દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અનામત સીટો નિર્ણાયક, દલિત મતદારો કોની સાથે?

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025, આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, દલિત અધિકાર, દલિત મત, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિધાનસભાની 70માંથી 12 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત
    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ડિસેમ્બરના અંતમાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સેન્ટ્રલ દિલ્હીમાં આવેલા વાલ્મીકિ મંદિરે ગયા હતા. મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી અને નવી દિલ્હી વિધાનસભા સીટ માટે પોતાના પ્રચારઅભિયાનની શરૂઆત કરી હતી.

કેજરીવાલ નવી દિલ્હી સીટ પર ચોથી વાર ચૂંટણી પડકારનો સામનો કરી રહ્યા છે. વાલ્મીકિ મંદિર આ જ નવી દિલ્હી વિધાનસભા સીટ વિસ્તારમાં આવે છે. દરેક વખતે ઉમેદવારી નોંધાવતાં પહેલાં કેજરીવાલ આ મંદિરમાં જાય છે.

મંદિરથી થોડાંક મીટર દૂર વાલ્મીકિ વસાહત છે. વસાહતમાં વાલ્મીકિ સમાજના કેટલાક લોકો બેઠા છે અને ચૂંટણી અંગેની ચર્ચા કરી રહ્યા છે.

ચર્ચા દરમિયાન એક યુવા પુષ્પેન્દ્ર કહે છે, "આ વખતે વાલ્મીકિ મતો વહેંચાશે. કૉંગ્રેસમાં પણ જશે, ભાજપમાં પણ જશે અને આમ આદમીમાં પણ જશે."

વાતચીતને વચ્ચે જ અટકાવતાં એક વૃદ્ધે કહ્યું કે, અહીં બાળકોને રોજગાર ન મળવો એ સૌથી મોટી સમસ્યા છે.

આ જ વાલ્મીકિ વસાહતમાં અરવિંદ કેજરીવાલે પાર્ટીના બીજા નેતાઓ સાથે ઈ.સ. 2013માં ઝાડુ મારી (કચરો વાળીને) પોતાની પાર્ટીના ચૂંટણીચિહ્નને લૉન્ચ કરેલું. પ્રતીકોના રાજકારણમાં કેજરીવાલના આ ચૂંટણીચિહ્નને છેલ્લી બે ચૂંટણીમાં દલિત મતદારોનો સાથ મળ્યો. તેમાં એ વર્ગ પણ છે જે સાફસફાઈના કામ સાથે સંકળાયેલો છે. આ વર્ગ માટે ઝાડુનું એક જુદું જ મહત્ત્વ છે.

2013ની ચૂંટણીમાં દલિત મતદારોએ નવી બનેલી આમ આદમી પાર્ટીને સાથ આપ્યો હતો. આ ચૂંટણીમાં 12 અનામત સીટોમાંથી આપ નવ સીટ જીતી હતી. છેલ્લી બે ચૂંટણીમાં આપે બધી બાર બેઠકો પર જીત મેળવી છે.

1993થી 2020 સુધી સાત વિધાનસભા ચૂંટણીમાં દલિતો માટે રિઝર્વ સીટો પર જેણે સરસાઈ મેળવી, તે પાર્ટીની સરકાર બની છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

દલિત મતદાતાના મનમાં શું?

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025, આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, દલિત અધિકાર, દલિત મત, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં 600થી વધુ ઝૂપડપટ્ટીઓ તથા એક હજાર 700થી વધુ કાચી કૉલોનીઓ છે, જેમાં દલિતોની વસતિ નોંધપાત્ર

વાલ્મીકિ મંદિરથી લગભગ 10 કિલોમીટર દૂર કરોલ બાગમાં આંબેડકર વસાહત છે. કરોલ બાગ વિધાનસભા સીટ અનામત બેઠક છે.

વસાહતની શરૂઆતમાં સાફસફાઈ થયેલી દેખાય છે, પરંતુ ગલીઓમાં અંદર જતાં ગંદકી દેખાવા લાગે છે. એવી જ એક ગલીમાં મારી મુલાકાત ઓમવતી સાથે થઈ. ઓમવતી પોતાની ઝૂંપડીની બહાર ઓવરફ્લો થઈ રહેલી નીકને સાફ કરી રહ્યાં હતાં.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025, આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, દલિત અધિકાર, દલિત મત, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આંબેડકર કૉલોનીમાં રહેતાં મહિલાઓ માટે સાફ-સફાઈ મોટો મુદ્દો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સફાઈ કરનારા નથી આવતા કે શું?

જવાબમાં ઓમવતીએ કહ્યું, "દરરોજ અમારે જાતે જ નીક સાફ કરવી પડે છે. આ નેતાઓને શું સુખ મળી જતું હશે? અમે તો બસ એટલું કહીએ છીએ કે, અમારી નીકો પાકી બનાવો. નહીંતર, અમે વોટ નહીં નાખીએ."

વીજળી, પાણી અને પાણીનો નિકાલ વસાહતના મુખ્ય મુદ્દા છે, પરંતુ, અહીં પોતાની ઝૂંપડી માટે પણ લોકો ચિંતિત દેખાય છે.

75 વર્ષનાં સીમાદેવીએ કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે જ્યાં ઝૂંપડું છે ત્યાં જ મકાન મળે. અમે દૂર નહીં જઈએ. જ્યારે અમારા બે રોટલાનું કામ અહીં છે તો દૂર જઈને શું કરીશું? જે અમને ફાયદો કરાવશે, અમે તેમની સાથે છીએ. કેજરીવાલને વોટ આપીશું."

પાટનગર દિલ્હીમાં 600 કરતાં વધારે ઝૂંપડપટ્ટી-કૉલોની અને 1,700 કરતાં વધારે કાચી કૉલોની છે, જેમાં મોટી સંખ્યામાં દલિતવસ્તી રહે છે.

આ ઝૂંપડીઓના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી ઘણી વાર આમનેસામને આવી જાય છે. આપ ભાજપ પર ઝૂંપડપટ્ટી તોડવાનો આરોપ કરે છે અને ભાજપ 'જ્યાં ઝૂંપડી ત્યાં મકાન'ના સૂત્રથી આ આરોપને કાઉન્ટર કરે છે.

આંબેડકર વસાહતથી થોડેક દૂર સદર બજાર વિધાનસભામાં આવતી દયા વસાહત છે. અહીં પ્રવેશતાં જ આંબેડકરની મૂર્તિ, સડક પર ગંદકી અને ઘરો પર બહુજન સમાજ પાર્ટીના ઝંડા જોવા મળે છે. આ વસાહતમાં જાટવ સમાજના લોકોની સંખ્યા વધારે છે.

લગભગ ત્રણ દાયકા પહેલાં રમેશકુમારના પરિવારે પશ્ચિમ ઉત્તરપ્રદેશથી આવીને દયા વસાહતમાં વસવાટ કર્યો હતો.

દિલ્હીમાં દલિતોની લીડરશિપના સવાલના જવાબમાં રમેશકુમારે કહ્યું, "દિલ્હીમાં કોઈ મોટા દલિત નેતા નથી. જો અમારા નેતા જ નથી, તો અમારી વાત કઈ રીતે પહોંચશે? અમને દબાવી દેવાય છે. દલિતનું કશું જીવન નથી સાહેબ, એ તો બસ જીવી રહ્યો છે."

જેમની સાથે દલિત, એમની સરકાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025, આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, દલિત અધિકાર, દલિત મત, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર પાલ ગૌતમ વર્ષ 2015થી 2022 દરમિયાન દિલ્હી સરકારમાં મંત્રી હતા

ઈ. સ. 1993ની ચૂંટણીમાં 70માંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત હતી. 13માંથી આઠ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી અને સરકાર બનાવી હતી.

ત્યાર પછીની ચૂંટણી એટલે કે, 1998માં આ બેઠકો પર કૉંગ્રેસે સરસાઈ મેળવી. કૉંગ્રેસે 12 અનામત સીટ જીતીને દિલ્હીમાં સરકાર બનાવી હતી. ત્યાર પછીનાં 15 વર્ષ સુધી દિલ્હીમાં શીલા દીક્ષિતના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર રહી.

એ દરમિયાન, કૉંગ્રેસે 2003માં 10 અને 2008માં નવ અનામત બેઠકો જીતી હતી. જોકે, 2008માં સીમાંકન થયા પછી રિઝર્વ સીટની સંખ્યા 13થી ઘટાડીને 12 કરી દેવામાં આવી.

એ 12 બેઠકોમાં બવાના, સુલતાનપુર માજરા, કરોલ બાગ, મંગોલપુરી, માદીપુર, પટેલનગર, આંબેડકરનગર, ત્રિલોકપુરી, કોંડલી, સીમાપુરી અને ગોકલપુરનો સમાવેશ થાય છે.

2013ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવ અનામત બેઠકો જીતી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. પછી 2015 અને 2020માં આપે બધી બાર અનામત બેઠકો પર જીત મેળવી.

12 અનામત બેઠકો ઉપરાંત, રાજેન્દ્રનગર, શાહદરા, તુગલકાબાદ, ચાંદનીચોક, આદર્શનગર અને બિજવાસન સહિત 18 બેઠકો એવી છે, જ્યાં દલિત મતદારોની ખાસી એવી વસ્તી છે.

2011ની વસ્તીગણતરી અનુસાર, દિલ્હીમાં લગભગ 17 ટકા દલિત વસ્તી છે. આ વસ્તીમાં દલિતોની કુલ 36 જાતિઓ છે. તેમાં જાટવ, વાલ્મીકિ, ધોબી, રૈગર, ખટીક, કોળી અને બૈરવા મુખ્ય છે. વસ્તીના ધોરણે દિલ્હીના અનુસૂચિત જાતિ વર્ગમાં જાટવ સૌથી મોટી જાતિ છે અને તેના પછી વાલ્મીકિ મોટી જાતિ છે.

દલિત દિલ્હીની વસ્તી અને રાજકારણ બંને પર પ્રભાવ ધરાવે છે. પરંતુ, શું તેમનું પ્રતિનિધિત્વ પણ એ ધોરણે છે? 20 ટકા દલિત વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશમાં માયાવતી ચાર વાર મુખ્ય મંત્રી બની ચૂક્યાં છે, પરંતુ 17 ટકા દલિત વસ્તી ધરાવતા દિલ્હીને હજુ સુધી એક પણ દલિત મુખ્ય મંત્રી નથી મળ્યા.

ડૉ. વિવેકકુમાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સના સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમમાં પ્રોફેસર છે.

દિલ્હીમાં દલિત રાજકારણ અંગે પ્રોફેસર વિવેકકુમારે જણાવ્યું, "દિલ્હી જેવા મહાનગરમાં દલિત અસ્મિતાના રાજકારણ હેઠળ દલિતોને ચિહ્નિત કરવા મુશ્કેલ છે. દિલ્હીમાં જે 17 ટકા વસ્તી છે, તે છૂટીછવાયી છે; તેમની વસ્તી સંગઠિત રૂપમાં નથી. જો આ વસ્તી સંગઠિત નથી તો 17 ટકા બીજાની સીટમાં વધારો કરાવી શકે છે, પરંતુ, રાજકીય રીતે પોતાના માટે મોટી ઓળખ ઊભી ન કરી શકે. તેઓ અલગઅલગ વિધાનસભાઓમાં ફેલાયેલા છે, તેથી સાથે મળીને જીતી નથી શકતા."

2008માં બહુજન સમાજ પાર્ટીએ પોતાના પ્રદર્શનથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે પાર્ટીએ દિલ્હીમાં 14 ટકા મત મેળવ્યા હતા અને બે સીટ (બદરપુર અને ગોકલપુર) જીતી હતી. ગોકલપુર અનામત બેઠક છે. આ એવો સમય હતો જ્યારે માયાવતી ઉત્તરપ્રદેશનાં મુખ્ય મંત્રી હતાં અને લોકસભામાં બીએસપીના 19 સાંસદ હતા.

2008 પછી પાર્ટીનું પ્રદર્શન સતત નબળું પડતું ગયું છે. 2020ની ચૂંટણીમાં બીએસપીને એક ટકા કરતાંય ઓછા 0.71 ટકા વોટ મળ્યા હતા.

અશોક ભારતી દલિત સંગઠનોના રાષ્ટ્રીય મંચ નૅશનલ કૉન્ફડરેશન ઑફ દલિત ઑર્ગેનાઇઝેશન (નૅકડોર)ના ચેરમૅન છે.

અશોક ભારતી કહે છે, "મોઘવારી અને બેરોજગારી દલિત મતદારો માટે સૌથી મોટા મુદ્દા છે. કેજરીવાલની મફતવાળી યોજનાઓ મોઘવારીમાં રાહત આપે છે, પરંતુ, સ્થાયી સમાધાન નથી આપી શકતી. દિલ્હી સરકારમાં સરકારી નોકરીઓને સમાપ્ત કરીને કૉન્ટ્રેક્ટ પ્રથા આવી ગઈ છે. તેનાથી દલિત સમાજની પહોંચ પણ આ નોકરીઓથી દૂર થઈ ગઈ છે, કેમ કે, અહીં પબ્લિક સેક્ટરની જેમ અનામત નથી."

તેમનું માનવું છે કે, જો ઉમેદવાર મજબૂત હશે, તો કૉંગ્રેસને દલિતોનો સાથ મળી શકે છે.

તેઓ કહે છે, "પ્રતિનિધિત્વ બાબતે, દિલ્હી અને પંજાબ, બંને જગ્યાએ કેજરીવાલ સરકારનું વલણ યોગ્ય નથી. દલિત સમાજ રાહુલ ગાંધીની ભાગીદારીવાળી વાતોને ગંભીરતાથી લઈ રહ્યો છે, પરંતુ, વિધાનસભામાં ઉમેદવાર મજબૂત હશે તો જ કૉંગ્રેસને લાભ થશે. એવું ન થાય તો દલિત સમાજ અરવિંદ કેજરીવાલની સાથે રહેશે."

અઢી વર્ષમાં ત્રણ દલિત મંત્રી બદલ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025, આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, દલિત અધિકાર, દલિત મત, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં ઈ. સ. 2022નો ઑક્ટોબર મહિનો દલિત રાજકારણ માટે નિર્ણાયક હતો. ત્યારે આપ સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે એક કાર્યક્રમમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી પ્રતિજ્ઞાઓનો પુનરુચ્ચાર કર્યો હતો.

કથિત રીતે તેમાં 'હિન્દુ દેવી-દેવતાઓની પૂજા ન કરવાના' સોગંદ સામેલ હતા. ભાજપે આરોપ કર્યો કે કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.

એ બાબતે વિવાદ શરૂ થયો અને રાજેન્દ્રપાલ ગૌતમે રાજીનામું આપી દીધું. રાજેન્દ્રપાલ ગૌતમે કહ્યું હતું કે, "ભાજપના ગંદા રાજકારણથી ઘવાઈને રાજીનામું આપી રહ્યો છું." થોડાક દિવસ પછી ગૌતમે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી હતી.

ત્યાર પછી તેમની જગ્યાએ અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવતા રાજકુમાર આનંદને મંત્રી બનાવવામાં આવ્યા. દોઢ વર્ષમાં જ રાજકુમાર આનંદે પણ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. હવે રાજકુમાર આનંદ પટેલનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર છે.

બીબીસી સાથેની વાતચીતમાં રાજેન્દ્રપાલ ગૌતમે સવાલ ઉઠાવ્યો કે, "રાષ્ટ્રીય સ્તરે આપનાં ચાર પદ છે. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વણિક, રાષ્ટ્રીય મહાસચિવ પંકજ ગુપ્તા વણિક, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ એનડી ગુપ્તા વણિક અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બ્રાહ્મણ છે.

આપે દિલ્હી અને પંજાબમાં એસસીના વોટ દ્વારા ચૂંટણી જીતી છે. કેજરીવાલે અત્યાર સુધીમાં દિલ્હી અને પંજાબમાંથી 13 રાજ્યસભા સાંસદ મોકલ્યા છે, એમાં એક પણ દલિત નથી. તો પછી આમ આદમી પાર્ટીમાં દલિત લીડરશિપ ક્યાં છે?

વર્તમાન સમયે દિલ્હી કૅબિનેટમાં મુકેશ અહલાવત દલિત મંત્રી છે અને સુલતાનપુર માજરા સીટના ઉમેદવાર છે.

અરવિંદ કેજરીવાલ, ઘણી વાર પોતે આંબેડકરવાદી હોવાનો દાવો કરે છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં અપાયેલા આંબેડકરવાળા નિવેદન પર વિવાદ થયો, ત્યારે આમ આદમી પાર્ટીએ તેને મુદ્દો બનાવ્યો હતો.

વાલ્મીકિ મંદિર પાસેની જનસભામાં તેમણે અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું, "અમિત શાહે જે ટોનમાં બાબાસાહેબ પર નિવેદન કર્યું હતું, તેનાથી લાગતું હતું કે તેમના મનમાં નફરત ભરેલી છે. હું આંબેડકરજીનો માત્ર ફૅન જ નથી, હું તેમનો ભક્ત છું ભક્ત."

રાખી બિડલાન 2013થી મંગોલપુરી સીટનાં ધારાસભ્ય છે અને પાર્ટીનો મોટો દલિત ચહેરો છે. રાખીને આ વખતે મંગોલપુરીના બદલે માદીપુરથી ટિકિટ આપવામાં આવી છે.

પાર્ટીમાં દલિત પ્રતિનિધિત્વના સવાલના જવાબમાં રાખી બિડલાન કહે છે, "જો દલિત અમારી પાર્ટીમાં ન રહ્યા હોત તો તેમને મંત્રી તો ન બનાવાયા હોત ને! હું પોતે દલિત છું. મંત્રી રહી ચૂકી છું, ડેપ્યુટી સ્પીકર છું અને ચોથી વાર વિધાનસભા ચૂંટણી લડી રહી છું. જેમનામાં ખામીઓ છે તેમને આમ આદમી પાર્ટી સામે વાંધો હોય છે."

દિલ્હીમાં 17 ટકા અને પંજાબમાં 32 ટકા દલિત છે. કંઈ નહીં તો પાર્ટીએ શું આ રાજ્યોમાં દલિત ડેપ્યૂટી સીએમ ન બનાવવા જોઈએ?

આ સવાલના જવાબમાં રાખીએ કહ્યું, "દલિત ટૉપ પોસ્ટ પર છે. પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમા દલિત છે. હું ખુદ દલિત સમાજમાંથી આવું છું."

દલિત વોટરો પર બધાની નજર

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025, આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી, દલિત અધિકાર, દલિત મત, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બર મહિનામાં અમિત શાહે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ડૉ. ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ કર્યો હતો. તેના એક ભાગ પર વિવાદ થયો. ત્યાર પછી સંસદથી લઈને સડક સુધી એ નિવેદન પર રાજકારણ થયું.

કરોલ બાગ બેઠકના ભાજપ ઉમેદવાર દુષ્યંતપાલ ગૌતમ કહે છે, "અમિત શાહના નિવેદનની ચૂંટણી પર કશી અસર નહીં થાય. તેમણે કશું ખોટું નહોતું કહ્યું. અમે દલિતોની વચ્ચે રહીએ છીએ. ભાજપે પોતાના સંગઠનમાં પણ તેમના માટે અનામત રાખી છે."

ભાજપ છેલ્લી બે ચૂંટણીમાં 12માંથી એક પણ અનામત બેઠક જીતી નથી શકી. ડિસેમ્બરથી પાર્ટી દલિત પ્રભાવિત બેઠકો પર 'અનુસૂચિત જાતિ સ્વાભિમાન સંમેલન' કરી રહી છે.

રિઝર્વ સીટ 12 છે; પરંતુ, ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને 14 દલિત ઉમેદવાર ઉતાર્યા છે. પાર્ટીએ બે સામાન્ય સીટો પર પણ દલિત નેતાઓને ટિકિટ આપી છે. ભાજપે દીપ્તિ ઇંદૌરાને મટિયા મહલ અને કમલ બાગડીને બલ્લીમારાનથી ચૂંટણીમેદાનમાં ઉતાર્યાં છે. એક સુરક્ષિત ગણાતી દેવલી સીટ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ભાગે આવી છે.

ભાજપના ઘોષણાપત્રમાં દલિતો માટે અલગથી સ્કૉલરશિપ આપવાનો વાયદો કરાયો છે. તેના અનુસાર, દલિત વિદ્યાર્થીઓને તકનીકી અને વ્યાવસાયિક શિક્ષણ માટે દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે.

કૉંગ્રેસે 13 દલિત ઉમેદવારોને ટિકિટ આપી છે. પાર્ટીએ સામાન્ય સીટ નરેલા માટે દલિત સમાજનાં અરુણાકુમારીને ઉમેદવાર બનાવ્યાં છે. કૉંગ્રેસના કાર્યક્રમોમાં મંચ પર આંબેડકરની તસવીર મુખ્ય રૂપે જોવા મળી રહી છે.

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી બંધારણની નકલ બતાવીને દલિત મતદારોને અપીલ કરતા હતા, એ રીત દિલ્હીની ચૂંટણીમાં પણ ચાલુ છે.

આમ આદમી પાર્ટીએ માત્ર અનામત બેઠકો પર 12 દલિત ઉમેદવારોને ટિકિટ આપી છે. ડિસેમ્બરમાં અરવિંદ કેજરીવાલે દલિત વિદ્યાર્થિઓ માટે આંબેડકર સ્કૉલરશિપની જાહેરાત કરી હતી. આ સ્કૉલરશિપ હેઠળ વિદેશની યુનિવર્સિટીમાં ભણનાર વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

21 જાન્યુઆરીએ ધોબી સમાજના નેતાઓ સાથે પ્રેસ કૉન્ફરન્સ કરતાં કેજરીવાલે કહ્યું, "અમારી સરકાર બનશે તો દિલ્હી સરકાર ધોબી સમુદાય કલ્યાણ બોર્ડની રચના કરશે. આ બોર્ડ ધોબી સમાજની સમસ્યાઓનું સમાધાન કરશે."

પાર્ટીઓના વાયદા અને નિવેદનોની લહાણને બાજુ પર રાખીએ તો, દલિત સમાજના મતદારોનો અભિપ્રાય શો છે?

દયા વસાહતના રહેવાસી બ્રહ્માનંદે કહ્યું, "દલિત ચહેરો તો જાહેર કરો. દલિતનું નામ પણ આવવું જોઈએ. દલિતના મતોથી તમે વડા પ્રધાન અને મુખ્ય મંત્રી બનો છો, પણ દલિત ક્યાં રહે છે? તેનો તો કોઈ ઉદ્ધારક નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.