પત્ની સાથે જબરજસ્તી અકુદરતી યૌનસંબંધનો કેસ: પતિને નિર્દોષ છોડવાના ચુકાદાની શી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિષ્ણુકાંત તિવારી અને કીર્તિ રાવત
- પદ, બીબીસી સંવાદદાતા
છત્તીસગઢ હાઇકોર્ટે મૅરિટલ રેપના એક કેસમાં 10 ફેબ્રુઆરીએ ચુકાદો આપતાં કહ્યું કે, પતિ દ્વારા પત્ની સાથે જબરજસ્તી અપ્રાકૃતિક યૌનસંબંધ બાંધવો તે સજાને પાત્ર નથી.
હાઇકોર્ટના આ ચુકાદાથી મૅરિટલ રેપ અને સંમતિ વગર બાંધવામાં આવેલા અકુદરતી યૌનસંબંધો બાબતે ભારતના કાયદામાં રહેલી ખામીઓ અંગે ફરી એક વાર ચર્ચાઓ થવા લાગી છે.
છત્તીસગઢ હાઇકોર્ટના જજ નરેન્દ્રકુમાર વ્યાસની એકલપીઠે પોતાના ચુકાદામાં પીડિતાના પતિને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી યૌનસંબંધ) અને 304 (અજાણતાં થયેલી હત્યા)ના કેસમાં દોષમુક્ત ઠરાવ્યા અને આરોપીને તરત જ છોડી મૂકવાનો આદેશ આપ્યો.
જસ્ટિસ વ્યાસે કહ્યું, "જો પત્નીની ઉંમર 15 વર્ષ કે તેથી વધુ હોય, તો પતિ પોતાની પત્ની સાથે યૌનસંબંધ બાંધે તેને બળાત્કાર માનવામાં નહીં આવે. આવી સ્થિતિમાં અપ્રાકૃતિક કૃત્ય માટે પત્નીની સહમતી ન મળવી પણ મહત્ત્વહીન થઈ જાય છે."
જસ્ટિસ વ્યાસે કહ્યું કે, આઇપીસીની કલમ 375 અંતર્ગત અપવાદ-2ની જોગવાઈ પ્રમાણે, પતિ પોતાની પત્ની સાથે યૌનસંબંધ બાંધે તે બળાત્કાર નથી. તેથી, જો પતિએ કલમ 377 અંતર્ગત વ્યાખ્યાયિત કશું અપ્રાકૃતિક કૃત્ય પણ કર્યું હોય, તો તેને પણ ગુનો ન માની શકાય.
સારવાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થઈ જવાના કારણે આ કેસ સરકાર તરફથી લડવામાં આવ્યો હતો.
સરકારી વકીલ પ્રમોદ શ્રીવાસ્તવે આ ચુકાદા અંગે ટિપ્પણી કરવાની ના પાડી અને કહ્યું, "સુપ્રીમ કોર્ટમાં કેસની અપીલના સંદર્ભમાં છત્તીસગઢ સરકારનો કાયદા વિભાગ નિર્ણય કરશે."
જ્યારે, કોર્ટના ચુકાદા પછી છત્તીસગઢ હાઇકોર્ટના વકીલ જયદીપ યાદવે બીબીસીને જણાવ્યું, "હકીકતમાં, કોઈક રીતે આ ચુકાદો પતિઓ દ્વારા બળજબરીથી યૌનસંબંધ બાંધવાના પ્રયાસોને પ્રોત્સાહન આપે છે, કેમ કે, એવું કરવાના બદલામાં તેમને કશી સજા અથવા દંડ નહીં થાય. પતિ હોવાના નામે કોઈ મહિલા સાથે જાનવર જેવો વ્યવહાર કરવો, તે સ્વીકારી ન શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છત્તીસગઢ હાઇકોર્ટના આ ચુકાદાએ, જેમાં પત્નીની સહમતીને મહત્ત્વહીન કહી છે એવા લગ્નસંબંધો સાથે સંકળાયેલા કેસોમાં કાયદાકીય ખામીઓ બાબતની ચિંતાને ફરી ઉજાગર કરી છે.
પતિ-પત્નીનો સમગ્ર મામલો શો છે?

ઇમેજ સ્રોત, Getty Images
છત્તીસગઢના બસ્તર જિલ્લાની એક 40 વર્ષીય વ્યક્તિ પર તેમનાં પત્ની સાથે અકુદરતી રીતે યૌનસંબંધ બાંધવાનો અને તેનાં મૃત્યુનું કારણ બનવાનો આરોપ હતો.
પતિ પર એવો આરોપ હતો કે તેણે પોતાની પત્ની સાથે બળજબરીથી અને અપ્રાકૃતિક યૌનસંબંધ બાંધ્યો હતો.
આ કેસમાં પીડિતાના પતિ પર આઇપીસીની કલમ 376, 377 અને 304 હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં, પીડિતાએ પોતાનાં મૃત્યુ પહેલાં નિવેદન આપ્યું હતું. આ નિવેદન એક કાર્યકારી મૅજિસ્ટ્રેટે નોંધ્યું હતું.
પોતાના નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે, પતિ દ્વારા બળજબરીથી બાંધવામાં આવેલા યૌનસંબંધના કારણે તે બીમાર પડી.
મે 2019માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે પીડિતાના પતિને બળાત્કાર, અપ્રાકૃતિક કૃત્ય અને અજાણતાં થયેલી હત્યા માટે દોષિત ઠરાવ્યો અને તેને દસ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
જોકે, પીડિતાના પતિએ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ત્યાર પછી હાઈ કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને રદ કરીને પીડિતાના પતિને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.
વકીલો અને મહિલા કાર્યકરો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ કરુણા નંદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ કેસ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે લખ્યું છે, "ન્યાયાધીશ કાયદાથી બંધાયેલા હતા. નવી ભારતીય ન્યાય સંહિતામાં મૅરિટલ રેપ અપવાદ હેઠળ, જો પતિ પોતાની પત્નીની સંમતિ વગર તેના શરીરના કોઈ પણ અંગમાં કોઈ વસ્તુ કે અંગ નાંખે, તો તેને બળાત્કાર માનવામાં નહીં આવે. નવી ભારતીય ન્યાય સંહિતામાં આને (આ કાયદાને) બદલી શકાયો હોત, પરંતુ, તેને એમ જ રહેવા દેવાયો. અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેથી આ મૅરિટલ રેપ અપવાદને નાબૂદ કરી શકાય."
તો, મધ્ય પ્રદેશમાં રહેતા વકીલ રાજેશ ચાંદ કહે છે કે, કલમ 375માં કરાયેલા ફેરફાર અપ્રાકૃતિક યૌનસંબંધો અંગે સ્પષ્ટીકરણની વાત કરે છે.
તેમણે કહ્યું, "અત્યારની પરિસ્થિતિમાં અકુદરતી યૌનસંબંધ પર સ્પષ્ટીકરણની જરૂર છે; કેમ કે, સમલૈંગિક લગ્નોમાં ટ્રેડિશનલ સંબંધો અને યૌનસંબંધોની વ્યવસ્થાઓ લાગુ નથી થતી. સાથે જ, મૅરિટલ રેપ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ આવા કેસોમાં યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકાશે."
મહિલાઓ અને બાળકો સાથે સંકળાયેલા મુકદ્દમા લડનારાં વકીલ રાધિકા થાપરનું કહેવું છે કે, આવા ચુકાદાથી મહિલાઓને પિતૃસત્તાત્મક સમાજથી આઝાદી નહીં મળી શકે. અને, આ ચુકાદો જોતાં એ સ્પષ્ટ થાય છે કે, મહિલાઓને માત્ર એક વસ્તુ તરીકે જ ગણવામાં આવે છે.
રાધિકાએ કહ્યું, "આવા ચુકાદા મૅરિટલ રેપને પતિ-પત્નીના સંબંધો સુધી જ સીમિત કરી દે છે. અને, આ ચુકાદા મૅરિટલ રેપ અંગે જાગરૂકતા ફેલાવવાની વિપરીત કામ કરે છે."
તેમણે કહ્યું, "બધા પુરાવા હોવા છતાં આ કેસમાં આવો ચુકાદો આવવો, એ દુર્ભાગ્યપૂર્ણ છે. કહો કે ન કહો, તે (આ ચુકાદો) મૅરિટલ રેપને સામાન્ય કૃત્યના સ્તરે લાવીને મૂકી દે છે. કાયદાના ક્ષેત્રમાં આ કેસમાં પીડિતાના પતિને તેના આ કૃત્ય માટે સજા કરી શકાતી હતી."
મહિલા સશક્તીકરણ માટે કામ કરતી એક બિનસરકારી સંસ્થા આરઆઈટી ફાઉન્ડેશનનાં સંસ્થાપક ડૉ. ચિત્રા અવસ્થીએ કહ્યું કે, "લગ્નજીવનમાં થતા યૌન ઉત્પીડનની બાબતોમાં મહિલાઓ ઘણી વાર અવાજ ઉઠાવી ચૂકી છે. હવે, રેપ સાથે સંકળાયેલા કાયદા પર ફરીથી કામ કરવાની જરૂર છે."
"આવા ચુકાદાથી કોર્ટમાં દાખલ મૅરિટલ રેપના કેસો પર પણ અસર થાય છે. મહિલા કોઈની સંપત્તિ અને રમકડું નથી, કે તેની સાથે કંઈ પણ કરી શકાય."
નવા કાયદામાં પણ કશી રાહત નહીં

ઇમેજ સ્રોત, AFP
1 જુલાઈ 2024થી અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), જેણે આઇપીસીનું સ્થાન લીધું છે, તેમાં પણ લગ્નસંબંધી બળાત્કારને ગુનો નથી માન્યો.
બીએનએસમાં કલમ 377 જેવી કોઈ જોગવાઈ નથી, જે અસંમતિથી કરાયેલા અકુદરતી યૌનસંબંધને ગુનો જાહેર કરતી હોય.
કેન્દ્ર સરકારનો એવો પણ તર્ક છે કે, લગ્નસંબંધોમાં બળાત્કાર જેવી કઠોર દંડાત્મક જોગવાઈ લાગુ કરવી તે અયોગ્ય અને વ્યાપક સામાજિક-કાયદાકીય અસર કરી શકે છે.
મહિલાઓનાં યૌન-સ્વાયત્તતા અને અધિકારો પર ભાર મૂકનારા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા છતાં, છત્તીસગઢ હાઇકોર્ટનો આ ચુકાદો લગ્નસંબંધોમાં પત્નીની સંમતિને મહત્ત્વહીન કરી નાખે છે.
મૅરિટલ રેપ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી એ પ્રશ્ન સતત થતો રહેશે કે, પત્ની સાથે બળજબરીથી યૌનસંબંધ બાંધવાની બાબતમાં પતિને કશી સજા થશે કે કેમ?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












