પૃથ્વીને થોડા સમય માટે બીજો ‘ચંદ્ર’ મળશે, એને ક્યાં સુધી અને કેવી રીતે જોઈ શકાશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૅડિ મોલોય
- પદ, બીબીસી ક્લાઇમૅટ ઍન્ડ સાયન્સ
હાલમાં પૃથ્વીના મનુષ્યો એક વિશિષ્ટ આકાશી ઘટનાના સાક્ષી બનશે. થોડા સમય માટે જ ભલે હોય પણ વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર, પૃથ્વીને એક બીજો ચંદ્ર મળશે. આવું આ વર્ષમાં એક વખત નહીં બે-બે વખત થશે.
પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણ બળથી ખેંચાઈને એક નાનો ઍસ્ટેરોઇડ (લઘુ ગ્રહ) થોડા સમય માટે ‘નાનો ચંદ્ર’ બની જશે.
અવકાશનો આ મુસાફર એવો ઍસ્ટેરોઇડ એ થોડા મહિનાઓ પછી પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણમાંથી ફરીથી બહાર જતો રહેશે, પરંતુ તે 29 સપ્ટેમ્બરથી જોવા મળશે.
કોણે શોધ્યો આ ‘બીજો ચંદ્ર’?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઍસ્ટરોઇડને નાસાની ઍસ્ટેરોઇડ ટેરેસ્ટ્રિયલ-ઇમ્પેક્ટ લાસ્ટ ઍલર્ટ (એટલાસ) સિસ્ટમ દ્વારા પહેલી વખત જોવામાં આવ્યો હતો.
અમેરિકન ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા પ્રકાશિત થયેલી સંશોધનની વિગતોમાં તેની કક્ષા અંગે પણ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.
આ ઍસ્ટેરોઇડને વૈજ્ઞાનિકો 2024 પીટીએસ તરીકે ઓળખાવે છે, અને તે અર્જુન ઍસ્ટેરોઇડ બેલ્ટમાંથી આવે છે. આ પ્રકારના ઍસ્ટેરોઇડમાં પૃથ્વી જેવાં જ ખડકો હોય છે.
ઘણીવાર આ ખડકો પૃથ્વીથી 4.5 મિલિયન કિલોમીટર જેટલાં નજીક આવી જાય છે.
અભ્યાસમાં સામેલ સંશોધકોના જણાવ્યા અનુસાર, જો આવો જેવો લઘુગ્રહ લગભગ 3540 કિલોમીટર પ્રતિ કલાકની પ્રમાણમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોય, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર તેના પર મજબૂત પ્રભાવ પાડી શકે છે, એ જ તેને અસ્થાયી રૂપે ફસાવવા માટે પૂરતું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે આ અઠવાડિયાના અંતથી શરૂ કરીને, આ નાનો ઍસ્ટરોઇડ લગભગ બે મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.
પરંતુ નિરાશાની વાત એ છે કે આ બીજો ચંદ્ર એ ખૂબ જ નાનો અને ઝાંખો હશે, અને જો તમારી પાસે પ્રોફેશનલ ટૅલિસ્કોપ નહીં હોય તો તેને નહીં જોઈ શકાય.
કેટલો મોટો છે આ ઍસ્ટેરોઇડ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખગોળશાસ્ત્રી અને ‘ધી ઑસમ પોડકાસ્ટ’ના હોસ્ટ ડૉ. જેનિફર મિલાર્ડે બીબીસીના ટુડે પ્રોગ્રામને જણાવ્યું હતું કે ઍસ્ટરોઇડ 29મી સપ્ટેમ્બરના રોજ ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને પછી 25 નવેમ્બરે તે ભ્રમણકક્ષાથી બહાર જતો રહેશે.
તેમણે કહ્યું કે, "તે આપણા ગ્રહ માટે કોઈ ક્રાંતિકારી કામ કરવા જઈ રહ્યો નથી, અને તે ફક્ત પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કરવા જઈ રહ્યો છે. તે પૃથ્વીને કારણે થોડો ચલિત થશે અને પછી પોતાના માર્ગ પર ચાલુ રહેશે."
આ ઍસ્ટરોઇડ આશરે 32 ફૂટ (10m) લાંબો છે, જે પૃથ્વીના ચંદ્રની સરખામણીમાં તો ખૂબ નાનો છે. ચંદ્રનો વ્યાસ આશરે 3474 કિલોમીટર છે.
આ ઍસ્ટરોઇડ ખૂબ નાનો છે અને નિષ્ક્રિય ખડકોનો બનેલો છે. જો દૂરબીન અથવા ઘરના ટૅલિસ્કોપનો ઉપયોગ કરે તો પણ પણ પૃથ્વી પરના લોકો તેને જોઈ શકશે નહીં.
ડૉ. મિલાર્ડે કહ્યું, "પ્રોફેશનલ ટેલિસ્કોપ વડે જ તેને જોઈ શકાશે. આથી તમને ખૂબ જ ઝડપે તારાઓ પરથી પસાર થતા આ નાના બિંદુ જેવા ચંદ્રનાં અદ્ભુત ચિત્રો ઓનલાઇન જોવા મળશે."
આવા ‘મિની-મૂન’ પહેલાં પણ જોવા મળેલા છે. પણ ભૂતકાળમાં એવું પણ બન્યું હોઈ શકે કે એમાંના ઘણા ઍસ્ટરોઇડ કોઈની નજરે ન ચઢ્યાં હોય.
‘હજુ આપણે ઘણું શોધી શક્યા નથી’

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા ઍસ્ટરોઇડ વારંવાર પણ પૃથ્વી નજીક આવતા હોય છે. 2022 NX1 ઍસ્ટરોઇડ એ 1981માં અને 2022માં મિની-મૂન બની ગયો હતો.
એટલે આ ઍસ્ટેરોઇડને જોવાનું ચૂકી જવાય તો ચિંતા ન કરશો. વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે 2024 PT5 2055માં પણ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી આવશે.
"આ કહાણી દર્શાવે છે કે આપણું સૌરમંડળ કેટલું વ્યસ્ત છે અને ત્યાં હજુ કેટલીય ચીજો એવી છે જે કે આપણે શોધી શક્યા નથી, કારણ કે આ ઍસ્ટરોઇડ ફક્ત આ વર્ષે જ મળી આવ્યો હતો.
ડૉ. મિલાર્ડ કહે છે કે, "ત્યાં સેંકડો અને હજારો વસ્તુઓ છે જેને આપણે શોધી શક્યા નથી. એ દર્શાવે છે કે આપણે રાત્રિના આકાશમાં સતત દેખરેખ રાખવાની જરૂર છે અને આપણે આ બધી વસ્તુઓ શોધવા માટે પણ સક્ષમ હોવાના મહત્ત્વને રેખાંકિત કરે છે."












