'સરકાર સાથે વાટાઘાટ નિષ્ફળ ગઈ અને તેમણે અમારા પર બંદૂક તાકી'– કંદહાર હાઇજેક સમયે વિમાનમાં રહેલા લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજય ઢકાલ
- પદ, બીબીસી , કાઠમંડુ
24 ડિસેમ્બર, 1999ના રોજ બપોરે ઇન્ડિયન ઍરલાઇન્સનું IC814 પ્લેન (જેમાં લગભગ 180 મુસાફરો હતા)ને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી ઉડાણ ભર્યા બાદ તરત જ હાઇજેક કરવામાં આવ્યું હતું.
એ ઘટનાને 25 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે.
સાંજે ચાર વાગ્યા પછી ટેકઑફ થયેલા વિમાનને દિલ્હી જવાને બદલે ભારતના અમૃતસર, પાકિસ્તાનના લાહોર, યુએઈના દુબઈ તરફ વાળવામાં આવ્યું અને અંતે અફઘાનિસ્તાનના કંદહારમાં ઉતારવામાં આવ્યું હતું.
પ્લેનના મુસાફર એવા એક નેપાળી મૂળના સંજયા ધીતાલે એ ઘટના યાદ કરતાં કહ્યું, "જ્યારે અમને ફૂડ પૅકેટ આપવામાં આવતાં હતાં ત્યારે અચાનક જ હંગામો થયો. અમને નીચા નમીને તરત જ સૂઈ જવાની સૂચના આપવામાં આવી. અમે ફૂડ પૅકેટ પણ ખોલી શક્યા નહીં. મારા મગજમાં પહેલી વાત એવી આવી કે આ લોકો ઘરેણાં લૂંટવા માગે છે, કારણ કે વિમાનમાં મેં ઘણાં નવપરિણીત યુગલોને જોયાં હતાં."
નવપરિણીત ધીતાલ પણ તેમનાં પત્ની રોજીના પાઠક સાથે મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ દિલ્હી થઈને પાકિસ્તાન ખાતે પોતાના કામના સ્થળે જઈ રહ્યાં હતાં.
"પરંતુ જ્યારે હાઇજેકરોએ જાહેર કર્યું કે તેઓ કાશ્મીરી મુસલમાન છે, ત્યારે જ મને સમજાઈ ગયું કે તેમની માગણીઓ ભારત સરકાર સરળતાથી નહીં માને. અને ત્યારે જ મને લાગ્યું કે અમારું જીવન જોખમમાં છે," ધીતાલે ઉમેર્યું.
અપહરણના સાત દિવસ બાદના એક ગોઝારા સમયને યાદ કરતાં તેઓ કહે છે કે, "અપહરણકર્તાઓએ અચાનક મુસાફરો પર ઑટોમેટિક બંદૂકોને તાણીને કહ્યું કે ભારત સરકાર સાથેની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે."
જોકે, આ ઘટનાના થોડા કલાકો પછી જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અને 31 ડિસેમ્બરે તેઓ કંદહારમાં એક અઠવાડિયાના ભયંકર રોકાણ બાદ દિલ્હી પાછા ફરવામાં સફળ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધીતાલે પાકિસ્તાનના પેશાવરસ્થિત 'આમદા' (Amda) નામની જાપાની સ્વયંસેવી સંસ્થાના વડા તરીકે કામ કરતા હતા. તેમની સંસ્થા અને તેઓ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પૂરી પાડવા માટે અફઘાનિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં ઘણી વાર જતાં હતાં.
હાઇજેકર્સને તેમના કામ વિશે જાણ થયા પછી તેના વડા કે જે "ચીફ" તરીકે ઓળખાતા હતા, તેણે ધીતાલને કોકપિટમાં બોલાવીને તેમનાં ખબરઅંતર પૂછ્યાં હતાં.
સંજયા ધીતાલે યાદ કરતાં કહ્યું, "તે પછી તેમનું વલણ મારા પ્રત્યે નરમ પડ્યું હતું. તેમણે મને પૂછ્યું કે શું જોઈએ છે, ત્યારે મેં પાણી માગ્યું હતું."
પ્લેન હાઇજેક થયું ત્યારથી જ મુસાફરોને ખોરાક અને પાણીથી વંચિત રાખવામાં આવ્યા હતા. આના કારણે મુસાફરોને ખૂબ જ તકલીફ પડી હતી.
તેમણે ઉમેર્યું, "હાઇજેક થયા એના બીજા દિવસે સવારે જ અમને પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી અને થોડાં બિસ્કિટ આપવામાં આવ્યાં. બાદમાં જ્યારે અમે કંદહાર પહોંચ્યા ત્યારે અમને શાકભાજી સાથે ઠંડા ભાત આપવામાં આવ્યા હતા."
હાસ્ય કલાકાર કે જે મીડિયામાં બદનામ થયા

ઇમેજ સ્રોત, Lokesh Sharma/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુસાફરોમાં એક કાઠમંડુના પશ્મિનાના વેપારી ગજેન્દ્રમાન તામ્રકર પણ હતા.
તેઓ પાર્ટટાઇમ હાસ્ય કલાકાર હતા અને તેમના વિનોદી વર્તન માટે જાણીતા હતા.
તેમનાં પત્ની મીરા તામ્રકરે બીબીસીને જણાવ્યું કે, "હાઇજેકની તેમની મન:સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. વિનોદી સ્વભાવનો આ માણસ હાઇજેક પછી ગંભીર રીતે બીમાર પડી ગયો. થોડાં વર્ષો પછી 42 વર્ષની ઉંમરે તેમનું હાર્ટ ઍટેકથી અવસાન થયું."
હાઇજેક દરમિયાન તામ્રકરે પીડિત મુસાફરોને હસાવીને તેમનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ધીતાલે હાઇજેકની ઘટના દરમિયાન તામ્રકરના પ્રયત્નોને યાદ કરતાં કહે છે કે, "તે અપહરણકારોની નકલ કરતો અને લોકોના મૂડને હળવો કરવાનો પ્રયત્ન કરતો. બોલીવૂડની શોલે ફિલ્મના સંવાદો પણ સંભળાવતો. તે હાઇજેકરની નકલ પણ કરતો. જોકે જ્યારે તેણે એક અપહરણકર્તાની નકલ કરી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેણે પિસ્તોલની પાછળનો હિસ્સો તેના માથા પર માર્યો. આ ઘટના બાદ તે શાંત પડી ગયો."
પ્લેનની અંદર જ નહીં તામ્રકારને બહાર આવીને પણ તકલીફો પડી હતી.
મીડિયામાં અમુક લોકો એવું પણ માનતા હતા કે તામ્રકર અપહરણ કરનારાઓમાંના એક હતા. જેના કારણે તેમના પરિવારને ઘણો બિનજરૂરી તણાવ સહન કરવો પડ્યો હતો.
નેપાળના તત્કાલીન વિદેશમંત્રી ડૉ.રામશરણ મહતે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરવી પડી હતી કે આ હાઇજેકમાં કોઈ પણ નેપાળી નાગરિક સામેલ નથી.
મીરા તામ્રકર યાદ કરતાં કહે છે કે, "જ્યારે તેને ખબર પડી કે અમુક મીડિયા તેના પર આવા આરોપો મૂકી રહ્યા છે, ત્યારે તે ચોંકી ગયો હતો. આ ઘટના બાદ તે તદ્દન નિષ્ક્રિય બની ગયો હતો. તેનો પશ્મિનાનો ધંધો પણ પડી ભાંગ્યો હતો. અપહરણવાળી તેની છેલ્લી વિમાન મુસાફરી હતી."
પ્લેનની બહાર પણ અરાજકતા

ઇમેજ સ્રોત, Getty Images
અપહરણ કરાયેલા વિમાનની અંદર મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ બહાર પણ અરાજકતા ફેલાઈ ગઈ હતી.
નેપાળ સરકારે આ મામલે રચેલી તપાસ સમિતિના એક સભ્ય ખેમરાજ રેગ્મી હતા.
તેમણે જણાવ્યું કે, "વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું. ખાસ કરીને ભારતીય મીડિયામાં નેપાળની સુરક્ષાની નબળાઈઓને અતિશયોક્તિપૂર્ણ રજૂઆત કરાઈ હતી. તેમના પર એટલા બધા આરોપ મૂકવામાં આવ્યા હતા કે કોઈને એમ પણ લાગે ભારત નેપાળ વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરવા માગી રહ્યું છે."
થોડા સમય બાદ ભારતીય મીડિયાએ નેપાળની સુરક્ષા ખામીઓ પર અહેવાલ આપવાનું શરૂ કર્યું.
બીજા દિવસે નેપાળી કૅબિનેટે અપહરણની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.
ભારતે તરત જ નેપાળની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી અને આ પ્રતિબંધ પાંચ મહિના સુધી ચાલ્યો હતો.
નેપાળમાં ભારતીય રાજદૂત કૃષ્ણ વી રાજને બીબીસીને જણાવ્યું કે, "વડા પ્રધાન વાજપેયી સહિત નવી દિલ્હીમાં ટોચના નેતાઓને લાગ્યું કે નેપાળી રાજકીય નેતૃત્વ અપહરણની ઘટનાને ગંભીરતાથી નથી લઈ રહ્યું."
નેપાળની અંદર એવી લાગણી હતી કે ભારત કટોકટીનું યોગ્ય રીતે સંચાલન કરવામાં મળેલી નિષ્ફળતા માટે કાઠમંડુને અપ્રમાણસર રીતે દોષી ઠેરવી રહ્યું હતું. ભારતીય મીડિયાએ આ મામલે બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું હતું.
રાજને તેમના પુસ્તક "કાઠમંડુ ક્રોનિકલ્સ"માં ઉલ્લેખ કર્યો છે કે અપહરણની ઘટના નેપાળની છબિ અને આત્મસન્માન માટે તેમજ ભારતના લોકોની નજરમાં તેના તરફની સદભાવના માટે મોટો ફટકો હતી. જોકે, તેમણે સંકેત આપ્યો કે આ માટે કેટલાક અંશે દોષી દિલ્હી પણ છે.
રાજન લખે છે, "સરકારની બેદરકરી છુપાવવા માટે નવી દિલ્હીએ ભારતીય નેતાઓનાં નિવેદનો અને પ્રહારો દ્વારા નેપાળને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને આખી ઘટનામાં નિવેદનો રોકવામાં બેદરકારી દાખવી."
તે સમય દરમિયાન બનેલી એક ઘટનાને યાદ કરીને તેમણે ઉલ્લેખ કર્યો કે "નવી દિલ્હીએ મને કાઠમંડુ ઍરપૉર્ટના તમામ વિસ્તારોમાં ચાર જાણીતી મીડિયા ચેનલોમાંથી એકને પ્રવેશ આપવા કહ્યું હતું, તેઓ અગાઉ નેતાઓનાં નિવેદનો દ્વારા થયેલા નુકસાનને સુધારવા અને નેપાળને સારી રીતે રજૂ કરવા માગતા હતા."
"મેં નેપાળના વડા પ્રધાન કે.પી. ભટ્ટરાયને પરવાનગી માટે વિનંતી કરી હતી. થોડા દિવસ બાદ બધાના આશ્ચર્ય વચ્ચે એવા બ્રૅકિંગ ન્યૂઝ રજૂ કરવામાં આવ્યા કે હાઇજેકના થોડા દિવસો પછી પણ સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે કે પત્રકારો અને ટીવી ચેનલને અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં જવામાં સફળતા મળી હતી."
તેમણે નિર્દેશ કર્યો કે આ પ્રકારની ઘટનાથી લાંબા ગાળે બંને દેશોના સંબંધ પર શું અસર થશે તેનો કોઈ વિચાર કરવામાં આવ્યો ન હતો.
તપાસ સમિતિએ શું તારણ કાઢ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઍરપૉર્ટ પર સુરક્ષાની નબળાઈઓના કારણે હાઇજેક થયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું ત્યારે તપાસ સમિતિ આની ક્ષતિઓ માટે કોણ કેવી રીતે જવાબદાર હતું તે નક્કી કરવામાં અસમર્થ હતી.
સમિતિના સભ્ય અને નેપાળના ભૂતપૂર્વ ગૃહસચિવ ખેમરાજ રેગ્મીએ જણાવ્યું હતું કે, "હાઇજેકરોએ નિયમિત મુસાફરોની જેમ જ બધી પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. પરંતુ તેમને સુરક્ષા તપાસ દરમિયાન રોકવામાં જ આવ્યા ન હતા."
તપાસ દરમિયાન ઍરપૉર્ટ પર સુરક્ષા નિરીક્ષણના ઇંતેજામને યાદ કરતાં રેગ્મીએ કહ્યું, "કમિટીના અધ્યક્ષ નેપાળના ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક હતા. જ્યારે અમે ટેસ્ટ રન કર્યું ત્યારે અમારી ટીમ સરળતાથી સુરક્ષાને પાર કરી ગઈ અને તેમને અમારી પાસેની પિસ્તોલ પણ મળી ન હતી. "
તે સમયે ઍરપૉર્ટ પર લગાવવામાં આવેલા 16 સીસીટીવી કૅમેરામાંથી માત્ર ચાર જ કાર્યરત્ હતા, એવું સમિતિ શોધી શકી.
સુરક્ષા કર્મચારીઓની યોગ્ય તાલીમનો અભાવ, સંવેદનશીલ વિસ્તારોમાં પાસનું બેદરકારીપૂર્વક વિતરણ અને અનધિકૃત વ્યક્તિઓને આપવામાં આવતો બિનજરૂરી પ્રવેશ જેવા મુદ્દા સમિતિના અહેવાલમાં ઉઠાવવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં એવિએશન સિક્યૉરિટીના સ્ટાફ માટે ટ્રેનિંગની સાથે મુખ્ય વિસ્તારોમાં મેટલ ડિટેક્ટર અને એક્સ-રે મશીન લગાવવાની ભલામણ કરવામાં આવી હતી.
અન્ય એક તારણ તપાસ દરમિયાન બહાર આવ્યું તે એ હતું કે ઘટનાના અઠવાડિયા પહેલાં સંભવિત હાઇજેક વિશે બાતમી મળી હતી. પરંતુ સંબંધિત સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ઘટના બાદ શું શીખ્યા?

ઇમેજ સ્રોત, Sanjaya Dhakal/BBC
રેગ્મીએ કહ્યું, "આવા સંવેદનશીલ મામલામાં કરવામાં આવેલા વર્તનમાં રાજકીય બેજવાબદારી સ્પષ્ટ રીતે દેખીતી હતી."
"તે સમયે નેપાળની ગુપ્તચર સંસ્થા - રાષ્ટ્રીય તપાસ વિભાગના વડા હરિબાબુ ચૌધરીને પણ સતર્ક ન રહેવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો."
ચૌધરીએ બીબીસીને કહ્યું, "જોકે, એવી અફવાઓ જરૂર હતી કે આવી ઘટના બની શકે છે, પરંતુ અમારી પાસે કોઈ નક્કર માહિતી નહોતી. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે સુરક્ષા અને ઍરપૉર્ટ મૅનેજમૅન્ટમાં બેદરકારી દાખવવામાં આવી હતી."
હાઇજેકના આઠ દિવસના તણાવપૂર્ણ સમયને યાદ કરીને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ આ ઘટનામાંથી મૂલ્યવાન પાઠ શીખી હતી.
રેગ્મીએ કહ્યું, "અમારી સમિતિએ એક વસ્તુ શોધી હતી કે કોઈ નેપાળી અધિકારી કે સુરક્ષા કર્મચારી અપહરણમાં સામેલ ન હતા. જોકે, સુરક્ષામાં બેદરકારી તો સ્પષ્ટ હતી."
સુરક્ષા વિશ્લેષક સુધીર શર્મા કહે છે કે આ ઘટનામાં નેપાળની બેદરકારી અને વાતોને પૂરતી ગંભીરતાથી ન લેવાનું અને આવાં કૃત્યોનું પુનરાવર્તન કરવાની વ્યાપક વૃત્તિ દેખાય છે.'
નેપાળના મંત્રી ગુરુંગનું કહેવું છે કે આ ઘટના બાદ સરકારે ઍરપૉર્ટ પર સુરક્ષા અને ચેકિંગને વધુ મજબૂત બનાવ્યું છે.
'સુરક્ષા સંવેદનશીલતામાં વધારો'

ઇમેજ સ્રોત, Lokesh Sharma/BBC
નેપાળમાં ભારતીય રાજદૂત ક્રિષ્ના વી. રાજને બીબીસીને જણાવ્યું કે, "હાઇજેકિંગની ઘટના ભારતીય જનતા માટે આચંકારૂપ હતી. આ ઉપરાંત બંને દેશોના નીતિવિષયક ઘડવૈયાઓ માટે પણ એક લાલ બત્તી સમાન હતો."
"નાગરિક સમાજના સ્તરે સદ્ભાવનાનું ધોવાણ થયું હતું એ સ્પષ્ટ હતું. આ ઉપરાતં રાજકીય અને સરકારી સ્તરે પણ વિશ્વાસનું ધોવાણ હતું. નેપાળ એક પ્રવાસન સ્થળ તરીકે ખાસ કરીને નવપરિણીતો માટે લોકપ્રિય હતું. અચાનક નેપાળે તેનું આ સ્થાન ગુમાવ્યું."
હાઇજેક બાદ તરત જ ભારતે નેપાળની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી.
નેપાળે વધારાના સુરક્ષા પગલાંને મંજૂરી આપ્યા બાદ જ પાંચ મહિના પછી ભારતીય ફ્લાઇટ્સ કાઠમંડુ માટે ફરી શરૂ થઈ.
રાજને બીબીસીને કહ્યું, "ભારત દ્વારા વધુ સુરક્ષા તપાસ ચાલુ રાખવાનો અર્થ એ નથી કે તેમને સુરક્ષા વ્યવસ્થા અંગે વિશ્વાસનો અભાવ છે. એ માત્ર વધારાની સાવચેતી જેવું છે."
જોકે, તેમણે સ્વીકાર્યું કે હાઇજેકની ઘટનાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કર્યો હતો.
નેપાળના ભૂતપૂર્વ ગૃહસચિવ ખેમરાજ રેગ્મી કહે છે, "આ ઘટના બાદ નેપાળની સુરક્ષા પ્રત્યે ભારતની સંવેદનશીલતા વધી ગઈ હતી."
ભારત અને નેપાળ વચ્ચે બહુપક્ષીય સંબંધો હતા. જેમાં ખુલ્લી સરહદને કારણે સુરક્ષા પ્રાથમિકતા બની. અને ખાસ કરીને વિમાન અપહરણની આ ઘટનાથી તેમાં ઘણું પરિવર્તન આવી ગયું.
નેપાળી વિશ્લેષક સુધીર શર્માએ જણાવ્યું કે, "આ ઘટના પછી ભારતે જે પ્રકારના કરારો કરવા પડ્યા અને જે પ્રકારના લોકોને જેલમાંથી છોડવા પડ્યા તેના લીધે દક્ષિણ એશિયામાં આતંકવાદની નવી લહેર આવી હતી."
અન્ય એક ભારતીય વિશ્લેષક અતુલ ઠાકુર કહે છે કે "આ ઘટનાને લીધે ભારતના વ્યૂહાત્મક હિતને મોટી કિંમત ચૂકવ્યા બાદ પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, એ બાબતે આશા અને વિશ્વાસ હતો કે નેપાળ મિત્ર પડોશી બની રહેશે અને તેની જમીનનો દુરુપયોગ ભારત વિરુદ્ધ ક્યારેય દિવસ થવા દેશે નહીં. "
આખરે ત્રણ કેદીઓને છોડીને ભારતે હાઇજેકનો અંત આણ્યો હતો. આ સમગ્ર ઘટનામાં અપહરણકારો દ્વારા એક ભારતીય મુસાફરોની હત્યા કરવામાં આવી હતી.
હજુ સુધી નેપાળમાં પડી રહ્યા છે આ ઘટનાના પડઘા

ઇમેજ સ્રોત, Lokesh Sharma/BBC
આ ઘટનાને લગભગ 25 વર્ષનો સમય વીતી ગયાં છે, છતાં આ ભયાનક ફ્લાઇટની અસર હજુ પણ કાઠમંડુ ઍરપૉર્ટ પર દેખાય છે અને હવે નેપાળ સરકાર ઇચ્છે છે કે તે દૂર થઈ જાય.
આજે પણ જો તમે કોઈ પણ ભારતીય વિમાનમાં કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી ભારત ઉડાણ ભરી રહ્યા હો તો તમારે અસામાન્ય સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે.
ઍરપૉર્ટની અંદર સામાન્ય ઇમિગ્રેશન અને સુરક્ષા તપાસ પૂર્ણ કર્યા પછી તમારે બૉર્ડિંગ સીડીની બાજુમાં જમીનથી લગભગ અઢી ફૂટ ઉપર એક એલિવેટેડ કૅબિન પર વધારાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે, જ્યાં ભારતીય સુરક્ષા કર્મચારીઓ આખરી સંપૂર્ણ તપાસ કરે છે.
પરંતુ નેપાળ સરકારના પ્રવક્તા અનુસાર હવે આની જરૂર નથી.
નેપાળના સંચારમંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે બીબીસીને જણાવ્યું હતું કે , "આ કરાર ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય ઍરલાઇન્સને ભૂતકાળમાં નેપાળની સુરક્ષા પર ભરોસો ન હતો. મને નથી લાગતું કે હવે આની જરૂર છે. હવે આ વધારાની તપાસ ન કરવી તે જ વધુ સારું રહેશે, કારણ કે અમે પહેલાંથી જ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી લીધી છે."
જે લોકોને એ જૂની ઘટના યાદ છે તેમના માટે આ એક કરુણ પ્લેન હાઇજેકની ઘટના હતી.
નેપાળી વિશ્લેષકોએ ધ્યાન દોર્યું કે, નેપાળી ઍરપૉર્ટ પર ભારત દ્વારા હજુ પણ વધારાની સુરક્ષા તપાસ (કાઠમંડુથી ભારત તરફ ઊડતાં ભારતીય વિમાનો માટે) દર્શાવે છે કે બંને પડોશી દેશો વચ્ચેના સંબંધો પર હાઇજેકની અસર ઓછી કે ઝાંખી થઈ નથી.
જોકે, ભારતીય વિશ્લેષકો દલીલ કરે છે કે આ સુરક્ષા વ્યવસ્થાને બે દેશો વચ્ચેના અવિશ્વાસ તરીકે નહીં, પરંતુ તેમના અનોખા સંબંધોના પ્રતીક તરીકે જોવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












