ગુજરાતમાં માવઠું : કયા જિલ્લામાં આજે પડશે વરસાદ, ક્યાં પડશે કરા?

ગુજરતમાં વરસાદ કેમ પડી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં હાલ શિયાળાની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા વિસ્તારોમાં આ વર્ષનું પ્રથમ માવઠું થયું છે.

ગુરુવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાનું શરૂ થયું હતું અને તે બાદ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં થોડા દિવસો પહેલાં જ શીતલહેર એટલે કે કૉલ્ડ વેવની સ્થિતિ હતી અને હવે ઠંડીની વચ્ચે વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજી પણ વધારે વરસાદની આગાહી કરી છે અને આજ સહિત હજી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે અને દેશમાં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્ર તથા મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાતમાં વરસાદ કેમ પડી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે. એટલે કે વરસાદની સાથે વીજળી પણ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને આંકડાકીય મૉડલ પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

27 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી:

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, અમદાવાદ, વડોદરા, અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ, સુરત તથા વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.

કચ્છ તથા કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

28મી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વરસાદની આગાહી

પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ તથા વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હજી વરસાદ પડે તેવી સંભાવના છે, 27 ડિસેમ્બરના રોજ વધારે વરસાદની સંભાવના છે. 28 ડિસેમ્બરથી વરસાદ ઘટવાની શરૂઆત થઈ જશે.

ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં ફરીથી હવામાન સૂકું થઈ જશે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.

હાલ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં બનેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો છે. હાલ આ સિસ્ટમ રાજસ્થાન પર છે અને તેના કારણે રાજ્યમાં હવામાન પલટાયું છે.

આગામી દિવસોમાં આ સિસ્ટમ રાજસ્થાનથી આગળ નીકળી જશે અને મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશના વિસ્તારો તરફ જતી રહેશે. જેના કારણે બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જશે.

જે બાદ ગુજરાતમાં ફરીથી ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતા છે એટલે કે ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.