ગુજરાતી હંસા મહેતા સહિત બંધારણસભામાં પહોંચનારાં 15 મહિલા કોણ હતાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, MEERA VELAYUDHAN

ઇમેજ કૅપ્શન, બંધારણસભાનાં મહિલા સભ્યોની આ એક દુર્ભલ તસવીર છે. ડાબેથી કમલા ચૌધરી, સુચેતા કૃપલાણી, જી. દુર્ગાબાઈ, બેગમ કુદસિયા એઝાઝ રસૂલ, પૂર્ણિમા બેનરજી, દક્ષાયની વેલાયુધ. બેઠેલાંમાં ડાબેથી રેણુકા રે, હંસા મહેતા, રાજકુમારી અમૃતકોર, એની મૅસકેરેન, અમ્મુ સ્વામીનાથન
    • લેેખક, સુશીલાસિંહ, નસીરુદ્દીન
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્વતંત્ર ભારત કેવું હશે અને તેના નાગરિકો પાસે કયા કયા હક રહેશે, આ નક્કી કરવા માટે એક બંધારણ ઘડાવાનું હતું. તેના માટે બંધારણસભા બનાવાઈ હતી. પરંતુ સવાલ એ હતો કે બંધારણ ઘડશે કોણ?

શું માત્ર પુરુષો ઘડશે? નાગરિક તો મહિલાઓ પણ છે. બંધારણસભામાં 299 સભ્યો હતા. જે પૈકી માત્ર 15 મહિલા હતાં. જેઓ દેશનાં વિભિન્ન ભાગોમાંથી આવ્યાં હતાં.

તેમણે પિતૃસત્તાક બંધન અને સ્ત્રીઓને જકડી રાખનારાં સામાજિક રીતરિવાજોને પડકાર્યા. સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો. એ તમામ મહિલાઓનું સામાજિક અને રાજકીય યોગદાન પણ હતું.

નવા આઝાદ દેશને બનાવવામાં તેમણે યોગદાન આપ્યું. આજે અમે આ જ મહિલાઓની કહાણી સંક્ષિપ્તમાં રજૂ કરી રહ્યા છીએ.

દક્ષયાની વેલાયુધન (1912-1978)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, MEERA VELAYUDHAN

ઇમેજ કૅપ્શન, દક્ષયાની વેલાયુધન બંધારણસભાનાં એકમાત્ર દલિત મહિલા હતાં

દક્ષયાની વેલાયુધન બંધારણસભાનાં એકમાત્ર મહિલા દલિત સભ્ય હતાં. તેમનો જન્મ કેરળ, તત્કાલીન કોચીન રાજ્યમાં થયો હતો.

તેઓ દલિત પુલય સમુદાયનાં હતાં. તે સમયે અત્યંત ભેદભાવ અને અસમાનતા હતી. તેના કારણે, પુલય સમુદાયની મહિલાઓને કમરથી ઉપરનું શરીરને ઢાંકવાની મંજૂરી નહોતી.

દક્ષયાનીના પરિવારે આ રિવાજને પડકાર્યો હતો. દક્ષયાની ભણ્યાં. એવું મનાય છે કે, તેઓ માત્ર પોતાના સમુદાયમાંથી જ નહીં, પરંતુ દલિતોમાંથી પણ પ્રથમ એવાં મહિલા હતાં, જેમણે કૉલેજ સુધીનો અભ્યાસ કર્યો.

તેઓ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં. કસ્તૂરબા અને ગાંધીજીની હાજરીમાં તેમણે છ સપ્ટેમ્બર 1940એ સમાજસુધારક આર. વેલાયુધન સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ મદ્રાસ પ્રેસિડેન્સીથી કૉંગ્રેસની ટિકિટ પર બંધારણસભા માટે ચૂંટાઈ આવ્યાં હતાં. દક્ષયાની સૌથી યુવા સભ્ય હતાં.

બંધારણસભામાં ચર્ચા દરમિયાન તેમણે અસ્પૃશ્યતા, અનામત, હિંદુ-મુસ્લિમ સમસ્યા જેવા મુદ્દા પર પોતાના સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યા હતા.

તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે, ભારતીય ગણરાજ્યમાં જાતિ અથવા સમુદાયના આધારે કોઈ પ્રકારનો કશો અવરોધ નહીં હોય. એટલું જ નહીં, તેઓ જાતિ, સમુદાયના આધારે અલગ ચૂંટણી ક્ષેત્રનાં વિરોધી હતાં. આજીવન તેઓ દલિતો અને વંચિતોના હક માટે અવાજ ઉઠાવતાં રહ્યાં. દિલ્હીમાં રહ્યાં તે દરમિયાન તેમણે મહિલા સફાઈ કર્મચારીઓ સાથે કામ કર્યું હતું.

સુચેતા કૃપલાણી (1908-1974)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, National Gandhi Museum

ઇમેજ કૅપ્શન, સુચેતા કૃપલાણીએ હિંદુ મૅરેજ બિલનું સમર્થન કર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈ.સ. 1963માં ભારતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનાર સુચેતા કૃપલાણી ગાંધીવાદી હતાં અને ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં તેમનું સારું એવું યોગદાન રહ્યું.

કૉંગ્રેસનાં સભ્ય હોવાથી તેમને બંધારણસભા માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.

તેઓ યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી)ના સમર્થક હતાં; જેમાં, દરેક ધાર્મિક સમુદાયો માટે લગ્ન, વારસો, છૂટાછેડા અને બાળક દત્તક લેવા જેવી બાબતો પર એક કાયદાની વાત કરવામાં આવી હતી.

બંગાળના નોઆખલી (ભાગલા પછી બાંગ્લાદેશમાં)માં થયેલાં રમખાણો પછી શરૂ કરવામાં આવેલાં રાહતકાર્યમાં સુચેતાની અગત્યની ભૂમિકા ગણાય છે.

જ્યારે તેમના પતિ જેબી કૃપલાણીએ કૉંગ્રેસ છોડીને કિસાન મજદૂર પ્રજા પાર્ટી (કેએમપીપી) બનાવી ત્યારે સુચેતા પણ તેમાં સામેલ થઈ ગયાં. પરંતુ પછી, સુચેતા કૉંગ્રેસમાં પાછાં જોડાયાં.

કેએમપીપીમાં હતાં તે દરમિયાન સુચેતા લોકસભા ચૂંટણી લડ્યાં અને નવી દિલ્હીમાંથી જીતી ગયાં.

સુચેતાએ લોકસભામાં રજૂ થયેલા હિન્દુ મૅરેજ બિલનું સમર્થન કર્યું હતું, પરંતુ ચેતવણી આપી હતી કે, આ બિલથી મહિલાઓની સ્થિતિમાં કશો સુધારો થઈ શકશે નહીં.

સંસદમાં તેઓ પાકિસ્તાનથી આવેલા હિન્દુ અને શીખ શરણાર્થીઓનો અવાજ બન્યાં અને ઈ.સ. 1959માં આવેલા તિબેટિયન શરણાર્થીઓ માટે ઉત્સાહપૂર્વક રાહતકાર્યમાં ભાગ લીધો.

ભારતની આઝાદીની પૂર્વસંધ્યાએ સુચેતાએ બંધારણસભામાં રાષ્ટ્રીય ગાન અને ગીત ગાયું હતું.

સરોજિની નાયડુ (1879-1949)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરોજિની નાયડુ ભારતનાં બુલબુલ નામે પ્રખ્યાત હતાં

સરોજિની નાયડુ 'હિંદનાં બુલબુલ' અથવા 'ભારત કોકિલા'ના નામથી જાણીતાં હતાં. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. કવયિત્રી, મહિલા અધિકાર કાર્યકર્તા અને સ્વતંત્રતાસેનાની – એમ સરોજિની નાયડુનાં અનેક રૂપ હતાં.

તેમણે પોતાની પસંદગીથી 1898માં ડૉ. ગોવિંદરાજુલુ નાયડુ સાથે લગ્ન કર્યાં હતાં; જે તે સમયે ગણ્યાંગાંઠ્યાં આંતરજાતીય અને આંતરરાજ્ય લગ્નમાંનાં એક હતાં.

તેઓ કૉંગ્રેસનાં પ્રથમ મહિલા અધ્યક્ષ હતાં. ગાંધીજીની ખૂબ નજીક હતાં અને તેમની સાથે આજીવન કામ કર્યું. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો.

સરોજિનીની રજૂઆત કરવાની રીતનાં સૌ કોઈ વખાણ કરતાં હતાં. તેઓ સ્ત્રીઓના મતાધિકાર અને સ્વરાજનાં હિમાયતી હતાં. બંધારણસભા માટે તેઓ બિહારમાંથી ચૂંટાયાં હતાં. હિન્દુ-મુસ્લિમ એકતાનાં મજબૂત પક્ષધર અને ભાગલાનાં વિરોધી હતાં. બંધારણસભાનાં ભાષણ આ વાતના પુરાવા છે.

પછીથી તેમને સંયુક્ત રાજ્યનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

વિજયાલક્ષ્મી પંડિત (1900-1990)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજયાલક્ષ્મી પંડિતને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રતિનિધિમંડળનાં પ્રમુખ બનાવાયાં હતાં

નહેરુ પરિવારમાં જન્મેલાં વિજયાલક્ષ્મી પંડિતને શરૂઆતમાં લોકો સ્વરૂપકુમારીના નામથી ઓળખતા હતા.

પોતાના પિતા મોતીલાલ નહેરુની જેમ તેઓ પણ રાજકીય ઍક્ટિવિસ્ટ અને સમાજસુધારક ગોપાલકૃષ્ણ ગોખલેનાં પ્રશંસક હતાં.

ઈ.સ. 1930માં સવિનય કાનૂન ભંગ આંદોલનની શરૂઆત થઈ હતી. તે દરમિયાન અલાહાબાદમાં કૉંગ્રેસ કમિટીની બેઠક યોજવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ પ્રસંગથી જ તેમની રાજકીય કરિયરની શરૂઆત થઈ હતી.

તેમણે કાનપુરમાં સ્થાનિક ચૂંટણીમાં જીત મેળવી હતી.

ગાંધીજીના કહેવાથી અમેરિકાને બ્રિટનના અત્યાચારો વિશે જણાવવા માટે વિજયાને ત્યાં મોકલવામાં આવ્યાં હતાં. તેઓ સંયુક્ત રાષ્ટ્ર આમસભામાં ભારતના પ્રતિનિધિમંડળનાં પ્રમુખ બન્યાં હતાં.

તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકોના માનવ-અધિકારનો મુદ્દો ઉઠાવ્યો. ભારત આવ્યાં પછી તેમને બંધારણસભાનાં સભ્ય બનાવવામાં આવ્યાં હતાં.

તેઓ તે સમયના સોવિયત સંઘ, અમેરિકામાં ભારતનાં રાજદૂત પણ રહ્યાં હતાં અને સંયુક્ત રાષ્ટ્ર આમસભાનાં અધ્યક્ષ તરીકે પણ પસંદ થયાં હતાં.

તે કાળે તેઓ વૈશ્વિક નકશા પર એક જાણીતો ચહેરો બની ગયાં હતાં. ઈ.સ. 1965માં ભારત પર થયેલા પાકિસ્તાની હુમલા પછી તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ શસ્ત્રોની મદદ મેળવવા માટે તેમને ફ્રાન્સ મોકલ્યાં હતાં.

પોતાના ભાઈ જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી તેઓ ફૂલપુર બેઠક પરથી પેટાચૂંટણી લડ્યાં અને જીત્યાં.

ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં પછી તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

બેગમ કુદસિયા એઝાઝ રસૂલ (1908-2001)

ઈ.સ. 1937ની વાત છે. તેઓ સંયુક્ત રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં હતાં. મૌલાનાઓએ તેમના વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો કે જે સ્ત્રી બુરખો નથી પહેરતી તેને મત આપવો એ 'ગેરઇસ્લામી' [ઇસ્લામવિરુદ્ધ] છે. એ સ્ત્રી બીજી કોઈ નહીં, બેગમ કુદસિયા એઝાઝ રસૂલ હતાં.

તેમણે બુરખાનો ત્યાગ કર્યો હતો; એટલું જ નહીં, એક વાર તેમણે પોતાના પતિ નવાબ એઝાઝ રસૂલને કહ્યું હતું કે, હું એવા લોકોનાં આમંત્રણ નહીં સ્વીકારું જેઓ પોતાના ઘરની સ્ત્રીઓને પડદામાં રાખે છે. આ શરત હિંદુઓ અને મુસલમાનો બંનેને એકસમાન લાગુ થશે.

તેઓ લાંબા સમય સુધી મુસ્લિમ લીગ સાથે સંકળાયેલાં રહ્યાં. પછીથી કૉંગ્રેસમાં જોડાઈ ગયાં. આઝાદી અને ભાગલા પછી તેમણે ભારતમાં રહેવાનું નક્કી કર્યું.

તેઓ સ્ત્રી-શિક્ષણના પ્રખર હિમાયતી હતાં. એટલું જ નહીં, તેઓ માનતાં હતાં કે, છોકરા-છોકરીઓને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ.

તેઓ મૂળભૂત અધિકારો અને સ્ત્રી-પુરુષ સમાનતાનાં હિમાયતી હતાં. લાંબા સમય સુધી તેઓ ઑલ ઇન્ડિયા વિમેન્સ હૉકી ઍસોસિયેશનનાં અધ્યક્ષ રહ્યાં અને મહિલા હૉકીને સન્માન અપાવવા માટે સતત કામ કરતાં રહ્યાં.

હંસા મહેતા (1897-1995)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, Sukhdev Bhachech

ઇમેજ કૅપ્શન, હંસા મહેતા સરોજિની નાયડુને પોતાનાં માર્ગદર્શક માનતાં હતાં

ગુજરાતમાં જન્મેલાં હંસા મહેતા એક મહિલાવાદી, સમાજસુધારક અને સમાનતાના હિમાયતી હતાં.

માનવ-અધિકારો માટે સંયુક્ત રાષ્ટ્રના પંચ (યુએનએચસીઆર)માં તેમની ભૂમિકા તેનું ઉદાહરણ છે.

ભારતીય પ્રતિનિધિ હતાં તે દરમિયાન, હંસા મહેતાએ પંચના ફ્રેમ વર્કને લૈંગિક સમાનતા આધારિત બનાવવા પર ખૂબ ભાર મૂક્યો હતો.

માનવ-અધિકારોની સાર્વભૌમિક ઘોષણા (યુડીએચઆર)ના ફકરા 1માં કહેવાયું હતું કે, બધા પુરુષ સ્વતંત્ર અને સમાન જન્મે છે. તેમણે આ ભાષાનો જોરદાર વિરોધ કર્યો અને એ વાક્યનો પ્રયોગ કરવા પર ભાર મૂક્યો કે, "બધા મનુષ્ય સ્વતંત્ર અને સમાન જન્મે છે".

હંસા મહેતા લંડનમાં અભ્યાસ કરવા ગયાં ત્યારે ત્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ સાથે થઈ હતી અને તેઓ તેમનાં માર્ગદર્શક બન્યાં.

મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત સાબરમતી જેલમાં થઈ હતી. જોકે, શરૂઆતમાં તેઓ મહિલાઓના અધિકારો અને શિક્ષણ માટે કામ કરતાં હતાં; પરંતુ, ત્યાર પછી તેઓ સ્વતંત્રતા આંદોલન સાથે જોડાઈ ગયાં. તેમણે દારૂબંધી અને અસહકાર આંદોલનમાં સાથ આપ્યો હતો.

તેઓ ભગિની સમાજનું પ્રતિનિધિત્વ કરતાં હતાં અને તેમણે બાળવિવાહને અમાન્ય ઠરાવવા માટે સુધારણા બિલ લાવવા માટે પર ભાર મૂક્યો હતો.

તેઓ બંધારણસભાની મૌલિક અધિકારો માટે બનેલી ઉપકમિટીનાં સભ્ય પણ હતાં અને યુસીસી લાવવાની તરફેણ પણ કરી હતી.

તેઓ યુનેસ્કોના બોર્ડનાં સભ્ય પણ રહ્યાં હતાં.

કમલા ચૌધરી (1908-1970)

પોતાની વાર્તાઓ અને કવિતાઓમાં કમલા ચૌધરીએ પિતૃસત્તાત્મક વિચારધારા, નારીવાદ અને લૈંગિક સમાનતા જેવા મુદ્દા તો ઉઠાવ્યા જ, પણ સાથે જ, જેને તાજેતરનાં વર્ષોમાં જ સમાજે જાણ્યું અને સમજ્યું એ મેન્ટલ હેલ્થના મહત્ત્વ વિશે પણ તેમણે 80 વર્ષ પહેલાં લખ્યું હતું.

ઉત્તરપ્રદેશનાં કમલા ચૌધરીનાં લગ્ન 15 વર્ષની ઉંમરે જ થઈ ગયાં હતાં અને ભારતની આઝાદી માટે તેમણે પોતાના પતિને પ્રભાવિત કર્યા હતા, એ પણ એવા સમયે જ્યારે તેમના પતિ બ્રિટિશ સરકારમાં કામ કરતા હતા.

સવિનય કાનૂન ભંગ આંદોલન દરમિયાન તેઓ કૉંગ્રેસમાં જોડાયાં. તેઓ મહિલા ચરખા સંઘનાં સચિવ બન્યાં અને ઘણી વાર જેલમાં પણ ગયાં હતાં.

બંધારણસભાનાં સભ્ય બન્યાં ત્યારે તેમણે ચર્ચાઓ દરમિયાન હિન્દુ કોડ બિલનું સમર્થન કર્યું. તેમનું કહેવું હતું કે, તે મહિલાઓના અધિકારો માટે અસરકારક સાબિત થશે. તેમણે બિલમાં બહુલગ્નની જોગવાઈ હટાવવાને સમર્થન કર્યું હતું.

આ બિલને તેઓ હિન્દુ વિરોધી ગણાવવા સાથે સહમત નહોતાં. આ બિલનો એટલા માટે પણ વિરોધ થયો હતો, કેમ કે, તેમાં વારસાઈ સંપત્તિમાં દીકરીઓને સમાન હકની વાત પણ કહેવામાં આવી હતી.

ઈ.સ. 1962માં કમલા ચૌધરી હાપુડ લોકસભાની સીટ પરથી ચૂંટણી જીત્યાં હતાં.

પૂર્ણિમા બેનરજી (1911-1951)

આઝાદીના આંદોલનનાં સક્રિય ભાગીદાર અરુણા આસફ અલીનાં બહેન પૂર્ણિમા બેનરજી જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીની સૌથી નજીક હતાં.

પૂર્ણિમાનો જન્મ પૂર્વ બંગાળ એટલે કે આજના બાંગ્લાદેશના બારિસાલમાં થયો હતો. આઝાદીના આંદોલન દરમિયાન તેઓ જેલમાં ગયાં. જેલવાસના કારણે તેમની તબિયત પર પણ અસર પડી હતી.

બંધારણસભાનાં સભ્ય તરીકે તેમણે ઘણા પ્રસંગોએ સક્રિય હસ્તક્ષેપ કર્યો હતો.

પૂર્ણિમા બેનરજી સમાજવાદી વિચારધારાનાં હોવાનું માનવામાં આવતું હતું.

મૂળભૂત અધિકારો અને સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ આપવાની બાબતમાં તેઓ અલગ મત ધરાવતાં હતાં.

તેમનું કહેવું હતું કે, સરકારી મદદથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં બધા ધર્મો વિશે જણાવવું જોઈએ, તેનાથી વિદ્યાર્થીઓની વિચાર-સમજશક્તિનો વિસ્તાર થશે.

એટલું જ નહીં, તેમનું માનવું હતું કે, સરકારની મદદથી ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં અલ્પસંખ્યક સમુદાયો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ. ઈ.સ. 1951માં તેમનું દેહાવસાન થયું હતું.

માલતી ચૌધરી (1904-1998)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, National Gandhi Museum

ઇમેજ કૅપ્શન, માલતી ચૌધરીએ આઝાદીના આંદોલનમાં ઓડિશાનાં મહિલાઓને જોડવાનું કામ કર્યું

ગાંધીજી તેમને 'તોફાની' કહેતા હતા. તેઓ બંધારણસભા માટે ઉડિશા (ઓરિસ્સા/ઓડિશા)માંથી ચૂંટાઈ આવ્યાં હતાં.

તેઓ મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત હતાં.

તેઓ શાંતિનિકેતનમાં ભણનારી સૌથી પહેલી છોકરીઓમાંનાં એક હતાં. તેમણે પોતાની પસંદગીથી નબા કૃષ્ણ ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ કૉંગ્રેસના આંદોલનમાં સક્રિય ભાગીદાર હતાં.

તેમના કારણે આઝાદીના આંદોલનમાં ઉડિશામાં મહિલાઓની ભાગીદારી વધી હતી. તેમના નેતૃત્વમાં ઢેનકનાલમાં ખેડૂતોનું મોટું આંદોલન થયું હતું. ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ જેલમાં ગયાં હતાં.

બંધારણસભામાં તેઓ થોડા સમય માટે રહ્યાં. આઝાદી મળ્યાના થોડા દિવસ પહેલાં નોઆખલીમાં જોરદાર તોફાનો થયાં હતાં. ગાંધીજી ત્યાં શાંતિ માટે ગામેગામ ફરી રહ્યા હતા.

માલતી ચૌધરીએ બંધારણસભામાંથી રાજીનામું આપ્યું અને ગાંધીજીની સાથે નોઆખલીના રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં કામ કરવા માટે જતાં રહ્યાં. તેઓ આજીવન સમાજના વંચિતો માટે કામ કરતાં રહ્યાં. ઈ.સ. 1975માં લાગુ થયેલી કટોકટીનો પતિ-પત્નીએ વિરોધ કર્યો હતો.

બંનેએ જેલમાં જવું પડ્યું હતું. માર્ચ 1998માં તેમનું અવસાન થયું.

લીલા રૉય (1900-1970)

લીલા રૉય ક્રાંતિકારી જૂથ શ્રી સંઘનાં કારોબારી અને તેનું સંચાલન કરનારાં પ્રથમ મહિલા હતાં.

તેઓ સિલ્હટ (અત્યારે બાંગ્લાદેશમાં)નાં મૂળ વતની હતાં. કૉલેજમાં ભણતાં હતાં તે દરમિયાન તેમણે અસહકાર આંદોલન વિશે જાણ્યું હતું.

તેઓ યુનિવર્સિટી ઑફ ઢાકામાં ભણ્યાં હતાં. તેઓ મહિલા મતાધિકારના આંદોલન સાથે જોડાયાં અને ઉત્તર બંગાળમાં સુભાષચંદ્ર બોઝની પહેલ પર બનેલી પૂર રાહત સમિતિ માટે પણ કામ કર્યું.

સાથે જ, તેમણે 12 મિત્રો સાથે મહિલા એસોસિએશન દીપાલી સંઘ બનાવ્યો હતો. જેનું કામ છોકરીઓને શિક્ષિત કરવાનું હતું. ત્યાર પછી તેઓ શ્રી સંઘમાં સામેલ થઈ ગયાં.

આ સંગઠનમાં મહિલાઓને બૉમ્બ બનાવવાનું, હથિયારોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું અને પત્રિકાઓ વહેંચવાનું કામ સોંપવામાં આવ્યું.

દીપાલી સંઘે પોતાના મુખપત્ર જયશ્રી પત્રિકા બહાર પાડ્યું; જેનું નામ રવીન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. પરંતુ, પછી શ્રી સંઘ અને દીપાલી સંઘને પ્રતિબંધિત કરી દેવાયા હતા.

લીલાને જેલમાં મોકલી દેવાયાં. છૂટ્યાં પછી લીલાની મુલાકાત સુભાષચંદ્ર બોઝ સાથે થઈ અને તેઓ તેમની પાર્ટી ફોરવર્ડ બ્લૉકમાં સામેલ થઈ ગયાં.

ત્યાર પછી તેઓ બંધારણસભાનાં સભ્ય બન્યાં. પરંતુ, તેઓ ભાગલાના વિચારથી ઘણાં દુઃખી હતાં. જ્યારે તેમને ખબર પડી કે વિભાજન સિવાય બીજો કશો વિકલ્પ નથી, એટલે તેમણે બંધારણસભામાંથી રાજીનામું આપી દીધું. તેઓ નોઆખાલી (હવે બાંગ્લાદેશમાં) ગયાં અને રમખાણોથી પ્રભાવિત લોકો માટે રાહત શિબિર ઊભા કર્યા.

દુર્ગાબાઈ દેશમુખ (1909-1981)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, National Gandhi Museum

ઇમેજ કૅપ્શન, દુર્ગાબાઈ દેશમુખે જનસભાઓમાં આપેલાં મહાત્મા ગાંધીનાં ભાષોનો હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યો હતો

આંધ્રપ્રદેશના કાકીનાડામાં જન્મેલાં દુર્ગાનાં માતાપિતા સમાજસેવક હતાં.

દુર્ગા પર તેમના કામની ઊંડી છાપ પડી હતી. તેમણે દેવદાસી અને મુસલમાન મહિલાઓ માટેની પડદા પ્રથા વિરુદ્ધ પોતાનો અવાજ મહાત્મા ગાંધી સુધી પહોંચાડ્યો હતો.

ગાંધીજીએ દેવદાસી પ્રથાને સમાપ્ત કરવા અને મુસ્લિમ મહિલાઓ માટે સુધારણાની વાત કહી હતી. દુર્ગાની અસરકારક હિન્દીને જોતાં ગાંધીજીએ આયોજકોને આંધ્રપ્રદેશ અને મદ્રાસમાં તેમને જ અનુવાદક રાખવાનું કહ્યું હતું.

દુર્ગા એટલાં બધાં સિદ્ધાંતવાદી હતાં કે, એક પ્રદર્શનમાં તેમણે ટિકિટ ન હોવાના કારણે જવાહરલાલ નહેરુને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આઠ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં અને 15 વર્ષની ઉંમરે તેમણે પોતાની ઓળખ ઊભી કરી લીધી હતી. એ જ ઉંમરે જ્યારે તેમનું આણું થયું ત્યારે તેમણે તેનો ઇનકાર કરી દીધો હતો.

તેઓ પોતાની માતા સાથે દક્ષિણમાં થયેલા મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયાં અને જેલ પણ ગયાં હતાં.

દુર્ગાએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં ડિગ્રી લીધી હતી અને ચાર વર્ષમાં જ વકીલાતમાં નામી ચહેરો બની ગયાં હતાં.

બંધારણસભાનાં સભ્ય બન્યાં પછી તેમને સ્ટીયરિંગ કમિટીનાં સભ્ય બનાવાયાં અને વલ્લભભાઈ પટેલે તેમને પ્રસ્તાવિત સુધારાની સમીક્ષા કરવાની જવાબદારી આપી હતી.

સાથે જ સ્પીકરની ગેરહાજરીમાં તેઓ ગૃહની કાર્યવાહી ચલાવવા માટે અધ્યક્ષતા કરી શકતાં હતાં. તેઓ હિન્દુ કોડ બિલ માટે બનેલી ચયન સમિતિનાં સભ્ય હતાં.

દુર્ગાબાઈએ હિન્દીની જગ્યાએ હિન્દુસ્તાનીને રાષ્ટ્રીય ભાષા બનાવવાની તરફેણ કરી હતી. શિક્ષણના ક્ષેત્ર અને લોકોના ઉત્થાન માટે તેમને ઘણાં સન્માન આપવામાં આવ્યાં; જેમાં, યૂનેસ્કો વર્લ્ડ પીસ મેડલથી માંડીને પદ્મવિભૂષણ સામેલ છે.

રેણુકા રે (1904-1997)

પબના (અત્યારે બાંગ્લાદેશમાં)માં જન્મેલાં રેણુકાની ગાંધીજી સાથેની મુલાકાત કલકત્તામાં એક સંબંધીના ઘરે થઈ હતી. આ મુલાકાતે રેણુકાના જીવનની દિશા જ બદલી નાખી. તેઓ અસહકાર આંદોલનને લગતી બાબત માટે ત્યાં હતાં.

તેઓ પોતાની બહેનપણી સાથે કૉલેજ છોડી સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થઈ ગયાં અને ગાંધીજીએ તેમને ઘરે ઘરે જઈને ફાળો એકઠો કરવાનું કહ્યું હતું. રેણુકાએ ગાંધીજીની ઘણી બેઠકોનું આયોજન કર્યું હતું, જેમાં મહિલાઓ પણ સામેલ થઈ. પરંતુ, પછી તેઓ ભણવા માટે લંડન જતાં રહ્યાં.

રેણુકા પાછાં આવ્યાં પછી બર્ધવાન અને હુગલીમાં મહિલાઓના કલ્યાણ માટે કામ કરવું શરૂ કર્યું હતું.

રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવન પર ખાસ્સો એવો પ્રભાવ પાડ્યો હતો અને તેમણે રેણુકાને વિશ્વભારતી યુનિવર્સિટીમાં એક્ઝિક્યૂટિવ કાઉન્સિલ માટે નામાંકિત કર્યાં હતાં.

ગ્રામીણ ભારતને સમજવાનું શ્રેય તેમણે ગાંધીજી અને ટાગોરને આપ્યું હતું.

ત્યાર પછી બનેલી હિન્દુ લૉ સમિતિના અધ્યક્ષ સર બીએન રાઉએ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં મહિલા સંગઠનનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી રેણુકાને આપી હતી.

બંધારણસભાનાં સભ્ય બન્યાં પછી રેણુકાએ હિંદુ કોડ બિલ, દેવદાસી પ્રથા, સંપત્તિનો અધિકાર, વગેરે અંગે થયેલી ચર્ચામાં ભાગ લીધો; સાથે જ, વિધાનસભા અને સંસદમાં મહિલાઓની અનામતનો વિરોધ કર્યો.

તેમનો તર્ક હતો કે, અનામત મહિલાઓના વિકાસમાં અવરોધ બનશે. સાથે જ, તેઓ ભાગલા પછી શરણાર્થીઓ માટે પણ કામ કરતાં રહ્યાં.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી ડૉ. બીસી રૉયે તેમને પુનર્વાસ મંત્રી બનવા અને કૅબિનેટમાં સામેલ થવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેઓ માલદા લોકસભા સીટ પરથી ચૂંટાયાં હતાં.

રાજકુમારી અમૃતકોર (1889-1964)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકુમારી અમૃતકોર જીનિવામાં ડબ્લ્યૂએચઓની કૉન્ફરન્સમાં (1948)

રાજાશાહી પરિવારમાં જન્મેલાં અમૃતકોરે પોતાના જીવનકાળના ત્રણ દાયકામાં મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતા આંદોલનના મહત્ત્વના પડાવમાં મહાત્મા ગાંધીના સહયોગી તરીકે કામ કર્યું હતું.

અમૃતના ઘરે કૉંગ્રેસી નેતાઓની સતત અવર-જવર રહેતી હતી. તેમના પિતા હરનામ સિંહના ગાઢ મિત્ર અને કૉંગ્રેસી નેતા ગોપાલકૃષ્ણ ગોખલેએ તેમનામાં બ્રિટિશ રાજ પાસેથી આઝાદીનું ઝનૂન જન્માવ્યું હતું.

બૉમ્બે કૉંગ્રેસ સંમેલનમાં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ હતી. તેમના પર ગાંધીવાદી વિચારધારાની એટલી ઊંડી છાપ પડી કે તેઓ સાબરમતી આશ્રમ પણ ગયાં હતાં. તેઓ ઑલ ઇન્ડિયા વર્કિંગ કૉંગ્રેસના સંસ્થાપક સભ્યોમાંનાં એક હતાં.

ગાંધીએ અમૃતને ત્રાવણકોરના દીવાનને હટાવવા મુદ્દે ચાલી રહેલા મતભેદનો ઉકેલ લાવવા માટે મોકલ્યાં હતાં. તેમણે ગુજરાતમાં અસ્પૃશ્યતા અંગે જાગરૂકતાનું કામ પણ કર્યું હતું.

અરુણા આસિફ અલીએ અમૃત પર લખેલા પુસ્તકમાં લખેલું કે, કૉંગ્રેસ કાર્યકારી કમિટીની બેઠકમાં કોઈ મહિલાને સામેલ ન કરવા મુદ્દે અમૃતે જવાહરલાલ નહેરુની ટીકા કરી હતી. ત્યાર બાદ સરોજિની નાયડુને સામેલ કરવામાં આવ્યાં હતાં.

તેઓ મીઠાના સત્યાગ્રહ માટે જેલમાં ગયાં અને સિમલામાં ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેઓ બંધારણસભાનાં સભ્ય બન્યાં, જેમાં તેમણે યુસીસીની તરફેણ કરી હતી.

અમૃત નહેરુ કૅબિનેટમાં આરોગ્ય મંત્રી બન્યાં અને આરોગ્ય મંત્રી હતાં તે દરમિયાન મેલેરિયા, કુષ્ઠરોગ અને અન્ય બીમારીઓ માટે પાઇલટ કાર્યક્રમો ચલાવ્યા.

ભારતમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ને સ્થાપવાનું બિલ તેઓ જ લાવ્યાં હતાં.

એની મૅસકેરીન (1902-1963)

એની મૅસકેરીન ત્રાવણકોર અને કોચીન રજવાડામાંથી બંધારણસભાનાં સભ્ય બન્યાં હતાં. તેમણે ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયમાં એમ એમએની બે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી તેઓ ભણવા માટે સિલોન (શ્રીલંકા) ગયાં હતાં.

થોડા સમય પછી તેઓ ત્રાવણકોર પાછાં આવ્યાં. તેમણે ત્યાં સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે આઝાદીના આંદોલનમાં ભાગ લીધો અને જેલ પણ ગયાં હતાં.

તેમણે બંધારણસભાની ચર્ચાઓમાં એક જગ્યાએ કહ્યું કે, લોકો પાસે કશા પ્રકારનાં નિયંત્રણ, નિર્દેશ અને દેખરેખ વગર પોતાના લોકપ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર હોવો જોઈએ.

તેમનું કહેવું હતું કે, આપણે લોકશાહીના સિદ્ધાંત બનાવી રહ્યા છીએ. આ સિદ્ધાંત માત્ર ચૂંટણીલક્ષી નહીં, બલકે, તે આવનારી પેઢીઓ માટે છે. રાષ્ટ્ર માટે છે. તેઓ હિન્દુ કોડ બિલ માટે બનેલી સમિતિનાં સભ્ય પણ હતાં.

ઈ.સ. 1951માં તેઓ કેરળના તિરુઅનંતપુરમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે સંસદમાં ચૂંટાયાં હતાં.

અમ્મુ સ્વામીનાથન (1894-1978)

બીબીસી ગુજરાતી, ગુજરાત, બંધારણસભાનાં મહિલા, બંધારણસભા, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે

ઇમેજ સ્રોત, National Gandhi Museum

ઇમેજ કૅપ્શન, અમ્મુ સ્વામીનાથને આખી જિંદગી મહિલાઓના મુદ્દે કામ કર્યું

એવી અમ્મુકુટ્ટી અથવા અમ્મુ સ્વામીનાથનનો જન્મ કેરળના પાલઘાટમાં થયો હતો. બાળપણમાં અમ્મુનું ભણતર ઘરે જ મલયાલમ ભાષામાં થયું હતું. ઈ.સ. 1908માં ડૉ. સુબ્બારામા સ્વામીનાથન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમની એક પુત્રી લક્ષ્મી નેતાજીની આઝાદ હિન્દ ફોજનાં કૅપ્ટન લક્ષ્મી સહગલ તરીકે મશહૂર થયાં.

અમ્મુ સ્વતંત્રતા આંદોલનના ઘણા નેતાઓના સંપર્કમાં આવ્યાં અને મહિલાઓના મુદ્દા પર કામ કરવા લાગ્યાં. તેઓ વિમેન્સ ઇન્ડિયન એસોસિએશન અને ઑલ ઇન્ડિયન વિમેન્સ કૉંગ્રેસ સાથે જોડાયેલાં હતાં.

અમ્મુ ઈ.સ. 1946માં મદ્રાસમાંથી બંધારણસભા માટે ચૂંટાયાં હતાં.

બંધારણસભામાંના પોતાના એક ભાષણમાં તેમણે કહેલું કે, આ બંધારણ એટલે ૪૦ કરોડ લોકોનાં સપનાં પૂરાં થવાં… હું જાણું છું કે બંધારણ આપણને મૌલિક અધિકાર, સમાન દરજ્જો, વયસ્ક મતાધિકાર આપે છે. આભડછેટ અને એ પ્રકારની બીજી વસ્તુઓને નાબૂદ કરવાની વાત કરે છે. આ બધા વિરુદ્ધ આપણે વર્ષોથી લડી રહ્યાં હતાં. જોકે, જો આપણે આ દેશને ખુશહાલ અને સમૃદ્ધ બનાવવો હોય, તો કાગળ પર દેખાતી આ બધી વસ્તુઓ પૂરતી નથી. આપણે એ પણ જોવું પડશે કે, બંધારણમાં કાગળ પર લખેલા આ વિચાર અને આદર્શ આ દેશના લોકો દ્વારા લાગુ કરવામાં આવે.

તેઓ આ વિચાર અને આદર્શને સાકાર કરવા આજીવન મથતાં રહ્યાં.

સંદર્ભ - સૌજન્ય -ધ ફિફ્ટીન, ધ લાઇવ્સ ઍન્ડ ટાઇમ્સ ઑફ ધ વિમેન ઇન ઇન્ડિયા કૉન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી, એન્જલિકા અરિબમ અને આકાશ સત્યાવલિ

ફ્રૉમ પર્દા ટુ પાર્લિયામેન્ટ: બેગમ કુદસિયા એઝાજ

ફાઉન્ડિંગ મધર્સ ઑફ ઇન્ડિયન રિપબ્લિક: અચ્યુત ચેતન

સિલેક્ટેડ સ્પીચીઝ ઑફ ધ વીમેન મેમ્બર્સ ઑફ ધ કૉન્સ્ટિટ્યુઍન્ટ ઍસેમ્બ્લી

(આ સ્ટોરી અગાઉ 26 જાન્યુઆરી, 2025ના રોજ પ્રકાશિત થઈ હતી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.