શંકરસિંહ વાઘેલા દ્વારા નવા પક્ષની જાહેરાત એ તેમની રાજકીય દૂરંદેશી કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા?

શંકરસિંહ વાઘેલા, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, શંકરસિંહની રાજકીય કારકિર્દી, જનવિકલ્પ મોરચો, કૉંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાના સંબંધ, અહમદ પટેલ. બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shankersinh vaghela/FB

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ નવા પક્ષની જાહેરાત કરી છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્થાનિક સ્વજની ચૂંટણીઓ નજીક આવતાં જ જાણે બે વર્ષ પહેલાં રજિસ્ટર કરાવેલી નવી પાર્ટીનું હથિયાર બહાર કાઢ્યું છે.

આમ તો કૉંગ્રેસ છોડ્યા પછી દર ચૂંટણીની મોસમમાં શંકરસિંહ વાઘેલા નવા રાજકીય પક્ષ સાથે મેદાનમાં આવે છે.

પણ બે વર્ષ પહેલાં બનેલી આ પાર્ટી વિધાનસભાને બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે બહાર આવી રહી છે.

શંકરસિંહ વાઘેલાની ભાજપ અને કૉંગ્રેસની ઇનિંગને બાદ કરવામાં આવે, તો અન્ય પક્ષ કે પોતાના દ્વારા સ્થાપિત પક્ષની આવરદા ખૂબ જ ટૂંકી રહેવા પામી છે.

વાઘેલાની વ્યક્તિગત ક્ષમતાઓ અને મર્યાદાઓ શું છે, તેમની રાજકીય કારકિર્દી વિશે અમે રાજકીય નિષ્ણાતો અને તેમના નિકટના સહયોગી સાથે વાત કરી.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

અત્યારે નવી પાર્ટી શા માટે?

શંકરસિંહ વાઘેલા, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, શંકરસિંહની રાજકીય કારકિર્દી, જનવિકલ્પ મોરચો, કૉંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાના સંબંધ, અહમદ પટેલ. બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીએ 'પંચામૃત' વચન દ્વારા ચર્ચા જગાવી હતી, પરંતુ ચૂંટણી લડી ન હતી

શંકરસિંહ વાઘેલાએ ઑગસ્ટ-2022માં પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી રજિસ્ટર કરાવી હતી. એ વખતે માનવામાં આવતું હતું કે વર્ષ 2022ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં ઉતારશે, પણ એ સમયે કૉંગ્રેસ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) અને ઓવૈસીની પાર્ટી (AIMIM, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસિલમીન) મેદાનમાં આવી. એટલે કદાચ તત્કાલીન રાજકીય પરિસ્થિતિને જોતા શંકરસિંહ ચૂંટણીજંગમાં ન ઉતર્યા.

ડિસેમ્બર-2024ના અંતભાગમાં પોતાની નવી પાર્ટીને લૉન્ચ કરી ત્યારે શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું:

"આ પક્ષનું ચિહ્ન અમે ભાલો એટલે રાખ્યું છે કે તલવાર મ્યાન થાય, પણ ભાલો મ્યાન ના થાય. આ ભાલો લઈને અમે સામાન્ય પ્રજાની સમસ્યા અને લોકો માટે લડીશું."

"એ વાત સાચી છેકે ઑગસ્ટ-2022માં પાર્ટીનું રજિસ્ટ્રેશન થયું અને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હતી એટલે તૈયારી પૂરતી ન હતી માટે ચૂંટણી નહોતા લડ્યા."

"હવે સમય જોઈને 2027ની ચૂંટણી લડીશું એની તૈયારી અત્યારથી શરૂ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, એટલે ચૂંટણી લડી રહ્યા છીએ એવું નથી."

શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી આસપાસ ભાજપના નેતા અમિત શાહ સાથેની મુલાકાત કરી હતી. આ મુલાકાત વિશે અનેક અટકળો વહેતી થઈ હતી. બીબીસીએ તેમને સવાલ પૂછ્યો હતો કે શું અમિત શાહ સાથેની મુલાકાત બાદ તેમણે ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી.

વાઘેલાના કહેવા પ્રમાણે, "હું અનેક રાજકીય નેતાઓ સાથે સંબંધ છે એટલે કોઈ શુભેચ્છા મુલાકાતને રાજકારણ સાથે ના જોડી દેવી જોઈએ. આ પક્ષમાં મેં હોદ્દો લીધો જ નથી અને બીજા લોકોને પદ આપ્યા છે, મારું લક્ષ્ય લોકોની સમસ્યા દૂર કરવાનું છે."

શંકરસિંહની શક્તિ અને મર્યાદા

વીડિયો કૅપ્શન, 'હવે અમે અમારી જમીનમાં ખેડીને ખાઈશું' કચ્છનાં દલિત મહિલાને 40 વર્ષ બાદ પોતાની જમીન મળ્યા બાદ તેઓ શું બોલ્યાં?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "શંકરસિંહ પાસે સંગઠનને મજબૂત કરવાની ક્ષમતા છે, પણ એમની પાસે મોટી કંઈ ખોટ હોય તો તે એકધારી રણનીતિ અને ધીરજની છે."

"ઉતાવળિયા નિર્ણયો લેવાને કારણે એમની પોતાની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયાં છે. એટલું જ નહીં એમના સાથીદારોનાં રાજકીય ભવિષ્યો પણ સંકટમાં મૂકાયાં છે."

શાહ માને છે કે રાજકીય નેતાઓ માટે હિન્દુત્વ એ ઝડપથી લોકપ્રિયતાનાં પગથિયાં ચઢવાં માટેનું સાધન બની રહ્યું છે, પણ કાયમી સાધ્ય નથી રહ્યું.

શાહ કહે છે, " રાજકીય પરિપેક્ષ્યમાં જુઓ, તો નરેન્દ્ર મોદી એમનાથી જુનિયર છે, પણ લોકપ્રિયતા મેળવવા હિંદુત્વને સાધન નહીં, પણ સાધ્ય બનાવ્યું છે, એટલે એ સફળ થયા."

"જયારે શંકરસિંહ વાઘેલાએ ઉતાવળે ભાજપ છોડી ત્યારે પણ ગુજરાતના મૂળ કૉંગ્રેસી નેતાઓનો એમની સામે વિરોધ હતો જ, પણ કૉંગ્રેસની મુખ્ય નેતાગીરીને ગુજરાતમાં સત્તા જોઇતી હતી એટલે તેઓ મૌન થઈ ગયા હતા."

શંકરસિંહ વાઘેલાના ભૂતકાળનાં પ્રદર્શનો તથા રાજકીય નિર્ણયો વિશે છણાવટ કરતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ જણાવે છે, "શંકરસિંહ વાઘેલાને 2002માં ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ બનાવ્યા, ત્યારે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની ગણતરી એવી હતી કે મોદીને કાઉન્ટર કરીને ફરી ગુજરાતમાં સત્તા મેળવવી."

"પણ સફળતા ના મળી, એટલે 2004માં કૉંગ્રેસના ઓબીસી (અધર બૅકવર્ડ કાસ્ટ, અન્ય પછાત જ્ઞાતિ) નેતા બી. કે. ગઢવી સાથે રાખીને જે પરિણામ મેળવ્યું, એ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનું બે દાયકાનું સારું પરિણામ હતું."

"શંકરસિંહ વાઘેલા ધીરજપૂર્વકની રણનીતિ ધરાવતા નથી. તમે જુઓ કે 1998માં કૉંગ્રેસથી છેડો ફાડીને રાજપાના (રાષ્ટ્રીય જનતા પાર્ટી) નેજા હેઠળ ચૂંટણી લડ્યા અને 11.69% વોટ સાથે વિધાનસભામાં માત્ર ચાર બેઠક મેળવી શક્યા હતા."

"એ સમયે કૉંગ્રેસને 34.90% વોટ મળ્યા હતા, જયારે ભાજપને 44.88% મત પ્રાપ્ત થયા હતા, એટલે જો એ સમયે કૉંગ્રેસ અને રાજપાના વોટનો સરવાળો કરીયે તો ભાજપના વોટ કરતા વધુ થાય છે."

"શંકરસિંહ વાઘેલાની એ સમયે ગણતરી હતી કે 1998માં રાજપા મજબૂત ત્રીજો પક્ષ બનશે અને સરકાર બનાવવા માટે એમના ટેકાની જરૂર પડશે. આવા ઉતાવળિયા નિર્ણયોને કારણે એમને ચર્ચિત સફળતા મળી નથી."

"2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે અહમદ પટેલને હરાવવા માટે તેમણે કરેલા પ્રયાસોથી વિશ્વસનીયતા ગુમાવી હતી."

ઘનશ્યામ શાહ માને છે કે જો શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલની જેમ ધીરજથી બદલાતા રાજકીયપ્રવાહો સાથે રાજકીયનીતિ ઘડી હોત, તો એ ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક પરિબળ બની શક્યા હોત.

શાહ ઉમેરે છે કે ધીરજ અને લાંબાગાળાની રણનીતિનો અભાવ નવી પાર્ટી બનાવવાના પ્રયોગને નિષ્ફળ બનાવે છે.

નવો પક્ષ, જૂની મર્યાદા?

શંકરસિંહ વાઘેલા, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, શંકરસિંહની રાજકીય કારકિર્દી, જનવિકલ્પ મોરચો, કૉંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાના સંબંધ, અહમદ પટેલ. બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શંકરસિંહ વાઘેલા ડૉ. મનમોહનસિંહની કૅબિનેટમાં મંત્રી બન્યા હતા

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાના મતે, ચીમન ભાઈ પટેલે કિમલોપ (કિસાન મજદૂર લોકપક્ષ) બનાવીને રાજકીય રીતે નિર્ણાયક પરિબળ સાબિત થયા હતા. શંકરસિંહ વાઘેલાએ પણ એવું જ કરવાના પ્રયાસો કર્યા છે.

કૌશિક મહેતા કહે છે, "ચીમનભાઈ પટેલે પોતાની ઉપર લાગેલા નવનિર્માણ અને ભ્રષ્ટાચારના આરોપો સામે મક્કમ રાજકીય રણનીતિ ઘડી હતી. એ પછી ગુજરાતમાં 1985 પછી થયેલી હિંસા બાદ પટેલની નારાજગીને પારખી ચૂક્યા હતા. એમણે કોળી, કણબી (પટેલ) અને મુસ્લિમની 'કોકમ' થિયરી અપનાવી હતી."

"1989ની લોક્સભા અને 1990માં વિચારધારા અલગ હોવા છતાં ભાજપ સાથે હાથ મિલાવી ચૂંટણી લડી ગાંધીનગરની ગાદી સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ પટેલ જેવી કૂટનીતિ શંકરસિંહમાં છે, પણ ધીરજ અને લાંબી રાજકીય રણનીતિનો અભાવ છે."

કૌશિક મહેતા ઉમેરે છે, "માધવસિંહનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો, ત્યારે રાજ્યસભામાં ક્રૉસ-વોટિંગ કરાવી 1984માં ચૂંટાઈ આવવું સહેલું નહતું. પણ ઉતાવળે ભાજપ સાથે છેડો ફાડીને રાજપાનું ગઠન કર્યું. એ વખતે એમની પાસે કાર્યકર પબ્લિક-ઇમૅજ હતી એટલે તેઓ ત્રીજાપક્ષ તરીકે બહાર આવ્યા પણ પછી સફળ ન થયા."

"કૉંગ્રેસમાં 2017માં અહમદ પટેલની ચૂંટણી સમયે એમણે ગોઠવેલા રાજકીય સમીકરણને કારણે તેમની વિશ્વસિનિયતાને આંચકો લાગ્યો. એમણે બીજી પાર્ટી જન વિકલ્પ મોરચો બનાવી, ચૂંટણી સમયે સિમ્બૉલ નહીં મળતા ઑલ ઇન્ડિયા હિન્દુસ્તાન કૉંગ્રેસ પાર્ટીના નેજા હેઠળ ટ્રૅક્ટરના સિમ્બૉલથી લડ્યા."

"શંકરસિંહે ત્યારે પણ માત્ર 73 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણી સામે ઉમેદવાર નહીં ઉભા રાખવાની જાહેરાત કરી હતી, એ સમયે વાઘેલાની વિશ્વસનીયતા પર ફરી સવાલો ઊભા થયા. ચૂંટણીમાં તેમની પાર્ટીને માત્ર 0.3% વોટ મળ્યા."

કૌશિક મહેતાના મતે, "લોકસભાના ક્ષત્રિય આંદોલન બાદ બે વર્ષથી નિષ્ક્રિય રહેલી પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે લઈને આવ્યા છે, ત્યારે ક્ષત્રિય, દલિત અને પટેલનું કૉમ્બિનેશન કરવા શિવાજી, બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલને કેન્દ્રમાં રાખ્યા છે."

"જેથી કરીને માત્ર ક્ષત્રિયની પાર્ટી ના દેખાય પણ એમની લાંબી રણનીતિ, અને ધીરજનો અભાવ દેખાય છે. નવા પક્ષ સાથે ગુમાવેલી વિશ્વસનીયતા મેળવવી મુશ્કેલ છે, આ મુખ્ય કારણોને કારણે શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી સફળ થતી દેખાતી નથી."

જનસંઘથી ભાજપની ભાંજગડ

શંકરસિંહ વાઘેલા, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, શંકરસિંહની રાજકીય કારકિર્દી, જનવિકલ્પ મોરચો, કૉંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાના સંબંધ, અહમદ પટેલ. બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી નિકટ હતા (ફાઇલ તસવીર)

એન.સી.સી. (નૅશનલ કૅડેટ કૉર)ના કૅડેટ રહેલા શંકરસિંહ વાઘેલા કટોકટી વખતે સક્રિય રાજકારણી તરીકે ઉભર્યા હતા અને ઉત્તર ગુજરાતના ક્ષત્રિય નેતા તરીકે સ્થાપિત થયા હતા.

વર્ષ 2015માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેનાર અને શંકરસિંહ વાઘેલાના નિકટના સાથી રહી ચૂકેલા હર્ષદ ભર્હ્મભટ્ટએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "શંકરસિંહ વાઘેલા એક સમયે વિધાનસભાની પેટાચૂંટણી મહેસાણાથી હાર્યા હતા."

"ત્યારબાદ 1977માં લોક્સભાની ચૂંટણી કપડવંજથી જીત્યા હતા અને 1980માં લોકસભા હાર્યા હતા, ત્યારબાદ 1984માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનું સંખ્યાબળ નહીં હોવા છતાં અને માધવસિંહ સોલંકીનો દબદબો હોવા છતાં એમની વ્યક્તિગત લોકપ્રિયતાને કારણે કૉંગ્રેસમાં ક્રૉસવોટિંગ થયું અને તેઓ ચૂંટણી જીત્યા હતા."

"ત્યારબાદ એમણે માધવસિંહ સોલંકીને માત આપવા માટે પટેલ, દલિત, આદિવાસી અને ક્ષત્રિયની નવી વોટબૅન્ક ઊભી કરી હતી, ભાજપની છબી ઉપર લાવવા માટે ભાજપ અને સંઘ સાથે ના જડાયેલા હોય એવા બ્યૉરોક્રૅટ, ટેકનૉક્રૅટ,અને ક્રાઉડ-પુલિંગ માટે ફિલ્મીકલાકારોને સમાવ્યા."

"ત્યારબાદ 1995માં ભાજપને મળેલી સફળતા પછી થયેલા વિખવાદોને કારણે એ ગોધરાથી લોકસભાની ચૂંટણી હાર્યા અને એમણે ભાજપમાં બળવો કરી ઊભાં ફાડિયાં કર્યાં. 47 ધારાસભ્યોને સાથે લઈને સરકાર બનાવી."

"1998ની લોકસભા ચૂંટણી પછી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રીય મંત્રી બન્યા. ત્યારબાદ કૉંગ્રેસ સાથેના આંતરિક મતભેદને કારણે એમણે કૉંગ્રેસ છોડી, અલબત્ત આ સમયે મેં નાદુરસ્ત તબિયતને કારણે રાજકીય નિવૃત્તિ લીધી હતી."

"એ પછી એમણે જનવિકલ્પ મોરચો બનાવ્યો, એમાં શંકરસિંહના મૂળ સમર્થકો સાથે રહ્યા, પણ જૂના સાથીઓ ભાજપમાં પરત ગયા હતા અને કેટલાક કૉંગ્રેસમાં જ રહ્યા હતા. ત્યારબાદ એ બે વર્ષ એનસીપીમાં રહ્યા અને હવે નવો પક્ષ રચ્યો છે."

શું તેઓ સફળ થશે?

શંકરસિંહ વાઘેલા, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, શંકરસિંહની રાજકીય કારકિર્દી, જનવિકલ્પ મોરચો, કૉંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાના સંબંધ, અહમદ પટેલ. બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, congresssevadal.in

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલની રાખમાંથી બેઠા થવાની મનસા ધરાવતા શંકરસિંહ વાઘેલાએ કારકિર્દીની શરૂઆત સેવાદળથી કરી હોવાનું સાર્વજનિક રીતે સ્વીકાર્યું છે.

એ પછી જનસંઘનો દીવડો અને પછી ભાજપનું કમળ લઈને ગુજરાતમાં ઠેર-ઠેર ફર્યા. એ પછી ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો.

ચાહકોમાં 'બાપુ' તરીકે ઓળખાતા શંકરસિંહે રાજપા બનાવીને ગાંધીનગરની ગાદી પર બેઠા. એ પછી રાજપાનું બ્યૂગલ લઈને નીકળ્યા, પણ ગાંધીનગરની ગાદી છેટી રહી ગઈ.

એ પછી શંકરસિંહ કૉંગ્રેસનો પંજો પકડીને બે દાયકા સુધી તેની રહ્યા. ત્યારબાદ પછી ચૂંટણીની મોસમ આવી ત્યારે જનવિકલ્પ પાર્ટીનું ટ્રૅક્ટર લઈને નીકળ્યા, માંડ 0.3% વોટ મળ્યા.

એ પછી શંકરસિંહે એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ની ઘડિયાળ સાથે સમય સાધવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં નોંધપાત્ર સફળતા મેળવી શક્યા ન હતા.

એ શાંત રહેલા શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી લાડવા માટે ઑગસ્ટ-2022માં પ્રજાશકતિ ડેમૉક્રેટિક પાર્ટી બનાવી, એ પત્તું ત્યારે ન ઉતર્યા, પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ એમણે પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીનો ભાલો કાઢીને મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે. પરંતુ શું તેઓ સફળ થશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.