ભારત સાવ ઓછા ખર્ચે ચંદ્ર અને મંગળ સુધી કઈ રીતે પહોંચે છે, ઇસરો કરતાં નાસાને કેમ વધુ ખર્ચ થાય છે?

ઇમેજ સ્રોત, ISRO
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ભારતે તાજેતરમાં અંતરિક્ષ માટે કેટલાક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને તેમના માટે 227 અબજ રૂપિયા (2.7 અબજ ડૉલર) ફાળવ્યા છે.
આ યોજનાઓમાં ચંદ્ર પરના ભારતના ઐતિહાસિક મિશનના આગળના તબક્કા ઉપરાંત શુક્ર પર ઑર્બિટર મોકલવા, દેશના પ્રથમ અવકાશ મથકના પ્રથમ તબક્કાનું નિર્માણ અને ઉપગ્રહો લૉન્ચ કરવા માટે નવા ફરીથી વાપરી શકાય તેવા હેવી-લિફ્ટિંગ રૉકેટ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
ભારતે અંતરિક્ષ પ્રોજેક્ટ્સ માટે અત્યાર સુધીમાં કરેલી આ સૌથી મોટી ફાળવણી છે. પરંતુ પ્રોજેક્ટના કદ અને જટિલતાને ધ્યાનમાં રાખતા આ જંગી ભંડોળ ન કહી શકાય. ભારતે ફરી એક વખત ઓછામાં ઓછા ખર્ચે પોતાના અંતરિક્ષ કાર્યક્રમને પાર પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ભારતીય સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચંદ્ર, મંગળ અને સોલર મિશન પર કેટલો ઓછો ખર્ચ થયો છે તે જોઈને વિશ્વભરના નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ભારતે મંગળની ભ્રમણકક્ષામાં મોકલવાના મંગળયાન પર 7.4 કરોડ ડૉલર ખર્ચ્યા જ્યારે ગયા વર્ષના ઐતિહાસિક ચંદ્રયાન-3 પર 7.5 કરોડ ડૉલરનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ હોલિવૂડની સાયન્સ ફિક્સન ફિલ્મ ગ્રેવિટીના નિર્માણમાં થયેલા 10 કરોડ ડોલરના ખર્ચ કરતા ઘણો ઓછો છે.
નાસાના માવેન ઑર્બિટર પાછળ 58.2 કરોડ ડૉલરનો ખર્ચ થયો હતો. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણના બે દિવસ પહેલાં રશિયાનું યાન લુના-25 ચંદ્રની સપાટી પર ક્રૅશ થયું હતું, જેની પાછળ રશિયાએ 13.3 કરોડ ડૉલરનો ખર્ચ કર્યો હતો.
ભારતીય અંતરિક્ષ મિશનનો ખર્ચ ઓછો હોવા છતાં વૈજ્ઞાનિકો કહે છે કે ભારત ખર્ચના પ્રમાણમાં ઘણું વધારે સિદ્ધ કરે છે અને નીચા ખર્ચે પણ ઘણું સારું કામ થઈ રહ્યું છે.
ચંદ્રયાન-1 એ સૌપ્રથમ વખત શોધ કરી હતી કે ચંદ્રની માટીમાં પાણી હાજર છે. મંગળયાન દ્વારા મંગળના વાતાવરણમાં મિથેનનો અભ્યાસ કરવા માટે પેલોડ લઈ જવાયું હતું. ચંદ્રયાન-3 દ્વારા મોકલવામાં આવેલી તસવીરો અને ડેટાનો વિશ્વભરમાં અંતરિક્ષમાં રસ ધરાવતા નિષ્ણાતો દ્વારા ખૂબ ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત આટલો ઓછો ખર્ચ કેવી રીતે રાખી શકે છે?

ઇમેજ સ્રોત, ISRO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નિવૃત્ત સનદી કર્મચારી સિસિર કુમાર દાસે બે દાયકાથી વધુ સમય સુધી ઇસરોનું નાણાકીય કામ સંભાળ્યું હતું. તેઓ કહે છે કે 1960ના દાયકામાં વિજ્ઞાનિકોએ સરકારને સૌપ્રથમવાર અંતરિક્ષ કાર્યક્રમ રજૂ કર્યો, તેમાં જ ઓછા ખર્ચે કઈ રીતે કામ કરવું તેના મૂળ રહેલા છે.
ભારતે 1947માં જ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી અને દેશ સામે અનાજની અછતને પહોંચી વળવાનો અને મોટી સંખ્યામાં શાળાઓ અને હૉસ્પિટલો બનાવવાનો પડકાર હતો.
સિસિર કુમાર દાસે બીબીસીને જણાવ્યું કે, "ઇસરોના સ્થાપક અને વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ સરકારને સમજાવવું પડ્યું કે અંતરિક્ષ કાર્યક્રમ એ કોઈ અત્યાધુનિક લક્ઝરી નથી કે ભારત જેવા ગરીબ દેશમાં તેનું કોઈ સ્થાન ન હોય. તેમણે સમજાવ્યું કે ભારત સેટેલાઇટ્સ બનાવશે તો પોતાના નાગરિકોની વધુ સારી રીતે સેવા કરી શકશે."
પરંતુ ભારત જેવા વિરોધાભાસી જરૂરિયાતો અને માંગણીઓ ધરાવતા દેશમાં અંતરિક્ષ કાર્યક્રમે હંમેશાં ચુસ્ત બજેટ સાથે કામ કરવું પડ્યું છે. 1960 અને 1970ના દાયકાના ફોટોગ્રાફ્સમાં વૈજ્ઞાનિકો સાયકલ અથવા તો બળદગાડા પર રૉકેટ અને ઉપગ્રહોને લઈ જતા જોવા મળે છે.
દાયકાઓ પછી અને ઘણા બધા સફળ અંતરિક્ષ મિશન પછી પણ ઇસરોનું બજેટ બહુ સાધારણ છે. આ વર્ષે ઇસરોના સ્પેસ કાર્યક્રમ માટે ભારતે 130 અબજ રૂપિયા (1.55 અબજ ડૉલર) ફાળવ્યા છે, તેની સરખામણીમાં અમેરિકાના નાસાનું બજેટ 25 અબજ ડૉલર છે.
સિસિર દાસ કહે છે કે ઇસરોના મિશન આટલા સસ્તા હોવાનું મુખ્ય કારણ એ છે કે ઇસરોની તમામ ટેકનૉલૉજી સ્વદેશી સ્તરે વિકસાવેલી છે અને મશીનો પણ ભારતમાં જ બનાવવામાં આવે છે.
1974માં ભારતે તેનું પ્રથમ અણુ પરીક્ષણ હાથ ધર્યું ત્યારે પશ્ચિમી દેશોએ ભારતને ટેકનૉલૉજી ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. જોકે, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ માટે આ પ્રતિબંધો "છુપા આશીર્વાદમાં ફેરવાઈ ગયા" તેમ તેઓ જણાવે છે.
તેઓ કહે છે, "તેના કારણે અમારા વૈજ્ઞાનિકોને તેમની પોતાની ટેકનૉલૉજી વિકસાવવા પ્રોત્સાહન મળ્યું. તેમણે તમામ જરૂરી સાધનો સ્વદેશી રીતે બનાવ્યાં. આ ઉપરાંત તેમના પગાર અને કામદારનો ખર્ચ પણ અમેરિકા અથવા યુરોપની તુલનામાં ઘણો નીચો હતો."
ઇસરો કરતાં નાસાને કેમ વધુ ખર્ચ થાય છે?

ઇમેજ સ્રોત, DD/SCREENGRAB
વિજ્ઞાન વિશે લખતા લેખક પલ્લવ બાગલા કહે છે કે ઇસરોથી વિપરીત નાસા ખાનગી કંપનીઓને સેટેલાઇટ ઉત્પાદનનું કામ આઉટસોર્સ કરે છે અને તેના મિશન માટે વીમો પણ ઉતરાવે છે, જેથી તેનો ખર્ચ વધી જાય છે.
"આ ઉપરાંત નાસામાં વાસ્તવિક લૉન્ચ પહેલાં પ્રોજેક્ટના પરીક્ષણ માટે એન્જિનિયરિંગ મૉડલ્સ બનાવવામાં આવે છે જ્યારે ભારત આવા મોડેલનો ઉપયોગ નથી કરતું. આપણે ફક્ત એક જ મોડલ કરીએ છીએ અને તે ઊડવા માટે હોય છે."
"તે જોખમી છે, તેમાં રૉકેટ તૂટી પડવાની શક્યતા રહે છે. પરંતુ આપણે એ જોખમ ઉઠાવીએ છીએ. આપણે તે કરી શકીએ છીએ, કારણ કે તે સરકારી કાર્યક્રમ છે."
ભારતના પ્રથમ અને બીજા ચંદ્ર મિશન અને મંગળ મિશનના વડા મૈલસ્વામી અન્નાદુરાઈએ બીબીસીને જણાવ્યું હતું કે ઇસરો ઘણા ઓછા લોકોને કામે રાખે છે અને ઓછો પગાર આપે છે, જેના કારણે ભારતીય પ્રોજેક્ટ્સ સ્પર્ધાત્મક બને છે.
તેઓ કહે છે કે તેમણે "10થી પણ ઓછા લોકોની ટીમોનું નેતૃત્વ કર્યું હતું. ઘણી વખત લોકો કોઈ પણ ઓવરટાઇમની ચૂકવણી વગર વધારે કલાકો સુધી કામ કરતા હતા, કારણ કે તેઓ જે કરતા હતા તે કામ માટે તેમનામાં જુસ્સો હતો."
તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ્સ માટેના ચુસ્ત બજેટ હોવાના કારણે તેમણે ઘણી વખત નવેસરથી આયોજન કરવું પડ્યું, અલગ પ્રકારના વિકલ્પો વિચારવા પડ્યા અને નવીનતા પર કામ કરવું પડ્યું.
તેઓ કહે છે, "ચંદ્રયાન-1 માટે, ફાળવેલું બજેટ 8.9 કરોડ ડૉલર હતું અને તે મૂળ રૂપરેખા માટે ઠીક હતું. પરંતુ ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અવકાશયાન પર એક મૂન ઇમ્પૅક્ટ પ્રોબ લગાડવામાં આવશે. એટલે કે 35 કિલો વજન સીધું વધી ગયું."
વૈજ્ઞાનિકો પાસે બે જ વિકલ્પો હતા - તેઓ વધુ ખર્ચ કરીને મિશન માટે ભારે રૉકેટનો ઉપયોગ કરે, અથવા વજન ઘટાડવા માટે કેટલાક હાર્ડવેરને દૂર કરે.
"અમે બીજો વિકલ્પ પસંદ કર્યો. અમે થ્રસ્ટર્સની સંખ્યા 16થી ઘટાડીને આઠ કરી અને પ્રેશર ટાંકી અને બેટરીની સંખ્યા બેથી ઘટાડીને એક કરી."
અન્નાદુરાઈ કહે છે કે બેટરીની સંખ્યા ઘટાડવાનો અર્થ એ થયો કે મિશનને 2008ના અંત પહેલાં જ લૉન્ચ કરવું પડે.
"તેનાથી અવકાશયાનને બે વર્ષ મળશે. આ દરમિયાન તે લાંબા સૂર્યગ્રહણનો સામનો કર્યા વગર ચંદ્રની આસપાસ જશે. સૂર્યગ્રહણ થાય તો બેટરીની રિચાર્જ ક્ષમતાને અસર પડે. તેથી અમે લૉન્ચની સમયમર્યાદાને પહોંચી વળવા માટે એકદમ ચુસ્ત શિડ્યુલને વળગી રહ્યા."
અન્નાદુરાઈ કહે છે કે મંગલયાનની કિંમત ઘણી ઓછી હતી "કારણ કે બીજા ચંદ્ર મિશનમાં વિલંબ થયા પછી અમે ચંદ્રયાન-2 માટે પહેલેથી જ ડિઝાઇન કરેલા મોટા ભાગના હાર્ડવેરનો ઉપયોગ કર્યો હતો."
પ્રાઇવેટ પ્લૅયરોની ઍન્ટ્રીથી ખર્ચ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
બાગલા કહે છે કે ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ આટલા ઓછા ખર્ચે થવો એ "અદ્ભુત સિદ્ધિ" છે. પરંતુ ભારત મોટા મિશન હાથમાં લેશે તેમ ખર્ચ વધી શકે છે.
તેઓ કહે છે કે હાલમાં ભારત નાના રૉકેટ લૉન્ચરનો ઉપયોગ કરે છે કારણ કે તેમની પાસે વધારે મજબૂત રૉકેટ નથી. પરંતુ તેના કારણે ભારતના અવકાશયાનને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે.
તેથી, જ્યારે ચંદ્રયાન-3 લૉન્ચ કરવામાં આવ્યું, ત્યારે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્લિંગ-શૉટ કરતા પહેલાં ઘણી વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. ત્યાં ઉતરાણ કરતા પહેલાં તે થોડી વાર ચંદ્રની આસપાસ ફરતું હતું. બીજી તરફ રશિયાનું લુના-25 શક્તિશાળી સોયુઝ રૉકેટ પર સવાર હોવાથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બચી ગયું.
તેઓ કહે છે, "અમે ચંદ્ર તરફ જવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કર્યો હતો. તેમાં અમને કેટલાંય અઠવાડિયાં લાગી ગયાં અને બારીકાઈથી આયોજન કરવું પડ્યું. ઇસરોએ આમાં નિપુણતા મેળવી લીધી છે, અને આ કામ ઘણી વખત સફળતાપૂર્વક કર્યું છે."
બાગલા કહે છે ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજના જાહેર કરી છે અને અવકાશયાત્રીઓને ત્યાં ઝડપથી પહોંચાડવા માટે તેને વધુ શક્તિશાળી રૉકેટની જરૂર પડશે.
સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે આ નવા રૉકેટ પર કામ પહેલાંથી જ મંજૂર કરવામાં આવ્યું છે અને તે 2032 સુધીમાં તે તૈયાર થઈ જશે. આ નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ (એનજીએલ) વધુ વજન વહન કરવા માટે સક્ષમ હશે, પરંતુ તેની કિંમત પણ વધુ હશે.
બાગલા કહે છે કે, ભારત હવે ખાનગી કંપનીઓ માટે અંતરિક્ષ ક્ષેત્રને ખોલવાની પ્રક્રિયામાં છે. ત્યાર પછી ખર્ચ આટલો ઓછો રહે તેવી શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












