લલ્લુ જોગી પટેલ: એ ગુજરાતી જેની વાડીમાં દરિયામાંથી સીધી સોના ભરેલી હોડીઓ આવતી?

ઇમેજ સ્રોત, Getty/Hasmukh Patel
- લેેખક, વિક્રમ મહેતા
- પદ, બીબીસી સંવાદદાતા
દમણના ભરબજારમાં એક શખ્સ પોતાના વફાદાર ઘોડા પર સવાર થઈને નીકળ્યો છે. એની મોટી આંખો અને મૂછોના આંકડા એના ચહેરાને ડરામણો બનાવી રહ્યા છે.
એવામાં પાછળથી આવી રહેલી એક કાર હૉર્ન વગાડે છે. અચાનક હૉર્નના અવાજથી ઘોડો ભડકે છે અને તેના પર સવાર શખ્સ નીચે પટકાઈ જાય છે. ધૂંઆપૂંઆ થતો, ધૂળ ખંખેરતો એ શખ્સ ઊભો થાય છે.
ભરબજારમાં પોતાની શાખને ઝાંખી પાડતી આ ઘટનાથી ગુસ્સે ભરાયેલો એ શખ્સ પોતાના ઘોડાને ઘર ભણી મારી મૂકે છે અને વાડીમાં પોતાનાં વર્ષોના વફાદાર એ ઘોડાને ગોળીએ દઈને મારી નાખે છે!
આ કિંવદંતી જેવો કિસ્સો મુંબઈ અંડરવર્લ્ડના જાણકાર પત્રકાર વિવેક અગ્રવાલે તેમના પુસ્તક 'અંડરવર્લ્ડ કે ચાર ઇક્કે'માં આલેખ્યો છે.
પોતાના પ્રિય ઘોડાને ગોળી મારનારા એ શખ્સની બે ઓળખ છે.
એક ઓળખનાં મૂળ દીવ-દમણના આઝાદીના સંગ્રામમાં અને બીજી ઓળખનાં મૂળ દક્ષિણના દરિયાઈ પટ્ટાની દાણચોરીની દુનિયામાં જડાયેલાં છે.
બંને ઓળખ એકબીજા પર હાવી થવા મથે છે.
આ વિરોધાભાસી જિંદગીનું નામ છે લલ્લુ જોગી પટેલ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાંથી દાણચોરી તરફ વળેલી લલ્લુ જોગીની કહાણી કોઈ બોલીવૂડ ફિલ્મની કહાણીને ચાર ચાસણી ચડે એવી છે.
દમણના દરિયાકિનારે 'ધાક'

ઇમેજ સ્રોત, Hasmukhbhai Patel
એક ડૉન કે સ્મગ્લર વિશે જે પ્રકારની સાચી-ખોટી વાયકાઓ પ્રચલિત હોય એવી તમામ વાયકાઓ લલ્લુ જોગીના નામ સાથે સંકળાયેલી હતી.
એમ કહેવાતું કે લલ્લુ જોગીનાં વહાણો દમણના દરિયાકિનારે લાંગરાતાં ત્યારે ત્યાં ખોફનાક સન્નાટો છવાઈ જતો હતો. કોઈ આ પ્રવૃત્તિ સામે ચૂં કે ચા કરી શકતા નહોતા.
સોનાનાં બિસ્કિટ લાદેલાં વહાણો દમણના દરિયાકિનારે પહોંચતાં ત્યારે લલ્લુ જોગીના ખોફથી ડરતા ગ્રામજનો મોઢું બંધ રાખવામાં જ ભલાઈ સમજતા હતા. સામાન્ય માણસ તો ઠીક પણ ખુદ પોલીસ પણ લલ્લુ જોગીથી ડરતી હતી.
ગુજરાતનો દરિયાકાંઠો એક સમયે દાણચોરી માટે મહત્ત્વપૂર્ણ મનાતો હતો. 1975થી 1980ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતનો સાગરકાંઠો દાણચોરીના કરોડો રૂપિયાના કારોબારથી ધમધમતો હતો.
1980ના બજારમાં ચાંદીના ભાવ વધ્યા એટલે એની દાણચોરીએ પણ માઝા મૂકી હતી. દમણથી કલકત્તા સુધીના દરિયાઈ ક્ષેત્રમાં ચાંદીની ગેરકાયદેસર ખેપ ઘણી વાર પકડવામાં આવી હતી.
દાણચોરીનો 'સુવર્ણકાળ' મનાતા એ સમયગાળામાં લલ્લુ જોગીનાં નામની હાક વાગતી હતી.
સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા માટે સરકારે સન્માન કર્યું

ઇમેજ સ્રોત, HASMUKHBHAI PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લલ્લુ જોગીના જમાઈ હસમુખભાઈ પટેલના કહેવા પ્રમાણે લલ્લુ જોગીનો જન્મ દમણના મરવડ ગામમાં થયો હતો. એમનો પરિવાર ખેતી પર નભતો હતો. પિતાનું નામ જોગીભાઈ પટેલ અને માતાનું નામ લક્ષ્મીબહેન પટેલ હતું.
અંડરવર્લ્ડના ગહન અભ્યાસુ અને વરિષ્ઠ પત્રકાર-લેખક વિવેક અગ્રવાલ એમના પુસ્તક 'અંડરવર્લ્ડ કે ચાર ઇક્કે'માં લખે છે, "લલ્લુ જોગીએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો. લલ્લુ જોગીના પિતા હોડી લઈને માછીમારી કરવા જતા હતા. યુવાન લલ્લુ પણ એમની સાથે માછલી પકડવાની કળા શીખી રહ્યો હતો."
તેઓ વધુમાં લખે છે, "દીવ-દમણ મુક્તિ સંગ્રામમાં લલ્લુ જોગીના કાકાની ધરપકડ થઈ એટલે એણે મુક્તિસંગ્રામમાં હથિયાર ઉઠાવ્યાં. પોર્ટુગીઝો પર બૉમ્બમારો અને ગોળીબારી કરી. જોગીએ સરખી ઉંમરના યુવાનોનું એક દળ તૈયાર કર્યું હતું."
"આ દળને આસપાસનાં ગામોનો સહયોગ હતો. આર્થિક મદદ હતી. લલ્લુ જોગી અને એના સાથીઓ ખાડીઓમાં છુપાઈ જતા હતા. અદાલત, પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ લોકો ભાગી જતા હતા."
અગ્રવાલે લખ્યા અનુસાર, "લલ્લુના કાકા જીવન મરમડવાલાની પોર્ટુગીઝ સરકારે ધરપકડ કરી અને બે દિવસ બાદ એમનું મૃત્યુ થયું. લલ્લુ જોગીએ દેવકા અને મરમડ વચ્ચે ટેલિફોનના તાર કાપી નાખ્યા, જેના કારણે સંપર્ક તૂટી ગયો. અહીંથી લલ્લુ વાપી ભાગી ગયો."
પુસ્તકમાં લખ્યા અનુસાર "એક વખત પોર્ટુગીઝ પોલીસના હાથે પકડાઈ ગયા બાદ લલ્લુ જોગીને દમણના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. જોકે, ત્યાં થોડો સમય રહ્યા બાદ જોગી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા હતા. દીવ-દમણ સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમની સક્રિય ભૂમિકા બદલ લલ્લુ જોગીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું."
'લલ્લુજીની વાડી': દાણચોરીની અજાયબ ગોઠવણી...

ઇમેજ સ્રોત, Radhakrishna Prakashan
દીવ-દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા બાદ ત્યાં જ રહેતા લલ્લુ જોગીએ સમય જતાં દાણચોરી કરવાનું શરૂ કર્યું અને તેમાંથી મબલખ પૈસાની કમાણી કરી. સોનાની બિસ્કિટ ભરેલાં વહાણો દમણના દરિયાકિનારે આવતાં હતાં.
વિવેક અગ્રવાલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ઉદવાડા ગામ અને એની આસપાસનો વિસ્તાર સોનાની દાણચોરીનું મુખ્ય મથક હતું. દમણ ખાતે લલ્લુ જોગીની 178 એકરની વાડી હતી. લલ્લુજીની વાડી નામે જાણીતી આ જમીનમાં નારિયેળીનાં લગભગ દસ હજાર અને સોપારીનાં 1000 વૃક્ષો હતાં. આ વાડીમાં મીઠા પાણીનો એક કૂવો અને એક બંગલો હતો."
તેમણે કહ્યું, "વાડીની રચના એ પ્રકારની હતી કે લલ્લુના બંગલા સુધી સમુદ્રની એક ધારા આવતી હતી. એટલે દાણચોરીનો સામાન લાદેલી નૌકાઓ સીધી જ બંગલાની નીચે સુધી આવી શકતી હતી. ત્યાં બનાવેલા એક ખાનામાંથી દોરડા વડે બાસ્કેટ નાખીને સોનાનાં જાકીટ સીધાં ઉપર ખેંચી લેવામાં આવતાં હતાં. એક જાકીટમાં સોનાની 100 બિસ્કિટ હોય છે."
અગ્રવાલે વધુમાં કહ્યું, "પછી એ માલ સીધો જીપ અને ટ્રકોમાં ભરાઈને મુંબઈ તરફ મોકલવામાં આવતો હતો. લલ્લુ જોગીના પહેલા માળ સુધી કાર જઈ શકે એવી વ્યવસ્થા પણ એ બંગલામાં હોવાનું કહેવાય છે. જોકે, લલ્લુ જોગીએ આ પ્રકારનું મકાન હોવાનો ઇનકાર કર્યો છે."
તેમણે ઉમેર્યું, "ગામવાળા માનતા હતા કે કસ્ટમ અને પોલીસથી બચવા માટે લલ્લુ જોગી પોતાની વાડીમાં સોનુ સંતાડી દેતો હતો. આ વાડીમાં ખોદકામ કરો તો ઘણું સોનું મળી આવવાની સ્થાનિકોમાં માન્યતા છે."
વરિષ્ઠ પત્રકાર બલજિત પરમાર કહે છે, "દમણના દરિયાકિનારે આવેલો સોનાનો માલ નાની બોટ્સમાંથી દમણના દરિયાકાંઠાનાં ગામોના શાહુકારોની તિજોરીઓમાં રાખી દેવામાં આવતો હતો. કારણ એ હતું કે જો કસ્ટમ અને ડીઆરઆઈ છાપો મારે તો એક સાથે સોનાનો માલ પકડાઈ ન જાય."
દાણચોરોની ત્રિપુટી: સૂકુર નારાયણ બખિયા, લલ્લુ જોગી અને હાજી મસ્તાન

ઇમેજ સ્રોત, Hasmukhbhai Patel
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લલ્લુ જોગી અને સૂકુર નારાયણ બખિયાએ દમણને દાણચોરીનું સૌથી મોટું કેન્દ્ર બનાવી દીધું હતું.
દમણનો ઉજ્જડ દરિયાકિનારો દાણચોરો માટે સ્વર્ગસમાન હતો.
આસપાસનાં મૅંગ્રૂવ્ઝનાં જંગલોમાં કોઈ છુપાઈ જાય તો એને શોધવો ચંબલની કોતરોમાંથી ડાકુને શોધવા જેટલું મુશ્કેલ હતું.
વિવેક અગ્રવાલ કહે છે, "દમણમાં એક બીજા દાણચોર હતા, ભાણાભાઈ પટેલ. ભાણાભાઈના હાજી મસ્તાન સાથે સારા સંબંધો હતા. જેમની સાથે લલ્લુ જોગીના પણ સારા સંબંધો રહ્યા. આ ઉપરાંત દમણના દરિયાકિનારે થતી દાણચોરીમાં સુકૂર નારાયણ બખિયાના વાવટા ફરકતા હતા. સૂકુર નારાયણ બખિયા દાણચોરીના બેતાજ બાદશાહ ગણાતા હતા."
તેઓ કહે છે, "સૂકુર બખિયાના મુંબઈ અંડરવર્લ્ડના કુખ્યાત સ્મગ્લર હાજી મસ્તાન સાથે ગાઢ સંબંધો હતા. એણે જ લલ્લુની મુલાકાત હાજી મસ્તાન સાથે કરાવી હોવાનું મનાય છે."
વરિષ્ઠ પત્રકાર વિવેક અગ્રવાલના મત પ્રમાણે સોનાના સ્મગ્લિંગમાં ત્રણ દાયકા સુધી રાજ કરનાર લલ્લુ એ હાજી મસ્તાનના પણ સિનિયર છે. હાજી મસ્તાન લલ્લુ જોગી પાસેથી સોનું મંગાવતા હતા.
અગ્રવાલે પોતાના પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે એક મુજરા દરમિયાન કેટલાક લોકોને મસ્તાન અને તેના સાથીઓ સાથે ઝઘડો થઈ ગયો. લલ્લુ જોગીના કહેવા પ્રમાણે એ બંને વચ્ચે લલ્લુ જોગીએ સમાધાન કરાવ્યું અને મામલો થાળે પાડ્યો. આ પછી હાજી મસ્તાન અને લલ્લુ મિત્રો બની ગયા હતા. હાજી મસ્તાન અને લલ્લુ જોગી બંને સાથે મુજરો જોવા જતા હતા.
દાઉદ ઇબ્રાહિમને દાણચોરીના પાઠ શીખવ્યા

ઇમેજ સ્રોત, Hasmukhbhai Patel
લલ્લુ જોગીનો ઑન કૅમેરા ઇન્ટર્વ્યૂ લેનાર એકમાત્ર પત્રકાર હોવાનો દાવો કરતા વિવેક અગ્રવાલ કહે છે, "અંડરવર્લ્ડમાં મનાય છે કે લલ્લુ જોગી જ એ વ્યક્તિ હતી કે જેણે દાઉદ ઇબ્રાહિમને ડૉન બનવામાં મદદ કરી હતી. દાઉદને દાણચોરીના પાઠ ભણાવનાર એક ગુરુ લલ્લુ જોગી હતા. દાઉદ ઇબ્રાહિમ હાજી મસ્તાન માટે સોનાની ખેપ મારતો હતો. હાજી મસ્તાનને ડર રહેતો કે દાઉદ અને લલ્લુ જોગી બંને ગરમ મિજાજના છે, જેથી બંને વચ્ચે કોઈ માથાકૂટ ન થઈ જાય."
વિવેક અગ્રવાલ કહે છે, "મારા કેટલાંક સૂત્રો પાસેથી મળતી માહિતી, લલ્લુ જોગીના આસપાસના કેટલાક લોકોએ કહેલી વાત પ્રમાણે લલ્લુ જોગીએ જ દાઉદના નિકાહ મહેઝબીન શેખ (દાઉદની પત્ની) સાથે કરાવ્યા હોવાનું મનાય છે."
અગ્રવાલ કહે છે, "દાઉદના ભાઈ સાબિરની પઠાણ ગૅંગે હત્યા કર્યા બાદ દાઉદની પ્રતિશોધ ભાવના વિકરાળ બની હતી. જેને કારણે મહેઝબીનનો પરિવાર દાઉદ સાથેના નિકાહના વિરોધમાં હતો. લલ્લુ જોગીએ મહેઝબીનના પરિવારને સમજાવ્યો હતો અને આખરે લલ્લુ જોગીની વાડીમાં દાઉદના નિકાહ થયા હોવાનું કહેવાય છે. જોકે, આ વાતને નક્કર સમર્થન આપી શકાય એમ નથી."
વિવેક અગ્રવાલના જણાવ્યા પ્રમાણે લલ્લુ જોગીએ દાઉદ અને હાજી મસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધો હોવાનો ઇન્કાર કર્યો હતો, પણ ઑફ કૅમેરા ખૂલીને વાત કરી હતી.
દાઉદ પર ગોળીબાર થયો અને લલ્લુ જોગી વડોદરા દોડી આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, લલ્લુ જોગી અને દાઉદના આ દાવાને પડકારતો એક કેસ વડોદરા પોલીસના ચોપડે નોંધાયેલો છે. કસ્ટમ ખાતાના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી બી.વી. કુમારે પુસ્તક 'ડીઆરઆઇ ઍન્ડ ડૉન્સ'માં આ કેસની વિગતે વાત કરી છે.
બી.વી. કુમારના દાવા પ્રમાણે એમણે ત્યારે હજુ અપરાધની દુનિયામાં ઊગી રહેલા દાઉદ ઇબ્રાહિમની પૂછપરછ પણ કરી હતી. આ કેસ સાથે લલ્લુ જોગીનું પણ કનેકશન છે.
'ડીઆરઆઈ ઍન્ડ ડૉન્સ'માં લખાયું છે એ પ્રમાણે, "જૂન 1983માં દાઉદ ઇબ્રાહિમે ગુજરાતની મુલાકાત લીધી હતી. એની સાથે જામ સલાયામાં દાણચોરી કરનાર હાજી ઇસ્માઇલ પણ હતો. બંને જે કારમાં પોરબંદર જઈ રહ્યા હતા તે કાર લલ્લુ જોગીની હતી, અને તેને જોગીનો ડ્રાઇવર ગુલાબ ચલાવી રહ્યો હતો. વડોદરાથી કાર થોડી દૂર હતી ત્યારે પઠાણ ગૅંગના આલમઝેબે તેનો પીછો કર્યો હતો."
"દાઉદના બચાવ માટે હાજી ઇસ્માઇલે પિસ્તોલ કાઢી હતી અને ગોળીબાર કર્યો હતો, પણ પિસ્તોલ મિસફાયર થતાં ગોળી દાઉદને વાગી હતી. ઘાયલ દાઉદને ડ્રાઇવર ગુલાબ સયાજીરાવ હૉસ્પિટલમાં લઈ ગયો હતો."
"જોકે. દાઉદનો બચાવ થયો હતો. દાઉદ ઇબ્રાહિમ અને તેની ગૅંગની વડોદરા પોલીસે અટકાયત કરી હતી. વડોદરાના તત્કાલીન પોલીસ કમિશનર પી. કે. દત્તા પણ હૉસ્પિટલમાં દોડી આવ્યા હતા."
પુસ્તકમાં લખાયું છે એ મુજબ, "બી. વી. કુમાર અને દત્તાએ દાઉદની પૂછપરછ કરી હતી. દાઉદની ખબર કાઢવા મોંઘીદાટ ગાડીઓમાં પોતાના સાગરિતો સાથે વડોદરા પહોંચી ગયેલા લલ્લુ જોગીની પણ અટકાયત કરવામાં આવી હતી."
"દાઉદ જ્યારે વડોદરા પોલીસના હાથે પકડાયો ત્યારે ખુદ પોલીસને પણ જાણ ન હતી કે જેને તેમણે પકડ્યો છે એ એક દિવસ ભારતનો મોસ્ટ વૉન્ટેડ ગૅંગસ્ટર બની જશે!"
લલ્લુ જોગીના વળતાં પાણી

ઇમેજ સ્રોત, Vivek Agrawal
કાયદાના સકંજામાંથી બચી જતા લલ્લુ જોગીના સામ્રાજ્યને વેરવિખેર કરી નાખવાનું શ્રેય કસ્ટમ્સ વિભાગના અધિકારી દયાશંકરને મળે છે. દયાશંકરની છાપ એક પ્રામાણિક અધિકારી તરીકે હતી.
બલજિત પરમાર કહે છે, "કસ્ટમ્સ ખાતાના બાહોશ અધિકારી દયાશંકરે લલ્લુ જોગીને પડકાર ફેંકયો હતો. દયાશંકરે એક વાર શાહુકારના ઘર આગળ પોતાની જીપ ઊભી રાખી હતી અને હવામાં ફાયરિંગ કર્યું અને ચેતવણી આપી કે 'હવે પછી જો કોઈ શાહુકારે લલ્લુનો માલ રાખ્યો છે તો આ ગોળી તમારી સગી નહીં થાય...ત્યાં સુધી કે લલ્લુને કોઈએ પાણી પણ પિવડાવ્યું છે તો...'"
"દયાશંકરની ચેતવણીથી શાહુકારોમાં ફફડાટ ફેલાઈ ગયો. એ પછી લલ્લુના માલનું લૅન્ડિંગ થયું ત્યારે કોઈ શાહુકાર એનો માલ સંઘરવા તૈયાર નહોતા. કોઈ લલ્લુને પાણીનું પણ નહોતું પૂછતું. લલ્લુને જોઈને લોકો દરવાજો બંધ કરી દેતા, એનાથી મોં ફેરવી લેતા હતા."
"દયાશંકરે લલ્લુનો સ્થાનિક ટેકો ભાંગી નાખ્યો અને કાયદાકીય સકંજો વધુ તંગ કર્યો. કંટાળેલા લલ્લુ જોગીએ દયાશંકર પાસે જઈને માફી માગી અને ગુનાખોરીનું સામ્રાજ્ય આટોપી લેવાની ખાતરી આપી."
"દયાશંકરની સલાહ પ્રમાણે લલ્લુ જોગીએ પછી હૉસ્પિટલ અને મંદીરો બાંધ્યાં. પરોપકારી કામો કરીને ગુમાવેલી આબરૂ પાછી મેળવી."
'એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી'. આ વિખ્યાત પંક્તિ લલ્લુ જોગીના કિસ્સામાં પણ લાગુ પડે છે. એક સમયે જેના નામની ધાક હતી એ લલ્લુ જોગીની આખરી અવસ્થા દયાજનક હતી.
ઉંમરને કારણે જોગીના શરીરમાં પહેલાં જેવો જોશ પણ નહોતો રહ્યો. બીમારીએ શરીરને જકડી લીધું હતું. તે અસહાય બની ગયા હતા.
'દમણના દબંગ', 'દમણના દરિયાના બેતાજ બાદશાહ' જેવાં વિશેષણો જેમની આગળ લાગતા હતા એ લલ્લુ જોગીનું પારિવારિક જીવન કરુણ રહ્યું. જ્યારે લલ્લુ જોગીને અંતિમદાહ અપાયો ત્યારે તેમના બે દીકરામાંથી કોઈ પણ હાજર નહોતું.
લલ્લુ જોગીના દીકરા દિલીપે વર્ષ 2007માં રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. નાના દીકરા સંદીપે સંપત્તિ અને પૈસાને મામલે પોતાનાં માતા ચંપાબહેનની હત્યા કરી નાખી હતી. પછી એક દિવસે એક હોટલમાંથી સંદીપનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
લલ્લુ જોગીને પાંચ દીકરીઓ હતી. એમના આખરી સમયમાં ઉદવાડાના રહેવાસી લલ્લુ જોગીના જમાઈ હસમુખભાઈ ભગવાનભાઈ પટેલનો પરિવાર લલ્લુ જોગીની સારસંભાળ રાખી રહ્યા હતા.
તારીખ 16 મે, 2019 ની સવારે લલ્લુ જોગીએ અંતિમ શ્વાસ લીધા. એમની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આજે પણ એમના નામના ઉલ્લેખથી ગુજરાતમાં દાણચોરીના ઇતિહાસનું એક પ્રકરણ જીવંત થઈ જાય છે!
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












