દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ બાદ ભાજપનું પુનરાગમન, કેજરીવાલ-સિસોદિયા હાર્યા

ઇમેજ સ્રોત, X/BJP4India
શનિવારે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ આવ્યાં અને 27 વર્ષ બાદ ભાજપનું સત્તા પર પુનરાગમન થયું છે.
ભારતના ચૂંટણીપંચના આંકડા મુજબ, 70 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 48 તથા આમ આદમી પાર્ટીને 22 બેઠક મળી છે.
સતત ત્રીજી વખત કૉંગ્રેસ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. ગત ત્રણ વિધાનસભા તથા ગત ત્રણ લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી એક પણ બેઠક જીતવામાં અસફળ રહી છે.
ભાજપને 45.56 તથા આપને 43. 57 ટકા મત મળ્યા હતા. આમ માત્ર બે ટકા મતને કારણે સમગ્ર ચિત્ર પલટાઈ ગયું હતું અને આપને 40 બેઠકનું નુકસાન થયું હતું.
કૉંગ્રેસને 6.34 ટકા મત મળ્યા હતા, જે તેના ગત વખતના પ્રદર્શન કરતાં 50 ટકા જેટલા વધુ હતા. ગત વખતે પાર્ટીને સવા ચાર ટકા જેટલા મત મળ્યા હતા.
લગભગ નવ મહિના પહેલાં આપ અને કૉંગ્રેસ દિલ્હીમાં લોકસભાની ચૂંટણી મળીને લડ્યા હતા, પરંતુ આ વખતે અલગ-અલગ ચૂંટણીજંગમાં ઊતર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં આપને 28 બેઠક મળી હતી અને તેણે કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી. અરવિંદ કેજરીવાલ પહેલી વખત મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ 49 દિવસ બાદ રાજીનામું આપી દીધું હતું.

વર્ષ 2015માં આપને 67 બેઠક મળી હતી અને ભાજપ વિપક્ષના નેતાનો દરજ્જો પણ નહોતો મેળવી શક્યો.
દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (નવી દિલ્હી), દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા (જંગપુરા), આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજ (ગ્રેટર કૈલાશ) અને સત્યેન્દ્ર જૈન (શકૂરબસ્તી) જેવા નેતાઓનો પરાજય થયો છે.
જોકે, મુખ્ય મંત્રી આતિશી (કાલકાજી) અને ગોપાલ રાય (બાબરપુર) અને અમાનતુલ્લાહ ખાન (ઓખલા) જેવા નેતાઓ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા.
ભાજપના નેતા પરવેશ વર્મા (નવી દિલ્હી), વીજેન્દ્ર ગુપ્તા (રોહિણી), હરીશ ખુરાના (મોતીનગર), મનિન્દરસિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), કૈલાશ ગેહલોત (બિજસવાન), તરવિન્દરસિંહ મારવાહ (જંગપુરા), શીખા રૉય (ગ્રૅટર કૈલાશ), રવિન્દરસિંહ નેગી (પટપટગંજ), અરવિંદરસિંહ લવલી (ગાંધીનગર), મોહનસિંહ બિસ્ટ (મુસ્તફાબાદ) અને કપિલ મિશ્રા (કરવલ નગર) વિજયી થયા છે.
ભાજપે આપ ઉપરના ભ્રષ્ટાચારના આરોપો તથા કેજરીવાલના નિવાસસ્થાન 'શીશમહેલ' ઉપર પ્રચારને કેન્દ્રિત રાખ્યો હતો.
બીજી બાજુ, આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર ધનબળ અને બાહુબળના ઉપયોગનો આરોપ મૂક્યો હતો. આપે ચૂંટણીપંચની તટસ્થતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.
દિલ્હીના મુખ્યાલયે એકઠા થયેલા કાર્યકરોને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં જ કૅગનો રિપોર્ટ રજૂ કરવાની, યમુના નદીને શુદ્ધ કરવાની, દિલ્હીનો માળખાકીય વિકાસ કરવાની તથા ડબલ એન્જિનની સરકારથી દિલ્હીનો વિકાસ કરવાની વાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે નિવેદન બહાર પાડીને હારનો સ્વીકાર કર્યો છે. તેમણે ભાજપને શુભકામનાઓ પાઠવી છે અને પાર્ટીએ દિલ્હીની જનતાને જે કોઈ વચન આપ્યા છે, તેને પૂર્ણ કરે તેવી માગ કરી છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું કે દિલ્હીની પ્રજાના જનાદેશનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. મોંઘવારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર સામે અમારી લડાઈ ચાલુ રહેશે.
























