ગુજરાત : જૂની ગાડીનો મનગમતો નંબર નવી ગાડીમાં કેવી રીતે મેળવી શકાય, જાણો શું છે પ્રક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
વાહનના રજિસ્ટ્રેશન નંબર સાથે કેટલાક લોકોની અલગઅલગ પ્રકારની માન્યતા જોડાયેલી હોય છે.
કોઈ વાહનના નંબરને લઈને લોકોની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યૂમરૉલૉજિકલ માન્યતા જોડાયેલી હોય છે. આ સિવાય વ્યક્તિ પોતાની કે પોતાની પ્રિય વ્યક્તિનો જન્મદિવસ, લગ્નદિવસ કે અન્ય કોઈ યાદગાર દિવસને આધારે પણ નંબર પસંદ કરતા હોય છે.
પોતાનો મનપંસદ નંબર મેળવવા માટે તેઓ લોકો લાખો રૂપિયા પણ ખર્ચતા હોય છે. જોકે હવે વાહનના માલિક પોતાના જૂના વાહનનો નંબર પોતાના નવા વાહન માટે મેળવી શકશે.

જૂના વાહનનો નંબર નવા વાહનમાં મેળવવા (રિટેઇન) સંબંધે વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ અંગે ફેબ્રુઆરી 2025માં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
જો કે આરટીઓ વિભાગ દ્વારા વાહનના માલિકોને તેમના પસંદગીના (ચૉઇસ) નંબર આપવા માટેની સુવિધા છે. જોકે એક જ નંબર માટે કરતાં વધારે લોકો પસંદગી કરે તો તે નંબરની હરાજી કરવામાં આવે છે.
આરટીઓ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, બે મહિના પહેલાં અમદાવાદમાં એક વાહન માલિકે હરાજીમાં 7 લાખ રૂપિયામાં આપીને મનપસંદ નંબર મેળવ્યો હતો.
જોકે હવે જો કોઈ વ્યક્તિએ પોતાના જૂના વાહનનો નંબર પોતાના નવા વાહનમાં જોઈતો હોય તો તેમને હરાજીમાં પૈસા ભરવા પડશે નહીં. તેઓને માત્ર વાહન નંબરની કૅટેગરી જેમ કે ગોલ્ડન, સિલ્વર કે અન્ય મુજબ ફી જ ભરવાની રહેશે.
જૂના વાહનનો નંબર મેળવવા માગતા લોકોએ જૂનું વાહન જે આરટીઓ કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય, ત્યાં અરજી કરવાની રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ મુખ્યત્વે બે સંજોગોમાં જૂના વાહનનો નંબર રિટેઇન કરી શકાય.
1.કોઈ વાહનમાલિક પોતાનું જૂનું વાહનના વેચાણ બાદ તે વાહનની માલિકીનું હસ્તાંતરણ કરી રહ્યા હોય, ત્યારે વાહનમાલિક જૂના નંબરને પોતાના નવા વાહન માટે રિટેઇન કરવા અરજી કરી શકે છે.
જૂના વાહન સામે જૂનું વાહન ખરીદતી વેળાએ જૂના વાહનનો નંબર રિટેઇન કરી શકાશે નહીં. નવું વાહન ખરીદતી વખતે જ જૂનો નંબર રિટેઇન કરી શકાશે.
જૂના વાહનને આરટીઓ દ્વારા અન્ય કોઈ નંબર ફાળવવામાં આવશે.
અમદાવાદના આરટીઓ અધિકારી જેજે પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જૂના વાહનનો નંબર નવા વાહન પર જ રિટેઇન કરી શકાશે.
કોઈ વ્યક્તિ સેકન્ડ હેન્ડ વાહન ખરીદે તો તે પોતાના વાહનનો નંબર રિટેઇન નહીં કરી શકે. જૂના વાહનનો નંબર રિટેઇન કરવાની અરજી કર્યા બાદ 90 દિવસમાં અરજદારે નવું વાહન ખરીદી તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
2.વાહન સ્ક્રૅપ થતું હોય તે સમયે વાહન નંબર રિટેઇન્શન માટે અરજી કરી શકાશે. આ કિસ્સામાં વાહનમાલિકે ખરીદેલા નવા વાહન પર જૂના વાહનનો નંબર મેળવવા માટે અરજી કરી નંબર મેળવી શકશે.
જૂના સ્ક્રૅપ થનાર વાહનને અલગ નંબર ફાળવવામાં આવશે. ત્યાર બાદ જૂના વાહનને નિયમ મુજબ સ્ક્રૅપ કરવામાં આવશે.
જેજે પટેલે જણાવ્યું હતું, "કોઈ પણ વાહન 15 વર્ષ સુધી વપરાશ કર્યા બાદ તેનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ફરીથી રજિસ્ટ્રેશન કરાવવા માટે તે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. જો વાહન ફિટ હોય અને ચાલી શકે તેવી સ્થિતિમાં હોય તો તેને પાંચ વર્ષ માટે મંજૂર કરવામાં આવે છે. અને જો તે વાહન ફિટ ન હોય તો તેને સ્ક્રૅપ કરવામાં આવે છે."

વાહનવ્યવહાર વિભાગે બહાર પાડેલ પરિપત્રમાં જૂના વાહનનો નંબર રિટેઇન કરવા માટે કેટલીક શરતો રાખી છે, જે મુજબ:
- વાહનમાલિક પોતાના જૂના વાહનનો નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહન ઉપર જ રિટેઇન કરી શકશે. જો વાહનમાલિક જૂનું વાહન ખરીદશે, તો તે વાહન પર નંબર રિટેઇન કરી શકાશે નહીં. નવું વાહન હોવું એ તેની 'પૂર્વશરત' છે.
- જે જૂના વાહનનો નંબર રિટેઇન કરવાનો છે અને જે નવા વાહન પર તેને રિટેઇન કરવાનો છે, તે બન્ને વાહનોની માલિકી એક જ વ્યકિતની હોવી જોઈએ. કોઈ અન્ય વ્યકિતના નામે વાહન હોય તો નંબર રિટેઇન કરી શકાશે નહીં.
- જે વાહનનો નંબર રિટેઇન કરવાનો છે તે વાહનની માલિકી સંબંધિત વાહનમાલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષથી હોવું જોઈએ.
- વાહન રિટેઇન્શન માટે બન્ને વાહનના 'ક્લાસ ઑફ વ્હીકલ' સરખા હોવા જોઈએ. એટલે કે ટુ વ્હિલરનો નંબર ટુ વ્હિલર માટે જ અને ફૉર વ્હિલરનો નંબર ફૉર વ્હિલરમાં મળી શકશે.
- જે વાહનનો નંબર રિટેઇન કરવાનો છે, તે વાહનનું રજિસ્ટ્રેશન કાર્યરત્ હોવું જોઈએ એટલે કે જે વાહનો અગાઉ સ્ક્રૅપ ગયા છે, તેવા વાહનોનો નંબર હાલ રિટેઇન કરી શકાય નહીં.
- જૂના વાહનનો નંબર નવા વાહનમાં ફાળવવા માટેની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યાર બાદ કરી શકાશે નહીં.

જેજે પટેલે વધુમાં જણાવ્યું, "જે વાહનનો નંબર રિટેઇન કરવા માગતા હોય, તે નંબર જે કૅટેગરીનો હોય તે મુજબની ફી ભરવાની હોય છે. ગોલ્ડન, સિલ્વર કૅટેગરી મુજબ ફી ચૂકવવાની હોય છે."
જેજે પટેલ ઉદાહરણ આપતા સમજાવે છે કે "જો તમારા ગાડીનો નંબર 333 છે જે ગોલ્ડન કૅટેગરીમાં આવે છે તો તેની બેઝ પ્રાઇસ 40 હજાર રૂપિયા ફી છે તે ભરવાની રહેશે. આ નંબરની હરાજી થાય નહીં જેથી વધારાના પૈસા ચૂકવવાના રહેશે નહીં."
જો તમારો નંબર ગોલ્ડન, સિલ્વર કે અન્ય કોઈ કૅટેગરીમાં આવતો ન હોય, તો તેની માત્ર રજિસ્ટ્રેશન ફી જ ભરાવી રહેશે.
જેજે પટેલે જણાવ્યું હતું, "નંબર રિટેઇન કરવા માટે વાહનમાલિકે આરટીઓ ઑફિસમાં અરજી કરવાની રહેશે."

વાહનવ્યવહાર વિભાગ દ્વારા વાહનોના રજિસ્ટ્રેશનના ખાસ નંબરની અલગ કૅટેગરી રાખવામાં આવી છે, જેમાં ગોલ્ડન, સિલ્વર કે અન્ય નંબર જાહેર કરવામાં આવ્યા છે.
જેની અલગ-અલગ ફી નક્કી કરવામાં આવી છે. મનપંસદ નંબર મેળવવા માટે વાહન વ્યવહારની વેબસાઇટ પર જઈને મનપસંદ નંબર મેળવવા માટેની ઑનલાઇન પ્રક્રિયા કરવાની હોય છે.
વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરેલા ગોલ્ડન નંબરમાં ટુ વ્હિલર અને થ્રી વ્હિલર માટે 8 હજાર રૂપિયા અને ફૉર વ્હિલર માટે 40 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા સિલ્વર નંબરોમાં ટુ નંબર 3500 રૂપિયા અને ફૉર વ્હિલર માટે 15 હજાર રૂપિયા રાખ્યા છે.
વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ સિલ્વર અને ગોલ્ડન નંબર સિવાયના અન્ય મનપસંદ નંબર મેળવવા માગતા હોય તો તે માટે ટુ અને થ્રી વ્હિલર માટે 2 હજાર રૂપિયા અને ફૉર વ્હિલર માટે 8 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

જેજે પટેલે જણાવ્યુ હતું કે લોકો પોતાના પસંદગીના નંબર મેળવવા માગતા હોય છે, જેના માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા ચૉઇસ નંબર મેળવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે.
કેટલાક મહત્ત્વના નંબરોને ગોલ્ડન નંબર અને સિલ્વર નંબર કૅટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમજ તે સિવાયના અન્ય નંબર હોય છે. વાહન ખરીદનાર માલિક આરટીઓની વેબસાઇટ પર જઈને પસંદગીનો નંબર સિલેક્ટ કરીને ઑનલાઇન અરજી કરવાની હોય છે.
અરજી કર્યા બાદ હરાજી થાય ત્યારે હરાજીમાં ભાગ લઈને ભાવ બોલવાનો હોય છે. નવી સિરીઝ ખૂલે ત્યારે આ હરાજી કરવામાં આવે છે. વાહનના નંબરો 1થી 4 આંકડાના હોય છે. નવી સિરીઝ 1-9999 સુધીના નંબર ઉપલબ્ધ બને છે. અમદાવાદમાં સામાન્ય રીતે ફૉર વ્હિલર માટે 3 મહિને અને ટુ વ્હિલર માટે દોઢ મહિને સિરીઝ ઓપન થતી હોય છે.
જેજે પટેલ વધુમાં જણાવે છે, "પસંદગીનો નંબરમાં જો કોઈ એક જ વ્યક્તિએ માગ્યો હોય તે તેને તે બેઝ પ્રાઇસમાં જ નંબર ફાળવવામાં આવે છે, પરંતુ જો કોઈ નંબર મેળવવા માટે એક કરતાં વધારે લોકોએ માગણી કરી હોય ત્યારે તે નંબરની હરાજી કરવામાં આવે છે."
"આ હરાજી ઑનલાઇન હોય છે. હરાજી 48 કલાક ચાલે છે. નંબર મેળવવા માગતા લોકો પોતાની પ્રાઇસ ભરે છે. નંબર મેળવવા માગતા લોકોને તે પ્રાઇસ દેખાય છે. તેઓ તે પ્રાઇસમાં વધારો કરીને પ્રાઇસ મૂકી શકે છે. 48 કલાક બાદ જે વ્યક્તિએ છેલ્લો વધારે ભાવ ભર્યો હોય છે તે વ્યક્તિને નંબર ફાળવવા માટેની જાહેરાત કરવામાં આવે છે."
નંબર મેળવનાર વ્યકિતએ નંબર મેળવ્યાના પાંચ દિવસમાં હરાજીની રકમ ભરપાઈ કરવાની હોય છે.
જેજે પટેલ જણાવે છે કે બે મહિના પહેલાં છેલ્લે થયેલી હરાજીમાં એક વાહનમાલિકે સાત લાખ રૂપિયામાં પોતાનો મનપસંદ નંબર મેળવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












