નિર્દોષ ભાઈને ફાંસીની સજામાંથી બચાવવા 56 વર્ષ સુધી લડનાર બહેનની કહાણી

જાપાન મહિલા ફાંસીની સજા માનવ અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 91 વર્ષનાં હિડેકો હાકામાટાએ પોતાના ભાઈને ફાંસીની સજામાંથી છોડાવવા પોતાની આખી જિંદગી લડત આપી
    • લેેખક, શાઈમા ખલીલ
    • પદ, ટોક્યો સંવાદદાતા

જાપાનમાં એક મહિલાએ પોતાના મૃત્યુદંડની સજા પામેલા ભાઈને નિર્દોષ સાબિત કરવા માટે 56 વર્ષ સુધી કોર્ટમાં લડત આપીને અંતે સફળતા મેળવી છે.

કોર્ટે ગયા સપ્ટેમ્બરમાં 88 વર્ષના ઈવાઓ હાકામાટાને નિર્દોષ જાહેર કર્યા હતા. તેઓ એવા કેદી હતા જેઓ દુનિયામાં સૌથી લાંબા સમયથી મૃત્યુદંડની સજા ભોગવી રહ્યા હતા.

તેમનાં 91 વર્ષીય બહેન હિડેકો હાકામાટાએ જાપાનમાં હામામાત્સુ સ્થિત ઘરેથી બીબીસીને જણાવ્યું કે, "મેં તેમને (ભાઈને) જણાવ્યું કે તમે નિર્દોષ છૂટી ગયા છો, ત્યારે તેઓ શાંત રહ્યા હતા."

"મને ખબર નથી કે તેમને કંઈ સમજાયું છે કે નહીં."

1968માં તેમના ભાઈ ઈવાઓ હાકામાટાને ચાર વ્યક્તિના મોતના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2024માં તેમને 88 વર્ષની ઉંમરે અંતે નિર્દોષ જાહેર કરાયા હતા. આ સાથે જાપાનમાં સૌથી લાંબો સમય ચાલેલા કેસનો અંત આવ્યો હતો.

હાકામાટાનો કેસ નોંધપાત્ર તો છે જ, સાથે સાથે તે જાપાનના ન્યાય પ્રણાલીમાં રહેલી એક પ્રકારની નિર્દયતાને પણ દર્શાવે છે, જ્યાં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને વર્ષો સુધી ખબર નથી હોતી કે તેમને ક્યારે સજા અપાવાની છે. ફાંસીની સજાથી થોડા કલાક અગાઉ જ કેદીને તેની જાણ કરાય છે.

માનવ અધિકાર નિષ્ણાતોએ આ પ્રકારની ક્રૂર અને અમાનવીય રીતનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આના કારણે કેદીઓને ગંભીર માનસિક બીમારી થઈ શકે છે.

પણ તેમને સજા કેમ થઈ હતી અને કેસ આટલો લાંબો કેમ ચાલ્યો?

જાપાન મહિલા કેદી જેલની સજા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇવાઓ હાકામાટા 2014માં કેસ ફરીથી શરૂ થયો ત્યારથી પોતાના બહેન હિકેડો સાથે રહે છે

હાકામાટાએ પોતાના જીવનનો અડધા કરતા વધુ હિસ્સો એકાંત કેદમાં ગાળ્યો હતો અને જે અપરાધ તેમણે નહોતો કર્યો તેના માટે ફાંસીની રાહ જોઈ રહ્યા હતા.

વર્ષો પછી તેમનો કેસ ફરીથી ખોલવામાં આવ્યો અને 2014માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ પોતાના બહેન હિડોકોની સારસંભાળ હેઠળ હતા.

અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ સ્વયંસેવકોના એક જૂથ સાથે બહાર નીકળ્યા હતા. આ લોકો વયોવૃદ્ધ ભાઈબહેનની કાળજી રાખે છે. પોતાની આસપાસ અજાણ્યા લોકોને જોઈને હાકામાટા ચિંતિત હતા. તેમના બહેને કહ્યું કે કેટલાંય વર્ષોથી તેઓ 'પોતાની જ દુનિયામાં ખોવાયેલા' છે.

તેમણે કહ્યું કે, "40 વર્ષ કરતાં વધુ સમય સુધી કોઈને જેલની એક સાંકડી કોટડીમાં પૂરી રાખવામાં આવે ત્યારે આવું જ થાય છે."

"તેમણે મારા ભાઈનું જીવન જાનવર જેવું બનાવી દીધું હતું."

મૃત્યુદંડની સજા શા માટે થઈ?

જાપાન બોક્સર ફાંસીની સજા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાર લોકોની હત્યાના આરોપમાં હાકામાટા (ડાબે)ને 1968માં સજા થઈ તે અગાઉ તેઓ પ્રોફેશનલ બોક્સર હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈવાઓ હાકામાટા એક ભૂતપૂર્વ પ્રોફેશનલ બૉક્સર હતા અને એક પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામ કરતા હતા. ત્યાંથી તેમના બૉસ, બૉસનાં પત્ની અને તેમનાં બે ટીનેજર બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ધારદાર શસ્ત્રથી ચારેયની હત્યા કરાઈ હતી.

હાકામાટા પર પોતાના બૉસના પરિવારની હત્યા કરવાનો, બૉસનું ઘર સળગાવી દેવાનો અને બે લાખ યેન (લગભગ 47 હજાર રૂપિયા)ની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો.

1966માં પોલીસ હાકામાટાને પકડવા માટે આવી હતી. તે દિવસને યાદ કરતા તેમનાં બહેન હિડેકો કહે છે કે, "અમને ખબર જ ન હતી કે શું થઈ રહ્યું છે."

તેમના પરિવારના ઘરની તલાશી લેવાઈ, તેમનાં મોટાં બે બહેનોના ઘરની પણ તલાશી લેવામાં આવી અને પછી પોલીસ હાકામાટાને લઈ ગઈ.

શરૂઆતમાં હાકામાટાએ પોતે ગુનો કર્યો હોવાનો ઇનકાર કર્યો, પરંતુ પછી પોલીસના દબાણ હેઠળ તેણે ગુનાની કબૂલાત કરતું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન પોલીસે તેમના પર અત્યાચાર કર્યો હતો અને રોજના 12-12 કલાક પૂછપરછ કરતી હતી.

ધરપકડનાં બે વર્ષ પછી હાકામાટા સામેના આરોપો સાબિત થયા અને તેમને ચાર વ્યક્તિની હત્યા, ઘર સળગાવવાના ગુનામાં ફાંસીની સજા સંભળાવાઈ. તેમને મૃત્યુદંડ પામેલા કેદીઓની કોટડીમાં રાખવામાં આવ્યા ત્યારે તેમનાં બહેનને તેમના વર્તનમાં ફેરફાર દેખાયો.

તેઓ કહે છે, "મારા ભાઈએ કહ્યું કે ગઈ કાલે નજીકની કોટડીના એક કેદીને ફાંસી અપાઈ હતી. તેણે મને કહ્યું કે 'તારી કાળજી રાખજે.' ત્યાર પછી તેમની માનસિક સ્થિતિ એકદમ બદલાઈ ગઈ અને તેઓ શાંત થઈ ગયા."

જાપાનમાં મૃત્યુદંડની સજાના કારણે જીવન બરબાદ થઈ ગયું હોય તેવી હાકામાટા એકમાત્ર વ્યક્તિ નથી. જાપાનમાં કોઈ કેદીને ખબર નથી હોતી કે કઈ સવાર તેમના જીવનની છેલ્લી સવાર હશે.

મેન્ડા સેકેઈ નામના બીજા એક કેદીએ મૃત્યુદંડની સજાની રાહ જોતા 34 વર્ષ જેલમાં કાઢ્યા હતા અને અંતે નિર્દોષ મુક્ત થયા હતા. તેમણે કહ્યું કે "સવારના આઠથી સાડા આઠ વાગ્યા વચ્ચેનો સમય સૌથી મહત્ત્વનો હતો, કારણ કે તે સમયે દર્દીઓને તેમની ફાંસીની સજાની જાણ કરાતી હતી." મેન્ડાએ આ વિષય પર એક પુસ્તક પણ લખ્યું છે.

તેઓ કહે છે, "તમને ભયંકર ચિંતા થવા લાગે છે, કારણ કે તમને ખબર નથી હોતી કે ક્યારે પહેરેદારો તમારી કોટડી પર આવીને ઊભા રહેશે. તે કેટલી ભયંકર લાગણી હતી તે વ્યક્ત કરવું મુશ્કેલ છે."

જેમ્સ વેલ્શ નામના લેખકે 2009માં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માટે એક રિપોર્ટ લખ્યો હતો જેમાં મૃત્યુદંડની સજાની રાહ જોઈ રહેલા કેદીઓની વાત કરી હતી. તેમણે લખ્યું છે કે, "ગમે ત્યારે મોત આવશે તે ભય બહુ ક્રૂર અને અમાનવીય હોય છે."

રિપોર્ટમાં જણાવાયું હતું કે "આવા કેદીઓ માનસિક આરોગ્યની ગંભીર સમસ્યાનો પણ સામનો કરે તેવું જોખમ હોય છે."

વર્ષો પસાર થતા ગયા અને હિડેકો જોતાં રહ્યા કે તેમના ભાઈની માનસિક સ્થિતિ કથળતી જાય છે.

તેઓ કહે છે, "એક વખત તેણે મને પૂછ્યું", "તને ખબર છે હું કોણ છું?" મેં કહ્યું, "હા, ખબર છે. તમે ઈવાઓ હાકામાટા છો." તેણે કહ્યું "ના. તમે કોઈ બીજા માણસને જોવા આવ્યા હોય એવું લાગે છે." એમ કહીને તે કોટડીમાં અંદર જતા રહ્યા.

ત્યાર પછી હિડેકો જ જાણે પોતાના ભાઈનાં વકીલ બની ગયાં. 2014માં આ કેસમાં તેમને એક મોટી સફળતા મળી.

હાકામાટા જ્યાં કામ કરતા હતા ત્યાંથી એક ટાંકીમાંથી લોહીના લાલ ડાઘ ધરાવતાં કપડાં મળી આવ્યાં હતાં, જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો હતો.

જાપાન કેદી મહિલા ફાંસીની સજા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હકામાડાને તેમના બૉસ, બૉસનાં પત્ની અને બે બાળકોની હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા

હત્યાનાં સવા વર્ષ પછી આ કપડાં મળી આવ્યાં હતાં અને ફરિયાદપક્ષની દલીલ હતી કે આ કપડાં હાકામાટાનાં હતાં. પરંતુ હાકામાટાના વકીલોએ વર્ષો સુધી દલીલ કરી હતી કે કપડાં પરથી મળી આવેલા ડીએનએ મેચ થતા ન હતા. તેમનો આરોપ હતો કે તે પુરાવા કોઈએ ત્યાં ગોઠવ્યા હતા.

2014માં એક જજ તેમને જેલમાંથી મુક્ત કરવા અને તેમની સામે નવેસરથી કેસ ચલાવવા તૈયાર થયા.

લાંબી કોર્ટ કાર્યવાહીમાં ઘણો સમય નીકળી ગયો અને ગયા વર્ષે ઑક્ટોબરમાં જ કેસ ફરીથી ચાલુ થયો. તે વખતે હિડેકો કોર્ટમાં હાજર થયાં અને પોતાના ભાઈના જીવન માટે વિનંતી કરી.

હાકામાટાના જીવન કે મોતનો આધાર કપડાં પરના લોહીના ડાઘ પર રહેલો હતો.

ફરિયાદપક્ષે દલીલ કરી કે કપડાં મળી આવ્યાં ત્યારે લોહીના ડાઘનો રંગ લાલ હતો. પરંતુ ડિફેન્સે દલીલ કરી કે "કપડાં લાંબા સમય સુધી ટાંકીમાં પડ્યાં રહ્યાં હોય તો તેને રંગ કાળો પડી જવો જોઈતો હતો."

આ દલીલ કામ કરી ગઈ. જજ કોશી કુનીએ જાહેર કર્યું કે "તપાસ કરનાર ઑથૉરિટીએ જ લોહીના ડાઘ ઉમેર્યા હતા અને હત્યાકાંડ પછી મિસોની ટાંકીમાં ડાઘવાળાં કપડાં રાખવામાં આવ્યાં હતાં."

જજ કુનીએ એવું પણ કહ્યું કે "બાકીના પુરાવા પણ ઉપજાવી કાઢેલા છે. ઇન્વેસ્ટિગેશનનો રેકૉર્ડ પણ ખોટો હતો." આમ કહીને જજે હાકામાટાને નિર્દોષ જાહેર કર્યા.

ચુકાદો સાંભળીને તેમનાં બહેન હિડેકો રડવાં લાગ્યાં હતાં.

તેમણે કહ્યું, "જજે જ્યારે કહ્યું કે મારા ભાઈ ગુનેગાર નથી, ત્યારે મને આનંદ થયો. મારી આંખોમાં આંસુ આવી ગયાં. મને સામાન્ય રીતે રડવું નથી આવતું. પરંતુ એક કલાક સુધી મારી આંખોમાંથી અશ્રુ વહેતાં રહ્યાં."

જાપાનની ન્યાય પ્રણાલી સામે સવાલો

જાપાન મહિલા જેલવાસ સજા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 88 વર્ષના ઈવાઓ હાકામાટાને સપ્ટેમ્બર 2024માં જેલમાંથી મુક્ત કરાયા હતા

હાકામાટા સામેના પુરાવા ઑથૉરિટીએ જ ઉપજાવી કાઢ્યા હતા તે વાત કેટલાક ગંભીર સવાલો પેદા કરે છે.

જાપાનમાં 99 ટકા કેસમાં આરોપીને સજા થતી હોય છે. અહીં 'હોસ્ટેજ જસ્ટિસ'ની એક સિસ્ટમ છે. જાપાનમાં હ્યુમન રાઇટ્સ વોચ ખાતે ડાયરેક્ટર કેનેઈ ડોઈ કહે છે કે "આ સિસ્ટમમાં ધરપકડ થયેલા લોકો પોતાને નિર્દોષ ગણાવવાનો અધિકાર ગુમાવી બેસે છે. તેમની જામીન અરજી પર ઝડપી અને યોગ્ય સુનાવણી નથી થતી. તેમને ઊલટતપાસ દરમિયાન વકીલની કાનૂની સહાય પણ નથી મળતી."

ડોઈએ 2023માં કહ્યું હતું કે આ અપમાનજનક પ્રણાલીના કારણે લોકોના જીવન અને પરિવાર વિખેરાઈ ગયા છે. લોકોને ખોટી સજા આપવામાં અપાઈ છે.

મનોઆમાં હવાઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર ડેવિડ ટી જૉન્સન જાપાનની ન્યાય પ્રણાલી પર સંશોધન કરે છે. તેઓ છેલ્લાં 30 વર્ષથી હાકામાટાના કેસ પર નજર રાખી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ કેસ આટલો બધો લાંબો ચાલ્યો તેનું એક કારણ એ છે કે 2010ની આસપાસ બચાવ માટે મહત્ત્વના પુરાવાનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

જૉન્સને બીબીસીને જણાવ્યું કે, "આ વિફળતા ગંભીર અને અક્ષમ્ય હતી. જજ આ કેસને લટકાવતા રહ્યા. રીટ્રાયલની અરજીમાં ઘણી વખત તેઓ પોતે વ્યસ્ત હોવાનું કહે છે. કાયદો તેમને આવું કરવાની છૂટ આપે છે."

હિડેકોનું કહેવું છે કે બળજબરીથી ગુનાની કબૂલાત અને તેમના ભાઈ દ્વારા જે અત્યાચાર ભોગવવામાં આવ્યો તે આખા અન્યાયનું કારણ છે.

જૉન્સન કહે છે કે કોઈ એકની ભૂલના કારણે ખોટા આરોપો લાગે છે એવું નથી. પરંતુ પોલીસથી લઈને પ્રૉસિક્યુશન, અદાલતો અને સંસદ સુધી દરેક સ્તરે નિષ્ફળતાના કારણે તે વધુ જટિલ બની જાય છે.

તેમણે કહ્યું, "ન્યાયાધીશના શબ્દો અંતિમ હોય છે. જ્યારે કોઈને ખોટી રીતે સજા અપાય ત્યારે તેઓ આવું બોલ્યા હોય તેથી થાય છે. ઘણી વખત ખોટી સજા આપવા અને જાળવી રાખવા બદલ ન્યાયાધીશોની જવાબદારીને અવગણવામાં આવે છે, તેની ઉપેક્ષા કરાય છે."

આ પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો હાકામાટાની મુક્તિ ન્યાયની દૃષ્ટિએ એક ઐતિહાસિક ઘટના હતી.

હાકામાટાને નિર્દોષ જાહેર કર્યા પછી તેમના રીટ્રાયલનું વડપણ કરતા ન્યાયાધીશે હિડેકોની માફી માગી કે તેમને ન્યાય મળવામાં ઘણો લાંબો સમય લાગી ગયો.

થોડા સમય પછી શિઝુઓકા પોલીસના વડા ટાકાયોશી સુદા તેમના ઘરે પહોંચ્યા અને ભાઈ અને બહેન બંને સામે તેઓ ઝૂક્યા.

સુદાએ કહ્યું, "છેલ્લાં 58 વર્ષથી અમે તમને વર્ણવી ન શકાય તેવી ચિંતા અને બોજ આપ્યો છે. અમે ખરેખર દિલગીર છીએ."

હિડેકોએ પોલીસવડાને અનપેક્ષિત જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું, "અમારું માનવું છે કે જે કંઈ થયું તે અમારું નસીબ હતું. હવે અમારે કોઈ ચીજની ફરિયાદ નથી કરવી."

ભાઈને શાંતિ આપવા બહેને શું શું કર્યું?

જાપાન મહિલા જેલવાસ ફાંસીની સજા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિડેકો કહે છે કે તેમને હંમેશા લાગ્યું કે તેમણે પોતાના નાના ભાઈનું રક્ષણ કરવું જોઈએ.

લગભગ 60 વર્ષ સુધી ચિંતા અને પીડા સહન કર્યા બાદ હિડેકોએ પોતાના ઘરને એવી રીતે સજાવ્યું છે જેથી તેમાં અજવાળું રહે. ઘરના ઓરડા પ્રકાશિત અને આકર્ષક છે. તેમાં ભાઈ-બહેનની તસવીરોની સાથે સાથે પારિવારિક મિત્રો અને સમર્થકોની તસવીરો પણ જોવા મળે છે.

હિડેકો પરિવારના બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટોના આલબમનાં પાનાં ઊથલાવે છે અને પોતાના 'વહાલા' નાના ભાઈની બાળપણની યાદો તાજી કરીને હસી પડે છે.

છ ભાઈબહેનોમાં હાકામાટા સૌથી નાનાં છે અને હંમેશાં બહેનની નજીક ઊભેલાં જોવાં મળે છે.

તેઓ કહે છે, "અમે જ્યારે નાનાં હતાં ત્યારે હંમેશાં સાથે રહેતાં હતાં. મને હંમેશાં ખબર હતી કે મારે મારા નાના ભાઈની દેખભાળ કરવાની છે. એ કામ હજુ પણ ચાલુ છે."

તેઓ હાકામાટાના રૂમમાં જાય છે અને એક બિલાડી દેખાડે છે જે તેમના ભાઈની ખુરશી પર બેઠી છે. ત્યાર પછી તેઓ એક તસવીર દેખાડે છે જેમાં હાકામાટા પ્રોફેશનલ બૉક્સર તરીકે જોવા મળે છે.

તેઓ કહે છે, "તે એક ચૅમ્પિયન બનવા માગતો હતો. પછી આ ઘટના બની ગઈ."

તેઓ કહે છે કે 2014માં હાકામાટાની મુક્તિ પછી હિકેટો પોતાના ઘરને શક્ય એટલું પ્રકાશિત બનાવવા માગતાં હતાં. તેથી તેમણે આગળના દરવાજાને ગુલાબી રંગે રંગી નાખ્યા.

તેઓ કહે છે, "મને લાગે છે કે તે એક પ્રકાશિત રૂમમાં રહે તો ઉત્સાહથી ભરપૂર રહેશે. તે કુદરતી રીતે સાજા થઈ જશે."

હિડેકોના ઘરમાં જતા જ સૌથી પહેલા ચમકદાર ગુલાબી રંગ જોવા મળે છે જે આશા અને મક્કમતા દર્શાવે છે.

જાપાન અદાલત મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિડેકોએ પોતાના ભાઈનો કેસ ફરીથી ખુલે તે માટે અભિયાન ચલાવ્યું હતું

તેનાથી કોઈ ફાયદો થયો કે નહીં તે નક્કી નથી. હાકામાટા હજુ પણ કલાકો સુધી આમ તેમ ચાલતા રહે છે જે રીતે તેઓ જેલની સાંકડી કોટડીમાં ચાલ્યા કરતા હતા.

જોકે, હિડેકોને પૂછવામાં આવ્યું કે તેમની સાથે આટલો અન્યાય થયો ન હોત તો તેમનું જીવન કેવું હોત તેના વિશે તેઓ વાત કરવા નથી માગતા.

તેમને પૂછવામાં આવ્યું કે તેમના ભાઈની આ તકલીફ માટે તેઓ કોને જવાબદાર માને છે, ત્યારે તેઓ કહે છે, "કોઈને નહીં."

તેઓ કહે છે, "જે કંઈ થયું તેના વિશે ફરિયાદ કરવાથી અમને કંઈ નહીં મળે."

હવે તેમની પ્રાથમિકતા પોતાના ભાઈને આરામ આપવાની છે. તેઓ તેમની દાઢી કરી આપે છે, માથા પર મસાજ કરે છે, દરરોજ સવારે નાસ્તા માટે સફરજન અને જરદાળુ સમારી આપે છે."

હિડેકો 91 વર્ષનાં છે અને જીવનનો મોટા ભાગનો સમય પોતાના ભાઈની સ્વતંત્રતા માટે લડવામાં વિતાવ્યો છે. તેઓ કહે છે કે કદાચ આ જ તેમનું નસીબ હશે.

તેઓ કહે છે, "હું ભૂતકાળ વિશે વિચારવા નથી માગતી. મને ખબર નથી કે હું ક્યાં સુધી જીવિત રહીશ. હું એટલું જ ઇચ્છું છું કે ઈવાઓ (ભાઈ) શાંતિથી જીવન જીવી શકે."

(ચિકા નાકાયમાના રિપોર્ટિંગ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.