પૃથ્વીથી અંદાજે 60 કરોડ કિમી દૂર આવેલો ચંદ્ર જ્યાં જીવનની શોધ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો

ઇમેજ સ્રોત, NASA/JPL-Caltech/SETI Institute
- લેેખક, જ્યોર્જિના રન્નાર્ડ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
અમેરિકાના ફ્લોરિડાથી એક અવકાશયાન થોડા જ કલાકોમાં અન્ય ગ્રહો પર જીવનના સંકેતોની શોધમાં રવાના થશે.
તેનું ગંતવ્યસ્થાન યુરોપા છે. એ અત્યંત રહસ્યમય ચંદ્રમા છે, જે દૂરના ગ્રહ ગુરુની પરિક્રમા કરે છે.
યુરોપાની બર્ફીલી સપાટી હેઠળ વિશાળ મહાસાગર હોઈ શકે છે, જેમાં પૃથ્વી પરના કુલ પાણી કરતાં બમણી માત્રામાં પાણી છે.
ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા એક યુરોપિયન મિશન પછી હવે યુરોપા ક્લિપર અવકાશયાન આગળ વધશે. તે કોસ્મિક પિગીબેકનો ઉપયોગ કરીને આગળ નીકળી જશે અને પહેલાં પહોંચશે.
એ આપણા સૌરમંડળના જીવન વિશે આપણે જેટલું જાણીએ છીએ તેમાં ધરમૂળથી પરિવર્તન કરશે, પરંતુ એ બધું 2030 પહેલાં નહીં થાય.
આપણા કરતાં પાંચ ગણો તેજસ્વી ચંદ્ર

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપા ક્લિપર પર વર્ષોથી કામ ચાલતું હતું, પરંતુ ગયા સપ્તાહે મિલ્ટન વાવાઝોડું ફ્લોરિડામાં ફરી વળ્યું એટલે તેના લૉન્ચિંગમાં છેલ્લી ઘડીએ વિલંબ થયો હતો.
યુરોપા ક્લિપરને તેના આશ્રયસ્થાનની અંદર લઈ જવામાં આવ્યું હતું. કેપ કેનારવેલ ખાતેના લૉન્ચપૅડની ચકાસણી કર્યા પછી એન્જિનિયરો હવે 14 ઑક્ટોબરે સ્થાનિક સમય 12.06 વાગ્યે તેના લિફ્ટ-ઑફ માટે આગળ વધવાની મંજૂરી આપી છે.
ઓપન યુનિવર્સિટી ખાતેના એક પ્લેનેટરી માઇક્રોબાયૉલૉજિસ્ટ માર્ક ફોક્સ-પોવેલ કહે છે, “આપણે સૂર્યથી આટલે બધે દૂર જીવન શોધી શકીશું તો તે પૃથ્વી પરના જીવનની એક અલગ ઉત્પત્તિ સૂચવશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણા સૌરમંડળમાં એવું બે વખત થાય તો તેનો અર્થ એ થઈ શકે કે જીવન ખરેખર કૉમન બાબત છે.”
પૃથ્વીથી 628 મિલિયન કિલોમીટર દૂર આવેલો યુરોપા આપણા ચંદ્ર કરતાં થોડો મોટો છે, પરંતુ એ સમાનતાનો ત્યાં અંત આવે છે.

જો તે આપણા આકાશમાં હોત તો પાંચ ગણો વધારે પ્રકાશિત હોત, કારણ કે પાણીનો બરફ વધુ સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે.
તેના બર્ફીલા પોપડા 25 કિલોમીટર સુધી જાડા છે અને તેની નીચે ખારા પાણીનો વિશાળ સમુદ્ર હોઈ શકે છે. સાદગીપૂર્ણ જીવન માટેના ઘટકો હોય તેવાં રસાયણો પણ ત્યાં હોઈ શકે છે.
વિજ્ઞાનીઓએ એરિઝોનામાંના એક ટેલિસ્કૉપ મારફત બર્ફીલું પાણી 1970ના દાયકામાં જોયું ત્યારે તેમને સૌપ્રથમ વખત સમજાયું હતું કે યુરોપા પર જીવન શક્ય છે.
વોયેજર વન અને ટુ અવકાશયાનોએ પ્રથમ ક્લૉઝ-અપ ઇમેજ કૅપ્ચર કરી હતી અને પછી 1995માં નાસાનું ગેલેલિયો અવકાશયાન યુરોપા પાસેથી પસાર થઈને કેટલાક ગહન કોયડા જેવા પિક્ચર્સ લાવ્યું હતું. એ ફોટોગ્રાફ્સમાં ઘાટી લાલ-ભૂરી તિરાડોવાળી સપાટી જોવા મળી હતી, જે ક્ષાર અને સલ્ફરનું સંયોજન હોઈ શકે તથા જીવનનો આધાર બની શકે છે.
એ પછી જેમ્સ વેબ ટેલિસ્કૉપે ચંદ્રની સપાટીથી 160 કિલોમીટરના અંતરે જોવા મળતા પાણીના પ્લુમ્સના ફોટોગ્રાફ્સ લીધા હતા.
જોકે, તે ખરેખર શું છે તે સમજવા માટે એ પૈકીનું એકેય મિશન લાંબા સમય સુધી યુરોપાની નજીક રહ્યું ન હતું.
અવકાશયાને યુરોપામાંથી લગભગ 50 વખત ઊડવું જરૂરી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે વિજ્ઞાનીઓને આશા છે કે નાસાના ક્લિપર અવકાશયાન પરનાં સાધનો લગભગ આખા ચંદ્રનો નકશો બનાવશે, ધૂળના રજકણો એકઠા કરશે અને પાણીની પ્લુમ્સ વચ્ચેથી પસાર થશે.
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં પૃથ્વી તથા વાતાવરણીય વિજ્ઞાનના પ્રાધ્યાપક બ્રિટની શ્મિટે, બરફની અંદર શું છે તે જાણવામાં ઉપયોગી થનાર લેસર ઑનબોર્ડને ડિઝાઇન બનાવવામાં મદદ કરી છે.
બ્રિટની શ્મિટ કહે છે, “યુરોપા પરના પ્લમ્બિંગને સમજવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ક્યાં છે પાણી? યુરોપામાં પૃથ્વીના સબડક્શન ઝોન, મેગ્મા ચેમ્બર અને ટેક્ટોનિક્સનું આઇસ વર્ઝન છે. અમે તે પ્રદેશોને જોવાનો તથા તેનો નકશો બનાવવાના પ્રયાસ કરીશું.”
બ્રિટની શ્મિટે બનાવેલા સાધનને રીઝન કહેવામાં આવે છે અને તેનું પરીક્ષણ ઍન્ટાર્કટિકામાં કરવામાં આવ્યું હતું.
પૃથ્વીથી વિપરીત રીતે ક્લિપર પરનાં તમામ સાધનો કિરણોત્સર્ગના વ્યાપક સંપર્કમાં આવશે અને પ્રોફેસર શ્મિટ કહે છે તેમ એ “મુખ્ય ચિંતા” છે.
અવકાશયાને યુરોપામાંથી લગભગ 50 વખત ઊડવું જરૂરી છે અને દરેક વખતે તે દસ લાખ એક્સ-રે જેટલા કિરણોત્સર્ગના સંપર્કમાં આવશે.
પ્રોફેસર શ્મિટ સમજાવે છે, “મોટા ભાગની ઇલેક્ટ્રોનિક્સ સામગ્રી સારી રીતે સુરક્ષિત પેટીમાં છે. તેને કિરણોત્સર્ગથી દૂર રાખવા માટે મજબૂત કવચ બનાવવામાં આવ્યું છે.”
આ સ્પૅસશિપ કોઈ ગ્રહની મુલાકાત માટે બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન છે. તેણે લાંબી મુસાફરી કરવાની છે. તે 1.8 અબજ માઈલની મુસાફરી કરીને પૃથ્વી તથા મંગળ બન્નેની ભ્રમણકક્ષામાં ફરશે અને ખુદને ગુરુની તરફ આગળ ધકેલશે, જેને સ્લિંગ-શૉટ ઇફેક્ટ કહેવામાં આવે છે.
પોતાને આગળ ધપાવવા માટેના તમામ બળતણનું વહન તે જાતે કરી શકે તેમ નથી. તેથી તે પૃથ્વીના વેગ અને મંગળના ગુરુત્વાકર્ષણને ખેંચીને આગળ વધશે.

ઇમેજ સ્રોત, NASA/JPL/DLR
તે યુરોપિયન સ્પૅસ એજન્સીની સ્પેસશિપ જ્યુસને પાછળ છોડી દેશે, જે ગેનેમિડ નામના ગુરુના અન્ય ચંદ્ર પર જવાના માર્ગે યુરોપાની મુલાકાત લેશે.
ક્લિપર 2030માં યુરોપાની નજીક પહોંચશે પછી યોગ્ય ભ્રમણકક્ષામાં ગોઠવાઈ શકાય એટલા માટે તે પોતાના એન્જિનનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરશે.
યુરોપા પર જીવનની શોધની શક્યતા બાબતે વાત કરતી વખતે અવકાશ વિજ્ઞાનીઓ ખૂબ જ સાવચેત રહે છે. તેમને ત્યાં માનવો જેવા જીવો કે પ્રાણીઓ મળી આવવાની આશા નથી.
લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં સ્પૅસ ફિઝિક્સના પ્રોફેસર મિશેલ ડોગર્ટી કહે છે, “અમે વસવાટ માટેની સંભાવનાને શોધી રહ્યા છીએ અને એ માટે પ્રવાહી પાણી, ગરમીનો સ્રોત અને કાર્બનિક સામગ્રીની જરૂર હોય છે. આખરે આ ત્રણ ઘટકો એટલા લાંબા સમય સુધી સ્થિર રહેવા જોઈએ કે ત્યાં કશુંક થઈ શકે.”
તેમને આશા છે કે તેઓ બરફની સપાટીને વધુ સારી રીતે સમજી શકશે તો ભાવિ મિશનયાનને ક્યાં ઉતારવું એ જાણી શકશે.
નાસા, જેટ પ્રોપલ્શન લૅબોરેટરી અને જૉન હૉપકિન્સ ઍપ્લાઇડ ફિઝિક્સ લૅબોરેટરીના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની એક ટીમ તેના પર ચાંપતી નજર રાખશે.
પ્રોફેસર ફોક્સ-પોવેલના જણાવ્યા મુજબ, હવે તો લગભગ દર અઠવાડિયે સ્પૅસ મિશન લૉન્ચ થાય છે. આવા સમયે આ મિશન લૉન્ચ થઈ રહ્યું છે અને તેમાં કશુંક નવીન થવાની આશા છે.
તેઓ કહે છે, “આમાં કોઈ કમાણી થતી નથી. આ તો અન્વેષણ તથા જિજ્ઞાસા માટે છે અને બ્રહ્માંડમાંના આપણા સ્થાન વિશેના આપણા જ્ઞાનની સીમાઓને વિસ્તારવા માટે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












