કુંભમેળામાં ભાગદોડ થઈ ત્યારે બીજી પણ ભયાનક દુર્ઘટના ઘટી હતી, નજરે જોનાર લોકોએ શું કહ્યું?

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ચેતવણી : આ અહેવાલનાં કેટલાંક વર્ણનો વિચલિત કરી શકે છે.

શું કુંભમેળામાં મૌની અમાસના દિવસે સંગમઘાટ નજીક થયેલી ધક્કામુક્કી સિવાય અન્ય કેટલીક જગાએ પણ આવી ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી? નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે, ઓછામાં ઓછાં બીજાં બે સ્થળોએ આવી દુર્ઘટના બની હતી, એટલું જ નહીં, તેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

સંગમઘાટ ખાતે થયેલી ભાગદોડની ઘટના બન્યે હવે તો ઘણા દિવસો વીતી ગયા છે, તેમ છતાં હજુયે લોકો તેમના સ્વજનોની શોધમાં પ્રયાગરાજની હૉસ્પિટલોનાં શબઘરોનાં ચક્કર કાપી રહ્યાં છે.

મધ્ય પ્રદેશથી આવેલા સત્યમ પ્રયાગરાજમાં તેમના ગૂમ થઈ ગયેલા પિતાની શોધમાં ભટકી રહ્યા છે.

સ્વરૂપ રાણી નહેરુ હૉસ્પિટલના શબઘરમાંથી બહાર નીકળતી વખતે તેમણે રોષભર્યા સ્વરે બીબીસીને કહ્યું હતું કે, અંદર ઘણાં શબ પડ્યાં હતાં. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેમને પૈસા નથી જોતા, બસ, તેમના સ્વજન ત્યાં છે કે નહીં, એટલી માહિતી મળે, તો પણ ઘણું.

મોતીલાલ નહેરુ મેડિકલ કૉલેજની મોર્ચુઅરીની બહાર ઊભેલા આમોદકુમારની આપવીતી પણ સત્યમને મળતી આવે છે. તેઓ પ્રયાગરાજનાં તમામ શબઘરોમાં તપાસ કરી ચૂક્યા છે, સરકારી ઑફિસોના ધક્કા ખાઈ ચૂક્યા છે. 29મી જાન્યુઆરીના રોજ મૌની અમાસના દિવસે ગૂમ થયેલા તેમનાં સંબંધી રીટાદેવીની હજી સુધી કોઈ ભાળ મળી નથી.

બીજી તરફ, પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં લોકોનો અવિરત ધસારો હજુયે ચાલુ જ છે.

મેળાના પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, મૌની અમાસના દિવસે કરોડો લોકોએ અહીં સ્નાન કર્યું હતું અને એ જ દિવસે અહીં સંગમઘાટ પાસે ધક્કામુક્કી સર્જાઈ હતી.

ઉત્તર પ્રદેશ સરકારે આ બનાવમાં 30 લોકોનાં મોત નીપજ્યાં હોવાની પુષ્ટિ કરી હતી.

કુંભમેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું, "આ કમનસીબ ઘટનામાં 30 શ્રદ્ધાળુઓનાં દુઃખદ મૃત્યુ નીપજ્યાં હતાં."

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'સંતુલન ગુમાવીને જો નીચે પડ્યો હોત, તો કદાચ હયાત ન રહ્યો હોત'

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, નાસભાગમાં બચી ગયેલા પવને બીબીસીને પોતાની આપવીતી વર્ણવી હતી

વહીવટીતંત્રે સંગમઘાટ પાસે ભાગદોડ થઈ હોવાનું સ્વીકાર્યું, તેમ છતાં તે દિવસે કુંભમાં ઓછામાં ઓછી બીજી બે જગ્યાએ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હોવાનો ઘણા લોકોએ દાવો કર્યો છે.

બીબીસીએ એવા ઘણા લોકો સાથે વાત કરી, જેમની નજર સામે કુંભ સેક્ટર-21માં સમુદ્રકૂપ માર્ગ પાસે ભાગદોડની ઘટના બની હતી. આ જગ્યા પ્રયાગરાજના ઝૂંસી વિસ્તાર પાસે આવેલી છે.

નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, એ દિવસે અહીં એટલી ચક્કાજામ ભીડ હતી કે એક ડગલું આગળ વધવું કે પાછળ હટવું પણ મુશ્કેલ બની ગયું હતું.

એક આશ્રમમાં રોકાયેલા પવન રાતે આશરે અઢી વાગ્યાની આસપાસ ગંગાસ્નાન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ભીડમાં ફસાઈ ગયા હતા. જેમ-તેમ કરીને તેઓ ત્યાંથી બહાર નીકળ્યા હતા.

તેઓ જણાવે છે, "તે સમયે જો હું સંતુલન ગુમાવીને પડી ગયો હોત, તો કદાચ જીવિત ન રહ્યો હોત. મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતાં ભારે ગૂંગણામણ થઈ રહી હતી અને શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું હતું."

'તરસ્યા લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં હતાં'

વીડિયો કૅપ્શન, કુંભ મેળો : મહિલા નાગા સાધ્વીઓનું દૈનિક જીવન કેવું હોય, કેવી રીતે મળે દીક્ષા?

ધર્મગુરુ અર્પિત મહારાજ ઊલટા કિલા પાસેની દાસ ધર્મશિબિરમાં રોકાયા છે. 29મી જાન્યુઆરીના એ કમનસીબ દિવસને યાદ કરતાં તેઓ જણાવે છે, "સવારે આશરે છ વાગ્યે મારા સાથીઓએ મને ઉઠાડ્યો. હું મોડે સુધી સૂતો રહ્યો, કારણ કે અખાડાઓના સ્નાન પછી હું ગંગાસ્નાન કરવા જવાનો હતો. બહારનું દૃશ્ય ડરામણું હતું."

મહારાજ આગળ જણાવે છે, "પાણી પીવા માટે લોકો વલખાં મારી રહ્યાં હતાં. થોડું પાણી મળશે?... કોઈ એક ઘૂંટડો પાણી આપો... ચારે બાજુથી લોકોની હકડેઠઠ ભીડ જામી હતી. આ તરફ ઝૂંસીથી લોકો આવી ગયા, પેલી તરફ શાસ્ત્રી પુલથી લોકો ઊતરી આવ્યા. પાછળની બાજુથી લોકો આવી પહોંચ્યા. શ્વાસ રુંધાઈ જાય, એવી રીતે લોકો ભીંસાઈ રહ્યા હતા.

જ્યારે બેકાબૂ બનેલી ભીડ માટે દાસ ધર્મશિબિરનાં દ્વાર ખોલી દેવાયાં, તો ગણતરીની મિનિટોમાં જ હજ્જારો લોકો તેમાં ઘૂસી ગયા.

અર્પિત મહારાજ કહે છે, "એક મહિલાએ તેનું બાળક ફેંકતાં કહ્યું - ગુરુજી, મારા બાળકને બચાવી લો. આવી મુશ્કેલ સ્થિતિમાં અમે સેંકડો લોકોની મદદ કરી હતી."

'ખુલ્લા આકાશની નીચે પણ શ્વાસ લેવાતો નહોતો'

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, અર્પિત મહારાજ

નિશાનસિંહ પણ આ જ શિબિરમાં રહીને કુંભમાં આવનારા ભાવિક ભક્તોની સેવા કરે છે. તે રાતે તેઓ પણ ભીડમાં ફસાઈ ગયા હતા.

નિશાનસિંહ તે ઘટના વર્ણવે છે, "સ્ત્રીઓ આક્રંદ કરી રહી હતી - બચાવો.. બચાવો... કોઈ અમને બહાર કાઢો. અમારા ગુરુ સંત ત્રિલોચન દર્શન દાસે કહ્યું, તેમને અંદર આવવા દો, કશો વાંધો નહીં."

દાસ શિબિરમાં જ સેવા કરી રહેલા અશોક ત્યાગીના જણાવ્યા પ્રમાણે, "ખુલ્લા આકાશ નીચે પણ શ્વાસ લઈ શકાતો ન હતો... આવું દૃશ્ય પહેલી વાર જોયું. લોકો તેમનાં જૂતાં, ચંપલ, બેગ, જે પણ સામાન હતો, તે બધો છોડી ગયા. સૌ જીવ બચાવવામાં પડ્યા હતા."

તે દૃશ્ય આંખોમાં આંસુ લાવી દે છે

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, નિશાનસિંહે બીબીસી સમક્ષ નાસભાગની આપવીતી વર્ણવી હતી

અહીં સેક્ટર-21નું કચરા ટ્રાન્સફર સ્ટેશન આવેલું છે. હજુયે તે કચરામાં આવેલાં જૂતાં-ચંપલો, કપડાંથી ભરેલું છે. કચરો લઈ જતી ટ્રક ચલાવનારા શિવનાથ 29મી જાન્યુઆરીની સવારનું દૃશ્ય યાદ કરતાં ભાવુક થઈ જાય છે અને તેમની આંખો ભરાઈ આવે છે.

શિવનાથ કહે છે, "ત્યાં હાલત અત્યંત ખરાબ હતી. નીચે પડી ગયેલા લોકો નિષ્પ્રાણ જણાઈ રહ્યા હતા. અહીં હાજર પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. કોઈ તેના કાકાને, તો કોઈ મા-બાપને શોધી રહ્યું હતું. કોઈની પત્ની ગૂમ થઈ ગઈ હતી, તો કોઈનો ભાઈ મળતો ન હતો... કોઈ ન મળ્યું, સર."

આ ઘટનાના ઘણા સાક્ષીઓએ અહીં અનેક મૃતદેહો જોયા હોવાનો બીબીસી સમક્ષ દાવો કર્યો છે. એક સાક્ષીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, તેમણે એક જ જગ્યાએ ચાર મૃતદેહ પડેલા જોયા હતા.

તો, કચરા ગાડી ચલાવતા ચંદ્રભાન આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી ત્રણ દિવસ સુધી ભીડમાં લોકોનો છૂટી ગયેલો સામાન જ કચરામાં લઈ ગયા હતા.

'લોકો ગુમનામીમાં મરી રહ્યા છે'

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, આશુતોષ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ઘટનાસ્થળેથી દોઢેક કિલોમીટરના અંતરે નગીના મિશ્રનું ઘર આવેલું છે. તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે, મળસ્કે ચાર વાગ્યે નગીના ભીડમાં ફસાઈ ગયા અને ઘરે પરત ન ફરી શક્યા. તેમના દિયર ગણેશચંદ્ર મિશ્ર તે સમયે તેમની સાથે હતા. ભીડનું દૃશ્ય યાદ કરતાં આજે પણ તેમની આંખો ભીની થઈ જાય છે.

ગણેશચંદ્ર મિશ્ર કહે છે, "લોકો એકબીજાની ઉપર ચઢી ગયા હતા. જે લોકો નીચે પડી જાય, તે પાછા ઊભા નહોતા થઈ શકતા. મારાં ભાભી પડી ગયાં અને પછી ઊભાં ન થઈ શક્યાં. તેમને ઊભા થવામાં મદદ કરવા જતાં હું પણ પડી ગયો. હું 100 અને 112 નંબર પર ફોન લગાવતો રહ્યો. સામે છેડેથી વારંવાર મારું લોકેશન મેળવવામાં આવી રહ્યું હતું, પણ મદદ માટે કોઈ ન ફરક્યું."

ગણેશચંદ્ર મિશ્રે સવારે લગભગ છ વાગ્યે જેમ-તેમ કરીને ઘરે સંપર્ક સાધ્યો. તેમના પુત્ર અને મિત્ર તેમને લેવા માટે આવ્યા, ત્યારે બપોરે એક વાગ્યા સુધીમાં મહા મુસીબતે તેમનાં ભાભીનો મૃતદેહ લઈને નીકળી શક્યા.

ગણેશચંદ્ર કહે છે કે, જો તેમણે તેમનાં ભાભીના મૃતદેહને સાચવ્યો ન હોત, તો મૃતદેહ મળવો કે ઓળખી શકવો અશક્ય થઈ ગયો હોત. સરકાર તો ઓળખ જ નથી કરતી કે આ લોકો ત્યાં મર્યા છે. લોકો ગુમનામીમાં મરી રહ્યા છે. આ મોત ત્યાં જ નીપજ્યાં છે.

તેઓ જણાવે છે, "અમારી પાસે તમામ પુરાવા છે, પણ સરકાર કેવળ સંગમઘાટના સ્થળને જ ઓળખ કરી રહી છે."

ગણેશ મિશ્રના પુત્ર આશુતોષ તેમના મિત્રોને લઈને કાકીનો મૃતદેહ લેવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, "ત્યાં કોઈ સરકારી મદદ ન મળી. ઍમ્બ્યુલન્સ પણ ન મળી કે બીજી કોઈ મદદ મળી નહીં. જો મેડિકલની આટલી સુવિધા છે, તો મેડિકલ સહાય શા માટે ન મળી?"

ઍમ્બુલન્સ અને પોલીસની ગાડી ભીડમાં ફસાઈ ગઈ હતી

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, ઐરાવત દ્વાર પાસે નાસભાગ

ગણેશ મિશ્રનો દાવો છે કે, એક મહિલા પોલીસકર્મી વારંવાર ઉચ્ચ અધિકારીઓ અને કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને અહીં પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહી હતી, પણ સામે છેડેથી ન તો કોઈ જવાબ આવ્યો, ન કોઈ મદદ.

આ મહિલાકર્મી કાર ઉપર ચઢીને મદદ માગી રહી હોવાના ઘણા વીડિયો સામે આવ્યા છે. ઘણા સાક્ષીઓએ બીબીસીને જણાવ્યું છે કે, ત્યાં કોઈ પણ પ્રકારની મદદ પહોંચાડાઈ ન હતી.

જોકે, બીબીસીએ તે દિવસના સવારના પોણા અગિયાર વાગ્યાના ઘણાં ડ્રોન ફૂટેજ જોયાં છે, જેમાં ઍમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ભીડમાં ફસાયેલી જોઈ શકાય છે.

તે દિવસે ઐરાવતમાર્ગ પર શું થયું હતું?

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

સમુદ્રકૂપ (ઊલટા કિલા ચોક)થી આશરે એક કિલોમીટર દૂર ઐરાવતમાર્ગ પર પણ મૌની અમાસના દિવસે નાસભાગની સ્થિતિ ઉદ્ભવી હતી. બીબીસીએ તેના ઘણા વીડિયો જોયા અને બનાવ નજરે જોનારા લોકોએ ત્યાં પણ ઘણી જાનહાનિ થઈ હોવાનો દાવો કર્યો છે.

ઘટનાસ્થળે હાજર એક મહિલાએ બીબીસીને જણાવ્યું હતું, "અહીં ઘણાં લોકો માર્યા ગયાં હતાં. અમે માંડ જીવ બચાવ્યો હતો."

બીબીસીએ ઐરાવત દ્વાર પાસે રેકૉર્ડ થયેલો એક વીડિયો જોયો, જેમાં ચારેક મૃતદેહ જોઈ શકાય છે. એ વીડિયો તે દિવસે સવારે સવા સાત વાગ્યે રેકૉર્ડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાં હાજર એક સાક્ષીએ રાત અને મૌની અમાસની સવારની સ્થિતિ વિશે બીબીસીને જણાવ્યું હતું, "અહીં એટલી ભીડ જમા થઈ ગઈ હતી, કે વાત ન પૂછો. હદ બહારનો માનવ મહેરામણ એકઠો થયો હતો. તમે અમારી બાઉન્ડરીની ટીનની હાલત જોઈ લો. પબ્લિક તોડફોડ કરીને ઘૂસી ગઈ હતી. રાતે માલૂમ ન પડ્યું. સવાર થતાં ખબર પડી કે, ઘણા લોકો મોતને ભેટ્યા હતા અને ઈજા પામ્યા હતા."

વહીવટીતંત્ર શું કહે છે?

કુંભમેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ, શાહીસ્નાન, અન્ય બે સ્થળોએ પણ નાસભાગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

વહીવટીતંત્ર કહે છે કે, 29મી જાન્યુઆરી, એટલે કે મૌની અમાસના દિવસે સંગમઘાટ સિવાય બીજી જે જગ્યાઓ પર દુર્ઘટના અને જાનહાનિ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તેની તપાસ ચાલી રહી છે.

મેળા અધિકારી વિજય કિરણ આનંદે બીબીસી સાથે ફોન પર વાત કરતાં જણાવ્યું, "સંગમઘાટની જે ઘટના બની, તે વિશે અમે મીડિયામાં જણાવી ચૂક્યા છીએ. બાકીની જગ્યાઓ પર જે મોત નીપજ્યાં છે... તેની પુષ્ટિ કરવામાં આવી રહી છે. કેવી રીતે મોત નીપજ્યાં, તેની માહિતી તેમનાં સ્વજનોને મળીને એકઠી કરવામાં આવી રહી છે."

તે પછી વિજય કિરણ આનંદને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળતાં કહ્યું હતું કે, તેઓ ફોન પર જવાબ આપી ચૂક્યા છે.

અમે તેમને સવાલ કર્યો કે, મૌની અમાસના દિવસે શું ધાર્યા કરતાં વધુ ભીડ એકઠી થઈ ગઈ હતી? પણ તેનો જવાબ આપવાનું પણ તેમણે ટાળ્યું હતું.

યુપી સરકારે મૌની અમાસના દિવસે દસ કરોડ લોકોના આગમનનો અંદાજ આંક્યો હતો.

કુંભ વહીવટીતંત્રે મૌની અમાસના દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં જ છ કરોડ જેટલા લોકોએ સ્નાન કર્યાના આંકડા પણ પ્રસિદ્ધ કર્યા હતા.

ઉત્તર પ્રદેશ સરકારે કુંભ દરમિયાન થયેલી નાસભાગમાં મોતને ભેટેલા મૃતકોના સ્વજનોને પચ્ચીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.

મૌની અમાસના દિવસે જીવ ગુમાવનારા ઘણા લોકોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે, પરંતુ હજીયે ઘણાં સગાં-વહાલાંને તેમનાં સ્વજનો સાથે તે દિવસે શું થયું હતું, તેનો જવાબ મળ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.