નવી દિલ્હી રેલવેસ્ટેશન : 'મારી દેરાણીનું મોત થયું છે, બાળકો દબાઈ ગયાં', ભાગદોડમાં સ્વજનો ગુમાવનારની આપવીતી

રાજધાની દિલ્હીના નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે.
પ્રશાસને બધા 18 મૃતકોનાં નામ જાહેર કરી દીધાં છે, તો રેલવેએ મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ગંભીર રીતે ઘાયલ થયેલાને અઢી લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે.
પ્રશાસને આ દુર્ઘટના પાછળ વધુ ભીડનું કારણ માન્યું છે. તેમજ સાચાં કારણો માટે તપાસ કરવાની વાત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલી આ નાસભાગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પ્રગટ કરી છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.
મૃતકો અને ઘાયલોને રેલવેસ્ટેશન પાસેની લોકનાયક જયપ્રકાશ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
વડા પ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, @narendramodi/X
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ લખ્યું, "નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલી ભાગદોડથી દુઃખી છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર ભાગદોડથી પ્રભાવિત લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે."
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતથી તેઓ ખૂબ જ દુઃખી છે.
તેમણે કહ્યું, "રેલવે પ્લૅટફૉર્મ પર ભાગદોડને કારણે લોકોના જીવ જવાથી તેમને આઘાત લાગ્યો છે. આ દુઃખની ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. તેઓ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે."
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, "નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલા અકસ્માત અંગે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી."
"મેં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી પોલીસ કમિશનર સાથે પણ વાત કરી છે અને તેમને દરેકને શક્ય તેટલી મદદ પૂરી પાડવા સૂચના આપી છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોને શક્ય તેટલી સારવાર આપવામાં આવી રહી છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."
આ દુર્ઘટના પર વિપક્ષ કૉંગ્રેસે 'રેલવે અને સરકારની નિષ્ફળતા' સામે સવાલ ઉઠાવ્યા છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે "નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલા મોતના મામલામાં હકીકત છુપાવવાનો નરેન્દ્ર મોદી સરકારનો પ્રયાસ એ અત્યંત શરમજનક અને નિંદનીય છે. અમારી માગ છે કે મૃતકો અને ઘાયલોની સંખ્યા જલદી જાહેર કરવામાં આવે અને લાપતા લોકોની ઓળખ કરવામાં આવે."
તો રાહુલ ગાંધીએ કહ્યું કે "આ ઘટના ફરી એક વાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતા ઉજાગર કરે છે. પ્રયાગરાજ જતા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સ્ટેશન પર વધુ સારી વ્યવસ્થા કરવી જોઈતી હતી. સરકાર અને વહીવટીતંત્રે એ ખાતરી કરવી જોઈએ કે ગેરવહીવટ અને બેદરકારીને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવવો ન પડે."
દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે "નવી દિલ્હી રેલવેસ્ટેશન પર ભાગદોડમાં અનેક માસૂમોએ તેમનો જીવ ગુમાવ્યો, પરિવાર વિખેરાઈ ગયા. આ માત્ર એક દુર્ઘટના નથી પણ પ્રશાસનિક બેદરકારીનું ક્રૂર પરિણામ છે. ક્યાં સુધી સામાન્ય પ્રજા તેની કિંમત ચૂકવતી રહેશે?"
નવી દિલ્હી રેલવેસ્ટેશન પર ભાગદોડ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, pti
બીબીસી સાથે વાત કરતા, એક પ્રત્યક્ષદર્શી મનોરંજન ઝાએ કહ્યું, "હું રાત્રે 9.15 વાગ્યે સ્ટેશન પર આવ્યો. જ્યારે હું આવ્યો ત્યારે રેલવેસ્ટેશન પર ભારે ભીડ હતી. મારાં માતા મરતાં મરતાં બચ્યાં છે. અમે બચી ગયાં."
"ભીડ ખૂબ જ હતી. ઍક્ઝિટ તરફથી ઍન્ટ્રી થઈ રહી હતી અને ત્યાં પણ ખૂબ જ ભીડ હતી. એક ટ્રેન રવાના થયા પછી, નાસભાગ મચી ગઈ. અમારી સામે જ એક વૃદ્ધ મહિલા બેભાન થઈ ગયાં."
અન્ય એક પ્રત્યક્ષદર્શી રૂબી દેવીએ કહ્યું, "અમે પ્લૅટફૉર્મ નંબર 13 પર હતા. એટલી ભીડ હતી કે અમે અંદર પણ જઈ શક્યા નહીં. ખૂબ ભીડ હતી. અમે બચી ગયા. નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ."
બીજા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "પોલીસકર્મીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. પણ ભીડ ખૂબ વધી ગઈ."
કાજલ નામનાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "ત્યાં ખૂબ ભીડ હતી. બધા એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. અમે પ્લૅટફૉર્મ નંબર 13 પર હતા. ઘણા લોકો અમારી સામે જ પડી ગયા હતા. ધક્કા મારી રહ્યા હતા. અંધાધૂંધી જેવો માહોલ હતો."
શોભાદેવી મૂળ બિહારનાં છે અને દિલ્હીના સુલતાનપુરીમાં રહે છે. તેમણે આ ઘટનામાં તેમનાં દેરાણીને ગુમાવ્યાં છે.
શોભાદેવીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અંદર લાશોના ઢગલા પડ્યા છે. મારાથી જોવાતું નથી. મારી દેરાણીનું મૃત્યુ થઈ ગયું છે. મારા દિયરનો પગ તૂટી ગયો છે. તેમના બંને બાળકો પણ દબાઈ ગયા હતા."
હૉસ્પિટલની પરિસ્થિતિ વિશે તેઓ જણાવે છે કે, "ઘાયલોથી આખો વોર્ડ ભરેલો છે. ત્યાં ઘણા મૃતદેહો છે, મેં ખુદ જોયા છે. એક બેડ પર ચાર-ચાર લોકો છે."
મૃતકોના પરિવારજનોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના પરિવારજનો સાથે બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલ અને દિલનવાઝ પાશાએ વાતચીત કરી છે.
બિહારના પટણાનાં રહેવાસી લલિતાદેવી તેમના ભાણેજ ગિરધારી સાથે નવી દિલ્હીથી પાણીપત જઈ રહ્યાં હતાં. ગિરધારીએ જણાવ્યું કે રાત્રે લગભગ નવ વાગ્યાનો સમય હતો.
તેમણે કહ્યું કે, "અમે બંને પટણાથી આનંદવિહાર ટ્રેનમાં આવ્યા અને પછી પાણીપત જવા માટે ટ્રેન પકડી રહ્યા હતા પરંતુ પ્લૅટફૉર્મ 14 પર ભાગદોડ થવાને કારણે તેમના મામીનું મોત થઈ ગયું."
તેમણે કહ્યું, "પ્લૅટફૉર્મ પર જવા માટે જેવા અમે અંદર પ્રવેશ્યા ત્યાં જ પગથિયાં પર થયેલી ધક્કામુક્કીમાં અમે અલગ થઈ ગયા. પછી હું થોડી વાર રહીને ત્યાં જોવા ગયો તો બે-ત્રણ લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. મેં ચાદરથી મામીને ઓળખી લીધાં, જેવી ચાદર હઠાવી તો તેમનો શ્વાસ ધીમો ધીમો ચાલી રહ્યો હતો."

દિલ્હીના કિરાડીના રહેવાસી ઉમેશગિરિએ જણાવ્યું હતું કે તેઓ તેમનાં બે બાળકો અને પત્ની સીલમદેવી સાથે કુંભ જઈ રહ્યાં હતાં. રેલવેસ્ટેશન પર થયેલી ભાગદોડમાં તેમનાં 45 વર્ષીય પત્નીનું મૃત્યુ થઈ ગયું.
ઉમેશગિરિ કહે છે, "અમે મહાકુંભ જઈ રહ્યાં હતાં અને અમે અજમેરી ગેટ તરફથી આવ્યા હતા. 14 નંબરના પ્લૅટફૉર્મથી અમારી પ્રયાગરાજ ઍક્સપ્રૅસ ટ્રેન હતી. મારી ટિકિટ એસી કોચમાં હતી. ઉપર ચઢ્યા પછી ભીડ વધુ અનિયંત્રિત થઈ ગઈ. વધુ ભીડને કારણે જ આ ઘટના બની છે."
ઉમેશ તેમણે નજરે જોયેલા દૃશ્યને વર્ણવતા કહે છે, "મારી સામે પહેલાંથી જ ઘણા લોકોના મૃતદેહ પડેલા હતા. ત્યાર પછી તેના ઉપરથી લોકો ચાલીને જઈ રહ્યા હતા. એ સમયે લોકોનાં મૃતદેહોને બ્રિજ સામે જ રાખવામાં આવ્યા હતા. એ સમયે ત્યાં ન તો કોઈ મીડિયા હતું કે ન તો પ્રશાસનના લોકો હતા."
મદદને લઈને ઉમેશ કહે છે, "મદદ તો કોઈ મળી નથી. મોડું થઈ ગયું હતું. મેં ઘણા પોલીસ અધિકારીઓ અને આરપીએફના લોકોને કહ્યું પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું,"
રેલવેના પ્રવક્તાએ શું કહ્યું?

રેલવે મંત્રાલયના પ્રવક્તા દિલીપકુમારે બીબીસીને જણાવ્યું, "ઘણા મુસાફરો રાત્રે પ્રયાગરાજ ઍક્સપ્રૅસ અને મગધ ઍક્સપ્રૅસ ટ્રેનોમાં જવા માટે આવ્યા હતા અને બધાને લાગ્યું કે આ છેલ્લી ટ્રેન છે અને તેઓ તેમાં જ જવા ઇચ્છતા હતા."
"પ્રયાગરાજ ઍક્સપ્રૅસમાં જ આ ભાગદોડ જેવી સ્થિતિ થઈ હતી. બાકીની માહિતી સીસીટીવી જોયા પછી ખબર પડશે. ડીજી આરપીએફ અને રેલવે બોર્ડના ચૅરમૅન સ્ટેશન પર છે, તેઓ જોશે કે શું થયું છે. અમે આ મામલાની તપાસ માટે એક હાઈ પાવર કમિટીની રચના કરી છે."
રેલવે મંત્રીએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું, "નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલી દુ:ખદ ભાગદોડ મારા માટે ખૂબ જ આઘાતજનક છે. મારી સંવેદના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આખી ટીમ અકસ્માતથી પ્રભાવિત લોકોને મદદ કરી રહી છે."
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે નવી દિલ્હી રેલવેસ્ટેશન પર એક દુ:ખદ અકસ્માત થયો છે.
તેમણે લખ્યું, "મેં દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને તેમને પરિસ્થિતિ સંભાળવા કહ્યું છે. મુખ્ય સચિવને રાહતકર્મીઓ તહેનાત કરવાનું કહેવામાં આવ્યું છે. કોઈ પણ કટોકટી માટે હૉસ્પિટલો તૈયાર છે."
"સીએસ અને સીપીને ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા કહેવામાં આવ્યું છે. હું સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












