ISRO: અવકાશમાં સફળતાપૂર્વક ડૉકિંગ કરનારો ચોથો દેશ બન્યો ભારત, સ્પેડેક્સ મિશને રચ્યો ઇતિહાસ, આ મિશન શું છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ સ્પેસ ડૉકિંગ ઍક્સપેરિમેન્ટ એટલે સ્પૅડેક્સ હેઠળ ઉપગ્રહોની ડૉકિંગની પ્રક્રિયા સફળતાથી પૂરી કરી છે. ઇસરો અનુસાર ભારત આવું કરનારો ચોથો દેશ બની ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સિદ્ધી બદલ ઇસરોને અભિનંદન આપ્યાં હતાં.
ભારતના સ્પૅડેક્સ મિશનને 30 ડિસમેબરના શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ભારતીય સમય અનુસાર રાત્રે દસ વાગ્યાની આસપાસ લૉન્ચ કરવામાં આવ્યું હતું.
★ સમગ્ર કહાણી શું છે : સ્પેડેક્સનો અર્થ સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટ થાય છે. સ્પેડેક્સ મિશનનું લક્ષ્ય અંતરિક્ષયાનોને 'ડૉક' અને 'અનડૉક' કરવા માટે જરૂરી ટેકનૉલૉજી વિકસાવવાનો અને પ્રદર્શિત કરવાનો છે. એક અંતરિક્ષ યાનને બીજા સાથે જોડવાની ક્રિયાને 'ડૉકિંગ' અને અંતરિક્ષમાં જોડાયેલાં યાનોના છૂટાં પડવાની પ્રક્રિયા એટલે 'અનડૉકિંગ.'
- ભારતનું સ્પેડેક્સ મિશન શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન અંતરિક્ષકેન્દ્ર પરથી 30 ડિસેમ્બરના રોજ રાત્રિના દસ વાગ્યે સફળતાપૂર્વક લૉન્ચ કરાયું હતું.
- આ મિશનની સફળતા ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે અમેરિકા, ચીન અને રશિયા જેવી કાબેલિયત આપશે. ભારત આ વિશ્વના ચાર એવા દેશોમાં સામેલ થઈ જશે જેમની પાસે આ પ્રકારની ટૅક્નૉલૉજી છે.

★ સ્પેડેક્સ મિશન શું છે : ભારત અંતરિક્ષ ક્ષેત્રે જે મહત્ત્વકાંક્ષાઓ ધરાવે છે તેના માટે આ ટેકનિક જરૂરી છે. તેમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનનાં નિર્માણ અને સંચાલન ઉપરાંત ચંદ્ર પર ભારતીય અંતરિક્ષયાત્રી મોકલવા સહિતની યોજનાઓ સામેલ છે. એક કોમન મિશનને પાર પાડવા માટે ઘણાં બધાં રૉકેટ લૉન્ચ કરવાનાં હોય ત્યારે 'ઇન સ્પેસ ડૉકિંગ' ટેકનૉલૉજીની જરૂર પડે છે.
- સ્પેડેક્સ મિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા બે ઉપગ્રહોમાંથી એક ચેજર (એસડીએક્સ01) અને બીજું ટાર્ગેટ (એસડીએક્સ02) છે. આ બંને અત્યંત ઝડપે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરશે.
- આ બંને એક સરખી ગતિ સાથે એક જ કક્ષામાં સ્થાપિત હશે. પરંતુ લગભગ 20 કિલોમીટરના અંતરે અલગ હશે. આ બંનેને અવકાશમાં જ એકસાથે એટલે કે સામાન્ય ભાષામાં જોઇન કરવામાં આવશે. તેને 'ફાર રાંદેવૂ' પણ કહેવામાં આવે છે.
- સ્પેડેક્સ મિશનમાં બે નાનાં અંતરિક્ષયાન સામેલ છે. દરેક યાનનું વજન લગભગ 220 કિલો છે. તેને રૉકેટ પીએસએલવી-સી60 દ્વારા લૉન્ચ કરાયાં હતાં.
- તે પૃથ્વીથી લગભગ 470 કિલોમીટરની ઊંચાઈ પર ચક્કર લગાવશે. તેમાં એક ચેજર (એસડીએક્સ01) અને બીજા ટાર્ગેટ (એસડીએક્સ02) નામના ઉપગ્રહ સામેલ છે.

★ ભારત માટે આ મિશન ખાસ : સ્પેડેક્સ મિશનની સફળતા પછી ભારત દુનિયામાં ચોથો એવો દેશ બની જશે, જેની પાસે ડૉકિંગ ટેકનૉલૉજી છે. અંતરિક્ષમાં ડૉકિંગ એક બહુ જટિલ કામ હોય છે.
- અમેરિકા, રશિયા અને ચીન પાસે હાલ અંતરિક્ષ ડૉકિંગ ટેકનૉલૉજી છે. જેમાં હવે ભારતનો સમાવેશ થયો છે.
- ભારતે આ સ્પેડેક્સ મિશન દ્વારા સ્પેસ ડૉકિંગ ટેકનૉલૉજીમાં કુશળતા પ્રાપ્ત કરી છે.
- કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યું કે ડૉકિંગ ટેકનૉલૉજી 'ચંદ્રયાન-4' જેવા લાંબાગાળાના મિશન અને ભવિષ્યમાં બનનારા ભારતીય અંતરિક્ષ સ્ટેશન માટે મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત તે 'ગગનયાન' મિશન માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
- આ મિશનનું એક લક્ષ્ય ડૉક કરવામાં આવેલા અંતરિક્ષયાનની વચ્ચે પાવર ટ્રાન્સફરનું પ્રદર્શન કરવાનું પણ છે. ભવિષ્યમાં સ્પેસ રોબોટિક્સ જેવા પ્રયોગોમાં તે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
- અંતરિક્ષયાનનું સંપૂર્ણ નિયંત્રણ અને અનડૉકિંગ પછી પેલોડ સંચાલન જેવી ચીજો પણ આ મિશનના લક્ષ્યમાં સામેલ છે.
- આ મિશન હેઠળ ઇસરો 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચક્કર લગાવતા બે સેટેલાઇટને ડૉક કર્યા છે. જે એક પડકારજનક કામ હતું અને તેમાં ખૂબ સાવધાની રાખવી પડે છે.

ચંદ્રયાન-4 મિશનની ખાસ વાતો : ભારત ચંદ્રયાન મિશન -3 બાદ હવે ચંદ્રયાન મિશન - 4ની તૈયારીમાં લાગી ગયો છે. ઇસરો દ્વારા હાથ ધરવામાં આવનારા આ મિશન માટે કેન્દ્ર સરકારે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને તેના માટે 2104 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
★ આ મિશનમાં શું હશે?
» ચંદ્રયાન-4 મિશનમાં ભારત 2040 સુધીમાં ચંદ્રની ધરતી પર માણસને ઉતારવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
» જેમાં બે રૉકેટ- એલએમવી-3 અને પીએસએલવી દ્વારા અલગ અલગ ઉપકરણોના બે સેટને ચંદ્ર પર લૉન્ચ કરવામાં આવશે.
» અંતરિક્ષયાન ચંદ્ર પર ઊતરશે, જરૂરી માટી અને ખડકોના નમૂના એકઠા કરશે, તેને એક બૉક્સમાં રાખશે અને પછી ચંદ્ર પરથી ઉડાણ ભરીને પૃથ્વી પર પરત આવશે.
» આ દરેક કાર્યને પૂર્ણ કરવા માટે અલગ-અલગ ઉપકરણની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં સફળતા મળે તો આ પ્રોજેક્ટ ભારતને અંતરિક્ષ સંશોધનના ક્ષેત્રમાં ઘણું આગળ લઈ જશે.
» આ વિશે ભારત સરકારના વિજ્ઞાનપ્રસાર સંગઠનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી. વી. વેંકટેશ્વરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે 1967માં લાગુ થયેલા મૂન ઍગ્રીમેન્ટ પ્રમાણે કોઈ પણ એક દેશ ચંદ્ર પર માલિકીનો દાવો કરી શકે નહીં. તે સંધિ મુજબ ચંદ્ર પરથી લાવવામાં આવેલા નમૂના એવા દેશો વચ્ચે શેર કરવામાં આવે જેઓ તેનું સંશોધન કરવા માટે સક્ષમ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












