યુવતી દૃષ્ટિહીન અને યુવકને એક હાથ નહીં, વિકલાંગતાની મર્યાદાઓને અવગણતા યુગલની પ્રેમકહાણી

ઇમેજ સ્રોત, RACHIT.KULSHRESTHA/IG
- લેેખક, રેણુકા કલ્પના
- પદ, બીબીસી માટે
"હું તને જોઈ રહી છું," ટેબલની બીજી બાજુએ બેઠેલા રચિતે આ સાંભળીને પહેલી વાર તેની તરફ જોયું.
હકીકતમાં ઐશ્વર્યાએ ગાંઠને કારણે નાની વયે જ દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તેથી તે કશું જોઈ શકતાં ન હતાં. છતાં તેમણે રૂમમાં બેઠેલી એક વ્યક્તિને મજાકમાં આવું કહ્યું હતું.
બંનેનો એકમેકને જોવાનો કોઈ સવાલ જ ન હતો. એટલા માટે તે પહેલી નજરનો નહીં, પરંતુ પહેલી ગમ્મતનો પ્રેમ હતો.
ઐશ્વર્યાએ કરેલી મજાક રચિતને પણ ગમી હતી. રચિતે છ વર્ષની વયે કૅન્સરને કારણે પોતાનો ડાબો હાથ ગુમાવ્યો હતો. શું થયું, એવું કોઈ પૂછે ત્યારે રચિત મજાકમાં કહે છે, "જંગલમાં એક વાઘ તેને ખાઈ ગયો હતો."
જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલા આવા વિકલાંગતાને ખુલ્લા દિલે સ્વીકારવામાં આવે ત્યારે જ વ્યક્તિ પોતાના વિશે આવી મજાક કરી શકે.
રચિતને સમજાયું કે ઐશ્વર્યાને આંખો ભલે ન હોય, પણ તેની પાસે વિકલાંગતાને નવી રીતે દુનિયા સમક્ષ રજૂ કરવાની દૃષ્ટિ જરૂર છે. ત્યાર બાદ રચિતને ઐશ્વર્યા પ્રત્યેનું આકર્ષણ વધવા લાગ્યું.

પહેલી મુલાકાત સાથે નવી શરૂઆત

તેઓ એક કાર્યક્રમમાં મળ્યાં હતાં, જેમાં રચિત કુલશ્રેષ્ઠ અને ટી. વી. ઐશ્વર્યા વક્તા હતાં.
પુણેના રહેવાસી 38 વર્ષના રચિત એક જાણીતા ટ્રેકર અને સાઇકલિસ્ટ છે, જેમણે કેન્સરને બે વાર માત આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનાલીથી હિમાલયના ખારદુંગલા ઘાટ સુધીની તેમણે એક હાથે કરેલી સાઇકલયાત્રા ઘણાને પ્રેરણા આપે છે. તેઓ મૉટિવેશનલ સ્પીકર તરીકે પ્રવચનો આપે છે.
35 વર્ષનાં ઐશ્વર્યાને કુદરતને અલગ રીતે મૂલવે છે. ઐશ્વર્યાએ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને બનાવેલાં થ્રી ડી પેઇન્ટિંગ્ઝમાં આ વાત દેખાતી રહે છે.
આ થ્રી ડી પેઇન્ટિંગ્ઝને દૃષ્ટિહીન લોકો સ્પર્શ વડે માણી શકે છે.
હૈદરાબાદની એલ વી પ્રસાદ આઇ ઇન્સ્ટિટ્યૂટમાં રિહેબિલિટેશન કાઉન્સેલર તરીકે કામ કરતાં ઐશ્વર્યા ગેલમેકર ઇનોવેશન્શ નામની કંપનીનું સંચાલન પણ કરે છે.
તેમને તેમની પ્રેરણાદાયક કાર્યકથા કહેવા માટે આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાતે સાથે ભોજનનો કાર્યક્રમ પહેલાં જ હતો. સંયોગથી બંને એક જ ટેબલ પર બેઠાં હતાં.
બધા સાથે ભોજન પૂર્ણ કર્યા પછી રચિતે ઐશ્વર્યાને પૂછ્યું કે જમીને 100 પગલાં ચાલવા માટે તમે મારી સાથે આવશો?
જુલાઈ, 2023માં ચેન્નાઈમાં એક ભીની વરસાદી રાતે એકબીજા સાથે વાત કરતી વખતે તેમને ખ્યાલ આવ્યો હતો કે તેઓ તો એકમેકની સાથે આખી જિંદગી ચાલી શકે તેમ છે.
સમાનતાને લીધે એક થયાં

ઇમેજ સ્રોત, RACHIT.KULSHRESTHA/IG
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ પહેલી મુલાકાતથી જ રચિતને ખાતરી થઈ ગઈ હતી કે ઐશ્વર્યા તેમને ગમે છે અને તેમને જીવનસાથી બનાવવાનું વિચારી શકાય.
રચિત કહે છે, "ટેબલ પર તેની મજાક સાંભળ્યા પછી ખરેખર તો હું તેને એક વ્યક્તિ તરીકે સમજવા ઇચ્છતો હતો, પરંતુ તેની સાથેની પહેલી વાતચીતમાં જ મને ખ્યાલ આવ્યો કે અમારા વચ્ચે ઘણી સમાનતા છે. મને સમજાયું હતું કે જીવનને જોવાનો અમારો દૃષ્ટિકોણ 99 ટકા સમાન છે."
જોકે, ઐશ્વર્યાને ખાતરી ન હતી. તેમને તેમના સ્વભાવ અનુસાર, લોકો પર વિશ્વાસ કરવા અને તેમને સમજવા માટે થોડો સમય જોઈતો હતો.
કાર્યક્રમ પછીના બીજા દિવસે બંનેએ પોતપોતાના શહેરમાં પાછા ફરવાનું હતું.
ઐશ્વર્યા કહે છે, "પરત આવ્યા પછી હું મારા કામમાં ગૂંથાઈ ગઈ. મને લાગ્યું કે અમારી વચ્ચે ફરી ક્યારેય વાત નહીં થાય, પણ ટૂંક સમયમાં જ મારા ફોન પર તેનો મૅસેજ આવ્યો."
"તેણે મને નો સનશાઈન વ્હેન શી ગોઝ અવે શબ્દો ધરાવતું એક અંગ્રેજી ગીત મોકલ્યું હતું."
આજે રચિત વિશે વાત કરતાં એ તેમને પોતાની પુરુષ આવૃત્તિ કહે છે.
એકમેકને મળતા પહેલાં બંનેને એવું લાગતું હતું કે તેઓ જેમને પ્રેમ કરતા હોય એવો જીવનસાથી ક્યારેય નહીં મળે. ક્યારેય, કોઈને પ્રેમ નહીં કરવાનો નિર્ણય બંનેએ કર્યો હતો.
એ મુલાકાત પહેલાં તેઓ અનેક વખત પ્રેમમાં પડ્યાં હતાં. તેમણે શારીરિક અક્ષમતા ન હોય તેવા લોકો સાથે ડેટિંગ પણ કર્યું હતું.
પણ રચિત માને છે, "કૅન્સરને કારણે હું અપંગ બન્યો છું એવું ઐશ્વર્યા જેટલું બીજું કોઈ સમજી શકતું નથી."
રચિતે ધીમેધીમે વિકલાંગતાને સ્વીકારી

ઇમેજ સ્રોત, RACHIT.KULSHRESTHA/IG
તેમના કહેવા મુજબ, આવા અનેક અનુભવ થયા હોવાને કારણે તેમનાં મન એકરૂપ થઈ ગયાં છે.
એ સમયની પરિસ્થિતિનું વર્ણન કરવા માટે 'થોડા સા પ્યાર હુઆ હૈ, થોડા હૈ બાકી' ગીત ગણગણવાનું મન થાય છે, પરંતુ ઓળખાણ થઈ, મન મળી ગયાં એટલે પરિકથા જેવી આ વાર્તા ક્યાંથી પૂરી થાય?
રચિત અને ઐશ્વર્યા બંનેની ભાવનાત્મક દુનિયા અલગ હતી. બાળપણના અનુભવો અલગ હતા. સૌથી અગત્યનું, બંનેની વિકલાંગતાનો પ્રકાર અલગ હતો. આ બધું સમજીને એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરવાનાં હતાં.
"મારા પિતા પુણે રહેવા ગયા તે પહેલાં અમે ઇન્દોરમાં રહેતા હતા. મારો એક હાથ કપાઈ ગયો હતો, પણ હું બીજા લોકોની જેમ સામાન્ય જીવન જીવવા માંગતો હતો, પરંતુ મારી આસપાસના લોકો મને મારી વિકલાંગતાની વધુને વધુ યાદ અપાવતા હતા," રચિત કહે છે.
ઇન્દોર જેવા નાના શહેરમાં તે સમયે કૅન્સર વિશે એટલી બધી ગેરમાન્યતાઓ હતી કે રચિતના વર્ગનાં બાળકો વિચારતાં હતાં કે રચિતને સ્પર્શ કરવાથી પણ કૅન્સર ફેલાશે. રચિતને શાળામાં કોઈ પણ રમતગમતમાં ભાગ લેવાની પણ છૂટ નહોતી.
"હું પુણે આવ્યો ત્યારે બધું એકદમ અલગ હતું. લોકોએ સહાનુભૂતિ અને દયાભાવથી તરત જ મને ચણાના ઝાડ પર બેસાડી દીધો. હું તે પણ ઇચ્છતો ન હતો," રચિત કહે છે.
તેના માટે, પ્રેમ એટલે જે છે તેનો બિનશરતી સ્વીકાર. "પ્રેમ એટલે હું જેવો છું એવો સ્વીકાર કરવો," તેઓ કહે છે.
" જ્યારે હું મોટો થઈ રહ્યો હતો, ત્યારે એક વાર મેં એક છોકરી પ્રત્યે મારું આકર્ષણ વ્યક્ત કર્યું. તેણે કહ્યું, 'તું ખૂબ જ મસ્ત છે. પણ તારા હાથ નથી.' અલબત્ત, તે સમયે મને ઘણું ખરાબ લાગ્યું હતું."
આ બધા અનુભવો સાથે મોટા થતાં રચિતનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. હું મારી જાતને પ્રેમ કરી શકતો નથી તો બીજું કોઈ કેવી રીતે કરી શકે?
પણ રચિતે ધીમે ધીમે આ વિકલાંગતાને સ્વીકારી લીધી. તેમને આવા અનુભવો થયા હતા અને તેમણે એ પણ જોયું હતું કે તેમના ઘણા વિકલાંગ મિત્રોને કોઈ પણ શારીરિક વિકલાંગતા વિનાના જીવનસાથી મળ્યા હતા અને તેઓ સુખી જીવન જીવી રહ્યા હતા.
"આ બધા અનુભવ દ્વારા, હું હવે તે છોકરી અને મારી સાથે અલગ વર્તન કરનારા બીજા બધાને વધુ સારી રીતે સમજી શકું છું," રચિત કહે છે.
ઐશ્વર્યાને જીવનસાથીની જરૂર જણાઈ

આજે પણ આત્મવિશ્વાસ ઘણી વાર ક્ષીણ થઈ જાય છે, પરંતુ કાઉન્સેલરની ભૂમિકામાં ઐશ્વર્યા તેમની પાછળ મજબૂતીથી ઊભાં હોય છે. તેમની સાથે જીવનનાં વિવિધ પાસાં સમજાય છે અને મનમાં ચાલી રહેલી ઊથલપાથલ બાબતે એક અલગ દૃષ્ટિકોણ મળે છે.
ઐશ્વર્યા 18-19 વર્ષનાં હતી ત્યારે તેમને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. પરિણામે તેમની જોવાની, સ્વાદની, સૂંઘવાની અને સાંભળવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ. શરીર થોડા દિવસો માટે લકવાગ્રસ્ત થઈ ગયું હતું. દવાથી રોગ કાબૂમાં આવ્યા પછી તેની દૃષ્ટિ સિવાય બધું પાછું આવ્યું હતું.
બાળપણમાં ઐશ્વર્યાને કોઈ વિકલાંગતા ન હોવા છતાં, તેમનાં માતા અને પિતા બંનેનું અનુક્રમે દસ અને 15 વર્ષની ઉંમરે કૅન્સરથી અવસાન થયું ત્યારે તેમને ભારે ભાવનાત્મક આઘાત લાગ્યો.
તેમના ગયા પછી ઐશ્વર્યા તેમનાં સાવકાં માતાનાં પ્રેમ અને શિસ્ત હેઠળ તેઓ મોટાં થયાં, પરંતુ પહેલી વખત માસિક આવ્યું ત્યારે બહુ ડરી ગયાં હતાં. તેમને એમ લાગ્યું હતું કે તેમને પણ કૅન્સર થયું છે.
ઐશ્વર્યાના કહેવા મુજબ કિશોરાવસ્થામાં પ્રેમ, આકર્ષણ અને મિત્રતા જેવી બાબતો તેમના મનમાં ક્યારેય આવી નહોતી.
"હું ખૂબ જ અભ્યાસુ હતી. એક દમ ટોમબૉય હતી. દૃષ્ટિ ગુમાવ્યા પછી મને મારા જીવનમાં ખરેખર એક સમજદાર જીવનસાથીની જરૂર અનુભવાઈ," તેઓ કહે છે.
ઐશ્વર્યા જોઈ શકતાં હતાં ત્યારે પણ તેમને ક્યારેક તેની પરવા નહોતી કે તેઓ કેવાં દેખાય છે અથવા લોકો તેમને કેવી રીતે જુએ છે. દૃષ્ટિ ગુમાવ્યા પછી તેમણે લોકોનું મૂલ્યાંકન તેમના કપડાં અને દેખાવના આધારે કરવાનું બંધ કરી દીધું છે.
તેથી કોઈ પણ નવા સંબંધ બનાવવા માટે વાતચીત એ તેમના માટે એક પૂર્વશરત હતી. તે વાતચીતના બળ પર તેમનો સંબંધ ખીલ્યો.
વાતચીત દ્વારા બંને એક બીજાને આંતરિક અને બાહ્ય રીતે સમજી શક્યાં.
દોઢ વર્ષમાં કોઈ ઝઘડો નથી થયો
બોલીવૂડથી માંડીને કૅમિસ્ટ્રી સુધી અને બ્રહ્માંડથી માંડીને વિશ્વ સુધીની દરેક બાબત વિશે તેઓ વાત કરી શકે છે. સૂર્ય અને તેનાથી આગળ આવતી દરેક બાબતની વાત. તેમના માટે કોઈ વિષય વર્જિત નથી.
તેનાથી એક બીજાની ભાવનાત્મક દુનિયા પ્રગટ થઈ. એક બીજાના મનના નાજુક ખૂણાને સમજી શક્યાં. કંઈ પણ મુદ્દે વાત કરતી વખતે, ખાસ કરીને અસંમતિ વ્યક્ત કરતી વખતે, આ ખૂણાઓને સ્પર્શ કર્યા વિના બોલવાનું શીખ્યાં.
એટલા માટે રચિત કહે છે કે છેલ્લાં દોઢ વર્ષમાં તેમની વચ્ચે એક પણ લડાઈ થઈ નથી. "અમારા સંબંધમાં શીખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે એક વાર કરેલી ભૂલોમાંથી ઘણું શીખીએ છીએ. અમે ખટકતી વાતો એકમેકને શાંતિથી કહીએ છીએ. આપણે બીજી વ્યક્તિએ કહેલી વાતની ભાવનાને સમજીએ છીએ," તેમણે આગળ કહ્યું.
કચકચ કર્યા વિના, દોષારોપણ કર્યા વિના સાર્થક ચર્ચા થાય છે. તેમાંથી બંને માટે સ્વીકાર્ય ભૂમિકા સર્જાય છે.
રચિત કહે છે, "મને ઘણા દિવસો સુધી વિશ્વાસ જ આવતો ન હતો કે ઐશ્વર્યા બહુ સારી રસોઈ કરી શકે છે. મને એવી ચિંતા હતી કે રસોઈ કરતી વખતે અકસ્માત થશે. કશુંક કાપતી વખતે, ચીરતી વખતે, કશુંક બનાવતી વખતે કંઈક થશે તો ઐશ્વર્યાનું શું થશે."
ઐશ્વર્યા એક વખત રચિતને મળવા પુણે આવ્યાં ત્યારે તેમના કેટલાક દોસ્તો તેમને મળવા આવ્યા હતા. બહારથી બિરયાની મંગાવી હતી. ઘરમાં માત્ર કોશંબીર બનાવવાનું હતું. તેમાં ઐશ્વર્યાથી વધારે કે ઓછું મીઠું પડી જશે, એવું રચિતને લાગતું હતું.

રચિત કહે છે, "તેના પર વિશ્વાસ કરવામાં અને તેની ચિંતામાંથી બહાર નીકળવામાં મને ઘણો સમય લાગ્યો. ઐશ્વર્યાએ પણ કચકચ કર્યા વિના કે નારાજ થયા વિના મને પૂરતો સમય આપ્યો."
ઐશ્વર્યા સમજે છે કે રચિતની આ ચિંતા તેના શબ્દો અને વર્તનમાં અન્ય સમયે પણ સ્પષ્ટ દેખાય છે.
ઐશ્વર્યા કહે છે, "હું કામમાં વ્યસ્ત હોઉં છું ત્યારે રચિત મને સતત પૂછે છે કે મેં પૂરતું ખાધું કે નહીં, પૂરતું પાણી પીધું કે નહીં. હું તણાવમાં હોઉં ત્યારે મારા ખભા પર તેણે મૂકેલો હાથ ખૂબ જ ટેકો આપે છે. તેવી જ રીતે માથા પર તેના હાથનો સ્પર્શ અને વાળમાં હાથ ફેરવતાં થતો સ્પર્શ મને ખૂબ જ સુખદ લાગે છે."
ઐશ્વર્યાએ દૃષ્ટિ ગુમાવી પછી શાકભાજી વેચતા ફેરિયાએ તેમને કરેલા ગંદા સ્પર્શથી તેમને લાગેલા આઘાતને દૂર કરવાની તાકત રચિતના સ્પર્શમાં છે. તેમની વચ્ચે વિવિધ માધ્યમોથી સંવાદ ચાલતો રહે છે.
ઐશ્વર્યા કહે છે, "રચિત મારી આંખો છે. હું હોટલમાં જાઉં છું, ત્યારે આજુબાજુ જે ચાલતું હોય એ બધું જ રચિત મને કહે છે. પડદાનો રંગ કેવો છે, દીવાલ પરનાં પેઇન્ટિંગ લગાવ્યું હોય તો તેમાં શું છે એ બધું જ રચિત મને જણાવે છે." એવી જ રીતે ઐશ્વર્યા રચિતનો હાથ બને છે.
રચિત ઐશ્વર્યાની આંખો અને ઐશ્વર્યા રચિતનો હાથ છે
સામાન ઉપાડવાનો હોય કે બૉટલનું ઢાંકણું ખોલવાનું હોય, રચિત ઐશ્વર્યાની મદદ માંગે છે ત્યારે તેમને ક્યારેય હીનતાનો અનુભવ થતો નથી.
પુરુષ હોવાને કારણે પોતાનાં જીવનસાથીનું રક્ષણ કરવાની ક્ષમતા પોતાનામાં નથી એ વાતનો ખેદ રચિતને જરૂર થાય છે.
રચિત કહે છે, "મારા ઘરની પાછળ એક નાની ટેકરી છે, પણ હું ત્યાં ઐશ્વર્યાને ક્યારેય લઈ જતો નથી. મને સંપૂર્ણ ખ્યાલ છે કે કશુંક થાય તો બોલીવૂડની ફિલ્મની માફક હું મારામારી કરી શકું તેમ નથી. મેં સ્વીકારી લીધું છે કે હું સુપરમેન નથી. તેથી જ હું સલામત ન લાગે એવી જગ્યાએ જવાનું ટાળું છું."
જોકે, જાહેર સ્થળો મળવાનું પણ કાયમ સુખદાયક અનુભવ હોતું નથી.
ઐશ્વર્યાને ભલે ખબર ન પડે, પરંતુ લોકો તેની સામે સતત જોયા કરે છે એ રચિતને દેખાય છે. તેને લીધે બહુ અકળામણ થાય છે.
રચિત કહે છે, "કોઈ વ્યક્તિને ધારીધારીને જોયા કરવી એ અસભ્યતા છે, એવું આપણી ભારતીય સંસ્કૃતિ આપણને કમનસીબે શીખવતી નથી. તમારા હાથને શું થયું, એવું કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને બધાની સામે પૂછે ત્યારે એ તમારા હૃદયના સૌથી નાજુક ભાગને સ્પર્શે છે."
યુરોપના દેશોમાં કોઈ કોઈને આવી રીતે ધારીધારીને જોતું નથી.
રચિત કહે છે, "હું નાનો હતો ત્યારે મને કોઈ આવું પૂછતું તો હું ખરેખર ભાંગી પડતો હતો. મને લાગતું હતું કે કોઈએ મને કપની માફક ફેંકી દીધો છે અને નીચે પડવાથી તેના અનેક ટુકડા થઈ ગયા છે."
અલબત્ત, હવે વિકલાંગપણું સ્વીકારી લીધું છે ત્યારે કોઈની નજરની પરવા હોતી નથી. બધાની નજર તેમના પર હોય ત્યારે પણ બંને એકમેકની સાથે સુંદર ક્ષણો વિતાવી શકે છે.
એક સાંજે તેઓ ગોવામાં દરિયાકિનારે ફરતાં હતાં. ત્યાં થોડી ભીડ હતી. એકમેકની સાથે મજાક કરતાં બંનેએ દોડવાનું નક્કી કર્યું હતું, પણ ઐશ્વર્યાની શરત એ હતી કે તે જોઈ ન શકતાં હોવાથી રચિતે પણ તેની આંખો બંધ રાખવી જોઈએ.
રચિત મૂળભૂત રીતે ખેલાડી. સ્પર્ધા કરવી હોય તો સમાન સ્તરે કરવી જોઈએ. તેથી તેઓ તૈયાર હતા. તેમણે નક્કી કર્યું કે આંખો બંધ કરીને પણ આ રેસ તો જીતવી જ પડશે.
'ગેટ...સેટ...ગો' બોલવાની સાથે દોડ શરૂ થઈ. રચિત આગળ દોડ્યો. ઐશ્વર્યા ચાર ડગલાં દોડીને થંભી ગઈ અને જોરજોરથી હસવા લાગ્યાં ત્યારે રચિતને સમજાયું કે ઐશ્વર્યાએ તેમની સાથે ફરીથી મજાક કરી છે.
'અમે સમાજે સર્જેલી મર્યાદામાં જીવવા ઇચ્છતાં નથી'
બંનેને ઘણા સમયથી ગંભીરતાથી જોઈ રહેલા આજુબાજુના લોકો પણ તેમની સાથે હાસ્યમાં જોડાયા હતા.
તેઓ સાથે હોય છે ત્યારે સતત હસતાં રહે છે.
તેથી ઐશ્વર્યા અને રચિત કહે છે કે એકમેકને મળ્યા પછી પ્રેમમાંનો તેમનો વિશ્વાસ મજબૂત થયો છે. તેઓ પ્રેમ વિશે વાત કરે ત્યારે એકાદ કોરા કેનવાસ પર ગાઢ રંગો ઢોળતા હોય એવું લાગ્યા કરે છે.
તેમણે જ્ઞાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતની ગાંડી મર્યાદાઓને ધ્યાનમાં લીધી નથી. ઐશ્વર્યા ભલે ખ્રિસ્તી હોય, પણ રચિતના પરિવારે તેમને સહૃદયે સ્વીકાર્યા છે.
બધું બરાબર હોવા છતાં તેમને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. લગ્ન એ ખૂબ જ સમજી-વિચારીને કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય હોવાથી બંનેએ એકમેકને જાણવા વધુ એક વર્ષ આપવાનું નક્કી કર્યું છે.
રચિત કહે છે, "બાળકો પેદા નહીં કરવાનો નિર્ણય અમે બંનેએ સાથે મળીને કર્યો છે. તેનું કારણ એ છે કે અમે સમાજે સર્જેલી મર્યાદામાં જીવન જીવવા ઇચ્છતાં નથી. એ ઉપરાંત અમારી વિકલાંગતા અને ઉંમરને કારણે અમે બાળકોની જવાબદારી અમે ઉપાડી શકીએ તેમ નથી."
ઉંમરના આ તબક્કે અને વિકલાંગપણા સાથે જીવતાં હોવા છતાં જે મળે તેની સાથે તરત લગ્ન કરી લેવાનું દબાણ તેમણે પોતાના પર લીધું નથી. તેઓ એકમેકને સાદર પસંદ કરી રહ્યાં છે.
રચિત કહે છે, "મને લાગે છે કે હું એક પર્વત જેટલો મજબૂત છું." તેથી ઐશ્વર્યાને પણ પોતાની સરખામણી પાણી સાથે કરવી ગમે છે.
અન્ય સમયે જીવન આપતું પાણી સમય આવ્યે બધું જ નષ્ટ કરી શકે છે. તેમ છતાં પોતાના વિશે વાત કરતાં તેઓ બંને કહે છે કે તેમનામાં પર્વતની મૃદુતા અને પાણીની શાંત પ્રકૃતિ છે.
તેમનો પ્રેમ જોઈને આપણને પણ શાંતિ અને મૃદુતાની અનુભૂતિ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












