વર્લ્ડકપના પરાજયને ભૂલાવીને ટીમ ઇન્ડિયાએ 15 મહિનામાં બે મોટી ટ્રૉફી કઈ રીતે જીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
"2007ની હાર પછી વર્લ્ડકપ જીતવો મારા માટે એક સપનું બની ગયું. મેં તેને એક પડકારની જેમ લીધું. મેં મારી જાતને કહ્યું કે મારે ટ્રૉફી જીતવી છે. આ એક પડકાર હતો અને મેં તેના માટે કામ કર્યું."
2011માં ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ પછી જ્યારે વર્લ્ડકપ જીત્યો ત્યારે સચીન તેંડુલકરે મિડ ડેને આપેલી એક મુલાકાતમાં આ વાત કરી હતી.
સચીનનો તે છેલ્લો વર્લ્ડકપ હતો. વિરાટ કોહલી તે વખતે ટીમ ઈન્ડિયાના ઊભરતા સ્ટાર હતા. રોહિત શર્મા તો તે વર્લ્ડકપમાં ન હતા, પરંતુ તેમનામાં પણ ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય દેખાતું હતું.
12 વર્ષ પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની બહુ નજીક આવીને ફાઇનલ મૅચ હારી ગઈ. પરંતુ સચીનની જેમ જ રોહિત શર્માની ટીમે પણ ખિતાબને એક પડકારની જેમ જોયો.
તે પડકારને પાર કરીને ટીમ ઇન્ડિયાએ 15 મહિનાના ગાળામાં બે મોટી ટ્રૉફી જીતી છે.
29 જૂન, 2024ના રોજ સાઉથ આફ્રિકાને હરાવીને ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. હવે 9 માર્ચ, 2025ના રોજ ભારતીય ટીમે ત્રીજી વખત ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી છે, જે એક રેકૉર્ડ છે.
2007ના વર્લ્ડકપમાં સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાગ અને એમ. એસ. ધોની જેવા સ્ટાર ખેલાડી હોવા છતાં ટીમ ઇન્ડિયા પહેલા જ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગઈ હતી.
ત્યાર પછી ટીમ ઇન્ડિયાએ જોરદાર કમબૅક કર્યું અને 6 મહિના પછી પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો. 2011માં ટીમ ઇન્ડિયા 28 વર્ષ પછી વન-ડે વર્લ્ડકપ જીતી અને પછી 2013માં બીજી વખત ચૅમ્પિયન્સ ટ્રૉફી પોતાના નામે કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટુર્નામેન્ટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માના પુનરાગમન તરીકે પણ જોવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં રોહિત શર્માને ઓપનિંગ કરવાની તક મળી અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
પરંતુ ત્યાર પછી કોઈ પણ ટાઇટલ જીતવા માટે લાંબો ઇંતજાર શરૂ થઈ ગયો.
2013થી 2023 સુધી 'ચૉકર્સ'નો ટૅગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2014માં આયોજિત T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઇનલમાં શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને છ વિકેટથી હરાવીને ટાઇટલ જીતવાથી વંચીત કરી.
2015ના વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમની સફર સેમિફાઇનલમાં જ પૂરી થઈ હતી. 2016ના T20 વર્લ્ડકપમાં પણ ટીમ ઇન્ડિયા સેમિફાઈનલથી આગળ વધી શકી નહોતી.
2017ની ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલૅન્ડે 2019ના વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું.
2021માં ન્યૂઝીલૅન્ડે ટીમ ઇન્ડિયાને આઈસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ જીતવાથી અટકાવી હતી. તે જ વર્ષે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી.
2022ના T20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા સેમિફાઇનલ સુધી જ પહોંચી શકી હતી. 2023ની આઈસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભારતીય ટીમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
2023માં ભારતની જમીન પર પર વર્લ્ડકપ રમાઈ રહ્યો હતો. સતત 10 મૅચ જીતીને ટીમ ઇન્ડિયાએ એવો જુસ્સો દેખાડ્યો હતો કે તે છેલ્લાં 10 વર્ષની ભૂલોનું પુનરાવર્તન કરવા માંગતી નથી. પરંતુ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને રોહિત શર્માની ટીમનું વર્લ્ડકપ જીતવાનું સપનું કચડી નાખ્યું.
એ હાર પછી ભારતીય ખેલાડીઓએ નિરાશ થઈને જરૂર વિચાર્યું હશે કે છેલ્લી ક્ષણોમાં ટાઇટલ હાથમાંથી સરકી ન જાય તે માટે શું કરવું જોઈએ?
ટી-20 વર્લ્ડકપમાં વિજય

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2023ની હારમાંથી ટીમ ઇન્ડિયાની રિકવર થવાની પ્રક્રિયા આઠ મહિના પછી શરૂ થઈ.
9મી જૂને T20 વર્લ્ડકપના ગ્રૂપ સ્ટેજની મૅચમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો પાકિસ્તાન સામે હતો.
ટીમ ઇન્ડિયા 20 ઓવર પણ રમી ન શકી અને 119 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
12 ઓવર પછી પાકિસ્તાને માત્ર બે વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા હતા અને તેની જીત નિશ્ચિત જણાતી હતી. પરંતુ અહીંથી ભારતીય ટીમે વાપસી કરી. બુમરાહના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે 6 રનથી મૅચ જીતી લીધી હતી.
ત્યાર પછી એવું લાગી રહ્યું હતું કે જાણે ભારતની જીતનો સિલસિલો શરૂ થયો હતો. અહીંથી જ ભારતીય ટીમને વિશ્વાસ મળ્યો કે તે અશક્ય લાગતી મૅચોમાં પણ પુનરાગમન કરી શકે છે.
29 જૂને રમાયેલી ફાઇનલમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 30 બૉલમાં 29 રન બનાવવાના હતા અને તેની 6 વિકેટ હાથમાં હતી. બુમરાહે ત્યાર પછીની ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. મૅચમાં રસાકસી જામવા લાગી.
17મી ઓવરના પહેલા બૉલ પર પંડ્યાએ ક્લાસેનને પેવેલિયન પરત મોકલ્યા. મુકાબલો રોમાંચક થવા લાગ્યો. બુમરાહે જાદુઈ બૉલિંગ કરી અને 18મી ઓવરમાં માત્ર બે રન આપ્યા. ભારતે મૅચમાં વાપસી કરી હતી. બાકીનું કામ અરશદીપસિંહ અને હાર્દિક પંડ્યાએ પૂરું કર્યું હતું.
ભારત સાત રનથી ફાઇનલમાં જીતી ગયું અને આઈસીસી ટુર્નામેન્ટમાં 11 વર્ષ લાંબી હારનો સિલસિલો સમાપ્ત થયો.
રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ આ વાત કહી

ઇમેજ સ્રોત, Getty Images
આ વિજય પછી રોહિત શર્માએ કહ્યું, "છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અમે જેમાંથી પસાર થયા તે વર્ણવી શકાય તેમ નથી. અમે એક ટીમ તરીકે સખત મહેનત કરી. આ જીત બાદ ઘણું બધું પાછળ રહી ગયું છે."
"એવું નથી કે અમને આ જીત પહેલીવાર મળી છે. અમે ત્રણ-ચાર વર્ષથી સખત મહેનત કરતા હતા. અમને આજે તેનું પરિણામ મળ્યું. અમે ઘણી મૅચો દબાણ હેઠળ રમ્યાં. પરંતુ પરિણામ અમારા પક્ષમાં આવ્યું ન હતું."
"અમે સમજી ગયા કે શું કરવાની જરૂર છે. આજે તેનું ઉદાહરણ જોવા મળ્યું. મૅચમાં કમબૅક કઈ રીતે કરાય તે અમને સમજાઈ ગયું છે. અમે એક ટીમ તરીકે સાથે રહ્યા."
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં વિજયી સફર

ઇમેજ સ્રોત, Getty Images
ટી-20 વર્લ્ડકપમાં મળેલી જીતે ટીમ ઇન્ડિયાને ચૅમ્પિયન્સ ટ્રૉફી સુધી આગળ વધારી. આખી ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમના બૅટ્સમૅનો અને બૉલર્સ જોરદાર ફૉર્મમાં જોવા મળ્યા.
પાંચ મૅચમાંથી એક પણ વખત ભારતીય બૉલર્સે વિરોધી ટીમને 300 રન બનાવવા ન દીધા. ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર ટૉપ 10 ખેલાડીઓમાં પણ ત્રણ ભારતીય હતા.
વરુણ ચક્રવર્તી ભારત માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થયા અને તેમણે ત્રણ મૅચમાં 9 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી પણ પાંચ મૅચમાં 9 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા. કુલદીપ યાદવને પાંચ મૅચમાં સાત વિકેટ મળી.
ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર 15 ખેલાડીઓમાં પાંચ ભારતીય ખેલાડીઓ સામેલ છે. શ્રેયસ અય્યરે સૌથી વધુ 243 રન બનાવ્યા જ્યારે વિરાટ કોહલીએ ટુર્નામેન્ટમાં 218 રન બનાવ્યા.
તે આ વાતની સાબિતી છે કે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓએ કઈ રીતે ટીમની જીતમાં યોગદાન આપ્યું અને ચૅમ્પિયન્સ ટ્રૉફીની કોઈ પણ મેચમાં વિરોધી ટીમને આસાનીથી હરાવી હતી.
જીત પછી રોહિત શર્માએ શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ફાઇનલ મૅચમાં 76 રનની ઇનિંગ રમનાર રોહિત શર્માને પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ અપાયો હતો.
રોહિત શર્માએ કહ્યું, બહુ સારું લાગે છે. અમે બહુ સારું ક્રિકેટ રમ્યા અને પરિણામ પણ અમારી તરફેણમાં રહ્યાં છે. હું આક્રમક ક્રિકેટ રમું છું. ઘણી વખત તેનાં પરિણામ તમારા પક્ષમાં નથી આવતાં."
"તેથી મને બેટિંગમાં ઊંડાણ જોઈતું હતું. જાડેજા આઠમા ક્રમે હોય તે ભરોસો આપે છે. મારા મગજમાં બધું એકદમ સાફ હતું કે મારે શું કરવાનું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












