ગુજરાતીઓની અમેરિકાથી વાપસી : કોલંબિયાની જેમ ભારતે પોતાનું વિમાન કેમ ન મોકલ્યું, લોકોને હાથકડી પહેરાવીને કેમ લવાયા?

ઇમેજ સ્રોત, EPA/PIB/Reuters
- લેેખક, અંશુલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"તેમણે અમને હાથકડી પહેરાવી. અમને જણાવાયું કે તેઓ અમને વેલકમ સેન્ટર લઈ જવાના છે. પરંતુ થોડા સમય પછી અમારી સામે સેનાનું વિમાન ઊભું હતું."
18 વર્ષના ખુશપ્રીતસિંહે અમેરિકાથી ભારત પહોંચ્યા વાત આ વાત જણાવી હતી.
હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ખુશપ્રીતસિંહ છ મહિના અગાઉ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરીને અમેરિકા ગયા હતા. હવે અમેરિકન સરકારે તેમને ગેરકાયદે માઇગ્રન્ટ ગણાવીને તેમને ભારત પરત મોકલી દીધા છે.
અમેરિકામાં આવી વર્તણૂક થઈ હોય તેવા ખુશપ્રીત એકમાત્ર વ્યક્તિ નથી. બુધવારે 104 ભારતીયો (33 ગુજરાતીઓ સહિત) અમેરિકાની આર્મીના વિમાનથી ભારત પહોંચ્યા હતા. મોટા ભાગના લોકોની કહાણી ખુશપ્રીતના અનુભવો સાથે મેળ ખાય છે.
ભારતીયો સાથે થયેલા આ વર્તાવ વિશે સંસદમાં સવાલ ઊઠ્યા હતા. કૉંગ્રેસ તરફથી જણાવાયું હતું કે "કોલંબિયા જેવો નાનકડો દેશ અને તેના રાષ્ટ્રપતિ અમેરિકાને આંખ દેખાડી શકે છે, તો પછી ભારત સરકાર કેમ નહીં?"
કોલંબિયાએ પોતાના નાગરિકોને પરત મોકલવાનો ખૂલીનો વિરોધ કર્યો હતો. જ્યારે ભારતમાં ડિપૉર્ટેશનને વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા ગણાવાઈ છે.
કોલંબિયા વળતી કાર્યવાહી કરશેઃ રાષ્ટ્રપતિ પેટ્રોની ચેતવણી

ઇમેજ સ્રોત, X/@PETROGUSTAVO
કોલંબિયા દક્ષિણ અમેરિકા ખંડમાં ફેલાયેલો એક દેશ છે, જેનો કેટલોક ભાગ ઉત્તર અમેરિકામાં પણ આવે છે. કોલંબિયાની સરહદે પનામા-કોલંબિયા વચ્ચે અત્યંજ જોખમી ગણાતો જંગલી વિસ્તાર ડૅરિયન ગૅપ પણ આવેલ છે.
આ દક્ષિણ અમેરિકાને મધ્ય અમેરિકા સાથે જોડતો એકમાત્ર જમીની રસ્તો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુનિયાભરના ગેરકાયદે માઇગ્રન્ટ્સ અમેરિકામાં ઘૂસવા માટે પોતાનો જીવ જોખમમાં નાખીને આ રસ્તાનો ઉપયોગ કરે છે.
અમેરિકામાં વધતા ગેરકાયદે માઇગ્રેશનના કારણે ડૅરિયન ગૅપ અને કોલંબિયા ચર્ચામાં રહે છે.
તાજેતરમાં અમેરિકાએ કોલંબિયાના લોકોને પરત મોકલ્યા ત્યારે રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કડક વલણ અપનાવ્યું હતું.
જાન્યુઆરીમાં અમેરિકાએ કોલંબિયાના નાગરિકોને સૈન્યવિમાનથી પાછા મોકલ્યાં, ત્યારે ગુસ્તાવો પેટ્રોએ તેને પોતાના દેશમાં ઊતરવા દીધું ન હતું.
રાષ્ટ્રપતિ પેટ્રોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના સાથીઓ નાગરિકોને સામાન્ય (નાગરિક) વિમાનમાં આવશે અને તેમની સાથે અપરાધીઓ જેવો વ્યવહાર નહીં કરે.
કોલંબિયાની આ જાહેરાતથી ડોનાલ્ડ ટ્રમ્પ એટલા નારાજ થયા કે તેમણે કોલંબિયા પર વધુ 25 ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે કોલંબિયાથી અમેરિકામાં આવતી તમામ ચીજો પરથી ટેરિફ તાત્કાલિક લાગુ કરવામાં આવશે. તેમણે એક અઠવાડિયામાં ટેરિફનો દર 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી.
પેટ્રોએ જણાવ્યું કે કોલંબિયા પણ તેની સામે વળતી કાર્યવાહી કરશે.
ત્યાર પછી વ્હાઇટ હાઉસે જણાવ્યું કે કોલંબિયા હવે અમેરિકન સૈન્યવિમાનોમાં આવતા માઇગ્રન્ટને સ્વીકારવા માટે સહમત થઈ ગયું છે. તેથી અમેરિકા ટેરિફ લાગુ નહીં કરે.
બંને દેશોના રાજનીતિજ્ઞો વચ્ચે એક સમજૂતી થઈ જેના હેઠળ કોલંબિયાએ માઇગ્રન્ટ્સને લાવવા માટે વાયુસેનાનાં વિમાનો મોકલ્યાં હતાં.
પેટ્રોએ જણાવ્યું કે આ પ્રક્રિયાથી પ્રવાસીઓ સાથે 'સન્માનજનક' વ્યવહાર થશે તે નિશ્ચિત થયું.
પેટ્રોએ ઍક્સ પર લખ્યું, "તેઓ કોલંબિયન છે, સ્વતંત્ર અને સન્માનિત છે. તેઓ પોતાની માતૃભૂમિમાં છે જ્યાં તેમને પ્રેમ કરવામાં આવે છે."
તેમણે હાથકડી પહેર્યાં વગર વિમાનમાંથી ઊતરતા માઇગ્રન્ટ્સની તસવીરો પણ પોસ્ટ કરી હતી.
ભારતમાં કોલંબિયાનો ઉલ્લેખ કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ ભારતીયોને જે રીતે મોકલવાનો વીડિયો જાહેર કર્યો તેના કારણે ભારતના લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં ભારતીયો મોઢાં પર માસ્ક, હાથમાં હાથકડી અને પગમાં સાંકળો બાંધેલાં જોવાં મળ્યાં હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સ બૉર્ડર પેટ્રોલના વડા માઇકલ ડબલ્યૂ બેન્ક્સે વીડિયોની સાથે પોતાની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ભારતના ગેરકાયદે ઍલિયન્સને સફળતાપૂર્વક પરત મોકલી દેવાયા છે. અમે ઇમિગ્રેશનના નિયમોને લઈને પ્રતિબદ્ધ છીએ. તમે ગેરકાયદો આવશો તો અમે તમને આ રીતે જ પાછા મોકલવાના છીએ."
કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલાએ સરકારને સવાલ કર્યો કે, "આ વ્યવહાર માનવીય છે કે પછી આતંકવાદીઓ જેવો છે?"
સુરજેવાલાએ રાજ્યસભામાં જણાવ્યું હતું, "આજે રાજનીતિથી ઉપર ઊઠીને ભારતમાતા અને 140 કરોડ ભારતીયોની છાતી વીંધાઈ ગઈ છે. હાથમાં હાથકડી, પગમાં બેડીઓ અને ઘવાયેલું સ્વાભિમાન. કોલંબિયા જેવો નાનકડો દેશ અમેરિકાને લાલ આંખ દેખાડી શકતો હોય તો તમે કેમ નહીં?"
આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે પૂછ્યું કે શું ભવિષ્યમાં પોતાનું વિમાન મોકલીને ભારતીય નાગરિકોને પરત લાવવાની કોઈ યોજના છે?
વ્યૂહાત્મક બાબતોના જાણકાર બ્રહ્મા ચેલાણીએ ઍક્સ પર લખ્યું છે કે ભારતે અમેરિકાનો આ વ્યવહાર સ્વીકારવો જોઈતો ન હતો.
ચેલાણીએ લખ્યું છે, "મૅક્સિકો અને કોલંબિયાએ પોતાના માઇગ્રન્ટ્સને હાથકડી પહેરાવીને સૈન્યવિમાનથી મોકલવાનો સ્વીકાર કર્યો ન હતો. કોલંબિયાએ અમાનવીય વ્યવહારથી બચવા માટે પોતાનું વિમાન મોકલ્યું હતું. પરંતુ ભારતે સેનાના વિમાનમાં હાથકડી પહેરીને આવેલા ભારતીયોને અપનાવ્યા. એટલું જ નહીં, ભારતે જાહેરાત કરી કે ગેરકાયદે પ્રવાસીઓના મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે બહુ મજબૂત સહયોગ છે."
આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
જયશંકરે જણાવ્યું કે, "ડિપૉર્ટેશનની પ્રક્રિયામાં કંઈ નવું નથી. આ વર્ષોથી ચાલતું આવે છે. અમે અમેરિકન સરકાર સાથે વાત કરીએ છીએ કે જેમને પરત મોકલવાના છે તેમની સાથે ફ્લાઇટમાં કોઈ અમાનવીય વ્યવહાર થવો ન જોઈએ."
અમેરિકામાં અગાઉની સરકાર વખતે પણ લાખો લોકોને ડિપૉર્ટ કરાયા હતા.
સત્તાવાર આંકડા મુજબ અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટે 2018થી 2023 વચ્ચે લગભગ 5477 ભારતીયોને અમેરિકામાંથી ડિપૉર્ટ કર્યા હતા. વર્ષ 2020માં સૌથી વધુ 2300 ભારતીયોનું યુએસમાંથી ડિપૉર્ટેશન થયું હતું.
2024માં સપ્ટેમ્બર મહિના સુધીમાં 1000 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા.
શું ભારત કોઈ પગલું લઈ શકે તેમ હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કોલંબિયાએ અમેરિકા સાથે જેવું વર્તન કર્યું તેવું વર્તન ભારત પણ કરી શકે એમ હતું?
ડૉ. મનન દ્વિવેદી ઇન્ડિયન પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
મનન દ્વિવેદી કહે છે, "ભારતની કોલંબિયા સાથે સરખામણી કરતાં પહેલાં આપણે બંને દેશો સાથે અમેરિકાના સંબંધોને સમજવા જોઈએ. કોલંબિયામાં પહેલી વખત ડાબેરી સરકાર સત્તા પર છે."
"ટ્રમ્પ અગાઉ બાઇડનના સમયમાં બંને દેશો વચ્ચે ઉતાર-ચઢાવ અને મતભેદ જોવા મળ્યા હતા. તેનાથી વિપરીત ભારત હંમેશાંથી અમેરિકાની સાથે પોતાના સંબંધોને આગળ લઈ જવા પર ભાર મૂકે છે. તમારે અમેરિકા સાથે સારા સંબંધો રાખવા હોય તો તમારે તેની વાત માનવી પડે."
વિદેશમંત્રી જયશંકરનું કહેવું છે કે અમેરિકામાં વિમાન દ્વારા ડિપૉર્ટેશનની પ્રક્રિયા 2012થી અમલમાં છે. જયશંકરે તેના વિશે આંકડા પણ આપ્યા હતા.
વિદેશમંત્રીએ જણાવ્યા મુજબ વર્ષ 2012થી 2025 સુધીમાં 15 હજારથી વધારે ભારતીયોને ડિપૉર્ટ કરવામાં આવ્યા છે.
જેએનયુના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અપરાજિતા કશ્યપ કહે છે કે ભારત અને કોલંબિયાના વળતરમાં તફાવત છે, કારણ કે બંને દેશોની સ્થિતિ અલગ છે.
પ્રોફેસર કશ્યપ જણાવે છે કે "કોલંબિયા કરતાં ભારતનું વલણ અલગ છે, કારણ કે બંને દેશોના સામાજિક, રાજકીય અને ભૌગોલિક દૃષ્ટિકોણ અલગ છે. આ મામલે નિર્ણયો લેવામાં તેની ભૂમિકા હોય છે."
"ભારત તરફથી સાવચેતીપૂર્વકનું નિવેદન એટલા માટે અપાયું હતું કે ભારત કોલંબિયાની જેમ અમેરિકન પ્રતિક્રિયાનો સામનો કરવા ઇચ્છતું નથી. તેનું એક કારણ કોલંબિયાની સરકારની વિચારધારા પણ છે. ગુસ્તાવો પેટ્રો કોલંબિયામાં પ્રથમ ડાબેરી ઝોક ધરાવતા રાષ્ટ્રપતિ છે. આ વિચારધારા ટ્રમ્પ સરકારને અનુરૂપ નથી."
ભારતીય સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અને કાનૂની નિષ્ણાત ડૉ. સુરતસિંહ માને છે કે "હાથોમાં હાથકડી પહેરાવવી અને પગમાં જંજીરો નાખવી" એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે.
ડૉ. સુરતસિંહ કહે છે, "ભારતની સરખામણીમાં કોલંબિયાનું વલણ વધુ સારું હતું. બળજબરીથી અહીં લાવવા કરતા પોતાના નાગરિકોને સન્માનપૂર્વક લાવવામાં આવે તે વધુ યોગ્ય છે. ટ્રમ્પ જ્યારે ધમકાવતા હતા ત્યારે ભારત સરકારે તેની સાથે વાતચીત કરવાની અને વધુ સમય માગવાની જરૂર હતી."
"ભારતીયોને પગમાં સાંકળોથી બાંધીને અહીં લાવવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની સંધિઓની વિરુદ્ધ છે. કોઈ ભાગવાનો પ્રયાસ કરે અથવા બળનો ઉપયોગ કરે ત્યારે જ બળજબરી કરવાની હોય. વિમાનમાં લાવવાના હતા ત્યારે આની શી જરૂર હતી?"
ટ્રમ્પને 'આંખો દેખાડનાર' પેટ્રો કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુસ્તાવો પેટ્રો વર્ષ 2022માં જમણેરી રાજકારણીઓને હરાવીને પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા.
પેટ્રોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રોડોલ્ફો હર્નાંડેઝને હરાવ્યા અને કોલંબિયામાં પ્રથમ ડાબેરી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા.
કોલંબિયામાં કેટલાય દાયકાથી ઉદારવાદીઓ અને રૂઢિવાદીઓ સત્તા પર રહ્યા હતા, પરંતુ પેટ્રોની જીત એ રાજનીતિમાં મોટા ફેરફારના સંકેત હતા.,
ટ્રમ્પ વિરુદ્ધ તેમણે જે વલણ અપનાવ્યું તેની ઝલક તેમના રાજકીય બૅકગ્રાઉન્ડમાં પણ જોવા મળે છે.
રાષ્ટ્રપતિ પેટ્રોએ 26 જાન્યુઆરીએ ઍક્સ પર લખ્યું હતું, "માઇગ્રન્ટ એ કોઈ અપરાધી નથી. તેની સાથે એક માનવી જેવો જ વ્યવહાર થવો જોઈએ. તેથી મેં કોલંબિયાના માઇગ્રન્ટને લઈને આવતા અમેરિકન સેનાના વિમાનને પાછું મોકલાવી દીધું."
64 વર્ષીય પેટ્રો 1980ના દાયકામાં 19 એપ્રિલ આંદોલન (એમ-19 મૂવમેન્ટ)ના સભ્ય હતા. આ કોલંબિયાનું શહેરી ગોરીલા આંદોલન હતું જેમાંથી અંતે રાજકીય પાર્ટી (એમ-19 ડેમૉક્રેટિક ઍલાયન્સ)ની રચના થઈ હતી.
એમ-19 આંદોલન દરમિયાન તેમના પર ગેરકાયદે હથિયારો રાખવાનો આરોપ લાગ્યો અને તેમણે જેલ જવું પડ્યું હતું.
થોડા સમય પછી તેઓ જેલમાંથી મુક્ત થયા અને 1991માં સંસદીય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.
થોડા વર્ષો પછી 2006ના કોલંબિયન સંસદીય ચૂંટણી પછી પેટ્રો ઓલ્ટરનેટિવ ડેમૉક્રેટિક પોલ (પીડીએ) પાર્ટીના સભ્ય તરીકે કોલંબિયન સૅનેટ માટે ચૂંટાયા હતા.
વૈચારિક મતભેદોના કારણે તેમણે પીડીએ છોડી દીધું અને હ્યુમન કોલંબિયા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર પછી 2011માં તેઓ બોગોટા શહેરના મેયર બન્યા અને 2015 સુધી આ પદ પર રહ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












