અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈને કારણે પંજાબના મોટા અધિકારીને કેમ ડિસમિસ કરાયા?

ઇમેજ સ્રોત, ANI
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ ફરી ચર્ચામાં છે.
ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના કારણે પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીને ડિસમિસ થવાનો વારો આવ્યો છે. લૉરેન્સ બિશ્નોઈ જ્યારે પંજાબ પોલીસની કસ્ટડીમાં હતો, ત્યારે તેમનો ઇન્ટરવ્યૂ લેવાય તેવી સુવિધા કરી આપવા બદલ ડીએસપી રૅન્કના એક અધિકારીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે.
લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સામે હત્યાઓથી લઈને ધાકધમકી આપીને નાણાં પડાવવા સહિતના આરોપો લાગેલા છે અને બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં છે.
પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, પંજાબ સરકારના ગૃહવિભાગના સચિવ ગુરકિરત કિરપાલસિંહે બીજી જાન્યુઆરીએ એક ઑર્ડર બહાર પાડીને ડીએસપી ગુરશેરસિંહ સંધુને ડિસમિસ કર્યા છે. તેમને બંધારણની કલમ 311 હેઠળ ડિસમિસ કરવામાં આવ્યા છે. માર્ચ 2023માં એક ખાનગી ટીવી ચેનલે બિશ્નોઈના બે ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો અને આટલા ગંભીર ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં તેના ઇન્ટરવ્યૂ કઈ રીતે લઈ શકાયા તેનો વિવાદ થયો હતો.
પંજાબ પોલીસે આ વિશે તપાસ કરવા એક ખાસ ટીમ રચી હતી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે બિશ્નોઈ પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે તેનો ઇન્ટરવ્યૂ લેવા માટે ગુરશેરસિંહ સંધુએ વ્યવસ્થા કરી આપી હતી.
પોલીસે બિશ્નોઈના ઇન્ટરવ્યૂ માટે સ્ટુડિયો જેવી સુવિધા પૂરી પાડી

ઇમેજ સ્રોત, ANI
અગાઉ ઑક્ટોબર 2024માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ઝાટકી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે પંજાબના પોલીસ અધિકારીઓએ ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ઇન્ટરવ્યૂ લઈ શકાય તે માટે સ્ટુડિયો જેવી સુવિધા પૂરી પાડી હતી અને એક ન્યૂઝ ચેનલ માટે બધી વ્યવસ્થા કરી આપી હતી.
ગુરશેરસિંહ સંધુને ડિસમિસ કરવાના ઑર્ડરમાં પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કહ્યું છે કે પંજાબ પોલીસ સર્વિસ (પીપીએસ)ના અધિકારી સંધુએ બે વર્ષ અગાઉ 2023માં મોહાલીના ખરારમાં ઇન્ટરવ્યૂ રેકૉર્ડ કરવાની સુવિધા કરી આપી હતી. સંધુ યોગ્ય રીતે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યા હતા જે પંજાબ પોલીસની શિસ્ત અને આચારસંહિતાનો સંપૂર્ણ ભંગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષે ઑક્ટોબરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની એક બેન્ચે કહ્યું હતું કે "પોલીસ અધિકારીઓએ એક ગુનેગારને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા દીધો અને તેને ઇન્ટરવ્યૂ આપવા માટે સ્ટુડિયો જેવી સગવડ કરી આપી. જેના કારણે ખંડણી સહિતના ગુનાને ઊજળી રીતે રજૂ કરવાનો પ્રયાસ થયો હોય તેવું લાગે છે. આમાં પોલીસ અધિકારીઓની સામેલગીરીથી એવો સંકેત મળે છે કે તેમને અપરાધીઓ અને તેમના સાથીદારો તરફથી બદલામાં કંઈક મળ્યું હોઈ શકે છે, જે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ગુનો બને છે. તેથી આ કેસની વધારે તપાસ થવી જોઈએ."
કૅનેડાએ ભારત વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લૉરેન્સ બિશ્નોઈનું નામ તાજેતરમાં ભારત અને કૅનેડા વચ્ચેના વિવાદમાં પણ ચમક્યું હતું. કૅનેડાની પોલીસે આરોપ મૂક્યો હતો કે કૅનેડામાં હત્યાઓ, ખંડણી અને બીજા ગુનાઈત કૃત્યો કરાવવામાં માટે ભારતીય રાજદ્વારી અધિકારીઓ બિશ્નોઈ ગૅંગનો ઉપયોગ કરે છે.
ઑક્ટોબર 2024માં કૅનેડિયન પોલીસે એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, "ભારત સરકારના એજન્ટો બિશ્નોઈ ગ્રૂપ જેવાં સંગઠિત અપરાધી જૂથોનો ઉપયોગ કરીને ખાલિસ્તાન તરફી નેતાઓને લક્ષ્ય બનાવી રહ્યા છે."
કૅનેડાની જમીન પર શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ પેદા થયો હતો અને બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી હતી. ભારતે પોતાની સામેના આરોપોને વારંવાર નકારી કાઢ્યા હતા.
31 વર્ષીય લૉરેન્સ બિશ્નોઈ સ્થાનિક સ્તરે કુખ્યાત બન્યા પછી તેનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઊછળ્યું હતું.
ભારતીય પોલીસનું એવું પણ કહેવું છે કે ઑક્ટોબર 2024માં મુંબઈમાં જાણીતા રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા પાછળ પણ બિશ્નોઈ ગૅંગનો હાથ હતો. બિશ્નોઈ ગૅંગની સાગરિત માનવામાં આવતી એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે સિદ્દીકીની હત્યા તેમણે જ કરાવી છે.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં મુખ્ય આરોપી

ઇમેજ સ્રોત, SIDHU MOOSE WALA
લૉરેન્સ બિશ્નોઈ એક સમયે ભારતમાં મોસ્ટ વૉન્ટેડ અપરાધી હતો અને હવે 2015થી તે જેલમાં છે. જોકે, જેલની અંદર રહીને પણ તે પોતાનાં ગુનાહિત કૃત્યો પાર પાડી શકે છે તેવું પોલીસનું માનવું છે.
મે 2022માં પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના કેસમાં બિશ્નોઈ મુખ્ય આરોપી છે.
2018માં બિશ્નોઈ ગૅંગે બોલીવૂડના ઍક્ટર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર પછી સલમાન ખાનના ઘર નજીક ગોળીબારની ઘટના પણ બની હતી.
પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ગૅંગનું નેટવર્ક
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે તેની ગૅંગમાં 700 માણસો છે, જે અલગઅલગ રાજ્યોમાં ફેલાયેલા છે.
મૂસેવાલા હત્યા કેસમાં લૉરેન્સ બિશ્નોઈનો ભાગીદાર ગોલ્ડી બ્રાર સહ-આરોપી છે અને તે કૅનેડામાં રહીને ગૅંગ ચલાવતો હોવાનું માનવામાં આવે છે. બિશ્નોઈ સામે 30થી વધારે કેસ દાખલ થયેલા છે.
પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે બીજા ગૅંગસ્ટરો એક ક્ષેત્ર પૂરતા મર્યાદિત હોય છે જ્યારે લૉરેન્સ બિશ્નોઈ જેલમાંથી આરામથી ગૅંગ ચલાવે છે અને કોઈની સાથે સંકલન કરવાની જરૂર પડતી નથી.
બિશ્નોઈનો જન્મ આર્થિક રીતે સુખી પરિવારમાં થયો હતો. પંજાબમાં તેનો પરિવાર 100 એકર જમીનની વચ્ચે એક ભવ્ય બંગલામાં રહે છે.
લૉરેન્સના પિતા ભૂતપૂર્વ પોલીસ કર્મચારી છે જ્યારે તેમનાં માતા ગૃહિણી છે. લૉરેન્સની સાથે તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ પણ મુસાવાલા હત્યા કેસમાં મુખ્ય શકમંદ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












