શૅરબજારમાં સતત ઘટાડાને કારણે જેમણે મિડકૅપ અને સ્મૉલકૅપ શૅરોમાં રોકાણ કર્યું છે તેમના માટે કેટલી ચિંતાનો વિષય છે?

શૅરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, સ્ટોક, રોકાણ, શૅર, બીબીસી ગુજરાતી, સેન્સેક્સ, નિફ્ટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય શૅરબજારમાં ઊથલપાથલને લઈને ભારતનો સામાન્ય વર્ગ ચિંતિત છે

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શૅરબજારની સ્થિતિ અને તેને લગતા આર્થિક પ્રશ્નો સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

એક તરફ, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર, ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ઊભરતા કેન્દ્ર તરીકે ભારતની ઓળખ અને વૈશ્વિક રોકાણકારોના વધતા રસ વિશે ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ, સામાન્ય લોકો ફુગાવા, વધતા EMI, નોકરીઓ અંગે અનિશ્ચિતતા અને શૅરબજારમાં ઊથલપાથલથી ચિંતિત છે.

શૅરબજારમાં થતી વધઘટ ઘણીવાર મુખ્ય સમાચાર બને છે, પરંતુ સામાન્ય લોકો માટે મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ આર્થિક વિકાસ તેમના અંગત જીવનને કેવી રીતે અસર કરી રહ્યો છે.

સામાન્ય નાગરિકો માટે ભારતની આર્થિક પ્રગતિનો અર્થ શું છે? શું શૅરબજારમાં હાલનો ઘટાડો લાંબા સમય સુધી ટકી શકે એમ છે?

શું ભારતની આર્થિક નીતિઓ લોકોને વૈશ્વિક બજારોની અસરથી બચાવવા સક્ષમ છે?

શું નોકરીની તકો વધારવી એ સરકારી નીતિઓનો ભાગ છે? અને ભારતીય અર્થતંત્ર સામે મુખ્ય પડકારો કયા છે?

બીબીસી હિન્દીના સાપ્તાહિક કાર્યક્રમ 'ધ લેન્સ' માં, કલેક્ટિવ ન્યૂઝરૂમના નિર્દેશક મુકેશ શર્માએ આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ પ્રશ્નોની ચર્ચા કરવા માટે આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય ડૉ. નરેન્દ્ર જાધવ, ધ મિન્ટનાં કન્સલ્ટિંગ ઍડિટર પૂજા મેહરા અને ધ એન શોના ઍડિટર નીરજ વાજપાઈ જોડાયા હતા.

શૅરબજારમાં ઘટાડાનું કારણ શું છે?

ભારતીય શેરબજાર, ભારતીય અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય શૅરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે

ભારતીય શૅરબજારોમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી; ઘણાં વર્ષો પછી, ઘટાડાનો સમયગાળો આટલા લાંબા સમય સુધી ખેંચાયો છે.

ઘણા નિષ્ણાતો, જેઓ થોડા મહિના પહેલા સુધી બજારમાં રોકાણ પર હજારો અને લાખોના નફાની વાત કરતા હતા, તેમનો સ્વર હવે બદલાવા લાગ્યો છે.

સપ્ટેમ્બર 2024માં બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ લગભગ 86 હજારના સ્તરે પહોંચી ગયો હતો. હવે તે રૂ. 74000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતીય શૅરબજારમાં તાજેતરના ઘટાડા અંગે, ધ એન શોના સંપાદક નીરજ વાજપાઈએ જણાવ્યું હતું કે, "લોકોને ભારત કરતાં અમેરિકામાં રોકાણ કરીને વધુ નફો મળી રહ્યો છે. આ જ કારણ છે કે તેઓ ભારતીય બજારોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અને વિદેશી બજારોમાં રોકાણ કરી રહ્યા છે."

તેમણે કહ્યું, "ભારત, ચીન, મલેશિયા, થાઇલૅન્ડ જેવા દેશોમાંથી મૂડી અમેરિકા તરફ વળી રહી છે. તેનું કારણ એ છે કે અમેરિકામાં રોકાણકારોને વધુ જોખમ લીધા વિના 6-7 ટકા વળતર મળી રહ્યું છે."

ભારતીય શેરબજાર, ભારતીય અર્થતંત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય અને વૈશ્વિક શૅરબજારોમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓ પણ માનવામાં આવી રહી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શૅરબજારમાં તાજેતરના ઘટાડા પર પ્રતિક્રિયા આપતા, ધ મિન્ટનાં કન્સલ્ટિંગ ઍડિટર પૂજા મહેરાએ જણાવ્યું હતું કે, "બજાર કેટલો સમય ઘટાડાની સ્થિતિમાં રહેશે તે ઘણાં પરિબળો પર આધારિત છે. તેનું એક મુખ્ય કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ દ્વારા સર્જાયેલી વૈશ્વિક અનિશ્ચિતતા છે."

તેમણે કહ્યું, "રોકાણકારો યુએસ બજારોને સલામત માને છે કારણ કે ત્યાં જોખમ ઓછું છે અને યુએસ અર્થતંત્ર હાલમાં સારી સ્થિતિમાં છે. તેથી, રોકાણકારો તેમનાં નાણાં યુએસ બજારો તરફ ખસેડી રહ્યાં છે."

આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય ડૉ. નરેન્દ્ર જાધવે આ અંગે કહ્યું, "ભારતીય અર્થતંત્રની મજબૂૂતીને જોતાં, મારું માનવું છે કે આ ઘટાડો થોડા સમય માટે ચાલુ રહી શકે છે, પરંતુ આ પરિસ્થિતિ લાંબો સમય સુધી રહેશે નહીં."

તેમણે કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ અલગ અલગ સમાચાર લઈને આવી રહ્યા છે. તેમની નીતિઓ અને નિવેદનોમાં સ્પષ્ટતાનો અભાવ છે. યુએસ અર્થતંત્ર મૅક્સિકો જેવા દેશોમાંથી મોટા પાયે આયાત કરે છે. જો તેમના પર ટેરિફ લાદવામાં આવશે, તો અમેરિકન લોકો માટે સમસ્યાઓ વધશે અને ત્યાં ફુગાવો થઈ શકે છે. જોકે, જે દિવસે આ મુદ્દાઓ પર સ્પષ્ટતા થશે, તે દિવસે બજારમાં સ્થિરતા પાછી આવશે."

ડૉ. જાધવના મતે, ભારતીય અર્થતંત્રના મજબૂત પાયા અને વૈશ્વિક અનિશ્ચિતતાના ઉકેલ પછી બજારોમાં સુધારો થવાની અપેક્ષા રાખી શકાય છે.

સામાન્ય રોકાણકારો માટે આ કેટલી ચિંતાનો વિષય છે?

ભારતીય શેરબજાર, ભારતીય અર્થતંત્ર, બેરોજગારી
ઇમેજ કૅપ્શન, શૅરબજારમાં વધઘટ સામાન્ય છે, પરંતુ તાજેતરના ઘટાડાએ રોકાણકારોને ચિંતામાં મૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

શૅરબજારમાં ઘટાડાને કારણે રોકાણનું મૂલ્ય ઘટ્યું છે અને કેટલાંક રોકાણોને નુકસાન પણ થયું છે. સ્મોલકૅપ અને મિડકૅપ શૅરોમાં સતત વેચાણથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.

સેન્સેક્સમાં ઘટાડાને કારણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા બજારમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો ચિંતિત છે.

તેઓ સમજી શકતા નથી કે તેમણે આ સમયે SIP બંધ કરવી જોઈએ કે તેમાંથી તેમના બધા પૈસા ઉપાડી લેવા જોઈએ.

શૅરબજારની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરતી વખતે, ધ એન શોના સંપાદક નીરજ વાજપાઈએ કહ્યું, "બજારમાં બે પ્રકારના લોકો છે - એક જે વેપાર કરે છે અને બીજા જે રોકાણકાર છે. હાલમાં, વેપારીઓ બજારની સ્થિતિથી ખૂબ જ નારાજ છે, જોકે રોકાણકારોના પોર્ટફોલિયોને પણ નુકસાન થયું છે."

તેમણે કહ્યું, "આ ચોક્કસપણે ચિંતાનો વિષય છે, પરંતુ જો તમે સારી કંપનીઓમાં રોકાણ કર્યું છે, તો ગભરાવાની જરૂર નથી. તેથી, જો તમે સારો સ્ટૉક પસંદ કર્યો છે, તો ડરથી તેને વેચશો નહીં."

"તમે SIP દ્વારા રોકાણ કર્યું હોય કે અન્ય કોઈ પદ્ધતિ દ્વારા, ગભરાવાની કોઈ જરૂર નથી. તમારે ફક્ત ત્યારે જ ચિંતા કરવાની જરૂર છે જો તમે સારી કંપનીઓમાં રોકાણ ન કર્યું હોય અને તમારા પૈસા અડધા થઈ ગયા હોય."

બજારોના પ્રકારો અંગે બાજપાઈએ કહ્યું, "ત્રણ પ્રકારનાં બજારો છે - લાર્જકૅપ, મિડકૅપ અને સ્મૉલકૅપ. જે લોકોએ લાર્જકૅપમાં રોકાણ કર્યું છે તેમણે વધુ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જેમણે મિડ અને સ્મોલકૅપમાં રોકાણ કર્યું છે તેમણે સાવધ રહેવાની જરૂર છે."

રોકાણકારોને સલાહ આપતા તેમણે કહ્યું, "જો તમે સ્મૉલ અને મિડકૅપ શૅરોમાં રોકાણ કરી રહ્યા છો, તો ઓછામાં ઓછાં 10 વર્ષ માટે પૈસા છોડી દેવા માટે તૈયાર રહો. જ્યારે, લાર્જકૅપમાં રોકાણ કરનારાઓએ ઓછામાં ઓછાં પાંચ વર્ષ માટે રોકાણ રાખવું જોઈએ."

વૈશ્વિક બજારોની સ્થિતિ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, "વર્ષ 2025 સુધી વળતર મેળવવું ખૂબ જ મુશ્કેલ બનશે. વિશ્વનાં તમામ બજારો અમેરિકા તરફ જુએ છે. જ્યાં સુધી ત્યાં અનિશ્ચિતતા રહેશે, ત્યાં સુધી વિશ્વનું કોઈ પણ બજાર યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં."

ભારતમાં બેરોજગારી વધવાનાં કારણો

ભારતીય શેરબજાર, ભારતીય અર્થતંત્ર, બેરોજગારી
ઇમેજ કૅપ્શન, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે

ભારતમાં બેરોજગારી એક સળગતો મુદ્દો છે જે સતત વધી રહ્યો છે અને દેશની યુવા પેઢી માટે ચિંતાનો વિષય બન્યો છે.

દર વખતે ચૂંટણી દરમિયાન આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તેને પડતો મૂકવામાં આવે છે.

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલાં વર્ષો અને આટલી બધી સરકારો પછી પણ આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી મળ્યો?

ભારતમાં વધતી જતી બેરોજગારી પર ચિંતા વ્યક્ત કરતા, 'ધ મિન્ટ'નાં કન્સલ્ટિંગ ઍડિટર પૂજા મહેરાએ જણાવ્યું હતું કે "ગયા મહિને બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જેટલી નોકરીઓની જરૂર છે તેટલી નોકરીઓ બનાવવામાં આવી રહી નથી. સર્વેક્ષણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિને સુધારવા માટે કયા પ્રકારની નીતિઓની જરૂર છે."

તેમણે કહ્યું, "સર્વેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકોની આવક એ જ ગતિએ વધી રહી નથી જે રીતે ફુગાવો વધી રહ્યો છે. જ્યાં સુધી બધી જરૂરી નીતિઓ લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી મને નજીકના ભવિષ્યમાં આ સમસ્યાનો ઉકેલ આવતો દેખાતો નથી."

રાજકીય પાસાં પર, મહેરાએ કહ્યું, "મારા મતે, ચૂંટણીઓમાં બેરોજગારી એટલો મોટો મુદ્દો બન્યો નથી. રાજકીય પક્ષો અન્ય મુદ્દાઓ પર ચૂંટણી જીતી શકે છે. તેથી, બેરોજગારી અંગે આપણા દેશના નેતાઓ પર બહુ દબાણ નથી."

ભારતમાં વધતી જતી બેરોજગારી અને રોજગારની ગુણવત્તા સંબંધિત મુદ્દાઓ પર, નીરજ વાજપાઈએ કહ્યું, "જો આપણે છેલ્લાં 25-30 વર્ષના ભારતના ઇતિહાસ પર નજર કરીએ તો, આપણી અર્થવ્યવસ્થા 7 ટકાથી ઉપર જઈ શકી નથી."

"તાજેતરના ડેટા મુજબ, આપણી અર્થવ્યવસ્થા લગભગ 6-6.5 ટકાના દરે વધી રહી છે. એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે આપણી અર્થવ્યવસ્થા ધીમી પડી રહી નથી, પરંતુ તે પહેલાંની જેમ જ ગતિએ આગળ વધી રહી છે."

વિશ્લેષકો કહે છે કે ભારતમાં રોકાણકારોને માત્ર 5% વળતર મળી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્લેષકો કહે છે કે ભારતમાં રોકાણકારોને માત્ર 5% વળતર મળી રહ્યું છે

તેમણે કહ્યું, "આપણા દેશમાં બેરોજગારીની કોઈ સમસ્યા નથી, પરંતુ રોજગારની ગુણવત્તા એક મોટી ચિંતાનો વિષય છે. એટલે કે, જે લોકો કામ કરી રહ્યા છે તેમને તેમના કામ મુજબ પૂરતો પગાર મળતો નથી."

વાજપાઈએ ઘરેલુ દેવાના વધતા સ્તર પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "આપણું ઘરેલુ દેવું પહેલાં GDP ના પ્રમાણમાં 29-30% ની આસપાસ હતું, જે હવે વધીને 40% થઈ ગયું છે. એક તૃતીયાંશ લોકો ટીવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓ ખરીદવા માટે વ્યક્તિગત લોન જેવી અસુરક્ષિત લોન લઈ રહ્યા છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. જો તમે વ્યક્તિગત વપરાશ માટે લોન લઈ રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે તમારી આવક ઘટી રહી છે."

તેમણે કહ્યું, "જો આજે પણ કોઈ એન્જિનિયરને કૅમ્પસ પ્લેસમેન્ટમાં 3.5-4 લાખ રૂપિયાનું પૅકેજ મળી રહ્યું છે, જે 15-20 વર્ષ પહેલાં સમાન હતું, તો તે સ્પષ્ટ છે કે સમસ્યા અહીં રહેલી છે."

ટૅક્નૉલૉજીકલ પડકારો વિશે વાત કરતાં તેમણે કહ્યું, "ટૅક્નૉલૉજીકલ ફેરફારોને કારણે કોઈપણ સરકાર નોકરીઓનું સર્જન કરી શકતી નથી. અમેરિકા જેવા દેશમાં પણ, આરોગ્ય અને નાણાકીય ક્ષેત્રમાં મોટા પાયે છટણીની તૈયારી છે કારણ કે ત્યાં AI દ્વારા કામ થઈ રહ્યું છે."

તેમણે કહ્યું, "દુનિયા સામે સૌથી મોટો પડકાર નોકરીઓ અને રોજગારની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. મને નથી લાગતું કે દુનિયાની કોઈ પણ સરકાર આ મુદ્દાને લોકો સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી શકે."

નરેન્દ્ર જાધવે આ મુદ્દા પર કહ્યું, "ભારતમાં રોજગારની તકો ઓછી છે અને રોજગારની સંભાવના પણ ઓછી છે. એવું નથી કે સ્નાતકો કૉલેજોમાંથી બહાર નથી આવી રહ્યા, તેઓ મોટી સંખ્યામાં છે, પરંતુ તેમના માટે કોઈ નોકરીઓ નથી કારણ કે તેઓ તે માટે સક્ષમ નથી. રોજગારની સંભાવના વધારવા માટે, યુવાના કૌશલ્ય પર ધ્યાન આપવાની જરૂર છે."

તેમણે કહ્યું, "મારું માનવું છે કે રાષ્ટ્રીય સ્તરે આપણે દેશમાં બેરોજગારી કેટલી વ્યાપેલી છે એ સ્વીકારવા તૈયાર નથી. ખાસ કરીને શિક્ષિત લોકોમાં બેરોજગારીનું સ્તર ખૂબ ઊંચું છે."

"વિશ્વનાં તમામ અર્થતંત્રોમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ધરાવે છે. પરંતુ આ વૃદ્ધિ ફક્ત સંગઠિત ક્ષેત્રમાં જ જોવા મળી છે. અસંગઠિત ક્ષેત્ર હજુ પણ કોવિડના સ્તરમાંથી બહાર આવ્યું નથી."

તેમણે આવક અને માંગ વચ્ચેના અસંતુલન પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "જે લોકો પાસે નોકરી છે તેમના પગારમાં તેટલો વધારો થઈ રહ્યો નથી જેટલો તેમને કરવો જોઈએ. આને કારણે, એકંદર વપરાશ મર્યાદિત છે. આનો અર્થ એ છે કે જો માંગ વધી રહી નથી, તો નોકરીઓનું સર્જન કેવી રીતે થશે?"

વિદેશી રોકાણકારોના મુદ્દા પર તેમણે કહ્યું, "જો આપણે રોકાણકારોની વાત કરીએ તો, જે લોકો યુએસ માર્કેટમાં રોકાણ કરે છે તેમને ટૅક્સ સુધારણા પછી પણ 7-8% વળતર મળી રહ્યું છે. જો તેમને ભારતમાં માત્ર 5% વળતર મળી રહ્યું છે, તો તેઓ ભારતીય બજારોમાં રોકાણ કેમ કરશે? ભારત દ્વારા વિદેશી રોકાણકારો પર લાદવામાં આવેલ કૅપિટલ ગેઇન ટૅક્સ( મૂડી લાભ કર) તાત્કાલિક દૂર કરવાની જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.