નરેન્દ્ર મોદી vs કેજરીવાલ: ચૂંટણી પહેલાંનો એ માસ્ટર સ્ટ્રોક જેની સામે કેજરીવાલ હારી ગયા

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે જેમાં અરવિંદ કેજરીવાલની સત્તાધારી આમ આદમી પાર્ટીનો પરાજય થયો છે. કેજરીવાલે પોતાના પરાજયનો સ્વીકાર કર્યો છે અને ભાજપને અભિનંદન પણ પાઠવી દીધા છે.

કેજરીવાલે કહ્યું કે, "અમે જનાદેશ સ્વીકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે ભાજપ પોતાનાં વચનો પાળશે."

તેમણે દાવો કર્યો કે, "અમે આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં ક્ષેત્રમાં છેલ્લાં 10 વર્ષમાં ઘણાં કામો કર્યાં છે."

વાસ્તવમાં આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એવા કેટલાંક કારણો જવાબદાર હતાં જેના કારણે ભાજપનો હાથ ઉપર રહ્યો છે અને આમ આદમી પાસે તેનો કોઈ જવાબ ન હતો.

ચૂંટણીના થોડા જ દિવસો અગાઉ ભાજપે એવા કેટલાક નિર્ણયો લીધા જેના કારણે મતદારોનો એક મોટો વર્ગ ભાજપની તરફેણમાં આવી ગયો એવું જાણકારોનું માનવું છે.

અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એવા માસ્ટર સ્ટ્રોકની વાત કરીએ જેના કારણે કેજરીવાલ સત્તામાં ન ટકી શક્યા.

1. આઠમા પગાર પંચની રચના

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લગભગ બે અઠવાડિયાંનો સમય બાકી હતો ત્યારે કેન્દ્ર સરકારે પગારપંચની રચનાની જાહેરાત કરી હતી.

ભાજપનો આ સૌથી મહત્ત્વનો નિર્ણય હતો તેવું માની શકાય. આ પંચની ભલામણો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ લાગુ પડવાની છે.

દિલ્હીમાં પગારદાર વર્ગ પર આ જાહેરાતની પોઝિટિવ અસર થઈ હશે તેવું માનવાને પૂરતાં કારણો છે.

નવા પગારપંચની રચનાથી કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓના વેતન અને 65 લાખ પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને સાતમા પગારપંચ પ્રમાણે પગાર અને પેન્શન મળે છે, જેની ભલામણો પહેલી જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી.

2026માં સાતમા પગારપંચની મુદત પૂરી થશે.

પગારપંચની રચનાની જાહેરાત પછી હવે એક પૅનલની નિમણૂક કરાશે જે લગભગ 11 મહિનાની અંદર સરકારને પોતાની ભલામણો સોંપશે.

એક અંદાજ એવો છે કે આઠમા પગારપંચમાં લઘુતમ વેતન 18,000 રૂપિયાથી વધીને 34,560 કરવામાં આવશે અને લઘુતમ પેન્શન 9000થી વધીને 17,280 થશે.

મોટા ભાગના કામદાર સંઘોએ આઠમા પગારપંચની રચનાની વાતને આવકાર આપ્યો હતો અને દિલ્હીની ચૂંટણીમાં આ જાહેરાતે ભાજપને મોટો ફાયદો કરાવ્યો હોય તેવી શક્યતા છે.

2. ઇન્કમટૅક્સમાં રાહત

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં મતદાન થયું તેનાથી માંડ ચાર દિવસ અગાઉ કેન્દ્રીય બજેટ આવ્યું હતું જેમાં એક એવી જાહેરાત થઈ જેણે પગારદાર વર્ગ પર મોટો પ્રભાવ પાડ્યો હોય તેવું લાગે છે.

ભારતમાં પગારદાર વર્ગ પર ઇન્કમટૅક્સનો મોટો બોજ છે તેવી ફરિયાદ વચ્ચે નાણામંત્રીએ જાહેરાત કરી કે વાર્ષિક 12 લાખ રૂપિયાના પગાર પર કોઈ આવકવેરો નહીં લાગે.

75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને ગણતરીમાં લેવામાં આવે તો પગારદાર વર્ગ માટે તો 12.75 લાખ રૂપિયા સુધીની આવક આવકવેરા મુક્ત થઈ ગઈ છે.

દિલ્હીમાં પગારદાર અને પેન્શનરોનો એક મોટો વર્ગ વસે છે જેમના પર આ જાહેરાતની ખાસ અસર પડી હોય તેમ લાગે છે. વિધાનસભાની ચૂંટણીમાં બજેટની ટૅક્સ રાહતે પણ ભાજપ માટે માહોલ જમાવ્યો હોય અને આમ આદમી પાર્ટીને તેનો ફટકો પડ્યો હોય તેવી શક્યતા છે.

અત્યાર સુધી સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઇન્કમટૅક્સ મુક્ત હતી, તેને વધારીને 12 લાખ કરવામાં આવી તેના કારણે એક મોટો વર્ગ આવકવેરાની જાળમાંથી બહાર આવી ગયો. આ જાહેરાતે દિલ્હીની ચૂંટણીમાં ભાજપને મદદ કરી હોય તેવું જાણકારોનું કહેવું છે.

3. મિડલ ક્લાસના મતદારો પર ફોકસ

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપે આ વખતે મધ્યમ વર્ગના મતદારોને લક્ષ્યમાં રાખીને પોતાની રણનીતિ બનાવી હતી તેવું નિષ્ણાતોનું માનવું છે.

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તાને બીબીસીને જણાવ્યું કે,"દિલ્હીમાં એક મોટો વર્ગ મિડલ ક્લાસ અને સરકારી કર્મચારીઓનો છે. સાથે સાથે દલિતોની એક મોટી જનસંખ્યા પણ છે."

તેમણે કહ્યું કે "આમ આદમી પાર્ટી હારવાનું સૌથી મોટું કારણ એ છે કે તે આમ આદમી પાર્ટી નથી રહી."

"બીજી ચૂંટણીઓની તુલનામાં આ વખતની ચૂંટણી અલગ છે કારણ કે લોકો આ વખતે કહેતા હતા કે 'અમે સન્માન અને સુરક્ષા માટે' વોટ કરી રહ્યા છીએ. અગાઉની ચૂંટણીમાં આવું જોવા મળતું ન હતું. આ વખતે સત્તાવિરોધી લહેરનો માહોલ હતો જેનો મહત્તમ ફાયદો લેવામાં ભાજપ સફળ રહ્યો."

વરિષ્ઠ પત્રકાર રવિન્દર બાવાએ બીબીસીને જણાવ્યું કે, "કેજરીવાલે દિલ્હીવાસીઓને જે વચનો આપ્યાં હતાં તેને ચાલુ રાખવાનું ભાજપે વચન આપ્યું છે. મહિલાઓને મળતી ફ્રી બસ સેવા યથાવત્ રાખવાની વાત કરી છે. તેના કારણે મહિલા મતદારોએ પણ ભાજપનો વોટ આપ્યો હોઈ શકે છે."

તેમણે કહ્યું કે, "ડબલ એન્જિનની સરકાર ફાયદાકારક હોય છે તેવી વાત લોકોના મનમાં ઉતારવામાં આવી હતી."

નિષ્ણાતોના કહેવા મુજબ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની તરફેણમાં આઠથી સાડા આઠ ટકાનો સ્વીંગ જોવા મળ્યો છે, જે અગાઉની બે ચૂંટણીમાં જોવા મળ્યો ન હતો.તેથી મધ્યમવર્ગના મતદારો ભાજપની ફેવરમાં ગયા હોય તેવું જણાય છે.

4. ભાજપનું માઇક્રૉમૅનેજમેન્ટ

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપને માઇક્રૉમૅનેજમેન્ટનીની બાબતમાં કોઈ હરાવી શકે તેમ નથી.

તેમણે કહ્યું કે "આમ આદમીએ અત્યાર સુધી એવું નેરેટિવ રચ્યું હતું કે અમે કામ કરવા માગીએ છીએ, પરંતુ આ લોકો(ભાજપ) અમને કામ કરવા દેતા નથી. લોકોને લાગ્યું કે વધુ પાંચ વર્ષ તમને જનમત આપીશું તો પણ તમે કામ નહીં કરો. તેથી મતદારોને લાગ્યું કે ચાલો આ વખતે આપણે ભાજપને મત આપીએ."

શરદ ગુપ્તાએ કહ્યું કે ભાજપ એક-એક વોટરને નક્કી કરે છે અને તેને બૂથ સુધી લઈ જાય છે.

5. કેજરીવાલ પર દબાણ

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

પંજાબ યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર આશુતોષકુમાર કહે છે "કેજરીવાલની ભ્રષ્ટાચાર વિરોધી હોવાની છબિને નુકસાન થયું છે. પરંતુ ભારતના મતદારો માટે આ કોઈ મોટો મુદ્દો નથી."

તેઓ કહે છે કે, "ગરીબો કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે તેવી અપેક્ષા કેવી રીતે રાખવી. કેજરીવાલને તો મધ્યમવર્ગે પણ સાથ નથી આપ્યો. દિલ્હીના પૉશ વિસ્તારોમાં વસતા મધ્યમવર્ગને પહેલેથી લાગતું હતું કે તેમના ટૅક્સના રૂપિયા સબસિડીમાં જાય છે. તેમને પહેલેથી ફ્રીમાં બસ સેવા, વીજળી, પાણી વગેરેમાં ખાસ રસ ન હતો."

આશુતોષકુમારનું કહેવું છે કે "દિલ્હીમાં ધાર્મિક અને રાજકીય ઓળખનું કોઈ જોર રહેતું નથી. કેજરીવાલે ગરીબોના મુદ્દાની રાજનીતિ શરૂ કરી હતી. પરંતુ ગરીબોનો ભરોસો જ જ્યારે ડગમગવા લાગ્યો ત્યારે તેમના માટે મુશ્કેલી તો પેદા થવાની જ હતી."

"ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલ કેટલાય મહિના સુધી જેલમાં રહ્યા અને કેટલીક શરતો સાથે જામીન પર બહાર આવ્યા હતા. તેઓ મુખ્ય મંત્રીની ઑફિસે જઈ શકે તેમ ન હતા તેથી રાજીનામું આપવું પડે તે સ્વભાવિક હતું."

6. અન્ય કારણો

બીબીસી ગુજરાતી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ ભાજપ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આપના વોટ કાપવાનું કામ કર્યું એવું માનવામાં આવે છે

આપના સૌથી મોટા નેતા પર કથિત શરાબ ગોટાળામાં સામેલ હોવાના આરોપો લાગ્યા હતા જે તેની હારનું એક કારણ ગણવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર રુપ શ્રીનંદા કહે છે કે, "આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે શરૂઆતમાં વચન આપ્યું હતું કે તેઓ સ્વચ્છ રાજનીતિ કરશે, પારદર્શક રાજનીતિ કરશે, આજે એક પ્રકારે તે રાજનીતિનો અંત આવ્યો છે."

"તેમણે જે આશાઓ આપી હતી તે આજે ખતમ થઈ છે. આમ આદમી પાર્ટીના ઘણા ટોચના નેતાઓ હારી ગયા તે એક બહુ મોટી વાત છે."

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણીમાં હારી ગયા જેઓ દિલ્હી સરકારમાં મંત્રી હતા.

ભાજપે બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને પણ બહુ સારી રીતે ઉપયોગ કર્યો. આવા કેટલાક નેતાઓને ટિકિટ આપી અને તેમણે જીત પણ મેળવી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તરવિંદરસિંહ મારવાહનું નામ તેમાં મુખ્ય છે. ભાજપે તેમને ટિકિટ આપી અને તેમણે ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને હરાવી દીધા.

અગાઉ કૉંગ્રેસમાં રહી ચૂકેલા અરવિંદરસિંહ લવલીએ ગાંધીનગરમાં વિજય મેળવ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કૉંગ્રેસને ભલે ચૂંટણીમાં એક પણ બેઠક ન મળી, પરંતુ તેણે આપના વોટ કાપવાનું કામ કર્યું જેકૉં કારણે ભાજપને વિજય મળ્યો હતો.

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ સાત ટકા વોટ મળ્યા હતા, જ્યારે 2020ની ચૂંટણીમાં તેને પાંચ ટકા પણ મત નહોતા મળ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.