મહાકુંભ : 'હિંદુ શ્રદ્ધાળુ મુસ્લિમોના હાથે પાણી પણ ન પીતાં, ઠેરઠેર પાખંડ જોવા મળતું' – ગાંધીજીએ કુંભમેળાના અનુભવ વિશે શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ મેળો હવે તેના અંતિમ તબક્કામાં છે. સદીઓથી યોજાતો કુંભમેળો એ ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં સમયની સાથે આવેલા વૈચારિક પરિવર્તનોનો પણ સાક્ષી રહ્યો છે.
ચીની યાત્રી હ્વેનસાંગ અને ફાહિયાન તથા યુનાની યાત્રી મેગાસ્થનીઝનાં વર્ણનોમાં પણ પ્રાચીનકાળમાં સંગમ તટે યોજાતા મેળાઓનો ઉલ્લેખ જોવા મળે છે.
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણકારીઓ દ્વારા કુંભમેળામાં લૂંટપાટની ઘટનાઓનો પણ અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે.
મુઘલ શાસકોના શાસનકાળમાં પણ ભારતમાં નિયમિતપણે કુંભમેળા યોજાયા. એ દરમિયાન નાગા સાધુઓની વિદેશી આક્રમણકારીઓ, મુઘલો સામેની લડાઈ પણ ચાલુ રહી.
પછી આવેલા અંગ્રેજોના શાસનકાળમાં પણ કુંભમેળા યોજાતા રહ્યા. શરૂઆતમાં અંગ્રેજો તેમને 'અજાયબી'ની દૃષ્ટિએ જોતા. પરંતુ ધીમેધીમે આ મોટાં આયોજનનો તેઓ ભાગ બનતા ગયા.
સમયની સાથે આ જ કુંભમેળામાં સ્વરાજની લડતોનાં પણ અનેક આયોજનો થયાં અને ગાંધીજી તથા નહેરુએ પણ તેમાં આગળ વધીને ભાગ લીધો.
પ્રો. ધનંજય ચોપરા તેમના પુસ્તક 'ભારત મેં કુંભ' માં લખે છે, "1857માં આઝાદીની ક્રાંતિ પછી દેશના રાજકારણ અને સત્તાનું પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તેની અસર કુંભમેળાનાં આયોજનો પર પણ પડી. ઇતિહાસમાં એ વાત નોંધાયેલી છે કે ભારતીય જનમાનસને પ્રભાવિત કરનારા નેતાઓ, ક્રાંતિકારીઓ, પત્રકારો-લેખકોએ આ મેળાઓને જનજાગરણનું માધ્યમ બનાવી દીધા હતા. તેનું મોટું કારણ એ હતું કે મેળામાં એક જ જગ્યાએ દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકો મળી જતા હતા."
આ અહેવાલમાં આપણે એ જાણીશું કે 1857થી ક્રાંતિથી લઈને વિવિધ ચળવળો દરમિયાન કુંભમેળામાં શું થતું હતું અને ગાંધીજી કુંભમેળામાં શા માટે ગયા હતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઝાદી માટેની લડાઈ અને કુંભમેળો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રો. ધનંજય ચોપરા તેમના પુસ્તક 'ભારત મેં કુંભ' માં લખે છે કે "મેળામાં અનેક શિબિરો પર ચોક્કસ પ્રકારનાં પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેનો આઝાદીના લડવૈયાઓ ઉપયોગ કરતાં હતાં. આ પ્રતીક જોઇને જ લોકો છુપાઈને મેળામાં એકત્રિત થતા હતા. આઝાદીની આ લડાઈમાં પ્રયાગરાજના લોકોએ આગળ વધીને ભાગ લીધો હતો. રાણી લક્ષ્મીબાઈ પણ પ્રયાગરાજમાં રોકાયાં હતાં અને 1857ની ક્રાંતિની રૂપરેખા બનાવવામાં આવી હતી."
તેઓ લખે છે, "અંગ્રેજ પ્રશાસકોની નજર એ કથિત 'અજાણ્યા' લોકો પર પણ રહેતી હતી કે જેઓ 'અપરાધ' કરવાના ઉદ્દેશ્યથી કુંભમેળામાં પ્રવેશતા હતા. અંગ્રેજો કોણ તંબુઓમાં આવીને રોકાય છે તેના પર પણ નજર રાખતા હતા. પ્રયાગરાજના લોકો અને કલ્પવાસીઓ પાસે એ અંગેનો દસ્તાવેજ પણ મળે છે. તેમાં 94 કલ્પવાસીઓના હસ્તાક્ષર છે કે જેઓ તંબુઓમાં રોકાયાં હતાં."
"હકીકતમાં અંગ્રેજ સરકાર જેમને કથિતપણે 'અપરાધી' તરીકે વર્ણવી રહી હતી અથવા તો પોતાની નજર હેઠળ રાખતી હતી, એ બીજું કોઈ નહીં પરંતુ સ્વતંત્રતાસંગ્રામના સેનાનીઓ હતા. આ સેનાનીઓ પોલીસની નજરથી બચીને કલ્પવાસીઓની વચ્ચે પહોંચી જતા હતા અને લોકોમાં સ્વતંત્રતા અંગેની જાગૃતિ ફેલાવવાનું કામ કરતા હતા."
જોકે, અનેક સંદર્ભોમાં એ ઉલ્લેખ પણ જોવા મળે છે કે હકીકતમાં મેળામાં એ સમયે અપરાધીઓ પણ પ્રવેશી જતા હતા અને લોકોને લૂંટીને ફરાર થઈ જતા હતા. તેના કારણે અંગ્રેજોને સુરક્ષાવ્યવસ્થાનું પણ આયોજન કરવું પડતું હતું.
મહાત્મા ગાંધી અને કુંભમેળો

ઇમેજ સ્રોત, National Book Trust
1915માં મહાત્મા ગાંધી પણ હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં પહોચ્યા હતા. તેમની હરિદ્વાર કુંભમેળાની યાત્રાનું વર્ણન તેમણે પોતાની આત્મકથામાં પણ કર્યું છે.
તેઓ તેમની આત્મકથામાં લખે છે, "હું કુંભમેળામાં જવા આતુર ન હતો, પરંતુ હું મહાત્મા મુંશીરામજીને મળવા માટે આતુર હતો. ગોખલેજીની સંસ્થા સેવકસમાજે કુંભમેળામાં સેવા માટે સ્વયંસેવકોના મોટા જૂથને મોકલ્યું હતું. પંડિત હ્રદયનાથ કુંઝરુ આ જૂથના પ્રમુખ હતા અને ડૉ. દેવ મેડિકલ ઑફિસર હતા. આમાં મદદ કરવા માટે મારી ટુકડીને પણ લઈ જવી તેવો ઠરાવ હતો. અને આવી રીતે હું મેળામાં પહોંચ્યો."
ગાંધીજીએ કુંભમેળાના શ્રદ્ધાળુઓમાં એ સમયે પણ કેવી રીતે હિન્દુ-મુસ્લિમ ભેદભાવ વ્યાપ્ત હતો તેના વિશે પણ લખ્યું છે.
કલકત્તાથી હરિદ્વારની તેમની ટ્રેન યાત્રાનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે, "ડબ્બાઓમાં કેટલીક વેળા દીવાબત્તી પણ ન મળે. ઉઘાડા ડબ્બા પર મધ્યાહનનો સૂરજ તપે અને નીચે નકરી લોખંડની ભોંય, પછી અકળામણનું તો પૂછવું જ શું? મેળામાં જતો હિંદુ ભાવિક ઘણી તરસ છતાં 'મુસલમાન પાણી' લાવે તે ન જ પીવે. 'હિંદુ પાણી'નો પોકાર થાય ત્યારે જ પાણી પીવે. પણ આ જ ભાવિક હિંદુ જ્યારે બીમાર પડે ત્યારે દવામાં ડૉક્ટર દવાદારૂ આપે, કે પછી મુસલમાન કે ખ્રિસ્તી પાણી આપે, માંસનું સત્ત્વ આપે તે લેવામાં જરાય સંકોચ ન અનુભવતો."

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીજી લખે છે, "કુંભમાં મારો ધંધો તો મોટે ભાગે તંબૂમાં બેસીને 'દર્શન' દેવાનો અને અનેક યાત્રાળુઓ સાથે ધર્મની ચર્ચા કરવાનો થઈ પડ્યો. કુંભમેળા ભ્રમણમાં મેં લોકોની ધર્મભાવના કરતાં બેબાકળાપણું, ચંચળતા, પાખંડ અને અવ્યવસ્થા બહુ જોયાં. મેળામાં સાધુઓનો રાફડો ફાટ્યો હતો. તે કેવળ માલપૂડા અને ખીર જમવા માટે જ જન્મ્યા હોય તેવું મને લાગ્યું."
મેળામાં લોકોના અંધવિશ્વાસ અને પૈસા કમાવાની લાલચી વૃત્તિનું પણ ગાંધીજી ઉદાહરણ આપે છે.
તેઓ લખે છે, "મેળામાં મેં પાંચ પગાળી ગાય જોઈ. લોકો ગાયની કાંધમાં વાછરડાના જીવતા પગ કાપીને કાંધમાં ચોંટાડી દેતા હતા અને આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકોને ધૂતવા માટે વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયના દર્શન કરવા માટે ક્યો હિન્દુ ન લલચાય? લોકો આવી ગાયના દર્શન કરીને પૈસા મૂકીને જતા. "
ગાંધીજી તેમની આત્મકથામાં સ્પષ્ટપણે લખે છે કે તેઓ યાત્રા કરવાની ભાવનાથી હરિદ્વારના કુંભમેળામાં નહોતા ગયા.
તેઓ કહે છે, "મને તીર્થક્ષેત્રોમાં પવિત્રતાનો મોહ કદી નથી રહ્યો પણ મેળામાં આવતા લાખો લોકો પાખંડી ન હોય. તેમાં અસંખ્ય માણસો પુણ્ય કમાવા માટે, શુદ્ધિ મેળવવા માટે આવ્યા હશે તેના વિશે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં પણ મુશ્કેલ તો છે જ. ચોમેર ફેલાયેલા પાખંડમાં મજકૂર પવિત્ર આત્માઓ પણ છે."
પ્રો. ધનંજય ચોપરા તેમના પુસ્તકમાં લખે છે, "1915ના કુંભમેળામાં શ્રદ્ધાળુઓની અપાર ભીડ જોઇને બાપુને એ સમજાઈ ગયું હતું કે કુંભમેળો 'લઘુ ભારત' નું પ્રતિનિધિત્વ કરે છે. આથી અહીં જઇને ભારતીયોને સ્વતંત્રતા માટે પ્રેરિત કરી શકાય છે. આથી, જ તેઓ 1918માં પ્રયાગમાં યોજાયેલા કુંભમેળામાં પણ પહોંચ્યા હતા."
કુંભમેળામાં વિદેશી ચીજોના બહિષ્કારની અપીલ

ઇમેજ સ્રોત, CAMBRIDGE UNIVERSITY PRESS
'હિન્દુ નૅશનલિઝમ ઍન્ડ ધી લૅંગ્વેજ ઑફ પોલિટિક્સ ઇન લેટ કૉલોનિઅલ ઇન્ડિયા' પુસ્તકમાં વિલિયમ ગૉલ્ડ પણ કુંભમેળામાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ અને તત્કાલીન કૉંગ્રેસની પ્રવૃત્તિઓ વિશે વિગતે લખે છે.
તેઓ લખે છે, "એ વાત સ્પષ્ટ હતી કે સાધુઓને કારણે તત્કાલીન કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં યોજાતા સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. 1930માં યોજાયેલા કુંભ અને માઘ મેળાના શરૂઆતના અઠવાડિયામાં જ આ મેળો રાજકીય રેલી બની જાય. તેમાં સંન્યાસીઓએ મોટો ફાળો આપ્યો હતો. 13 જાન્યુઆરી, 1930ના રોજ પંદર સંન્યાસીઓના જૂથે એક રેલી કાઢી હતી જેમાં રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું. એ જ દિવસે અલ્હાબાદમાં રાષ્ટ્રીય ધ્વજ સાથે આવું જ એક અલગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું."
વિલિયમ ગૉલ્ડ લખે છે, "અલ્હાબાદમાં મોટા પ્રમાણમાં પત્રિકાઓ વહેંચવામાં આવી હતી જેમાં સ્વામી પરમાનંદે અપીલ કરી હતી કે વિદેશી ચીજવસ્તુઓનો, ખાસ કરીને વિદેશી કાપડનો બહિષ્કાર કરવો. સાધુઓના અધિકૃત સંગઠન પરિવ્રાજક મહામંડળે પણ કૉંગ્રેસની રાષ્ટ્રવાદી યોજનાઓ સાથે તરત જ પોતાને જોડી દીધી હતી."
"આ મહામંડળના જ સભ્ય એવા સત્યાનંદે અલ્હાબાદમાં એ સમયે ભાષણો આપ્યાં હતાં અને કહ્યું હતું કે, "ક્રાંતિનો સમય હવે આવી ગયો છે." અલ્હાબાદથી એ સમયે પ્રકાશિત થતા હિન્દુ અખબારમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે એ સમયે કુંભમેળામાં સાધુઓને સ્વરાજ માટે એકત્રિત કરવાનું કામ કરવામાં આવશે."
જ્યારે અંગ્રેજોએ લોકોને રોકવા અફવા ફેલાવી

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદીની લડાઈના ઇતિહાસમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે કુંભમેળાના મંચનો સતત કૉંગ્રેસ સ્વરાજની લડતને મજબૂત બનાવવા માટે ઉપયોગ કરી રહી હતી.
વિલિયમ ગૉલ્ડ તેમના પુસ્તકમાં લખે છે, "1930ના કુંભમેળા અને માઘમેળામાં કૉંગ્રેસે પોતાની કાયમી શિબિરો સ્થાપિત કરી હતી. જવાહરલાલ નેહરુએ એ પહેલાં હરિદ્વાર અને અલ્હાબાદમાં સતત લોકોની સભાઓને સંબોધી હતી."
"આ જ પ્રકારનું આયોજન કૉંગ્રેસે 1930 અને 1931માં ગઢમુક્તેશ્વર અને ખારખરેડાના મેળામાં પણ કર્યું હતું અને શ્રદ્ધાળુઓમાં પોતાની પહોંચ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. 1 ફેબ્રુઆરી, 1931ના રોજ માઘમેળાના અંતિમ દિવસે મહાત્મા ગાંધીએ અંદાજે 20 હજાર લોકોની જનમેદનીને સંબોધી હતી. "
1942માં બીજું વિશ્વયુદ્ધ પણ ચાલી રહ્યું હતું અને વૈશ્વિક પરિસ્થિતિઓએ પણ કુંભમેળાના આયોજનને પ્રભાવિત કર્યું હોવાનું કહેવાય છે. અંગ્રેજોને પણ મેળાનો સ્વાતંત્ર્ય માટેની લડતમાં કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેનો અંદાજ આવી ગયો હતો અને આથી જ તેમણે 1942માં મેળાને રોકવા માટે અનેક કોશિશો કરી હતી.
પ્રો. ધનંજય ચોપરા લખે છે, "અંગ્રેજ સરકારે વર્ષ 1942માં પ્રયાગમાં યોજાયેલા કુંભમાં ભીડ એકત્ર ન થાય એટલા માટે કુંભમેળા પહેલાં રેલવે અને બસની ટિકિટો વેચવા પર રોક લગાવી દીધી હતી. આ સંદર્ભમાં સરકાર તરફથી અનધિકૃત રીતે એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ચાલી રહેલા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન મેળાના વિસ્તાર પર બૉમ્બ ફેંકી શકે છે."
"એવું માની શકાય કે કાં તો સરકાર એ સમયે ફેલાઈ રહેલી મહામારીથી લોકોને બચાવવા માગતી હતી અથવા તો તે કુંભમેળામાં સ્વતંત્રતા સેનાનીઓને એકત્ર થવા દેવા માગતી ન હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












