સ્પેસઍક્સ સ્ટારશિપની ટેસ્ટ ફ્લાઇટ કેમ આટલી ચર્ચામાં છે?

આ પ્રકારનું લૉન્ચ પ્રથમ વખત કરવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, SpaceX

ઇમેજ કૅપ્શન, આ પ્રકારનું લૉન્ચ પ્રથમ વખત કરવામાં આવ્યું છે

અવકાશયાત્રીઓને એક દિવસ ચંદ્ર પર અને કદાચ મંગળ સુધી લઈ જવાની યોજનામાં એલન મસ્ક આગળ વધી રહ્યા છે ત્યારે સ્પેસઍક્સની સ્ટારશિપે તેની પાંચમી ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી છે.

આ ફ્લાઇટ દરમિયાન સ્પેસઍક્સની ટીમે કંઈક એવું કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અગાઉ ક્યારેય કરવામાં આવ્યું ન હતું.

અગાઉની ફ્લાઇટ્સથી વિપરીત બૂસ્ટર હિંદ મહાસાગરમાં ઉતર્યું ત્યારે તેણે પોતાની ગતિ ધીમી કરી દીધી હતી અને બૂસ્ટરને લૉન્ચપેડ તરફ ધીમેથી ઉતર્યું હતું. તેને ‘ચોપસ્ટિક્સ મેનોવર’ તરીકે ઓળખવામાં આવે છે.

આ સફળ યાત્રા પૂર્ણ થતાંની સાથે જ સ્પેસઍક્સનો કન્ટ્રોલરૂમ ઉત્સાહથી છલકાયો હતો. બીબીસીના વિજ્ઞાન સંવાદદાતા પલ્લબ ઘોષે આ સિદ્ધિને 'આશ્ચર્યજનક' ગણાવી હતી.

સ્પેસઍક્સ હવે તેની પાછલી બે ટેસ્ટ ફ્લાઇટ્સ બાબતે કેટલીક અસાધારણ સિદ્ધિઓ દેખાડી શકે તેમ છે. તેની પ્રારંભિક ફ્લાઇટના લગભગ એક વર્ષથી ઓછા સમયમાં આ ફ્લાઇટ રવાના થઈ હતી. પહેલી ફ્લાઇટમાં વ્હિકલ લૉન્ચ થયાના થોડા જ સમયમાં ફાટી ગયું હતું.

સ્પેસઍક્સ એવી દલીલ કરે છે કે આ નિષ્ફળતાઓ તેની વિકાસ યોજનાનો એક ભાગ છે. નિષ્ફળતાની આશંકા એ ઝડપી લૉન્ચ કરવાની યોજનાનો હિસ્સો છે, જેથી તે વધુમાં વધુ ડેટા એકત્ર કરી શકે અને પોતાના પ્રતિસ્પર્ધીઓની સરખામણીએ પોતાની સિસ્ટમ વધારે ઝડપથી વિકસાવી શકે.

પાંચમા પરીક્ષણના આરોહણનો પ્રારંભિક તબક્કો અગાઉના પરીક્ષણ જેવો જ હતો

ઇમેજ સ્રોત, SpaceX

ઇમેજ કૅપ્શન, પાંચમા પરીક્ષણના આરોહણનો પ્રારંભિક તબક્કો અગાઉના પરીક્ષણ જેવો જ હતો

પાંચમા પરીક્ષણના આરોહણનો પ્રારંભિક તબક્કો અગાઉના પરીક્ષણ જેવો જ હતો, જેમાં શિપ અને બૂસ્ટર જમીન પરથી રવાના થયાની પોણા ત્રણ મિનિટમાં અલગ થઈ ગયાં હતાં.

આ તબક્કે બૂસ્ટર ટૅક્સાસમાં બોકા ચિકા ખાતેની તેની લૉન્ચ સાઇટ ભણી પાછું વળવું શરૂ થયું હતું.

લૅન્ડિંગની બે મિનિટ પહેલાં સુધી એ સ્પષ્ટ ન હતું કે પ્રયાસ કરવામાં આવશે કે નહીં, કારણ કે ટાવરની સંચાલક ટીમ એ સમય સુધી અંતિમ પરીક્ષણો કરતી હતી.

ફ્લાઇટ ડિરેક્ટરે લીલી ઝંડી દેખાડી ત્યારે મિશન કન્ટ્રોલમાં સ્પેસઍક્સના કર્મચારીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

કંપનીએ કહ્યું હતું કે પ્રયાસ કરતા પહેલાં હજારો માપદંડનું પાલન કરવાનું હતું.

સુપર હેવી બૂસ્ટરે વાયુમંડળમાં ફરી પ્રવેશ કર્યો કે તરત જ તેના 33 રેપ્ટર એન્જિનોએ થોડા હજાર માઇલ પ્રતિ કલાકની તેની ગતિને ધીમી પાડવાનું કામ શરૂ કર્યું હતું.

એ 146 મીટર ઊંચા લૅન્ડિંગ ટાવર પાસે પહોંચ્યું ત્યારે એ લગભગ તરી રહ્યું હોય એવું લાગતું હતું. નારંગી જ્વાળા બૂસ્ટરને ઘેરી વળી હતી અને તે ચતુરાઈપૂર્વક વિશાળ યાંત્રિક ભુજાઓમાં સમાઈ ગયું હતું.

‘શિપનું ચોક્કસ લક્ષ્ય પર ઉતરાણ’

શિપ સટિક રીતે લેન્ડ થઈ એટલું જ નહીં, પરંતુ સ્પેસએક્સ તેના વેહિકલનું કેટલુંક હાર્ડવેર સલામત રાખવામાં પણ સફળ થઈ હતી

ઇમેજ સ્રોત, @elonmusk

ઇમેજ કૅપ્શન, શિપ સટિક રીતે લૅન્ડ થઈ એટલું જ નહીં, પરંતુ સ્પેસઍક્સ તેનાં કેટલાંક હાર્ડવેર્સ સલામત રાખવામાં પણ સફળ થઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રૉકેટના શિપવાળા હિસ્સામાં ભવિષ્યનાં મિશનો માટે ઉપકરણ અને ચાલક દળને રાખવામાં આવશે. એ હિસ્સાએ આ વખતે બૂસ્ટરથી અલગ થયા બાદ જાતે જ પોતાનાં એન્જિનો ચાલુ કરી દીધાં હતાં.

લગભગ 40 મિનિટ પછી તેને હિંદ મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું.

સ્પેસઍક્સના સીઈઓ એલન મસ્કે ઍક્સ પર લખ્યું હતું, “શિપે ચોક્કસ ટાર્ગેટ પર ઉતરાણ કર્યું છે. બે ઉદ્દેશ પૈકીનો બીજો હાંસલ થયો છે.”

શિપ સટિક રીતે લૅન્ડ થઈ એટલું જ નહીં, પરંતુ સ્પેસઍક્સ તેનાં વ્હિકલનાં કેટલાંક હાર્ડવેર્સ સલામત રાખવામાં પણ સફળ થઈ હતી. એ સલામત રહેશે એવી આશા ન હતી.

બૂસ્ટરના લૉન્ચપેડ પર લૅન્ડ કરાવવાને બદલે તેને પકડવાથી જમીન પર જટિલ હાર્ડવેરની જરૂરિયાત ઓછી થઈ જાય છે અને તેનાથી ભવિષ્યમાં વ્હિકલને ફરી ઝડપથી લૉન્ચ કરવામાં મદદ મળશે.

એલન મસ્કની મહેચ્છા છે કે તેમની રૉકેટ સિસ્ટમ એક દિવસ માણસોને પહેલાં ચંદ્ર પર અને પછી મંગળ પર લઈ જશે, જેથી આપણી પ્રજાતિ “બહુ-ગ્રહીય” બની જશે.

આ ફ્લાઇટ યોજના અનુસાર પાર પડી તેથી પણ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા ખુશ થશે. નાસાએ આ કંપનીને સ્ટારશિપને 2026 સુધી અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જઈને ત્યાંથી પાછા લાવવામાં સક્ષમ લૅન્ડર વિકસિત કરવા માટે 2.8 અબજ ડૉલર ચૂકવ્યા છે.

અંતરિક્ષના સંદર્ભમાં આ બહુ દૂર નથી. તેથી એલન મસ્કની ટીમ શક્ય તેટલું વહેલું રૉકેટ ફરી લૉન્ચ કરવા ઉત્સુક હતી.

લૉન્ચ કેમ ખાસ છે?

આ ફ્લાઈટ યોજના અનુસાર પાર પડી તેથી પણ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા ખુશ થશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ફ્લાઇટ યોજના અનુસાર પાર પડી તેથી અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા ખુશ થશે

સ્ટારશિપ એ સ્પેસઍક્સનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રૉકેટ છે. આ રૉકેટ જે રીતે ઉતરાણ કર્યું છે તેના કારણે ભવિષ્યમાં અંતરિક્ષયાત્રા ઓછી ખર્ચાળ બની શકે છે.

બીબીસી વિજ્ઞાન સંવાદદાતા પલ્લબ ઘોષ અનુસાર આ પ્રકારનું લૉન્ચ પ્રથમ વખત કરવામાં આવ્યું છે અને સ્પેસઍક્સ પોતાના પ્રથમ પ્રયાસમાં ધાર્યું પરિણામ મેળવવામાં સફળ થયું છે.

આ બહુ કઠિન છે. સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ ખામી સર્જાઈ શકી હોત પરંતુ સ્પેસઍક્સના એન્જિનિયરો લૉન્ચ અને તે બાદની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સફળ થયા હતા. આ પ્રકારનાં રૉકેટનો કેટલોક ભાગ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એમ હોવાથી અંતરિક્ષમાં જવાના ખર્ચમાં સારો એવો ઘટાડો લાવી શકાય છે.

સ્પેસઍક્સની યોજના એવાં રૉકેટો બનાવવાની છે જે એક સાથે 100 અંતરિક્ષયાત્રીઓને અવકાશમાં લઈ જઈ શકે. આ માટે કંપની મોટી સાઇઝનું રૉકેટ બનાવી રહી છે. જો કંપની આ પ્રકારે રૉકેટ બનાવવામાં સફળ થઈ જશે તો તે એક ક્રાંતિ ગણાશે.

પલ્લબ ઘોષ કહે છે, આવું રૉકેટ બની ગયા બાદ અંતરિક્ષયાત્રીઓ લાંબા સમય સુધી અંતરિક્ષમાં રોકાઈ શકશે. સ્પેસઍક્સ વર્ષે 50થી 100 રૉકેટ લૉન્ચ કરી શકશે.

સ્ટારશિપ કેમ વિવાદમાં ફસાઈ છે?

આ પ્રકારનું લૉન્ચ પ્રથમ વખત કરવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

જોકે, તમામ ફ્લાઇટ્સને મંજૂરી આપતી અમેરિકન સંસ્થા ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશને (એફએએ) પહેલાં જ કહ્યું હતું કે નવેમ્બર પહેલાં કોઈ લૉન્ચ નહીં થાય, કારણ કે કંપનીની પરમિટની સમીક્ષા કરવામાં આવી છે.

પરવાનાની શરતોના ભંગ બદલ અને અગાઉની ફ્લાઇટ્સ માટે પરવાનગી ન લેવા બદલ સ્પેસઍક્સને 6,33,000 ડૉલરનો દંડ ફટકાવવા વિચારણા ચાલી રહી છે, એવું એફએએએ કહ્યું પછી ગયા મહિનાથી આ એજન્સી અને એલન મસ્ક વચ્ચે ગયા મહિનાથી જાહેર વિવાદ ચાલી રહ્યો છે.

લાઇસન્સ આપતા પહેલાં એફએએ ફ્લાઇટના ખાસ કરીને પર્યાવરણ પર પડનારા પ્રભાવની સમીક્ષા કરતી હોય છે.

દંડની વાતના સંદર્ભમાં એલન મસ્કે એજન્સી સામે કેસ માંડવાની ધમકી આપી હતી અને રૉકેટને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, એવી “ખોટી માહિતી”ના પ્રસારનો સ્પેસઍક્સે એક સાર્વજનિક બ્લૉગ પોસ્ટ દ્વારા જવાબ આપ્યો હતો.

એફએએ હાલ ઉત્સર્જનના વ્યાપક પ્રભાવને ધ્યાનમાં લીધા વિના રૉકેટ લૉન્ચના તત્કાળ પ્રભાવને જ ધ્યાનમાં લે છે.

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં ઍટમોસ્ફિયરિક કેમિસ્ટ્રી અને ઍર ક્વોલિટીના પ્રોફેસર ડૉ. એલોઈસ મારેસે જણાવ્યું હતું કે પરિવહનનાં અન્ય સાધનોની સરખામણીએ રૉકેટમાંથી નીકળતું કાર્બન ઉત્સર્જન બહુ ઓછું હોય છે, પરંતુ પૃથ્વીને ગરમ કરતા અન્ય પ્રદૂષકો બાબતે વિચાર કરવામાં આવતો નથી.

તેમણે કહ્યું હતું, “બ્લૅક કાર્બન સૌથી મોટી ચિંતા પૈકીની એક છે. સ્ટારશિપ રૉકેટમાં તરલ મીથેનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સરખામણીએ નવું પ્રોપેલન્ટ છે અને તરલ મીથેનના ઉત્સર્જનની માત્રાનો બહુ ઓછો ડેટા આપણી પાસે છે.”

ડૉ. મારેસના કહેવા મુજબ, રૉકેટમાંથી નીકળતો બ્લૅક કાર્બન વધારે ચિંતાજનક છે, કારણ કે તે વિમાનની સરખામણીએ સેંકડો માઇલ દૂર વાયુમંડળમાં બ્લૅક કાર્બન છોડે છે અને એ ત્યાં લાંબો સમય રહી શકે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.