સુનીતા વિલિયમ્સ અંતરીક્ષમાંથી પરત ક્યારે આવશે, નાસાએ નવી તારીખ આપી

ઇમેજ સ્રોત, GETTY IMAGES/EPA
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર 19 અને 20 માર્ચે પરત ફરે તેવી શક્યતા છે. તેઓ બંને અંદાજે દસેક મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છે.
બંનેએ 5 જૂન 2024ના રોજ પરીક્ષણ માટે સ્ટારલાઇનર સ્પેસયાનથી ઉડાન ભરી હતી. તેઓ આઠ દિવસ પછી પરત ફરવાના હતાં.
સ્ટારલાઇનર અંતરીક્ષયાન જ્યારે આઇએસએસની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યા પેદા થઈ હતી. યાનને દિશા આપતા પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં હતાં. તેમાં હિલિયમ ખાલી થઈ ગયો હતો. જેને લીધે બળતણવાળા ઈંધણ પર યાનને નિર્ભર રહેવું પડ્યું અને બંને અવકાશયાત્રીઓ ત્યાં જ અટકી ગયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
61 વર્ષીય વિલ્મોર અને 58 વર્ષીય સુનીતાને બૉઈંગ સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યાં હતાં. આ પ્રકારની એ પ્રથમ ફ્લાઇટ હતી જેમાં લોકો સવાર હતા.
અંતરીક્ષયાન નિયમિતપણે ઉપયોગમાં લેવાતા પહેલા નવા અવકાશયાન કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે આ એક પરીક્ષણ હતું.
જોકે, જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ કેટલીક સમસ્યાઓ થવા લાગી. તેની પ્રોપલ્શન સિસ્ટમમાં લિકેજ થયું હતું અને કેટલાંક થ્રસ્ટર્સ પણ બંધ થવાં લાગ્યાં હતાં.
હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશયાત્રીઓને પરત લાવવાની જવાબદારી ઇલોન મસ્કને સોંપી છે. નાસા અનુસાર, તેઓ 19 કે 20 માર્ચની આસપાસ પાછા આવે તેવી શક્યતા છે.
નાસાના સ્પેસએક્સ ક્રૂ-9ના સભ્યોએ અંતરીક્ષની વાટ પકડતાં પહેલાં પ્રેસ કૉન્ફરન્સ દ્વારા દરેક સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાસા અવકાશયાત્રીઓ નિક હોજ, સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 4 માર્ચ, 2025ના રોજ અવકાશમાંથી એક પત્રકારપરિષદ સંબોધી હતી.
સુનીતા વિલિયમ્સે ફરી રેકૉર્ડ બનાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં છે. એ સાથે જ તેઓ સૌથી વધુ સમય સુધી અવકાશમાં સતત રહેનાર પ્રથમ મહિલા બની ગયાં છે.
જોકે, સુનીતાનો આ પહેલો રેકૉર્ડ નથી. 2006-07માં તેમની પ્રથમ અવકાશયાત્રામાં 29 કલાક અને 17 મિનિટ તેઓ ચાલ્યાં હતાં.
આ અત્યાર સુધીની સૌથી લાંબી રેકૉર્ડેડ સ્પેસવૉક હતી જે કોઈ મહિલા દ્વારા કરવામાં આવી હતી.
આ પહેલાં આ રેકૉર્ડ અવકાશયાત્રી કેથરિન થૉર્નટનના નામે હતો. તેમણે 21 કલાકથી વધુ સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
સુનીતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. ત્રણેય પ્રવાસ સહિત તેમણે અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવૉક કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે સ્પેસવૉકમાં 62 કલાક અને 6 મિનિટ વિતાવ્યા હતા.
સુનીતા વિલિયમ્સ એક નિવૃત્ત નૅવી હેલિકૉપ્ટર પાઇલટ છે, જ્યારે વિલ્મોર ભૂતપૂર્વ ફાઇટર જેટ પાઇલટ છે. આ પહેલાં પણ વિલ્મોર બે વખત અવકાશની યાત્રા કરી ચૂક્યા છે.
સુનીતા વિલિયમ્સ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુનીતા લિન વિલિયમ્સ ભારતીય મૂળનાં બીજાં અમેરિકન અવકાશયાત્રી છે. કલ્પના ચાવલા પછી નાસાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની 'એક્સપેડિશન-14'ની ટીમમાં ભારતીય મૂળનાં સુનીતા લીન વિલિયમ્સનો સમાવેશ કર્યો હતો.
સુનીતાનો જન્મ 1965માં અમેરિકાના ઓહાયોમાં થયો હતો. તેમના પિતા ગુજરાતથી આવ્યા હતા અને 1958માં અમેરિકામાં સ્થાયી થયા હતા.
સુનીતાના પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ બોની પંડ્યા છે. સુનીતાના પતિ માઇકલ વિલિયમ્સ પણ પાઇલટ છે અને હવે પોલીસ ઑફિસર તરીકે કામ કરે છે.
નાસાએ 1998માં સુનીતાને અવકાશયાત્રી તરીકે પસંદ કરી હતી. સ્થાનિક પત્રકાર સલીમ રીઝવીના જણાવ્યા અનુસાર, સુનીતા અમેરિકન નેવલ ઍકેડૅમીની ગ્રૅજ્યુએટ છે તેમજ કુશળ ફાઇટર પાઇલટ પણ છે.
તેમણે 30 અલગ-અલગ પ્રકારના ઍરક્રાફ્ટમાં 2700 કલાકથી વધુ સમયનું ઉડ્ડયન કર્યું છે.
સુનીતા વિલિયમ્સે પ્રથમ નોકરી નૌકાદળનાં એવિએટર તરીકે કરી હતી.
સુનીતાને કેટલો પગાર મળે છે?
2013માં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે સુનીતાએ કહ્યું હતું કે તેઓ સમોસાં લઈને અવકાશમાં ગયાં હતાં. આ સાથે તેઓ ઉપનિષદ અને ગીતા પણ લઈ ગયાં છે.
ભારતીય ફૂડનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે ભારતીય ફૂડથી કોઈ કંટાળી શકે નહીં.
નાસામાં પગાર યુએસ સરકારના ગ્રેડ પે અનુસાર આપવામાં આવે છે. આમાં સિવિલિયન અવકાશયાત્રીઓ માટે GS-13 અને GS-15 ગ્રેડ પેનો સમાવેશ થાય છે.
અહીં તમામ સરકારી કર્મચારીઓને GS-01થી GS-15 ગ્રેડ પે પ્રમાણે પગાર આપવામાં આવે છે. GS-15 ગ્રેડ પે અહીં સૌથી વધુ ગ્રેડ પે છે. સુનીતાને પણ એ જ ગ્રેડ પે મુજબ પગાર મળે છે.
- જીએસ-13: 81,216થી 105,579 ડૉલર સુધીના વાર્ષિક પગારની જોગવાઈ છે.
- જીએસ-14: આમાં વાર્ષિક પગાર 95,973થી 124,764 ડૉલર સુધીનો છે.
- જીએસ-15: વાર્ષિક પગાર 112,890થી 146,757 ડૉલર સુધીનો છે.
સુનીતા આવી રીતે પરત ફરશે

ઇમેજ સ્રોત, Getty Images
સુનીતા વિલિયમ્સ પરત ફરે તે માટે નાસા તમામ વિકલ્પ પર કામ કરી રહ્યું છે. નાસાના કૉમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મૅનેજર સ્ટીવ સ્ટિચે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે, "અમારો મુખ્ય ઉદ્દેશ્ય બૂચ અને સુનીતાને સ્ટારલાઇનર પર પાછા લાવવાનો છે. જોકે, અમે તેમના માટે અન્ય વિકલ્પ પણ ખુલ્લા રાખ્યા છે."
જો સ્ટારલાઇનર્સને પૃથ્વી પર પાછા લાવવાનું સલામત ન ગણાય, તો હવે તેમને અવકાશમાંથી પાછા લાવવા માટે પરિવહનનાં વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરી શકાય છે.
તેમણે કહ્યું હતું કે એક સંભવિત વિકલ્પ એ છે કે બંને અવકાશયાત્રીઓને એક મિશન સાથે જોડવામાં આવે અને 2025માં તે મિશન સાથે તેમને પૃથ્વી પર પાછા લાવવામાં આવે.
સ્પેસ સ્ટેશન માટે આ ફ્લાઇટ 'સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન' વાહન દ્વારા લઈ જવામાં આવશે. તેની શરૂઆતની યોજના ચાર ક્રૂ મેમ્બર સાથે જવાની હતી, પરંતુ જો જરૂર પડે તો બે બેઠક ખાલી રાખી શકાય છે.
જોકે નાસાના અધિકારીઓનું આગળનું પગલું શું હશે? આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી.
સ્પેસએક્સનો પ્રયોગ બૉઇંગ માટે ઝટકા સમાન રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે સ્પેસએક્સ યાનનો ઉપયોગ કરવો એ બૉઇંગ માટે એક ઝટકા સમાન હશે, જેના માટે કંપની તેના વધુ અનુભવી ક્રૂ ડ્રેગન સાથે વર્ષોથી સ્પર્ધા કરવા માટે પ્રયાસ કરી રહી છે.
સ્ટારલાઇનર યાન બૉઇંગ દ્વારા જ વિકસાવવામાં આવ્યું છે. બૉઇંગનું આ પ્રથમ માનવમિશન છે. અત્યાર સુધીમાં સ્પેસએક્સે અવકાશમાં નવ માનવમિશન પૂર્ણ કર્યાં છે.
બૉઇંગના યાનમાં આ પહેલી સમસ્યા નથી. તેણે 2019માં પ્રથમ માનવરહિત ફ્લાઇટ મોકલી હતી. સોફ્ટવેરની ખામીને કારણે એન્જિન શરૂ થઈ શક્યું ન હતું અને તે સ્પેસ સ્ટેશન સુધી પહોંચી શક્યું ન હતું.
બીજો પ્રયાસ 2022માં કરવામાં આવ્યો હતો, પરંતુ યાનમાં ફરીથી કેટલાંક થ્રસ્ટર્સ અને વાહનની કૂલિંગ સિસ્ટમમાં સમસ્યા થઈ હતી.
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન શું છે?

ઇમેજ સ્રોત, NASA
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન એક અવકાશયાન છે. તેને ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેના દ્વારા અવકાશયાત્રીઓને આઈએસએસ સુધી લઈ જવાય છે.
તેને નાસાની એ યોજના હેઠળ વિકસાવવામાં આવી હતી, જેના હેઠળ અમેરિકન સરકારે સ્પેસ સ્ટેશનની ફ્લાઇટ્સ ખાનગી કંપનીઓને સોંપી હતી. આ પહેલાં અમેરિકા રશિયન પ્રક્ષેપણ પર નિર્ભર રહેતું હતું.
ક્રૂ ડ્રેગન 16 ડ્રેકો થ્રસ્ટર્સથી સજ્જ છે. તેને ફાલ્કન 9 રૉકેટથી લૉન્ચ કરવામાં આવ્યું છે. તેમાં એક સમયે સાત અવકાશયાત્રીઓ મોકલી શકાય છે. તે વારંવાર વાપરી શકાય છે. અવકાશમાંથી પાછા ફરતી વખતે આ વાહન અવાજની ગતિથી પણ 25 ગણી ઝડપે પસાર થાય છે.
તે પોતાની જાતને અન્ય અવકાશયાન સાથે જોડી શકે છે. જો તેની ઉડાન દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પડે તો તે લૉન્ચ એસ્કેપ સિસ્ટમથી પણ સજ્જ છે, જે તરત જ ક્રૂ ડ્રેગનને રૉકેટથી અલગ કરી દે છે.
અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે તેમાં પેરાશૂટ પણ લગાવવામાં આવ્યા છે. ફ્લાઇટ કમ્પ્યુટર અને થ્રસ્ટર્સ ફેલ થયાં પછી પણ તે સ્પેસક્રાફ્ટ ક્રૂને સુરક્ષિત રીતે પાછા લાવવામાં સક્ષમ છે.
અવકાશયાત્રીઓને ભોજન કેવી રીતે પહોંચાડાય છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈએસએસમાં આખો દિવસ કામ કર્યા પછી રાતે ભોજનનો સમય હોય છે. ખોરાકને પૅકેટમાં પૅક કરવામાં આવે છે. દરેક દેશ પ્રમાણે તેને અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં વહેંચવામાં આવે છે.
અવકાશયાત્રી રહી ચૂકેલા નિકોલ સ્ટોટ કહે છે, "તે કૅમ્પના ભોજન કે લશ્કરી રાશન જેવું હોય છે. સારું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. મારો મનપસંદ ખોરાક જાપાનીઝ કઢી અથવા રશિયન સૂપ હતો."
અવકાશયાત્રીઓના પરિવારો પણ તેમના માટે ખોરાક મોકલી શકે છે. સ્ટોટે જણાવ્યું હતું કે તેમના પુત્ર અને પતિએ તેમને ચોકલેટની પરતવાળી આદુના આકારની વસ્તુઓ મોકલી હતી અને મોટા ભાગે લોકો તેમનો ખોરાક એકબીજા સાથે વહેંચે છે.
સુનીતા વિલિયમ્સે પણ પોતાની પ્રથમ અવકાશયાત્રામાં સમોસાં લીધાં હતાં. ઑગસ્ટ 2024માં લગભગ ત્રણ ટન ખોરાક, બળતણ અને અન્ય આવશ્યક પુરવઠો નાસાનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરને માનવરહિત રશિયન કાર્ગો અવકાશયાન દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












