે છે.

સવાલ એ છે કે વિકિપીડિયામાં કોણ પણ વ્યક્તિ લેખ લખી શકે?

આ સવાલનો જવાબ છેઃ હા. વિકિપીડિયામાં કોઈ નવી ઍન્ટ્રી મૂકતા પહેલાં કે પહેલાંથી હાજર ઍન્ટ્રીમાં કશું ઉમેરવા કે બદલવાની છૂટ બધાને છે. આ એક એવું પ્લૅટફૉર્મ છે, જેનું નિયંત્રણ કોઈ એક વ્યક્તિ કે કેટલાક લોકોના હાથમાં નથી.

હાલ વિકિપીડિયાના લગભગ ત્રણ લાખ વૉલંટિયર્સ છે, જે વિકિપીડિયા પર લેખો લખે છે અને તેના પર હાજર કન્ટેન્ટની પ્રમાણિકતાની ચકાસણી કરે છે.

આવું કોઈ પણ કરી શકે છે અને વેબસાઇટ પરના કામ મુજબ તેમને અલગ-અલગ ભૂમિકા સોંપવામાં આવે છે.

વિકિપીડિયા ફાઉન્ડેશનનું કહેવું છે કે આ લોકો પોતાની મરજીથી કામ કરે છે અને તેમને કામ માટે કોઈ પૈસા ચૂકવવામાં આવતા નથી.

વૉલંટિયર્સ પોતાની ઓળખ ગુપ્ત રાખી શકે છે. વિકિપીડિયા ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, તેના પેજ પર જે લખવામાં આવે છે તેના પર કોઈનું નિયંત્રણ હોતું નથી.

વિકિપીડિયા, માહિતી, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિકિપીડિયા સ્વયં કહે છે કે તેને ફર્સ્ટ હૅન્ડ સ્રોત તરીકે ઉપયોગ ન કરવો જોઇએ

જેમ કે વિકિપીડિયા પર આજ સુધી ક્યાંય પ્રકાશિત ન થઈ હોય તેવી નવી જાણકારી લખી શકાતી નથી. કશુંક પ્રકાશિત થયું હોય અને ભરોસાપાત્ર સ્રોત આપી શકાય તેવી સામગ્રી જ લખી શકાય છે.

જે કન્ટેન્ટ પ્રકાશિત થાય છે તેનાં તથ્યોની તપાસ અને ચકાસણી સંપાદક, ઍડમિનિસ્ટ્રેટર તેમજ કમ્પ્યુટર બોટ દ્વારા કરવામાં આવે છે. સિનિયર ઍડિટર કોઈ લેખ કે તેના કેટલાક હિસ્સાને સંપાદિત કરીને હટાવી શકે છે.

લેખ કે સંપાદન બાબતે વિવાદ થાય ત્યારે વૉલંટિયર પોતાની બાજુ રજૂ કરે છે, ચર્ચા કરે છે અને પારસ્પરિક સહમતિ પછી તેને પ્રકાશિત કરવામાં આવે છે.

આ વાદ-વિવાદ પણ વિકિપીડિયાના પેજ પર બધા જોઈ શકે તે માટે ઉપલબ્ધ હોય છે. કોઈ લેખ બાબતે વિવાદ હોય તો તેના નિરાકરણ માટે પણ અલગ-અલગ પ્રક્રિયાઓ છે.

વિકિપીડિયા પર ખોટી માહિતી પણ હોય છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લખવા-વાંચવાની દુનિયામાં લોકો એકમેકને કહેતા હોય છે કે તમે વિકિપીડિયામાંથી માહિતી ભલે લો, પરંતુ તેને વિશ્વસનીય સ્રોત ગણી શકતા નથી.

વિકિપીડિયા પોતે પણ કહે છે કે તેનો ઉપયોગ પ્રાથમિક સ્રોતના આધાર તરીકે કરવો જોઈએ નહીં.

વિકિપીડિયા પરના લેખોમાં ભૂલો જોવા મળે તે પણ શક્ય છે.

વિકિપીડિયામાં દરેક લેખની નીચે અનેક સંબંધિત સ્રોતની યાદી હોય છે અને તેના આધારે જ લેખો લખવામાં આવે છે. એટલે કે તે યાદીના આધારે તમને માહિતીની પુષ્ટિ કરી શકો છો.

કોઈ લેખમાં બહુ મોટા ફેરફાર થતા હોય કે પછી તે ફેરફાર બાબતે વિવાદ થતો હોય તો સંપાદન પર થોડા સમય સુધી બંધી પણ લાદવામાં આવે છે.

વિકિપીડિયાની વિશ્વસનીયતા બાબતે અનેક નિષ્ણાતો અલગ-અલગ સવાલ ઉઠાવતા રહ્યા છે. મીડિયા નિષ્ણાત એમી બ્રકમેન અમેરિકાની જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં પ્રોફેસર છે.

તેમના કહેવા મુજબ, વિકિપીડિયા પરનો કોઈ ઓછો ચર્ચિત લેખ બિલકુલ વિશ્વસનીય ન હોય તે શક્ય છે, પરંતુ એક ચર્ચિત વિષયનો વિકિપીડિયા પરનો લેખ “સૌથી વધારે વિશ્વસનીય જાણકારી”નું સ્વરૂપ હોઈ શકે છે.

તેઓ જણાવે છે કે કોઈ જર્નલમાં પ્રકાશિત લેખની ચકાસણી કેટલાક નિષ્ણાતો જ કરતા હોય છે અને એ પછી તેમાં કોઈ ફેરફાર થતો નથી, “પરંતુ એક લોકપ્રિય વિકિપીડિયા લેખની સમીક્ષા હજારો લોકો કરી શકે છે.”

વિકિપીડિયા પર પક્ષપાતના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વિકિપીડિયાની એક ટીકા એવી પણ છે કે તેના પર મોટા ભાગે પુરુષો જ લેખ લખે છે અને એ કારણે વેબસાઇટ પર પુરુષો વિશેના લેખો વધુ છે.

મેનહટન ઇન્સ્ટિટ્યૂટ નામની એક કન્ઝર્વેટિવ થિંક ટેન્કને તેના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અમેરિકામાં જમણેરી સાર્વજનિક હસ્તીઓને વિકિપીડિયા પર વધારે નકારાત્મક રીતે દેખાડવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.

જોકે, વિકિપીડિયા એક મહત્ત્વનું સાર્વજનિક સંસાધન હોવાનું તેમણે સ્વીકાર્યું છે.

વિકિપીડિયાના સંચાલનના પૈસા ક્યાંથી આવે છે?

વિકિપીડિયા, માહિતી, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તમે વિકિપીડિયા પર કશુંક વાંચ્યું હશે તો તમને ખબર હશે કે તેની વેબસાઇટ પર શરૂઆતમાં ફાળો આપવાની અપીલ હોય છે. વિકિપીડિયા પોતાનો ખર્ચ ફાળામાંથી આવતાં નાણાંમાંથી જ કરે છે.

વિકિપીડિયા ફાઉન્ડેશનને 2022-23માં 18 કરોડ ડૉલરથી વધારેનો ફાળો મળ્યો હતો. ભારતીય ચલણના મૂલ્યમાં ગણતરી કરીએ તો તે લગભગ રૂ. 1,513 કરોડ થાય.

વિકિપીડિયા જાહેરાત પ્રકાશિત કરતી નથી અને તેનું કહેવું છે કે તે યૂઝર ડેટાનો ઉપયોગ કરીને પણ પૈસા કમાતી નથી. આ પ્રકારની કમાણી અનેક વેબસાઇટ્સ કરતી હોય છે.

વિકિપીડિયા અનેક દેશોમાં વિવાદમાં સપડાઈ છે. ઓછામાં ઓછા 13 દેશોમાં તો વિકિપીડિયા પર અલગ-અલગ પ્રકારના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

ચીન, મ્યાનમાર અને ઉત્તર કોરિયામાં વિકિપીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે રશિયા અને ઈરાને વિકિપીડિયાના કેટલાક લેખો પર પ્રતિબંધ લાદ્યો છે.

પાકિસ્તાને 2023માં વિકિપીડિયા પર એવું કહીને ત્રણ દિવસ પ્રતિબંધ લાદ્યો હતો કે વિકિપીડિયા પરના કેટલાક લેખોને કારણે દેશના મુસલમાનોની લાગણીને ઠેસ પહોંચી છે.

એએનઆઈના કેસમાં દિલ્હી હાઈકોર્ટના એક ન્યાયમૂર્તિએ વિકિપીડિયાને જણાવ્યું હતું કે તેણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે. અન્યથા ભારતમાં વિકિપીડિયા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપવામાં આવશે.

ભારતમાં પણ વિકિપીડિયા વિવાદમાં રહ્યું છે. એએનઆઈએ દાખલ કરેલો બદનક્ષીનો દાવો વિકિપીડિયાના એક પેજ સંબંધી જ હતો.

દિલ્હી હાઈકોર્ટની બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠે તાજેતરમાં એવું નિરીક્ષણ કર્યું હતું કે વિકિપીડિયાનું એક પેજ કોર્ટની પ્રક્રિયામાં દખલ કરે છે અને તેમણે તેને હટાવવાનો આદેશ આપ્યો હતો.

વિકિપીડિયાએ 21 ઑક્ટોબરે તે પેજ હટાવી લીધું હતું. કેટલાક જાણકારોનું માનવું છે કે કોઈ કોર્ટના આદેશ પછી અંગ્રેજી વિકિપીડિયા પરનું કોઈ આખું પેજ હટાવવામાં આવ્યું હોય તેવું આ વખતે પહેલી વાર બન્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.