સુનીતા વિલિયમ્સ જ્યાં ફસાયાં છે, એ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન ભવિષ્યમાં બંધ થશે ત્યારે શું થશે?

માત્ર આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલાં સુનીતા વિલિયમ્સ હવે ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર પાછાં આવી શકે છે એવું નાસાનું કહેવું છે.

ઇમેજ સ્રોત, International Space Station/X

ઇમેજ કૅપ્શન, માત્ર આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલાં સુનીતા વિલિયમ્સ હવે ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર પાછાં આવી શકે છે એવું નાસાનું કહેવું છે.
    • લેેખક, ધ ઇન્ક્વાયરી પૉડકાસ્ટ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

કલ્પના ચાવલાથી માંડીને સુનીતા વિલિયમ્સ જેવા અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં વિહરતા હોય તેવા વીડિયો તમે જોયા હશે.

અવકાશમાં 400 કિલોમીટર દૂર પૃથ્વીની પરિક્રમા કરતું આ અવકાશ મથક વૈશ્વિક એકતા અને સહયોગનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતીક છે.

આ અવકાશમથકે નવી તબીબી સારવાર શોધવાથી લઈને હવામાન પરિવર્તન પર નજર રાખવા સુધીના ઘણા પ્રકારનાં વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરી છે.

હવે આ સ્પેસ સ્ટેશનનો કાર્યકાળ પૂર્ણ થવામાં છે. થોડાં વર્ષો પછી તે કામ કરતું બંધ થઈ જશે પછી તેને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડવામાં આવશે.

છેલ્લાં 30 વર્ષથી પૃથ્વીની પરિક્રમા કરી રહેલા આ સ્પેસ સ્ટેશનનું માળખું હવે જૂનું થઈ ગયું છે. તેથી તે આગામી છ વર્ષમાં કામ કરતું બંધ થઈ જશે.

સ્પેસ સ્ટેશન કામ કરતું બંધ થશે તે દેખીતી રીતે જ એક યુગનો અંત હશે, પણ એ પછી શું થશે? ભારત સહિતના અનેક દેશો પોતપોતાનાં સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યા છે તેના પર શું અસર થશે?

વૉટ્સઍપ

આઈએસએસનું નિર્માણ

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સુનીતા વિલિયમ્સ કેટલાય મહિનાઓથી ફસાયેલાં છે

ઇમેજ સ્રોત, NASA/Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સુનીતા વિલિયમ્સ કેટલાય મહિનાઓથી ફસાયેલાં છે

જેનિફર લેવેસર અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં રહે છે અને સ્મિથસોનિયન સંસ્થાના નૅશનલ ઍર ઍન્ડ સ્પેસ મ્યુઝિયમના ક્યુરેટર છે.

તેઓ કહે છે, "સ્પેસ સ્ટેશન એટલું તેજસ્વી છે કે સૂર્યનો કોણ અનુકૂળ હોય તો તેને જોઈ પણ શકાય છે. તે ચોક્કસ ગતિએ આગળ વધતું રહે છે."

આ સ્પેસ સ્ટેશન પ્રતિ કલાક 17,500 માઇલની ગતિથી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે અને આખી પૃથ્વીની પરિક્રમા કરતાં તેને માત્ર 93 મિનિટ થાય છે.

આઈએસએસને 1998માં સૌપ્રથમવાર અવકાશમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

શીત યુદ્ધના અંત પછીના એ દિવસોમાં તે વૈશ્વિક સહકાર અને શાંતિનું પ્રતીક બની ગયું તેમજ આ પ્રોજેક્ટને એક મોટી રાજદ્વારી સફળતા ગણવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન આવતાં છ વર્ષમાં બંધ થઈ જશે

સવાલ થાય કે આ સ્પેસ સ્ટેશનનો વિચાર ક્યાંથી આવ્યો? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે સ્પેસ મિશનના ઇતિહાસને જાણવો પડશે.

જેનિફર લેવેસરના જણાવ્યા મુજબ, જર્મન ઍન્જિનિયરોએ અવકાશમાં જઈ શકે તેવું વી-ટુ રૉકેટ 1942માં વિકસાવ્યું ત્યારથી જ માણસને અવકાશમાં લઈ જવા અને માણસ ત્યાં રહી શકે તેવું સ્પેસ સ્ટેશન બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા.

પછી બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું અને શીત યુદ્ધનો દૌર શરૂ થયો. તેથી આંતરરાષ્ટ્રીય સહકારની કોઈ શક્યતા ન હતી.

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images/NASA

ઇમેજ કૅપ્શન, સ્પેસ સ્ટેશનના નિર્માણના પ્રોજેક્ટમાં અમેરિકાની સાથે રશિયા પણ જોડાયું હતું.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાસ્તવમાં એ સમયે સોવિયેત રશિયા અને અમેરિકા વચ્ચે ચંદ્ર પર માણસ મોકલીને પોતાની તકનીકી સર્વોપરિતા સાબિત કરવાની સ્પર્ધા ચાલતી હતી. તેમાં અમેરિકા 1959માં સફળ થયું હતું.

એ પછી 1970ના દાયકામાં બન્ને દેશોએ પોતપોતાનાં સ્પેસ સ્ટેશન પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂક્યાં હતાં.

જોકે, 1979માં અમેરિકાનું સ્કાયલેબ સ્પેસ સ્ટેશન બંધ થયું ત્યારે તેની મહત્ત્વાકાંક્ષા વધી ગઈ હતી.

આ પૃષ્ઠભૂમિમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રીગને 1984માં અમેરિકન સ્પેસ એજન્સી નાસાને એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રમુખ રીગને કહ્યું હતું, "નાસાએ અન્ય દેશોના સહયોગથી 10 વર્ષમાં એક એવું સ્પેસ સ્ટેશન બનાવવું જોઈએ, જ્યાં લોકો રહી શકે અને સંશોધન કરી શકે. વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિની દિશામાં તે એક મહત્ત્વનું પગલું હશે."

1989નું વર્ષ શરૂ થાય તે પહેલાં સોવિયેત રશિયાનું વિઘટન થઈ ગયું હતું. શીત યુદ્ધનો અંત આવ્યો હતો અને પછી રશિયા પણ અમેરિકાની સાથે સ્પેસ સ્ટેશન બનાવવાના પ્રોજેક્ટમાં જોડાયું હતું.

જેનિફર લેવેસરના કહેવા મુજબ, "અમેરિકાએ એ વખતે રશિયાને આ પ્રોજેક્ટમાં સામેલ ન કર્યું હોત તો રશિયાનો અવકાશ કાર્યક્રમ કદાચ બંધ થઈ ગયો હોત. 1994માં બન્ને દેશો વચ્ચે ટેકનૉલૉજીકલ વિનિયોગ શરૂ થયો હતો અને તેમાંથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું સફળ નિર્માણ થયું હતું."

અમેરિકા અને રશિયા ઉપરાંત આ પ્રોજેક્ટમાં યુરોપ, કૅનેડા તથા જાપાન પણ સહયોગ આપી રહ્યા છે. સહયોગનો આવો પ્રયોગ અગાઉ ક્યારેય કરવામાં આવ્યો ન હતો.

અમેરિકા અને સોવિયેત રશિયાએ 1970ના દાયકામાં પોતાનાં સ્પેસ સ્ટેશન લૉન્ચ કર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images/NASA

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને સોવિયેત રશિયાએ 1970ના દાયકામાં પોતાનાં સ્પેસ સ્ટેશન લૉન્ચ કર્યાં હતાં.

90ના દાયકાની મધ્યમાં આ પ્રોજેક્ટ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. અમેરિકા અને રશિયાની ઓરબિટલ સિસ્ટમ તથા જાપાન, યુરોપને મૉડ્યુલ્સ સાથે આ સ્ટેશન આકાર પામવાનું શરૂ થયું હતું.

સ્પેસ સ્ટેશનના આકાર વિશે જેનિફર લેવેસન કહે છે, "તેનું મૂળભૂત માળખું એક બોટ જેવું છે. તેથી તેમાં અન્ય મૉડ્યુલ્સ ઉમેરવાની સગવડ છે. એ મૉડ્યુલ્સમાં માણસો રહી શકે છે."

"તેમાં વીજળી માટે સોલર પેનલ્સ છે, પરંતુ આ સ્પેસ સ્ટેશનને અવકાશમાં પહોંચાડવાનું બહુ ખર્ચાળ હતું. એ ઉપરાંત જમીન પરથી તેને નિયંત્રિત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હતી."

રશિયાએ 1998ની 20 નવેમ્બરે કઝાકિસ્તાનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું પ્રથમ મૉડ્યુલ લૉન્ચ કર્યું હતું. એ મૉડ્યુલ ‘ઝાર્યા’ નામે ઓળખાય છે. ઝાર્યા એટલે સૂર્યોદય.

એ જ વર્ષે ચોથી ડિસેમ્બરે અમેરિકાએ તેનું મૉડ્યુલ ‘યુનિટી’ લૉન્ચ કર્યું હતું અને એ પછી બાકીના એક પછી એક મૉડ્યુલ તેમાં ઉમેરવામાં આવ્યાં હતાં.

નિર્માણની આ પ્રક્રિયા 2011 સુધી ચાલતી રહી હતી. એ પછી સ્પેસ સ્ટેશન ફૂટબૉલના મેદાન જેવડું મોટું થઈ ગયું હતું.

આવડા મોટા સ્પેસ સ્ટેશનમાં વિશ્વના ઘણા દેશોના વિજ્ઞાનીઓ અને સંશોધકો કામ કરે છે, પરંતુ તેઓ એકમેકની સાથે સંકલન કેવી રીતે સાધે છે?

અવકાશમાં સંકલન

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અલગ-અલગ દેશોનાં મૉડ્યુલ્સ છે.

આ પ્રોજેક્ટમાં સામેલ મુખ્ય દેશો એટલે કે અમેરિકા, રશિયા, કૅનેડા, જાપાન અને યુરોપિયન દેશોના ઓછામાં ઓછા સાત વિજ્ઞાનીઓ સ્પેસ સ્ટેશનમાં કાયમી ધોરણે તહેનાત હોય છે.

તેઓ સામાન્ય રીતે એક સમયે છ મહિના અહીં રહે છે, પરંતુ કેટલીક વખત આ સમયગાળો લંબાવવામાં આવતો હોય છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના ભૂતપૂર્વ સલાહકાર માર્ક મેક્કગ્રીન જર્મનીના હેડલબર્ગમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટમાં ખગોળશાસ્ત્રી છે.

તેઓ કહે છે, "આઈએસએસ પર જતા મોટાભાગના લોકો જીવવિજ્ઞાની, ખગોળશાસ્ત્રીઓ અને સમુદ્રશાસ્ત્રીઓ હોય છે. છેલ્લાં વીસ વર્ષોમાં તેમની પસંદગી નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી, જાપાન અને રશિયન સ્પેસ એજન્સીઓ તેમજ કેટલીક અન્ય સ્પેસ એજન્સીઓમાંથી કરવામાં આવી છે. જોકે, હવે ખાનગી પ્રવાસીઓ પણ સ્પેસ સ્ટેશનની મુલાકાત લઈ શકશે."

આ અવકાશયાત્રીઓ અગાઉ રશિયાની સોયુઝ કૅપ્સ્યુલ અથવા અમેરિકાના સ્પેસ શટલ મારફત અવકાશ મથકમાં આવતા-જતા હતા.

ભારતીય મૂળનાં કલ્પના ચાવલા સહિતના સાત અવકાશયાત્રીઓ કોલંબિયા નામના સ્પેસ શટલને 2003માં નડેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી અમેરિકાએ સ્પેસ શટલ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

2011માં સ્પેસ શટલ બંધ થયા પછી ઇલોન મસ્કની સ્પેસઍક્સ કંપનીના ક્રૂ ડ્રેગનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આવ-જા ચાલી રહી છે.

એ પ્રવાસમાં બાર કલાકથી માંડીને કેટલાક દિવસો થઈ શકે છે.

આ સમયગાળાનો આધાર અવકાશયાન પૃથ્વી પરથી ક્યારે પ્રસ્થાન કરે છે અને સ્પેસ સ્ટેશન પર ક્યારે ઊતરે છે તેના પર હોય છે.

તે સમગ્ર સમયગાળામાં અવકાશયાત્રીઓએ તેમની સીટ પર બેસી રહેવું પડે છે, જે મુશ્કેલ હોય છે. એ ઉપરાંત છ મહિના સુધી સ્પેસ સ્ટેશનના બંધિયાર વાતાવરણમાં રહેવું પણ સરળ નથી.

સ્પેસ સ્ટેશનમાં રહેવાના પડકારો

અવકાશમાં હોવા છતાં સુનીતા વિલિયમ્સ પોતાની પસંદગીનું ભોજન મેળવી રહ્યાં છે

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અવકાશમાં હોવા છતાં સુનીતા વિલિયમ્સ પોતાની પસંદગીનું ભોજન મેળવી રહ્યાં છે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અન્ય સાથીદારો સાથે મળીને શાંતિપૂર્ણ રીતે કામ કરવું એ પણ મહત્ત્વનું છે.

અલબત, આ બધું લાગે છે તેટલું સરળ નથી.

સ્પેસ સ્ટેશનમાં રહેવાના પડકાર બાબતે માર્ક મેકકૉકગ્રીન કહે છે, "કોઈ સ્પેસ એજન્સી અવકાશયાત્રીની પસંદગી કરે છે ત્યારે જ એ હકીકતને ધ્યાનમાં લે છે કે આ વ્યક્તિ સ્વભાવે શાંત છે કે નહીં અને કોઈ મોટી ઘટનાથી વિચલિત થશે કે નહીં."

"બીજી વાત એ છે કે આઈએસએસ પર સ્નાનની કોઈ સુવિધા નથી. ફક્ત ભીનાં કપડાંથી શરીરને સાફ કરી લેવાનું હોય છે. છ મહિના કે ક્યારેય એક વર્ષ સુધી સ્નાન કર્યા વગર જીવવું મુશ્કેલ બને છે. એ માટે એકમેકની સાથે મળીને કામ કરવાની ક્ષમતા હોવી જરૂરી છે."

"આઈએસએસ પૃથ્વીની ખૂબ નજીક છે. તેથી અવકાશયાત્રીઓને તાજો ખોરાક પણ પહોંચાડવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે અવકાશયાત્રીઓએ માત્ર પૅકેજ્ડ ફૂડ પર આધાર રાખવો પડતો નથી."

જોકે, અવકાશયાત્રીઓએ જમવા બાબતે સાવચેતી રાખવી પડે છે. બિસ્કિટ કે જેના ટુકડા હવામાં તરે એમ હોય તેવો ખોરાક તેઓ ખાઈ શકતા નથી.

અવકાશયાત્રીઓ સૂવા માટે જે સ્લીપિંગ બૅગનો ઉપયોગ કરે છે તે પણ દીવાલ સાથે બંધાયેલી હોય છે, જેથી તેઓ ઊંઘતી વખતે ફંગોળાઈ ન જાય.

આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહેવાને કારણે અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે.

માર્ક મેકકોકગ્રીન કહે છે, “અવકાશમાં રહેવાથી સ્નાયુઓને નુકસાન થાય છે. હાડકાંની ઘનતા ઘટે છે અને લોહી તથા અન્ય પ્રવાહીના પરિભ્રમણને પણ અસર થવાથી શરીરમાં દબાણ વધે છે.”

અવકાશયાનમાં માનવ દૃષ્ટિને પણ અસર થઈ શકે છે. આ પૈકીની અનેક સમસ્યાઓનું નિરાકરણ પૃથ્વી પર પાછા પહોંચતા થઈ જાય છે, પરંતુ તેમાં પણ છ મહિના જેટલો સમય લાગી શકે છે.

અવકાશમાંના કિરણોત્સર્ગની અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર દૂરગામી અસર થાય છે કે કેમ તે બાબતે સંશોધન ચાલુ છે.

એ સંશોધનમાંથી જે માહિતી મળશે તે ભવિષ્યમાં ચંદ્ર પર લાંબા ગાળાના વસવાટ અથવા મંગળ પર માનવ મોકલવાના મિશનમાં ઉપયોગી થશે.

આ પ્રયોગો અવકાશમાં ચાલી રહ્યા છે ત્યારે અહીં પૃથ્વી પર આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દેશો વચ્ચે રાજકીય સંઘર્ષ ભડક્યો છે. તેની ભાવિ અવકાશ સંશોધન પર કેવી અસર થશે?

અવકાશમાં કાયદો ક્યાંનો લાગુ પડે?

સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA/Space

ઇમેજ કૅપ્શન, સ્પેસ સ્ટેશન પર અલગ અલગ દેશોના છ જેટલા અવકાશયાત્રીઓ કેટલાક મહીનાઓ માટે હંમેશાં રહે છે

1998માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું ત્યારે એક આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવ્યો હતો.

એ મુજબ, આ પ્રોજેક્ટના તમામ ભાગીદાર દેશોએ અવકાશ મથકની દેખરેખ, જાળવણી અને અવકાશયાત્રીઓની મદદ માટે એકમેકને સહકાર આપવાનું નક્કી કર્યું હતું.

કરાર મુજબ, જે દેશો મૉડ્યુલ્સ અને અન્ય ટેકનિકલ સામગ્રી અવકાશ મથક પર લાવ્યા છે તેના પર તેમનો સંપૂર્ણ અધિકાર છે, એમ અમેરિકાની નૉર્થ-ઈસ્ટર્ન યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર માયા ક્રૉસ જણાવે છે.

તેઓ કહે છે, "આઈએસએસ પરના અમેરિકાના મૉડ્યુલને અમેરિકાનો કાયદો લાગુ પડે છે, જ્યારે રશિયાનું મૉડ્યુલ રશિયન કાયદા મુજબ કામ કરે છે. તેના આધારે જ ત્યાંની સમસ્યાઓનું નિવારણ થાય છે."

જોકે, ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી પરિસ્થિતિ બદલાઈ છે.

અમેરિકા અને યુરોપિયન દેશોના રશિયા સાથેના સંબંધ બગડવાને કારણે ગૂંચવણભરી પરિસ્થિતિ સર્જાઈ.

માયા ક્રૉસ કહે છે, "યુક્રેન પરના હુમલા પછી તરત જ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે અમેરિકન અવકાશયાત્રીઓને જેમના તેમ છોડીને સ્પેસ સ્ટેશનમાંથી રવાના થઈ જવાની ધમકી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે અમારા મૉડ્યુલને સ્પેસ સ્ટેશનથી અલગ કરીશું. એ વખતે આઈએસએસના ભવિષ્ય બાબતે ચિંતા સર્જાઈ હતી."

સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA/ROSCOSMOS/Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર રશિયન મૉડ્યુલમાં અવકાશયાત્રીઓ

જોકે, રશિયાએ એવું કશું કર્યું નથી. રશિયન સંશોધકો અને અવકાશયાત્રીઓ સહકાર આપતા રહ્યા છે અને પહેલાંની જેમ જ સ્પેસ સ્ટેશનમાં વ્યવહાર કરતા રહ્યા છે.

માયાના જણાવ્યા મુજબ, આવું થયું, કારણ કે પૃથ્વી પરથી આવી મદદ રોકવાના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં અવકાશયાત્રીઓને પરિસ્થિતિ અનુસાર એકમેકને મદદ કરવાનો તેમને નિયંત્રણનો અધિકાર હતો.

તેનો અર્થ એ કે રાજકીય અને વૈજ્ઞાનિક એમ બે કૂટનીતિ અલગ-અલગ સ્તરે કામ કરતી રહી હતી.

આ પ્રોજેક્ટ સંબંધી રશિયાનો કૉન્ટ્રૅક્ટ 2028માં પૂર્ણ થવાનો છે. તેનો અર્થ એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નાશ થાય તે પહેલાં જ કરારનો અંત આવી જશે.

આ તબક્કે એવો સવાલ થાય કે એ પછી શું થશે? અમેરિકા અને રશિયાની સાથે હવે ચીન અને ભારત જેવા દેશો પણ અવકાશમાં પોતાનું સ્થાન બનાવવાની રેસમાં છે.

માયા ક્રૉસ કહે છે, "અવકાશમાં અમેરિકા અને ચીનના નેતૃત્વ હેઠળના સંશોધકોનાં બે જૂથ હોય એવું કોઈ ઇચ્છતું નથી, કારણ કે તેનાથી સંઘર્ષમાં વધારો થશે અને પરસ્પર સહકારની ભાવના સાથે દાયકાઓથી જે અવકાશ સંશોધન થઈ રહ્યું છે તેને ફટકો પડશે. હવામાન પરિવર્તન જેવા જંગી પડકારનો સામનો કરવા માટે આવો આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે."

રશિયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટમાંથી નીકળી જાય તો તેના પર્યાય તરીકે અમેરિકા ખાનગી કંપનીઓ ભણી વળ્યું છે.

નાસાએ હવે ઇલોન મસ્કની કંપની સ્પેસઍક્સ સાથે હાથ મિલાવ્યા છે.

સ્પેસઍક્સ છેલ્લાં દસ વર્ષથી અવકાશયાત્રીઓને આઈએસએસમાં પહોંચાડતું રહી છે. એ પ્રવાસીઓને પણ અંતરિક્ષમાં મોકલવા ઇચ્છે છે.

અવકાશનું ખાનગીકરણ

ઇલોન મસ્કની સ્પેસ ઍક્સ કંપનીએ અંતરિક્ષ ક્ષેત્રે ઝંપલાવ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇલોન મસ્કની સ્પેસ ઍક્સ કંપનીએ અંતરિક્ષ ક્ષેત્રે ઝંપલાવ્યું છે

વૅન્ડી વ્હિટમૅન કોબ અમેરિકાના અલબામામાં સ્કૂલ ઑફ ઍડવાન્સ્ડ ઍર ઍન્ડ સ્પેસ સ્ટડીઝમાં પ્રોફેસર છે.

તેઓ કહે છે, "સ્પેસ સ્ટેશનનું માળખું નબળું પડી રહ્યું છે, કારણ કે તે છેલ્લાં 30 વર્ષથી કિરણોત્સર્ગના અને અન્ય પડકારોનો સામનો કરી રહ્યું છે."

તેથી આ સ્પેસ સ્ટેશનને બંધ કરીને પૃથ્વી પર કેવી રીતે લાવવું એ પણ એક સવાલ છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ચલાવવાનું પ્રૉપલ્શન ઍન્જિન રશિયાનું છે. તેથી રશિયાની મદદ વિના સ્પેસ સ્ટેશનને પૃથ્વીના વાતાવરણમાં લાવી શકાય નહીં.

વૅન્ડી વ્હિટમૅન કોબ કહે છે, "રશિયા આઈએસએસને અવકાશમાંથી હટાવવાનો અને પોતાના એન્જિનના ઉપયોગનો ઈનકાર કરે તો અમેરિકાએ બીજો વિકલ્પ શોધવો પડે."

"તેથી નાસાએ એક પ્રૉપલ્શન મૉડ્યુલ બનાવવા માટે સ્પેસઍક્સ સાથે વાતચીત શરૂ કરી છે. એ મૉડ્યુલ વડે આઈએસએસને પૃથ્વીના વાતાવરણમાં લાવવામાં આવશે."

વેન્ડીના જણાવ્યા મુજબ, સરકારી અવકાશ એજન્સીમાં ખાનગી ભાગીદારીની આ માત્ર શરૂઆત જ છે.

તેઓ કહે છે, "આઈએસએસના ડીકમિશન એટલે કે તેને બંધ કર્યા પછી સરકાર નવું સ્પેસ સ્ટેશન બનાવવા માટે ખાનગી કંપનીઓ સાથે કામ કરી શકે છે."

"અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનમાં લઈ જવા-લાવવા માટે સ્પેસએક્સ કંપનીના શટલ મૉડ્યુલનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. આગળ જતાં, ખાનગી કંપનીઓની મદદથી સ્પેસ પ્રોજેક્ટ્સનું વ્યાપારીકરણ થઈ શકે છે."

ડિસેમ્બર 2021માં નાસાએ ત્રણ અમેરિકન ટીમોને વૈકલ્પિક સ્પેસ સ્ટેશન ડિઝાઇન કરવાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો.

એ પૈકીનું એક ‘ઑર્બિટલ રીફ’ બ્લૂ ઓરિજિન નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ભાગીદાર છે. એ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓની સાથે પ્રવાસીઓને પણ લઈ જઈ શકાશે.

વિમાન બનાવતી કંપની ઍરબસની મદદથી નાસા સ્ટારલેબ નામના સ્પેસ સ્ટેશનની યોજના બનાવી રહી છે.

અમેરિકન કંપની નૉર્થ ઑપ ગ્રુમનની આગેવાની હેઠળની ત્રીજી ટીમ તેનો સ્વતંત્ર પ્રોજેક્ટ રદ કરીને સ્ટારલેબ સાથે જોડાઈ છે.

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ફૂટબૉલના મેદાન જેટલું મોટું છું.

માત્ર આ કંપનઓ જ નવા સ્પેસ સ્ટેશન્સ તૈયાર કરતી નથી. ચીનની ખાનગી સ્પેસ કંપની પણ આ દિશામાં આગળ વધી રહી છે.

દરમિયાન, ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ પણ તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઈન્ડિયન સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓને સામેલ કરવાની તૈયારી દર્શાવી છે.

આ બધાનો હેતુ નવાં સ્પેસ સ્ટેશન્શ બનાવવા પૂરતો મર્યાદિત નથી. તે અવકાશમાં માનવ વસાહત બનાવવાના હેતુસરનો પણ હોઈ શકે છે.

આ બધાનો મુખ્ય ધ્યેય માનવજાતના રક્ષણનો છે. ઇલોન મસ્ક અને જેફ બેઝોસ સાયન્સ ફિક્શનથી પ્રભાવિત છે.

પૃથ્વી પર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો માણસો અવકાશમાં રહેવા સક્ષમ હોવા જોઈએ, એવું ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપની માને છે, જ્યારે જેફ બેઝોસ અવકાશમાં મોટી ફેકટરીઓ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ બનાવવા ઇચ્છે છે, જેથી પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછું થાય.

માત્ર પોતાના નફા માટે જ નહીં, પરંતુ માનવજાતના ભવિષ્યના આદર્શવાદી દૃષ્ટિકોણથી પ્રેરાઈને કંપનીઓ આવા પ્રયાસો કરી રહી છે.

આપણા પ્રશ્નોના જવાબ પણ આ મહત્ત્વાકાંક્ષી વિચારો અને યોજનાઓમાં છૂપાયેલા છે.

નવા સ્પેસ સ્ટેશન્શના નિર્માણ અને અવકાશ યાત્રા સસ્તી થવાથી નવી શક્યતાનું નિર્માણ થઈ શકે છે.

સ્પેસ સ્ટેશન્શનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધન માટે કરવામાં આવશે, જેથી પૃથ્વી પરની આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓનો સામનો કરી શકાશે.

એ ઉપરાંત અવકાશ પ્રવાસન અને અવકાશમાં માનવ વસાહતની તૈયારી પણ કરી શકાશે.

એક વાત નક્કી છે કે ભવિષ્યમાં નવા કરાર નહીં થાય તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સાથે વિજ્ઞાનમાં પણ આંતરરાષ્ટ્રીય સહકારનો યુગ સમાપ્ત થશે.

સંકલનઃ જાહ્નવી મૂળે, બીબીસી સંવાદદાતા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.g