એક જ રાતમાં 7 ગ્રહ દેખાવાનો 'ચમત્કાર' થવાનો છે, ત્યારે પૃથ્વી પર કેવી અસર પડશે?

બીબીસી ગુજરાતી ટેલિસ્કોપ અંતરિક્ષ ગ્રહ સૂર્યમંડળ પૃથ્વી ખગોળશાસ્ત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 28 ફેબ્રુઆરીએ હવામાન સ્વચ્છ હશે તો સાતેય ગ્રહ એક લાઈનમાં જોવા મળી શકે છે.
    • લેેખક, જોનાથન ઓ'કેલેઘન
    • પદ, બીબીસી ન્યૂઝ

શુક્રવારે અંતરિક્ષમાં એક અદ્ભુત ઘટના બનવાની છે જેમાં એક જ દિવસે તમામ સાત ગ્રહો જોવા મળશે.

28 ફેબ્રુઆરી, શુક્રવારે આ ચમત્કાર થવાનો છે જ્યારે આકાશમાં પહેલેથી દેખાતા 6 ગ્રહોમાં બુધનો પણ સમાવેશ થશે. ખગોળશાસ્ત્રીઓ તે દિવસે સાત ગ્રહોનું દુર્લભ દૃશ્ય જોઈ શકશે. વૈજ્ઞાનિકો માટે આ શા માટે મહત્ત્વનું છે તે જાણીએ.

આ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તમે રાતના સમયે સ્વચ્છ આકાશમાં આ અદ્ભુત ઘટના જોવા મળી રહી છે. હાલમાં તમામ છ ગ્રહો - શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન રાતના સમયે આકાશમાં દેખાય છે.

માત્ર એક રાત માટે બુધ પણ આ 'પરેડ'માં સામેલ થશે. વર્ષ 2040 પહેલાં આ ઘટના ફરીથી ઘટવાની શક્યતા નથી.

ખગોળવિજ્ઞાનના શોખીનો માટે આ એક મહત્ત્વની ઘટના છે એટલું જ નહીં, તેમાં સૂર્યમંડળમાં પૃથ્વીના સ્થાનને સમજવા માટે નવી જાણકારી પણ મળશે.

આપણા સૂર્યમંડળમાં તમામ આઠ મુખ્ય ગ્રહો અલગ-અલગ ગતિથી સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ 88 દિવસમાં એક ચક્કર લગાવે છે. બુધ પર એક વર્ષ 88 દિવસનો હોય છે, જે રીતે પૃથ્વી પર એક વર્ષ 365 દિવસનો હોય છે. નેપ્ચુયનને સૂર્યની પરિક્રમા કરવામાં 60,190 દિવસ એટલે 165 વર્ષ લાગે છે.

બધા ગ્રહ અલગ-અલગ ગતિથી પરિક્રમા કરે છે તેથી કેટલીક વખત ઘણા ગ્રહો સૂર્યની એક તરફ એક હરોળમાં આવી જાય છે. પૃથ્વી પરથી રાતના સમયે આકાશમાં એકસાથે ઘણા ગ્રહ જોવા મળતા હોય છે. કેટલાક દુર્લભ પ્રસંગે બધા ગ્રહ એક લાઇનમાં આવી જાય છે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ખગોળીય ચમત્કાર

બીબીસી ગુજરાતી ટેલિસ્કોપ અંતરિક્ષ ગ્રહ સૂર્યમંડળ પૃથ્વી ખગોળશાસ્ત્ર

ઇમેજ સ્રોત, Getty Images

બુધ, મંગળ, ગુરુ અને શનિ ગ્રહ એટલા પ્રકાશિત છે કે તેને નરી આંખે પણ જોઈ શકાય છે. જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહને જોવા માટે બાયનોક્યુલર અથવા ટેલિસ્કોપની જરૂર પડે છે.

વિજ્ઞાનીઓ ભલામણ કરે છે કે આ ગ્રહોને જોવા માટે પ્રદૂષણ ઓછું હોય અને આકાશ સ્પષ્ટપણે જોઈ શકાતું હોય તેવા સ્થાનની પસંદગી કરવી જોઈએ. સંશોધકોનું માનવું છે કે સૂર્યાસ્ત પછી તરતનો સમય આ નિરીક્ષણ માટેનો ઉત્તમ ગાળો છે.

આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ ઘટના નિહાળી શકીએ છીએ. વાસ્તવમાં ગ્રહ એક સીધી રેખામાં નથી હોતા. સૂર્યમંડળમાં પોતાની કક્ષાના કારણે તેઓ અર્ધવૃતાકાર જોવા મળી શકે છે. આ બે મહિનામાં બુધ સિવાયના તમામ ગ્રહ રાતે સ્પષ્ટ જોઈ શકાય છે.

આ ઘટનાને ગ્રહોના એલાઇનમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 28 ફેબ્રુઆરીએ હવામાન સ્વચ્છ હશે તો સાતેય ગ્રહ એક લાઇનમાં જોવા મળી શકે છે. જેઓ ઘટનાને પૃથ્વી પરથી જુએ છે તેમના માટે આ શાનદાર દૃશ્ય હશે.

બ્રિટન સ્થિત ફિફ્થ સ્ટાર લૅબ્સમાં ખગોળશાસ્ત્રી અને સાયન્સ કૉમ્યુનિકેટર જેનિફર મિલાર્ડે જણાવ્યું કે, "તમે ગૂગલ કરીને આ ગ્રહોને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. પરંતુ હવે તમે તેને રુબરુ જોશો તો આકાશમાં સેંકડો, હજારો અથવા અબજો માઇલની યાત્રા કરનારા ફોટોન તમારી આંખના રેટિના સાથે ટકરાતા હોય છે."

પૃથ્વી પર તેની કેવી અસર પડશે?

બીબીસી ગુજરાતી ટેલિસ્કોપ અંતરિક્ષ ગ્રહ સૂર્યમંડળ પૃથ્વી ખગોળશાસ્ત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બધા ગ્રહ અલગ-અલગ ગતિથી પરિક્રમા કરે છે તેથી કેટલીક વખત ઘણા ગ્રહો સૂર્યની એક તરફ એક હરોળમાં આવી જાય છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેખાવમાં અદ્ભુત ઘટનાઓથી પૃથ્વી પર કોઈ પ્રભાવ પડે છે? શું આ ઘટનાઓનો ઉપયોગ સૂર્યમંડળ અને તેનાથી આગળની આપણી સમજને વધારવા માટે કરી શકાય?

મિલાર્ડ કહે છે કે, "વાસ્તવમાં આ એક સંજોગ છે કે તેઓ પોતાની કક્ષામાં આ સ્થિતિમાં છે." કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા ગ્રહોનું એલાઇનમેન્ટ અથવા અનુક્રમ પૃથ્વી પર પ્રભાવ પાડી શકે છે. પરંતુ આવા દાવા વૈજ્ઞાનિક રીતે નબળા છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે ગ્રહો એક લાઇનમાં આવ્યા તેના કારણે 2019માં સૂર્યની ગતિવિધિને અસર થઈ હોવાની શક્યતા છે.

સૂર્ય વિશે કેટલાક સવાલોના જવાબ નથી મળ્યા, જેમ કે સૂર્ય પર દર 11 વર્ષે મહત્તમ ગતિવિધિ અને સૌથી ઓછી ગતિવિધિ કેમ થાય છે. અત્યારે સૂર્ય પર મહત્તમ ગતિવિધિ ચાલે છે.

ભૌતિક વિજ્ઞાની ફ્રેન્ક સ્ટેફનીનું માનવું છે કે શુક્ર, પૃથ્વી અને ગુરુનું સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ આની પાછળનું કારણ હોઈ શકે છે. શુક્ર તથા ગુરૂ ગ્રહ તેના તેજને કારણે સહેલાઈથી ઓળખાય જાય છે, જ્યારે મંગળ ગ્રહનો રંગ અલગ છે.

ફ્રેન્ક સ્ટેફની જર્મનીના ડ્રેસડેન રોસેડોર્ફમાં હેલ્મહોલ્ત્ઝ જેટ્રમ રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે.

જ્યારે બે અથવા વધુ ગ્રહો સૂર્યની સાથે એક જ રેખામાં હોય ત્યારે સૂર્ય પર ભલે દરેક ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય, પરંતુ તેને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મળીને તારાની અંદર પ્રદક્ષિણા કરે છે જેને રોઝબી તરંગ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેફનીનું કહેવું છે કે આનાથી હવામાન પર અસર થઈ શકે છે.

સ્ટેફની કહે છે કે, "પૃથ્વી પર રૉસ્બી લહેરો તોફાન અને વિરોધી તોફાન પેદા કરે છે."

"આવા જ રૉસ્બી તરંગો સૂર્યમાં પણ હાજર હોય છે."

સ્ટેફનીની ગણતરી દર્શાવે છે કે શુક્ર, પૃથ્વી અને ગુરુ ગ્રહ દર 11.07 વર્ષે સૌર પ્રવૃત્તિ માટે એક રેખામાં આવે છે. આપણે જેને સૌર પ્રવૃત્તિ ચક્રનું અવલોકન કરીએ છીએ તેની સાથે તે લગભગ બરાબર મેળ ખાય છે.

આ અભિગમ સાચો છે કે નહીં તેના વિશે મતમતાંતર છે. કેટલાક દલીલ કરે છે કે સૌર પ્રવૃત્તિ ફક્ત સૂર્યની અંદર પહેલાથી બનતી પ્રક્રિયાઓ દ્વારા જ સમજાવી શકાય છે.

2022માં સંબંધિત વિષય પર સંશોધન પ્રકાશિત કરનાર રોબર્ટ કેમેરોન કહે છે, "ગ્રહો સીધી રીતે સૌર પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે તેવું દેખાડતા કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી." તેઓ જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર સોલર સિસ્ટમ રિસર્ચમાં સૌર વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે.

તેઓ પણ કહે છે કે, "કોઈ પણ પ્રકારના સિંક્રોનાઇઝેશનના કોઈ પુરાવા નથી."

ખગોળીય સંશોધનમાં મદદ કરતી ઘટનાઓ

બીબીસી ગુજરાતી ટેલિસ્કોપ અંતરિક્ષ ગ્રહ સૂર્યમંડળ પૃથ્વી ખગોળશાસ્ત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુધ, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઈ શકાય એટલા તેજસ્વી હોય છે.

પરંતુ બીજા કેટલાક એવા ગ્રહ સંરેખણ હોય છે જે આપણા પર પ્રભાવ પાડે છે. ખાસ કરીને સૂર્યમંડળના અભ્યાસમાં તે ઉપયોગી છે.

"જ્યુપિટર અથવા ગુરુ જેવા ગ્રહના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને અંતરિક્ષ યાનને ઘનુષની જેમ બહાર ધકેલી શકાય છે. તેનાથી અંતરિક્ષ યાનનો પ્રવાસનો સમય ઘણો ઘટાડી શકાય છે."

દૂરના ગ્રહો સુધી અંતરિક્ષયાન દ્વારા પહોંચવું મુશ્કેલ છે કારણ કે તે અબજો માઇલ દૂર હોય છે અને તેમના સુધી પહોંચવામાં કેટલાય દાયકા લાગી જાય છે.

કોઈ યાનને બહાર ધકેલવા માટે ગુરુ જેવા ગ્રહના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરવામાં આવે તો પ્રવાસનો સમય ઘટાડી શકાય છે. નાસાના સ્પેસક્રાફ્ટ વૉયેજરમાં તેનો સૌથી સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વર્ષ 1977માં સૂર્યમંડળના ચાર સૌથી બહારના ગ્રહ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એક સાથે આકાશમાં દેખાયા હતા. નાસાના વૈજ્ઞાનિક ગેરી ફ્લેનરોએ 1966માં અંદાજ કાઢ્યો હતો કે આ ગ્રહોની મુલાકાત લેવામાં 12 વર્ષ લાગે. આ સિન્ક્રોનાઇઝેશન વગર ચાર ગ્રહ સુધી જઈને પાછા ફરવામાં 30 વર્ષ લાગી જાય.

આવી અનુકુળ સ્થિતિ 175 વર્ષમાં એક જ વખત આવે છે. તેથી તે સમયે નાસાએ 1977માં વૉયેજર 1 અને વૉયેજર 2 યાન અંતરિક્ષમાં મોકલ્યા જેનું કામ સૂર્યમંડળના બહારના સ્તરનો અભ્યાસ કરવાનું હતું.

1979માં વૉયેજર 1 ગુરુ પાસેથી પસાર થયું અને 1980માં તેણે શનિ પાસેથી ઉડાન ભરી. વોયેજર 1 એ યૂરેનસ અને નેપ્ચ્યુન ગ્રહોને છોડી દીધા કારણ કે નાસાના વૈજ્ઞાનિકો શનિના ચંદ્ર ટાઇટન પાસેથી ઉડાન ભરવા માંગતા હતા.

પરંતુ વોયોજર 2 સ્પેસક્રાફ્ટે ચારેય ગ્રહ સુધી પહોંચવા માટે ગ્રહોના એલાઇનમેન્ટનો ફાયદો ઉઠાવ્યો. 1986માં તે યૂરેનસ પાસેથી અને 1989માં નેપ્ચ્યુન પાસેથી પસાર થયું. આ સાથે તે બંને ગ્રહો પાસેથી પસાર થનાર ઈતિહાસનું એકમાત્ર અંતરિક્ષ યાન બની ગયું.

અમેરિકાના બોલ્ડરમાં કોલોરાડો યુનિવર્સિટીના ઍસ્ટ્રોફિઝિસ્ટ બ્રાયન બેગનેલ કહે છે, "તેણે ખૂબ જ સારી રીતે કામ કર્યું. વૉયેજર-2 એ 1980માં લૉન્ચ કરવામાં આવ્યું હોત તો તેને નેપ્ચ્યુન સુધી પહોંચવામાં 2010 સુધીનો સમય લાગી ગયો હોત. આટલું બધું નાણાકીય ભંડોળ કોણ આપે?"

ગ્રહો આ રીતે એક રેખામાં આવે તે માત્ર આપણા સૌરમંડળ સુધી મર્યાદિત નથી. ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા માટે ગ્રહોના જોડાણનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ખાસ કરીને સૂર્ય સિવાયના તારાઓની પરિક્રમા કરતા એક્સોપ્લેનેટ (આપણા સૂર્યમંડળ બહારનો ગ્રહ) શોધવા અને અભ્યાસ કરવા માટે થાય છે.

બીબીસી ગુજરાતી ટેલિસ્કોપ અંતરિક્ષ ગ્રહ સૂર્યમંડળ પૃથ્વી ખગોળશાસ્ત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2024માં મંગળ અને ગુરુ નરી આંખે દેખાતા હતા. પરંતુ જાન્યુઆરી 2025માં શુક્ર, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન પણ જોઈ શકાશે.

આવા વિશ્વને શોધવા માટે વપરાતી મુખ્ય પદ્ધતિને સંક્રમણ પદ્ધતિ અથવા 'માઇગ્રેશન મેથડ' કહેવામાં આવે છે. આપણા સૂર્યમંડળ બહારનો કોઈ ગ્રહ (ઍક્સોપ્લેનેટ) જ્યારે આપણા દૃષ્ટિકોણથી તારાની સામેથી પસાર થાય છે, ત્યારે તે તારાના પ્રકાશને મંદ કરે છે. આનો ઉપયોગ ઍક્સોપ્લેનેટનું કદ અને ભ્રમણકક્ષા નક્કી કરવા માટે થાય છે.

આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને અમુક તારાઓની પરિક્રમા કરતા ગ્રહો શોધી કાઢ્યા છે. પૃથ્વીથી 40 પ્રકાશવર્ષના અંતરે પૃથ્વીના કદના સાત ગ્રહો લાલ તારા ટ્રેપિસ્ટ-1ની આસપાસ પરિભ્રમણ કરે છે, જે આપણા પરિપ્રેક્ષ્યમાં જોવા મળે છે. આ સિસ્ટમના ગ્રહો સુરેખ છે. એટલે કે અંદરનો ગ્રહ ત્રણ પરિભ્રમણ કરે ત્યારે બાહ્ય ગ્રહ બે ચક્ર પૂર્ણ કરે છે. ત્યાર પછી ચાર, છ એમ ચક્ર વધતા જાય છે. આનો અર્થ એ થયો કે ઘણી વખત ગ્રહો એક સીધી રેખામાં આવે છે. પરંતુ આપણા સૌરમંડળમાં આવું થતું નથી.

વિસ્થાપનનો ઉપયોગ કરીને આવા ગ્રહો પર વાતાવરણ છે કે નહીં તે જાણી શકાય છે.

નાસાના એક્સોપ્લેનેટ સાઇન્સ સેંટર ખાતે કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં ખગોળશાસ્ત્રી જેસી ક્રિસ્ટિયન્સ કહે છે કે, "વાતાવરણ ધરાવતો કોઈ ગ્રહ જ્યારે તારા સામેથી પસાર થાય ત્યારે ગ્રહના વાતાવરણમાં રહેલા મોલેક્યુલ અને અણુઓ ચોક્ક્સ આવૃત્તિ પર તે ગ્રહના પ્રકાશને શોષી લે છે."

તેનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઈડ, ઓક્સિજન વગેરેનો પતો મેળવવા માટે થાય છે. તેઓ કહે છે કે, "વાતાવરણની સંરચનાના અમારા મોટા ભાગના અભ્યાસ આવા ગ્રહ સિન્ક્રોનાઈઝેશનથી કરવામાં આવ્યા છે."

મોટા વિલયના કારણે આપણે દૂરના બ્રહ્માંડ, એટલે કે આકાશગંગાનો અભ્યાસ કરી શકીએ છીએ. પ્રારંભિક ગેલેક્સી અથવા આકાશગંગા ખૂબ જ દૂર અને અસ્પષ્ટ છે, તેમનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. પરંતુ જો કોઈ મોટી ગેલેક્સી અથવા આકાશગંગા દૂરના પ્રારંભિક બ્રહ્માંડના આપણા દૃષ્ટિકોણમાંથી પસાર થાય છે, તો તેમનું મજબૂત ગુરુત્વાકર્ષણ બળ દૂરના પદાર્થમાંથી પ્રકાશને વિસ્તૃત કરી શકે છે, જે આપણને તેનો અભ્યાસ કરવાની સુવિધા આપે છે. તેને 'ગ્રેવિટેશનલ લેન્સિંગ' કહે છે.

બીબીસી ગુજરાતી ટેલિસ્કોપ અંતરિક્ષ ગ્રહ સૂર્યમંડળ પૃથ્વી ખગોળશાસ્ત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણા સૌરમંડળના ગ્રહો જુદી જુદી ગતિએ ભ્રમણ કરે છે, તેમાંના ઘણા ગ્રહ આકાશમાં એક જ સમયે એક જ રેખામાં દેખાય છે.

ક્રિશ્ચિયનસેન કહે છે કે, "બ્રહ્માંડના માપદંડથી આ સૌથી મોટા એલાઈનમેન્ટ છે." જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જેવા ટેલિસ્કોપ દૂરના તારાઓને જોવા માટે આ એલાઇનમેન્ટનો ઉપયોગ કરે છે, જેમાં પૃથ્વીથી સૌથી દૂર આવેલ એરેન્ડલ ક્લસ્ટર પણ સામેલ છે.

આ ટેલિસ્કોપ દ્વારા બ્રહ્માંડના 13.7 અબજ વર્ષના ઇતિહાસમાં શરૂઆતના એક અબજ વર્ષ દરમિયાન તારા દ્વારા ઉત્સર્જિત પ્રકાશને જોઈ શકાયો હતો. તે ગુરુત્વાકર્ષણ લેન્સિંગ દ્વારા શક્ય બન્યું હતું.

ગ્રહો એક રેખામાં હોય તેના બીજા વૈજ્ઞાનિક ઉપયોગો પણ છે. જેમ કે સૂર્યમંડળ બહારના ગ્રહ આપણી દૃષ્ટિરેખાને પાર કરે ત્યારે અન્ય તારા પર જીવન છે કે નહીં તેનો અભ્યાસ કરવો.

2024માં અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી નિક ડ્યુસીએ આ ગ્રહોના સિંક્રોટ્રોનનો ઉપયોગ કરીને ટ્રેપપિસ્ટ 1 સિસ્ટમમાં વિશ્વની વચ્ચે કોઈ સિગ્નલ મોકલવામાં આવી રહ્યો છે કે કેમ તેનો અભ્યાસ કર્યો હતો.

આપણા સૂર્યમંડળમાં મંગળ જેવા ગ્રહ પર જતા અવકાશયાન સાથે કૉમ્યુનિકેશન કરવા માટે આપણે આ પ્રકારે સિગ્નલ મોકલતા હોઈએ છીએ.

ડ્યુસી કહે છે કે, "કોઈપણ સમયે બે ગ્રહો સંરેખિત થાય છે તે રસપ્રદ હોય છે."

આ વખતે શોધખોળમાં કોઈ સફળતા ન મળી. પરંતુ બહારની દુનિયાના લોકો આપણા સૌરમંડળનું સંશોધન કરવા માંગતા હોય, તો તેઓ સમાન હેતુઓ માટે ગ્રહોની આ ગોઠવણીઓનો ઉપયોગ કરી શકે છે. આ મહિને ગ્રહોનું સંરેખણ તમારા દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે."

"તમે સિસ્ટમમાં યોગ્ય ખૂણા પર હોવ તો કોઈ પણ બે ગ્રહ એક રેખામાં આવી શકે છે. કોઈ તેને બીજી બાજુએથી પણ જોતું હોય તેની કલ્પના કરી શકાય છે."

ડ્યુસીનું કહેવું છે કે, "શક્ય છે કે પરગ્રહવાસીઓ પણ આને પોતાના સંશોધન માટે એક તક તરીકે જોશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.