અવકાશયાત્રીઓ સ્પેસમાં ટૉઇલેટ કઈ રીતે જાય છે, એ ટૉઇલેટ કેટલું અલગ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
જૂન 2024થી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં અને ધરતી પર પરત ફરેલાં ભારતીય મૂળનાં અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સને કારણે આજકાલ અવકાશમાં અવકાશયાત્રીઓનું જીવન અને તેમની દિવસભરની પ્રવૃત્તિઓ અંગે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

કહાણી શું છે?
અવકાશમાં અવકાશયાત્રીઓના ભોજનથી માંડીને સૂવાની રીતો અંગેના સવાલો પણ અવારનવાર ચર્ચાતા હોય છે.
આવું થવું સ્વાભાવિક પણ છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિએ એક-બે દિવસ નહીં, પરંતુ મહિનાઓ માટે અવકાશમાં રહેવું પડે તો તેની દિનચર્યા અને કામ કરવા માટેની અવકાશની ખાસ રીતો ચર્ચાના કેન્દ્રમાં આવી જાય. ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ અવકાશમાં હોય ત્યારે ગુરુત્વાકર્ષણના અભાવમાં સામાન્ય લાગતી દિનચર્યાની પ્રવૃત્તિઓ અચાનક જ જટિલ અને પડકારજનક બની જાય છે.
અવકાશમાં અવકાશયાત્રીઓના જમવા અને સૂવા સંબંધિત પ્રશ્નોની માફક જ વધુ એક રસપ્રદ પ્રશ્ન એવો પણ પુછાય છે આખરે અવકાશમાં અવકાશયાત્રીઓ ટૉઇલેટ કેવી રીતે જાય છે?
નાસાની વેબસાઇટ પર આપેલી માહિતી સહિત અવકાશયાત્રીઓના અંગત અનુભવો આધારે બીબીસી ગુજરાતીએ આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અવકાશમાં અવકાશયાત્રીઓ ટૉઇલેટ કેવી રીતે જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
મનુષ્યની અવકાશયાત્રાનો આરંભ થયો કદાચ ત્યારથી આ સવાલ પુછાય છે કે આખરે અવકાશમાં અવકાશયાત્રીઓ ટૉઇલેટ કેવી રીતે જાય છે.
જો વધુ ચોક્કસપણે આ પ્રશ્ન પુછાય તો આખરે અવકાશયાત્રીઓ માટે અવકાશમાં મૂત્રત્યાગ અને મળત્યાગની ક્રિયા માટેની શું વ્યવસ્થા હોય છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લિંડન બી. જૉન્સન સ્પેસ સેન્ટરના રિચર્ડ એલ. સોઅર અને બૉઇંગ કંપનીના જ્યૉર્જ કે. જોર્જેન્સનના એક પેપર વેસ્ટ મૅનેજમેન્ટ સિસ્ટમમાં અવકાશાયાત્રીઓ અવકાશમાં મળ અને મૂત્રત્યાગ કેવી રીતે કરતા એ અંગેની માહિતી વિગતવાર આપી છે.
જે અનુસાર 1960-70ના દાયકામાં અપોલો મિશન પહેલાં અવકાશયાત્રીઓ દ્વારા અવકાશમાં મૂત્રત્યાગ માટે એક એવી સિસ્ટમનો ઉપયોગ કરાતો જેમાં સામાન્યપણે એક રબર કફ અને ફ્લેક્સિબલ કલેક્શન બૅગ રહેતાં. જ્યારે મળત્યાગ માટે અપોલો મિશન પહેલાંની પદ્ધતિ ખૂબ જ સામાન્ય હતી. જેમાં એક પ્લાસ્ટિક બૅગને અવકાશયાત્રીએ જાતે પોતાની પૂંઠે ટૅપ વડે ચિપકાવવી પડતી, જેથી ગુદામાર્ગે બહાર નીકળેલ મળને તેમાં પકડી
જે બાદ બૅગને સીલ કરીને બૅક્ટેરિયાને ખતમ કરી નાખતા પ્રવાહી સાથે ભેળવવા માટે બૅગમાં રહેલા મળને અવકાશયાત્રીએ મસળવાનું રહેતું, જેથી મળની સ્થિતિ સાવ અજૈવિક બનાવી શકાય.
હવે કદાચ તમને સમજાયું હશે કે આ બંને પ્રવૃત્તિઓ પૃથ્વી પર જેટલી સરળ લાગે છે, અવકાશયાત્રાની શરૂઆતના સમયમાં તે એટલી જ જટિલ અને સૂગ ચડાવે એવી હતી.
મળત્યાગની આ પ્રવૃત્તિથી છુટકારો મેળવવા માટે અવકાશયાત્રીઓને ઉડાણ ભરતા પહેલાં અવશેષો ન બાકી રહે એવા ખોરાક અને જુલાબ આપવામાં આવતો. આ સિવાય ઉડાણ દરમિયાન પેટની પ્રવૃત્તિઓને ધીમી પાડવા માટેની દવાનો પણ ઉપયોગ કરાતો.

ઇમેજ સ્રોત, Getty Images

અપોલો યાનમાં શું નવું હતું?
જોકે, અપોલોનાં સમાનવ મિશનોમાં આ બંને સમસ્યાના સમાધાન કાઢવાના પ્રયાસ કરાયા.
અપોલો મિશનમાં આ બંને પ્રવૃત્તિ માટે યુરિન સબસિસ્ટમ અને ફિકલ સબસિસ્ટમનો ઉપયોગ કરાયો.
યુરિન સબસિસ્ટમમાં મૂત્રના સંગ્રહ અને ટ્રાન્સફર માટે ત્રણ ડિવાઇસ હતી. જેમાં પ્રથમ હતું યુરિન રિસેપ્ટેકલ ઍસેમ્બ્લી. જે એક પ્રકારનું હાથમાં પકડી શકાય એવું લંબગોળ અને એક બાજુથી ખૂલે એવું પાત્ર હતું.
આ ડિવાઇસ એક ફ્લેક્સિબલ યુરિન ડમ્પ લાઇન સાથે જોડાયેલી હતી, જે વેસ્ટ મૅનેજમૅન્ટ પૅનલ સાથે જોડાયેલી હતી. આ ડિવાઇસનું એક મુખ રહેતું, જેના પર ઢાંકણું પણ લગાવાતું.
આ સિવાય બીજી ડિવાઇસમાં એટલે કે યુરિન ટ્રાન્સફર સિસ્ટમમાં એક રોલ-ઑન કફ રહેતું, જે પુરુષ અવકાશયાત્રીના લિંગ પર પહેરવા માટેની રબર ટ્યૂબ હતી. આ કફ એક વડે ભેગું કરાયેલ મૂત્ર નિકાલ માટેની યાનની વ્યવસ્થામાં મોકલી અપાતું અથવા તો બૅગમાં કલેક્ટ કરાતું.

આ સિવાય ત્રીજી ડિવાઇસ એટલે કે યુરિન કલેક્શન અને ટ્રાન્સફર ઍસેમ્બ્લીનો ઉપયોગ જ્યારે અવકાશયાત્રીએ પ્રેશર સૂટ પહેરેલો હોય ત્યારે થતો. જેમાં એક રોલ-ઑન કફ એટલે કે રબર ટ્યૂબની સાથોસાથ અવકાશયાત્રીને કમરે પહેરવા માટે કલેક્શન બ્લેડર અપાતું.
જ્યારે અવકાશયાત્રીએ સૂટ પહેરેલ હોય ત્યારે અથવા તો સૂટ ઉતારીને યાનની વેસ્ટ મૅનેજમૅન્ટ પૅનલમાં મૂત્ર ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર માટેની ટ્યૂબનો ઉપયોગ કરાતો.
આ ઉપરાંત ફિકલ કલેક્શન સિસ્ટમમાં આંગળી પર પહેરવા માટેના ફિગર કોટનો ઉપયોગ કરીને અવકાશયાત્રીએ પોતાના મળમાર્ગની આસપાસ ફિકલ બૅગ (મળત્યાગ માટેની બૅગ) ગોઠવવાની રહેતી. આ સિવાય તેમને મળમાર્ગની સફાઈ માટે વાઇપ્સ આપવામાં આવતા. મળત્યાગ બાદ અવકાશયાત્રીએ બૅગના બહારના ભાગમાં જીવાત ખતમ કરવા માટેનું પ્રવાહીભરેલું પાઉચ કાપીને નાખવાનું રહેતું. પછી અવકાશયાત્રીએ આ પ્રવાહી મળમાં ભળી જાય એ માટે બૅગને સીલ કરીને મળભરેલી બૅગને દબાવવામાં આવતી. આ જ બૅગમાં અવકાશયાત્રીએ ઉપયોગમાં લીધેલા ટિસ્યૂ વાઇપ્સ પણ મૂકવામાં આવતા.
આ ક્રિયા બાદ બૅગને બને એટલી નાની બનાવવા માટે પ્રયત્ન કરાતો અને કચરાના નિકાલ માટેના કમ્પાર્ટમેન્ટમાં મૂકી દેવાતી.

અવકાશનાં આધુનિક ટૉઇલેટ કેવાં હોય છે?

ઇમેજ સ્રોત, NASA
બીબીસીના એક અહેવાલમાં સાયન્સ મ્યુઝિયમ ક્યુરેટર ડગ મિલાર્ડે હાલ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ વિશે ટૂંકમાં વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "આધુનિક સમયમાં અવકાશમાં અવકાશયાત્રીઓ તેમના માટે બનાવાયેલા ટૉઇલેટનો ઉપયોગ કરે છે, તેમજ તેમનું મૂત્ર રિસાઇકલ કરીને પાણીમાં રૂપાંતરિત કરાય છે. અવકાશયાત્રીના મળને માનવરહિત સ્પેસક્રાફ્ટમાં મૂકી વાતાવરણમાં બાળી નાખવામાં આવે છે."
સ્પેશ સ્ટેશનમાં પણ પૃથ્વીની માફક જ ટૉઇલેટ બનાવાયાં છે. જેમાં ગુરુવાત્વાકર્ષણ બળના અભાવમાં અવકાશયાત્રીના શરીરમાંથી મૂત્ર અને મળ ખેંચી કાઢવામાં આવે છે.
ક્રૂ મૂત્રત્યાગ માટે ખાસ આકારવાળી ફનલ અને ટ્યૂબ તેમજ મળત્યાગ માટે સીટનો ઉપયોગ કરે છે.
અવકાશમાં મળ-મૂત્રત્યાગના અવકાશયાત્રીઓના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે નાસા દ્વારા યુનિવર્સલ વેસ્ટ મૅનેજમૅન્ટ સિસ્ટમવાળાં નવાં ટૉઇલેટ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર મૂક્યાં છે.
જે ઘણાંખરાં પૃથ્વી પરનાં પબ્લિક ટૉઇલેટની માફક જ દેખાય છે.
આ આધુનિક ટૉઇલેટમાં અવકાશયાત્રીઓને બેસવા માટે શૂન્યાવકાશમાં તરતા રહેવાથી બચવા માટે પગ બાંધવાની જગ્યા અને હાથ વડે પકડવાની જગ્યા આપવામાં આવી છે.
વૉટર-ટાઇટ બૅગ્સમાં ટૉઇલેટ પેપર, વાઇપ્સ અને મોજાનો નિકાલ કરવામાં આવે છે. મળની સાથોસાથ આ બૅગ પણ કાર્ગો શિપમાં લોડ કરીને પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવતાં બળી જતાં હોય છે.
નાસાનાં અવકાશયાત્રી જેસિકા માયરે કહ્યું કે, "અમે સ્પેસ સ્ટેશનમાં જળયુક્ત પ્રવાહીઓમાંથી લગભગ 90 ટકાને રિસાઇકલ કરીએ છીએ, જેમાં મૂત્ર અને પરસેવો સામેલ છે. "
બ્રિટિશ અવકાશયાત્રી ટીમ પીકે આ વિશે વધુ સ્પષ્ટતા કરતાં બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર માત્ર જરૂર પૂરતા પાણીનો જ ઉપયોગ કરીએ છીએ."
"અમે પાણી, ખોરાક અને ટૉઇલેટના ઉપયોગની બાબતમાં શક્ય એટલું કાર્યક્ષમ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે અવકાશમાં માત્ર ભીના વાઇપ્સનો જ ઉપયોગ કરીએ છીએ, ના કે સૂકા ટૉઇલેટ પેપરનો. ટૉઇલેટમાં એક વાર જાઓ તો તમને એક ભીનો વાઇપ અપાય છે, બસ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












