અમદાવાદ : દલિત સમાજની દીકરીને પરણવા કૅનેડાથી જાન આવી, કેવી રીતે પ્રેમ થયો?

ઇમેજ સ્રોત, SHRADHDHA SOLANKI
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
કહેવાય છે પ્રેમને કોઈ સરહદ નડતી નથી... કૅનેડાના જીન અને અમદાવાદની શ્રદ્ધાની પ્રેમકહાણી આ વાતની સાક્ષી પૂરે છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ રસ્તા પર એક જાન નીકળી હતી. આ જાનને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા અને રસ્તા પર જ ટોળે વળ્યા હતા.
તેનું કારણ એ હતું કે તેમાં વરરાજા કૅનેડાથી આવ્યા હતા અને તેમના પરિવાર સાથે નાચી રહ્યા હતા.
કૅનેડામાં રહેતા જીનને અમદાવાદની યુવતી શ્રદ્ધા સાથે પ્રેમ થઈ ગયો અને સાત વર્ષ લાંબી રાહ પછી, પરિવારને મનાવ્યા પછી તેમનાં લગ્ન થયાં છે. આ સાથે જ તેમણે સમાજમાં નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કેવી રીતે જીન અને શ્રદ્ધા એકબીજાના સંપર્કમાં આવ્યાં અને તેમની પ્રેમકહાણી કેવી રીતે શરૂ થઈ? લગ્ન સુધી પહોંચતાં તેમને કેમ સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો અને તેમાં કેવી અડચણો આવી? જાણીએ આ અહેવાલમાં.
કૅનેડાના જીન અને અમદાવાદી શ્રદ્ધા કેવી રીતે એકબીજાને મળ્યાં?

ઇમેજ સ્રોત, SRADHDHA SOLANKI
મૂળ કૅનેડાના ઑન્ટેરિયોમાં રહેતા જીનને અમદાવાદનાં શ્રદ્ધા સોલંકી સાથે પ્રેમ થઈ ગયો હતો.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતાં શ્રદ્ધા સોલંકીના પિતા સફાઈકામદાર છે. શ્રદ્ધાએ ભારતમાં ફિઝિયોથૅરપીનો અભ્યાસ કર્યો હતો. ફિઝિયોથૅરપીમાં માસ્ટર્સ કરવા માટે શ્રદ્ધા વર્ષ 2017માં કૅનેડાના ઑન્ટારિયોમાં ગયાં હતાં.
શ્રદ્ધા અને જીન તેમના એક કૉમન મિત્રને કારણે મળ્યાં હતાં. બાદમાં બંને એક જ જગ્યા પર કામ કરતાં હતાં. જોકે, તેમણે પોતાના કામની જગ્યા છોડ્યા બાદ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીન અને શ્રદ્ધા છેલ્લાં સાત વર્ષથી પ્રેમમાં હતાં. ચાર વર્ષ પહેલાં આ યુગલે કૅનેડામાં કોર્ટ મૅરેજ કરી લીધા હતા.
શ્રદ્ધાનો પરિવાર શરૂઆતમાં નારાજ હતો, પરંતુ અંતે પરિવાર માની જતાં તેમણે શ્રદ્ધા અને જીનનાં હિન્દુ લગ્નવિધિથી અમદાવાદમાં લગ્ન કરાવવાનું નક્કી કર્યું.
એ માટે જીન કૅનેડાથી તેમના પરિવાર અને મિત્રો સાથે અમદાવાદ લગ્ન કરવા માટે આવ્યા હતા.
'દિલમાં પ્રેમ હોય તો કંઈ નડતું નથી'

ઇમેજ સ્રોત, PAWAN JAISHWAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથે વાત કરતાં શ્રદ્ધા જણાવે છે કે, "અમે ડેટિંગ શરૂ કર્યા બાદ કલાકો સુધી વાત કરતાં હતાં. અમે ક્યારે પ્રેમમાં પડી ગયાં તે ખબર જ ન પડી."
"જીન ખૂબ જ દયાળુ છે. તે પોતાના સહકર્મીઓ સાથે તેમજ તેના હાથ નીચે કામ કરતાં લોકો સાથે પણ ખૂબ જ પ્રેમપૂર્વક વર્તે છે. આ વાતે મને તેમના તરફ આકર્ષી હતી. એ મારી સાથે હોળી દિવાળી પણ ઊજવે છે અને અમે સાથે નાતાલ પણ ઊજવીએ છીએ. અમે બંને સંસ્કૃતિને માણીએ છીએ. જો તમારા દિલમાં પ્રેમ હોય તો તમને જાતિ, જ્ઞાતિ કે રંગ કંઈ નડતું નથી."
જીને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "જ્યારે અમે પહેલી વાર મળ્યાં ત્યારે મને લાગ્યું હતું કે તે મને પસંદ કરતી નથી. પછીનાં કેટલાંક અઠવાડિયામાં સાથે કામ કરતાં હું સમજી શક્યો કે તે ખૂબ જ ઉમદા વ્યક્તિ છે. જેમ જેમ હું તેને જાણતો ગયો તેમ તેની તરફ વધારે આકર્ષાતો ગયો."
"અમે લૉન્ગ ડ્રાઇવ પર જવા લાગ્યાં, કલાકો સુધી વાતો કરતાં, રેસ્ટોરાંમાં જવા લાગ્યાં. અમારાં વચ્ચેનું કનેક્શન કુદરતી છે. હું તેની સાથે હોઉં ત્યારે 100 ટકા મારી જાત સાથે હોઉં છું. કોઈ પણ પ્રકારનો દેખાડો મારે કરવો પડતો ન હતો."
કૅનેડામાં કોર્ટ મૅરેજ કર્યા એ પિતાને ખબર નહોતી

ઇમેજ સ્રોત, SHRADHDHA SOLANKI
શ્રદ્ધા જણાવે છે કે, "લગ્ન ક્યારે અને કેવી રીતે કરીશું તે અંગે અમે ચર્ચા કરતાં. અમે ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ હું પ્રોફેશનલી અને પર્સનલી સેટ થઈ ગઈ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મારી મમ્મી સાથે વાત કરીને મેં કોર્ટ મૅરેજ કર્યા હતા. જોકે, મારા મનમાં એ વાતનો ખૂબ વસવસો હતો કે મારા પિતાને ખબર નથી અને હું લગ્ન કરી રહી છું."
"મારા પપ્પાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા."
જીન જણાવે છે કે "હું તેની સાથે રહેવા માગતો હતો. પરંતુ લગ્ન અંગે વિચાર કર્યો ન હતો. સારા અને ખરાબ સમયમાં તે હંમેશાં મારી સાથે હતી. આથી સમય જતા મારો તેના પ્રત્યેનો પ્રેમ વધતો ગયો અને પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કોરોનાના સમયગાળામાં અમે કૅનેડામાં કોર્ટ મૅરેજ કર્યાં હતાં, જેથી વધુ લોકોને બોલાવી શક્યા ન હતા."
શ્રદ્ધાને મનમાં ડર હતો કે તેમના પિતા તેમની વાત નહીં માને.
તેઓ કહે છે કે, "ત્યાર બાદ મેં મારા પિતાને સતત સમજાવ્યા હતા. મેં વીડિયો કૉલ પર જીન અને મારા પરિવારની વારંવાર વાતચીત કરાવી હતી. જીન સાથે વાત કરીને મારા પિતા સહમત થવા લાગ્યા હતા."
તેમ છતાં પણ શ્રદ્ધાને કોર્ટ મૅરેજ પછી લગ્ન સુધી પહોંચતાં ચાર વર્ષ લાગ્યાં હતાં.
તેઓ કહે છે, "અત્યારે અમે ચાર અઠવાડિયાંની રજા લઈને અમારાં લગ્ન માણવા માટે આવ્યાં છીએ. મારા પપ્પાએ હિન્દુ લગ્નવિધિથી લગ્ન કરવા માટે અમને આવકાર્યા હતા."
"મારી પણ લાગણી હતી કે મારા પ્રિયતમ સાથે લગ્ન થાય અને મારો પરિવાર હાજર હોય. આ ખૂબ જ આહ્લાદક અનુભવ હતો."
શ્રદ્ધા જણાવે છે કે, "મારા પિતા માની ગયા પછી અન્ય પરિવારજનોને મનાવવા માટેનો મારા પિતાનો પણ અલગ સંઘર્ષ હતો. તેમને પણ એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મારા પિતાને કેટલાક સંબંધોમાં થોડી તિરાડ પણ આવી હતી. જોકે, અંતે અમારાં લગ્નમાં મારા પરિવારજનો અને સગાંસંબંધીઓ ખૂબ જ ખુશ હતાં."
જીન કહે છે, "જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે લગ્ન કરો તે અંગે કૅનેડામાં પરિવારને કોઈ વાંધો હોતો નથી. મારાં માતા ખૂબ જ ખુશ હતાં. પણ કૅનેડામાં પરિવારના લોકોને એકસાથે લાવવામાં તકલીફ પડે છે. હું અહીં આવ્યો છું ત્યારથી જોઈ રહ્યો છું કે ભારતમાં લોકો એકબીજાની ખૂબ નજીક હોય છે. ભારતમાં પરિવારના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અને ખૂબ જ પ્રેમાળ હોય છે."
શ્રદ્ધાના પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SHRADHDHA SOLANKI
શ્રદ્ધાના પિતા સુનીલ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમે વાલ્મીકિ સમાજમાંથી આવીએ છીએ. હું સફાઈકર્મી છું. અમારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોવાને કારણે લોકો થોડા રૂઢિવાદી છીએ."
તેઓ કહે છે, "સામાન્ય રીતે અમારા સમાજમાં તો અમે અમારી જ જ્ઞાતિના બીજા પરગણામાં પણ દીકરી પરણાવતા નથી. એવામાં પરદેશમાં લગ્ન કરાવવા તે વિચારી પણ ન શકાય. મારી ચિંતા હતી કે દીકરીને સમાજમાં લગ્ન કરાવીએ તો એના જીવનમાં કંઈ પ્રશ્ન આવે તો તેનો ઉકેલ લાવી શકાય. પણ વિદેશની ધરતી પર આપણું કોણ?"
"જોકે, અમે જીન અને તેના પરિવાર સાથે અવારનવાર વાતચીત કરી હતી. મારી દીકરી ત્યાં તેમની સાથે ખુશ હોવાનું જણાતા હું નિશ્ચિંત થઈ ગયો હતો. અંતે તો મા-બાપ બાળકોની ખુશી જ ઇચ્છે છે."
સુનીલભાઈ કહે છે, "મારી દીકરી મને કહેતાં ડરતી હતી. લગભગ છ મહિના બાદ મને ખબર પડી હતી. એકાદ વર્ષ સુધી વાત કર્યા બાદ હું માન્યો હતો. પરિવારમાં મારા કાકા અને ભાઈઓ છે જે શરૂઆતમાં લગ્ન અંગે રાજી ન હતા. તેમને મનાવતાં પણ મને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જીનના પરિવારને મળીને અમને ખૂબ જ આનંદ થયો છે. કૅનેડાથી 15થી 17 લોકો આવ્યા હતા."
તેઓ કહે છે, "મને અંગ્રેજી ઓછું આવડે છે. અમે તૂટેલી અંગ્રેજી જેમ કે હેપ્પી, સ્લીપિંગ, ડ્રીકિંગ વૉટર જેવા શબ્દો અને ઇશારાથી વાત કરીએ છીએ. મને લાગે છે કે લાગણી હોય ત્યાં ભાષા ગૌણ બની જાય છે."
શ્રદ્ધા કહે છે, "મારાં માતાપિતાએ સંઘર્ષ કરીને મને ભણાવી હતી. તેમજ વર્ષોથી અમારા સમાજના લોકો જે કામ કરે છે તે ન કરવું પડે તેના માટે તેમણે મને અને મારા ભાઈને ભણાવીને પગભર કર્યાં છે. સરકારની સ્કૉલરશિપ તેમજ લોન લઇને કૅનેડા ભણવા ગઈ હતી."
જ્ઞાતિવાદ અંગે શ્રદ્ધા અને જીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, SHRADHDHA SOLANKI
શ્રદ્ધા જણાવે છે કે "મારાં માતા નર્સ છે અને તેઓ ખૂબ જ સક્રિય અને સપોર્ટિવ છે. મારાં માતાપિતાએ સંઘર્ષ વેઠ્યો છે પરંતુ અમને વેઠવા દીધો નથી. મેં જ્ઞાતિવાદનો સામનો કર્યો છે પરંતુ મારાં માતાપિતાએ જેટલો સંઘર્ષ કર્યો છે એટલો મેં નથી કર્યો."
"હું વસુધૈવ કુટુમ્બકમમાં માનું છું પરંતુ મને વારંવાર એવું યાદ કરાવવામાં આવ્યું છે કે હું વાલ્મીકિ જ્ઞાતિમાંથી આવું છું. મારાં પિતરાઈ ભાઈબહેનોને આંતરજ્ઞાતીય લગ્નોમાં તકલીફ પડી છે."
તેઓ કહે છે, "ભારતમાં હજુ પણ ઘણી જગ્યાએ ચાલતા જ્ઞાતિવાદ અંગે મેં જીનને સમજાવ્યું હતું. જોકે, તેમને આ સાંભળીને થોડું વિચિત્ર લાગ્યું હતું. મારા માટે તેમને દુ:ખ થયું હતું. અમે ગાંધીઆશ્રમ ગયાં હતાં, જ્યાં તેમણે અસ્પૃશ્યતા અંગે વાંચ્યું ત્યાર બાદ તેમને મારા સમાજ અને મારા પરિવાર માટે માન વધ્યું હતું."
જીન જણાવે છે કે, "કૅનેડામાં કોઈ જાતિવાદ નથી. ભારતમાં વર્ષોથી જાતિવાદ ચાલી રહ્યો છે. જેને નાબૂદ કરવા માટે લોકો વર્ષોથી લડી રહ્યા છે. તેના વિશે વાંચ્યા બાદ મને પણ થયું કે જ્ઞાતિવાદ હઠાવવા અંગેની તેમની લડાઈમાં હું પણ જોડાવા માગું છુ. પરંતુ હજુ મારે ઇતિહાસ અંગે ઘણું શીખવા, સમજવાનું છે."
જીને વધુમાં જણાવ્યું હતું કે, "અલગ સંસ્કૃતિમાં લગ્ન કરવાને હું લર્નિંગ પ્રોસેસનો ભાગ માનું છુ. હું મારી પત્નીને તેમની સંસ્કૃતિ અંગે પ્રશ્નો પૂછતો રહું છું તેમજ ભારતીય સંસ્કૃતિ અંગે વાંચીને પણ સમજવાનો પ્રયત્ન કરું છું."
જીનનાં બહેન લેસીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું પહેલાં ભારતમાં મુંબઈમાં લગ્ન માટે આવી હતી એટલે ભારતીય લગ્ન અંગે પરિચિત હતી. પણ તમે કોઈનાં લગ્નમાં મહેમાન બનીને આવો અને પરિવારનાં લગ્નમાં આવો તેમાં ખૂબ જ ફરક હોય છે. આ મારા ભાઈનાં લગ્ન હતાં એટલે અમે લગ્નને ખૂબ જ માણ્યાં હતાં. અહીં લગ્નમાં ડાન્સ કરવાની, લગ્નવિધિ જોવાની, લોકો સાથે વાતચીત કરવાની અમને ખૂબ જ મજા આવી હતી. અહીં લોકો ખૂબ જ સારાં હોય છે અને તમારું ખૂબ જ ધ્યાન રાખે છે. અહીંનું ખાવાનું ખૂબ સરસ હોય છે."
"મારા ભાઈએ લગ્ન કરવાની વાત કરી ત્યારે અમે ખૂબ જ ખુશ હતાં. કૅનેડામાં લગ્ન કરવા માટે બે લોકો એકબીજાને પ્રેમ કરતાં હોય અને ખુશ હોય એટલું જ જરૂરી છે. કોઈ પણ જ્ઞાતિ કે ધર્મમાં તેઓ લગ્ન કરી શકે છે."
"લગ્નના દિવસે શ્રદ્ધા રાજકુમારી લાગતી હતી. તેને મંડપમાં જોઈને હું અને મારી માતા ખૂબ જ લાગણીશીલ થઈ ગયાં હતાં. શ્રદ્ધા ખૂબ જ પ્રેમાળ છે અને અમારી સાથે પણ ખૂબ જ સારી રીતે હળીમળી ગઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












