ચીનમાં ફેલાયેલા આ નવા વાઇરસથી કેટલું ડરવું જોઈએ, તેનાથી કેમ બચવું?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના મહામારીનો ભયાનક સમયગાળો શરૂ થયાના પાંચ વર્ષ પછી ચીનમાં વધુ એક નવા વાઇરસના સંક્રમણના મામલાઓ સામે આવી રહ્યા છે. આ નવો વાઇરસ ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે.
ઉત્તર ચીનમાં હ્યુમને મેટાન્યૂમો વાઇરસ (એચએમપીવી) નામના આ વાઇરસના સંક્રમણના ઘણા મામલા સામે આવી રહ્યા છે.
બીબીસી મૉનિટરિંગે એક મીડિયા રિપોર્ટના હવાલેથી જાણકારી આપી છે કે આ વાઇરસને કારણે વ્યક્તિમાં શરદી, ખાંસી અને કોવિડ-19 જેવાં લક્ષણો જોવા મળે છે અને તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ચીનના પાડોશી દેશોની નજર આ સ્થિતિ પર છે. ભારતના સ્વાસ્થ્ય સેવાઓના મહાનિદેશકનું કહેવું છે કે હજુ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
જ્યારે ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડીજીએચએસની અધ્યક્ષતામાં કૉમન મોનિટરિંગ ગ્રૂપની બેઠક પણ બોલાવી હતી. એ દરમિયાન વિસ્તૃત ચર્ચા પછી કેટલાક બિંદુઓ પર સહમતિ બની હતી.
ચીનમાં ફ્લૂની સિઝનને ધ્યાનમાં રાખતા આ સ્થિતિ અસામાન્ય નથી. એચએમપીવી એ આ સિઝનમાં થનાર સામાન્ય વાઇરસ છે. સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે તથા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ ચીનની સ્થિતિ અંગે નિયત સમયે જાણકારી શૅર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
વાઇરસ ફેલાયાની ખબર કેવી રીતે પડી?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હતા જેમાં ચીનની હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા હતા. આ દર્દીઓમાં ફ્લૂ જેવાં લક્ષણો જોવાં મળ્યાં હતાં.
ત્યારપછી એ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીનમાં ફરી એક વાર એક નવો વાઇરસ લોકો માટે પડકાર ઊભો કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોવિડ વાઇરસે પાંચ વર્ષ પહેલાં વિશ્વના 100 કરતાં વધુ દેશોમાં તબાહી મચાવી હતી, તે પણ ચીનના વુહાનમાં આવેલા માર્કેટમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે.
ચીનની સત્તાવાર ન્યૂઝ વેબસાઇટ ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ઉત્તર ચીનના વિસ્તારો સિવાય, એચએમપીવીના કેસ બીજિંગ, દક્ષિણ ચીનના ગુઆંગદોંગ પ્રાંત, દક્ષિણ-પશ્ચિમના ચોંગકિંગ શહેરમાં નોંધાયા છે.
27 ડિસેમ્બર, 2024ના રોજ સમાચાર એજન્સી રૉઇટર્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ચીનની આરોગ્ય એજન્સીઓએ કહ્યું હતું કે, "શિયાળામાં શ્વસનની બીમારીઓના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, તેઓ પાઇલટ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી રહ્યા છે."
આ સર્વેલન્સ સિસ્ટમ અંગે ચીનના રાષ્ટ્રીય નૅશનલ ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રીવેન્શનના વડા લી ઝેંગલોંગે કહ્યું હતું કે તેના થકી અજ્ઞાત કારણોસર થતા ન્યુમોનિયાના કેસ પર નજર રાખવામાં આવશે.
ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનના આધારે રૉઇટર્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ચીનમાં શ્વાસ સંબંધી બીમારીઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે.
આ રિપોર્ટ અનુસાર, નોંધાયેલા કેસો પૈકી, રાઈનોવાઈરસ અને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (એચએમપીવી)ના ચેપના વધુ કેસો છે. ઉત્તરીય પ્રાંતોમાં ચેપના વધુ કેસો નોંધાયા છે અને 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં સંક્રમિતોની સંખ્યા વધુ છે.
રિપોર્ટ અનુસાર હ્યુમન મેટાપ્યુમોવાઇરસના સ્રોત વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
ચીને આ વાઇરસ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, FMPRC.GOV.CN
શુક્રવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગની પ્રેસ-કૉન્ફરન્સમાં અન્ય પ્રશ્નોની સાથે આ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો.
તેના જવાબમાં માઓ નિંગે કહ્યું હતું કે ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુમાં શ્વસનતંત્રના ચેપના વધુ કેસ જોવા મળે છે.
તેમણે કહ્યું, "તાજેતરમાં, ચીનના નૅશનલ ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રીવેન્શને એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને શિયાળાના સમયમાં ચીનમાં શ્વસનરોગોના નિવારણ અને નિયંત્રણ વિશે માહિતી આપી હતી."
"ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ રોગો ઓછા ગંભીર અને ઓછા વ્યાપક દેખાય છે. હું તમને ખાતરી આપી શકું છું કે ચીન સલામત છે."
ભારતમાં કેવી તૈયારી?

ઇમેજ સ્રોત, NIPHTR.MOHFW.GOV.IN
ચીનમાં એચએમપીવી સંક્રમણના મામલા વધ્યા બાદ ભારતમાં તેના વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ. અતુલ ગોયલ કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી.
અતુલ ગોયલે શુક્રવારે માહિતી આપી હતી કે ભારતમાં અત્યાર સુધી આ વાઇરસના ચેપના કેસ નોંધાયા નથી.
તેમણે કહ્યું, "આ એક સામાન્ય વાયરસ છે જે શ્વસનમાર્ગમાં ચેપનું કારણ બને છે. તેના કારણે, શરદી જેવી બીમારી થઈ શકે છે. એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને વૃદ્ધોમાં, આ ચેપને કારણે ફ્લૂ જેવાં લક્ષણો જોવાં મળે છે. "
"પરંતુ તેનાથી ગંભીર બીમારી થતી નથી, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે શિયાળા દરમિયાન શરદી અને ઉધરસ જેવા કેસો વધુ જોવા મળે છે. અમારી હૉસ્પિટલો પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે."
"અમે ડેટા પર પણ સતત નજર રાખીએ છીએ. ગત વર્ષે ડિસેમ્બરના આંકડા સાથે સરખામણી કરીએ તો ચેપના આંકડામાં કોઈ વધારો થયો નથી."
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે અગાઉ એક ભારતીય અખબારને જણાવ્યું હતું કે તે ચીનમાં એચએમપીવી વાઇરસના કેસ પર નજર રાખી રહ્યું છે.
મંત્રાલયે કહ્યું હતું કે તાજેતરના સમયમાં ચીનમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય તેવા ઘણા કેસો નોંધાયા છે, જે એચએમપીવી વાઇરસથી સંબંધિત છે. ભારતમાં શિયાળા દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ જેવા કિસ્સાઓ પણ જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી આવા કેસોમાં કોઈ અણધારો વધારો જોવા મળ્યો નથી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એ શ્વસન સંબંધી સમસ્યાઓ અને સિઝનલ શરદી અને ઉધરસ જેવા મામલાઓ પર નજર રાખી રહ્યું છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં પણ છે.
ડૉક્ટરો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના બાળરોગ વિભાગના ડૉક્ટર સુરેશ ગુપ્તાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે આ કોઈ નવો વાઇરસ નથી.
તેમણે કહ્યું હતું કે, "માનવીઓ વીસ વર્ષથી તેના વિશે જાણે છે. શિયાળાની ઋતુમાં તેના ચેપના કિસ્સાઓ જોવા મળે છે. તે ફ્લૂ વાઇરસ જેવું છે."
ડૉ. સુરેશ ગુપ્તા કહે છે કે તેના માટે સામાન્ય રીતે શરદી અને ઉધરસ માટે વપરાતી દવાઓ આપવામાં આવે છે અને બીમાર વ્યક્તિને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.
તેઓ કહે છે, "મોટા ભાગના કિસ્સાઓમાં, તેના ચેપને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવતી નથી. "
તે જ હૉસ્પિટલના ચેસ્ટ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. બોબી ભાલોત્રા કહે છે, "અત્યાર સુધી, આ વાઇરસના ચેપના તમામ કેસોમાં માત્ર મામૂલી લક્ષણો જ જોવા મળ્યા છે."
"જોકે, અસ્થમાથી પીડાતા દર્દીઓ અને ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD, જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે) ખાસ કરીને આ ચેપ માટે સંવેદનશીલ હોઈ શકે છે. તેમના દર્દીઓને શ્વાસ લેવામાં વધુ તકલીફ, થાક અને તાવ આવી શકે છે."
"ભારતમાં હાજર આ વાઇરસનો સ્ટ્રેઇન એ ગંભીર ચેપ નથી ફેલાવતો. કોવિડ વાઇરસ જે રીતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતો હતો અને તેના કારણે શ્વસનતંત્ર નિષ્ફળ બની જતું હતું તેવું આ વાઇરસના કેસોમાં જોવા મળ્યું નથી. શક્ય છે કે તેના ચીનમાં તેનો સ્ટ્રેઇન કેટલો જીવલેણ છે તે પણ આગામી દિવસોમાં જાણી શકાશે."
એચએમપીવી વાઇરસ શું છે?
સાયન્સ ડાયરેક્ટ મુજબ, આ વાઇરસ 200થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી ઉદ્ભવ્યો હતો. પરંતુ ત્યારથી, આ વાઇરસ વારંવાર પોતાને બદલી રહ્યો છે અને હવે આ વાઇરસ પક્ષીઓને સંક્રમિત કરી શકતો નથી.
અમેરિકી સરકારના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વર્ષ 2001માં જાણવા મળ્યું હતું કે આ વાઇરસ મનુષ્યોને સંક્રમિત કરી શકે છે.
આ વાઇરસ દરેક ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે. તેના કારણે દર્દીને તાવ, ઉધરસ, બંધ નાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો તેનો ચેપ ગંભીર બને છે તો આ વાઇરસ બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયા માટે પણ જવાબદાર હોઈ શકે છે.
આ વાઇરસનો ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે, પરંતુ રોગનો સમયગાળો વધુ કે ઓછો હોઈ શકે છે. તે ચેપ કેટલો ગંભીર છે તેના પર નિર્ભર છે.
એચએમપીવી કેવી રીતે ફેલાય છે?

ઇમેજ સ્રોત, ANI
આ વાઇરસ ઉધરસ અને છીંક દરમિયાન થૂંકના કણો મારફત લોકોમાં ફેલાય છે અને ચેપ લગાડે છે.
તે હાથ મિલાવવાથી, ગળે મળવાથી અથવા એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.
જો ઉધરસ અથવા છીંકને કારણે થૂંકના કણો ક્યાંક સપાટી પર પડ્યા હોય અને તે સપાટીને સ્પર્શ કર્યા પછી તમે તમારા ચહેરા, નાક, આંખ અથવા મોંને તે હાથથી સ્પર્શ કરો છો, તો તમે તે વાઇરસથી સંક્રમિત થઈ શકો છો.
કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ભારતીય આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ.અતુલ ગોયલના જણાવ્યા અનુસાર...
- એચએમપીવી વાઇરસથી સંક્રમિત વ્યક્તિ અથવા કોઈને શરદી હોય તો તેનાથી અંતર રાખો.
- ખાંસી કે છીંકતી વખતે મોં પર રૂમાલ કે કપડું રાખો. ઉધરસ અને છીંક માટે અલગ રૂમાલ અથવા ટુવાલનો ઉપયોગ કરો, થોડા કલાકો પછી તેને સાબુથી ધોઈ લો.
- જો તમને શરદી હોય, તો માસ્ક પહેરો. ઘરે રહો અને આરામ કરો.
- અમેરિકી સરકારના સીડીસી અનુસાર, ઓછામાં ઓછું 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા.
- તમારા વાસણો, (કપ, પ્લેટ અથવા ચમચી) એકબીજા સાથે શેર કરશો નહીં.
- અત્યાર સુધી, આ વાઇરસ માટે કોઈ ખાસ ઍન્ટિવાયરલ દવા કે ન તો કોઈ રસી બનાવવામાં આવી નથી. ડૉક્ટરો કહે છે કે આ માટે સામાન્ય રીતે શરદી અને તાવની દવાઓ આપવામાં આવે છે.
- પરંતુ આ વાઇરસ એવા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે જેમને પહેલાંથી જ શ્વસન સંબંધી કોઈ બીમારી છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












