ભારતનું 'યૂટ્યૂબવાળું' ગામ, જ્યાં 1000થી વધુ લોકો વીડિયો બનાવીને કમાણી કરે છે

ઇમેજ સ્રોત, Suhail Bhat
- લેેખક, સાકિબ મુગ્લૂ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં યૂટ્યૂબ વીડિયો પ્લૅટફૉર્મ એક કમાણીનું સાધન બની ગયું છે. આજના સમયમાં ગામડામાં પણ લોકો હવે વીડિયો બનાવીને કમાણી કરતા થયા છે.
મધ્ય ભારતના તુલસી ગામમાં સોશિયલ મીડિયાએ આર્થિક અને સામાજિક ક્રાંતિને વેગ આપ્યો છે. વિશ્વ પર યૂટ્યૂબની અસરનું આ એક નાનકડું પ્રતીક છે.
સપ્ટેમ્બરની એક સવારે મધ્ય ભારતમાં રાયપુર નજીક આવેલા તુલસી ગામમાં લોકો ખેતરોમાં જઈ રહ્યા છે. તેવામાં 32 વર્ષીય યૂટ્યુબર જય વર્મા મહિલાઓના એક જૂથને તેના નવા વીડિયોમાં ભાગ લેવા માટે કહે છે. મહિલાઓ તેની આસપાસ એકઠી થાય છે અને પોતાની સાડીઓને ઠીકઠાક કરી સ્મિત સાથે વાતચીત શરૂ કરે છે.
જય વર્મા એક વૃદ્ધ મહિલાને પ્લાસ્ટિકની ખુરશી પર બેસાડે છે, બીજી મહિલાને તેને પગે લાગવા કહે છે અને ત્રીજીને પાણી આપવા માટે કહે છે. તેઓ ગામડાનાં એક ઉત્સવનું દૃશ્ય ભજવી રહ્યા છે જેને હજારો કિલોમીટર દૂરનાં શહેરો અને દેશોના ચાહકો માણશે.
આ પ્રકારના કામથી પહેલેથી વાકેફ મહિલાઓ ખુશ છે. વર્મા આ ક્ષણને કૅમેરામાં કેદ કરે છે અને મહિલાઓ તેમના ખેતરના કામ કરવા રવાના થાય છે.
તેનાથી થોડા જ મીટર દૂર બીજા લોકો પણ વીડિયો શૂટ કરવામાં વ્યસ્ત છે. એક વ્યક્તિ મોબાઇલ ફોન પકડીને વીડિયો ઉતારે છે અને 26 વર્ષીય રાજેશ દિવાર હિપ-હોપ સંગીત પર ડાન્સ કરે છે. એક અનુભવી કલાકારની જેમ તે પોતાના શરીરને ડોલાવે છે અને ચહેરા પર અભિવ્યક્તિ પણ જોવા મળે છે.
તુલસી એ કોઈ પણ ભારતીય ગામડા જેવું જ છે. એક માળનાં મકાનો અને આંશિક પાકા રસ્તાવાળું આ નાનકડું ગામ છત્તીસગઢમાં આવેલું છે. અહીં નાનકડાં ઘરોની ઉપર પાણીની ટાંકી છે જ્યાંથી આખું ગામ દેખાય છે. કૉંક્રિટના ઓટલાવાળા વડના વૃક્ષ નીચે બધા લોકો ભેગાં થાય છે. પરંતુ તુલસી ગામને બધાથી અલગ પાડતી બાબત છે "યૂટ્યૂબ ગામ" તરીકેની તેની વિશિષ્ટતા.
તુલસીમાં લગભગ 4,000 લોકો રહે છે જેમાંથી 1,000 કરતાં વધુ લોકો એક યા બીજી રીતે યૂટ્યૂબ સાથે સંકળાયેલા છે. તમે ગામમાં ફરતા હોવ ત્યારે ભાગ્યે જ એવી વ્યક્તિ મળશે જે અહીં બનેલા કોઈ વીડિયોમાં દેખાઈ ન હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યૂટ્યૂબ વીડિયો બનાવીને લોકો કેવી રીતે કમાણી કરે છે?

ઇમેજ સ્રોત, Suhail Bhat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક લોકો કહે છે કે યૂટ્યુબ દ્વારા જે કમાણી થાય છે તેનાથી સ્થાનિક અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું છે. નાણાકીય લાભો ઉપરાંત આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ સમાનતા અને સામાજિક પરિવર્તન માટેનું પણ સાધન બની ગયું છે.
ગામના રહેવાસીઓએ સફળ યૂટ્યૂબ ચૅનલો શરૂ કરી છે અને આવકના નવા સ્રોત શોધી કાઢ્યા છે. આમાં ઘણી મહિલાઓ પણ સામેલ છે. અગાઉ આ મહિલાઓને ગ્રામીણ વાતાવરણમાં પ્રગતિની બહુ ઓછી તકો મળતી હતી. હવે તો વડના ઝાડ નીચે ટેકનોલૉજી અને ઇન્ટરનેટની વાતો થાય છે.
ફેબ્રુઆરી 2025માં યૂટ્યૂબને 20 વર્ષ પૂરાં થાય છે. એક અંદાજ મુજબ દર મહિને આશરે 2.5 અબજ લોકો આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. ભારત એ યૂટ્યૂબના સૌથી મોટાં બજારોમાંનું એક છે. છેલ્લા બે દાયકામાં યૂટ્યૂબે ફક્ત વેબ જ નહીં, પરંતુ માનવસંસ્કૃતિ વિશે પણ આપણે જે વિચારીએ છીએ તે બદલી નાખ્યું છે.
એક રીતે જોતા તુલસી ગામ એ યૂટ્યૂબના વિશ્વ પરના પ્રભાવના એક નાનકડા પ્રતીક જેવું છે, જ્યાં લોકોનું આખું જીવન આ ઑનલાઇન વીડિયોની આસપાસ જ ફરે છે.
તુલસી ગામના ખેડૂત અને ગામમાં વધતા જતા સોશિયલ મીડિયાના પ્રશંસકો પૈકીના એક 49 વર્ષીય નેત્રમ યાદવ કહે છે કે, "આ (યૂટ્યૂબ) બાળકોને ખરાબ ટેવો અને ગુનાઓથી દૂર રાખે છે. વીડિયો બનાવનારા લોકોએ જે મેળવ્યું છે તેનાથી ગામના નિવાસી ગર્વ અનુભવે છે."
સોશિયલ મીડિયાએ કેવી રીતે લોકોનું જીવન બદલી નાખ્યું ?

ઇમેજ સ્રોત, Estudio Santa Rita
વર્મા અને તેમના મિત્ર જ્ઞાનેન્દ્ર શુક્લાએ 2018માં 'બીઇંગ છત્તીસગઢિયા' નામે યૂટ્યૂબ ચૅનલ શરૂ કરી હતી અને આ સાથે જ ગામમાં પરિવર્તન આવ્યું. વર્મા કહે છે, "અમે અમારા રોજિંદા જીવનથી સંતુષ્ટ નહોતા અને કંઈક એવું કરવા માગતા હતા જેનાથી અમારી સર્જનાત્મકતા ખીલી ઊઠે."
તેમના એક વીડિયોમાં વૅલેન્ટાઇન ડે નિમિત્તે જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન બજરંગદળના સભ્યો એક યુવાન દંપતીને હેરાન કરી રહ્યા છે. આ તેમનો પહેલો વાઇરલ થયેલો વીડિયો હતો. તેમાં કૉમેડી અને સામાજિક ટિપ્પણીનું મિશ્રણ ખૂબ જ રસપ્રદ હતું.
વર્મા કહે છે, "વીડિયો રમૂજી હતો પણ તેમાં એક સંદેશ પણ છુપાયેલો હતો. દર્શકો તેનું અર્થઘટન કરી શકે તે માટે તેનો અંત ઓપન રખાયો હતો."
આ બેલડીએ થોડા જ મહિનામાં હજારો ફૉલોઅર્સ મેળવ્યા અને તેની સંખ્યા 125,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 260 મિલિયનથી વધુ વ્યૂઅરશિપ સુધી ફેલાઈ ગઇ. સોશિયલ મીડિયા પર આટલો બધો સમય વિતાવવા વિશે પરિવારને ચિંતા હતી, પરંતુ રૂપિયા મળવા લાગતા ચિંતા બંધ થઈ.
શુક્લા કહે છે, "અમે દર મહિને 30,000 રૂપિયાથી વધુ કમાતા હતા. અમે અમને મદદ કરનારી ટીમના સભ્યોને પણ ટેકો આપી શકતા હતા"
તેમણે અને વર્માએ ફુલટાઇમ માટે યૂટ્યૂબને સ્વીકારી લીધું અને તેમની નોકરી છોડી દીધી.
તેમની સફળતા ટૂંક સમયમાં જ તુલસીના અન્ય રહેવાસીઓ માટે પ્રેરણારૂપ બની. શુક્લા કહે છે કે તેમની ટીમે તેમના કલાકારોને પૈસા આપ્યા અને અન્ય લોકોને ઍડિટિંગ અને સ્ક્રિપ્ટ રાઇટિંગની તાલીમ પણ આપી. કેટલાક ગ્રામજનોએ પોતાની ચૅનલો, જ્યારે અન્ય લોકો બીજાના વીડિયોમાં કામ કરીને સંતુષ્ટ હતા.
આના કારણે સ્થાનિક અધિકારીઓનું ધ્યાન આકર્ષિત થયું. ગામના કન્ટેન્ટ સર્જકોની સફળતાથી પ્રભાવિત થઈને રાજ્ય સરકારે 2023માં ગામમાં એક અત્યાધુનિક સ્ટુડિયો સ્થાપ્યો.
રાયપુર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર સર્વેશ્વર ભૂરે કહે છે કે તેમણે ગામના યૂટ્યૂબના કામને જોયું અને આને ડિજિટલ ડિવાઇડને દૂર કરવાની તક તરીકે જોયું.
તેઓ કહે છે કે, "હું ગામમાં આ સ્ટુડિયો સ્થાપીને ગ્રામીણ અને શહેરી જીવન વચ્ચેના અંતરને દૂર કરવા માગતો હતો."
ભૂરે જણાવે છે, "તેમના વીડિયો અસરકારક હોય છે. મજબૂત થીમ્સ સાથે તે લાખો લોકો સુધી પહોંચ્યા છે. સ્ટુડિયો સ્થાપિત કરવો એ તેમને પ્રેરણા આપવાનો એક રસ્તો હતો."
ભૂરેની ધારણા સાચી પડી. યૂટ્યૂબે ગામના સેંકડો યુવાનો માટે આજીવિકા ઊભી કરી. તે હવે પ્રાદેશિક મનોરંજન ઉદ્યોગને વેગ આપે છે અને તુલસીના કેટલાક યૂટ્યૂબર્સને તેમના નાના ગ્રામ્ય જીવનમાંથી બહાર પણ કાઢે છે.
મોબાઇલ ફોનથી માંડીને મોટા પડદે વીડિયો ફિલ્માંકન

ઇમેજ સ્રોત, Suhail Bhat
તુલસીના યૂટ્યૂબના ઉન્માદમાં ઊભા થયેલા અનેક સોશિયલ મીડિયા સ્ટાર્સમાંથી 27 વર્ષીય પિંકી સાહુ સૌથી આગળ છે. ખેતીકામ કરતા ગામમાં ઊછરેલાં સાહુ માટે એક સમયે અભિનેત્રી અને નૃત્યાંગના બનવું અશક્ય સપના જેવું લાગતું હતું. ખાસ કરીને પરિવાર અને પડોશીઓની ચિંતા હતી જેઓ અભિનયને ખરાબ ચીજ માનતા હતા.
તેમની ટીકા છતાં સાહુએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યૂટ્યૂબ શૉર્ટ્સ પર ડાન્સ વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. બીઇંગ છત્તીસગઢિયાના સ્થાપકોએ તેમના વીડિયો જોયા અને તેમને પોતાના પ્રોડક્શન્સ માટે ભરતી કર્યા. તેઓ કહે છે, "મારું સ્વપ્ન સાકાર થયું. તેમણે મારી પ્રતિભાને ઓળખી અને મારાં કૌશલ્યને પણ નિખાર્યુ."
"બીઇંગ છત્તીસગઢિયા" સાથેના તેમના કામે છત્તીસગઢના પ્રાદેશિક સિનેમાના ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન ખેંચ્યું અને સાહુને તેની ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યાં. ત્યાર બાદ તેઓ કુલ સાત ફિલ્મોમાં દેખાયા છે.
નજીકના શહેર બિલાસપુરના નિર્માતા અને દિગ્દર્શક આનંદ માણિકપુરી તેના યૂટ્યૂબ અભિનયથી પ્રભાવિત થયા હતા. તેઓ કહે છે, "હું એક નવો ચહેરો શોધી રહ્યો હતો જે અભિનય કરી શકે. સાહુ પાસે આ બધું જ હતું."
તુલસીના રહેવાસી આદિત્ય ભગેલ હજુ કૉલેજમાં હતા ત્યારે જ વર્મા અને શુક્લાથી પ્રેરિત થઈને તેમણે પોતાની ચૅનલ શરૂ કરવાનું નક્કી કર્યું. તેમની તકનીકોને અપનાવીને એક વર્ષમાં તેમના ફૉલોઅર્સ 20,000થી વધુ થઈ ગયા અને યૂટ્યૂબ પરથી પૈસા કમાવા લાગ્યા. આખરે વર્માએ તેમને 'બીઇંગ છત્તીસગઢિયા' ટીમમાં લેખન અને દિગ્દર્શનના કામ માટે ભરતી કર્યા. વર્મા અને શુક્લા સાથેની તેમની પહેલી મુલાકાતને યાદ કરતા ભગેલ કહે છે, "આ અનુભવ કોઇ સેલિબ્રિટીઓને મળવા જેવો હતો."
નજીકના રાયપુર શહેરના પ્રોડક્શન હાઉસમાં તેને યૂટ્યૂબનું કામ ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં નોકરી મળી. ભગેલને આગામી મોટા બજેટની ફિલ્મ ખારુણ પાર માટે સ્ક્રિપ્ટ રાઇટર અને સહાયક દિગ્દર્શક તરીકેની ભૂમિકા મળી. આ સિલસિલો ચાલુ રહ્યો.
તેઓ કહે છે, "મને આશા છે કે એક દિવસ મને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનો મોકો મળશે."
38 વર્ષના મનોજ યાદવ પણ એક યૂટ્યૂબર છે જેઓ સિનેમામાં કામ કરે છે. તેઓ બાળપણમાં અભિનય કરતા અને એક વાર રામાયણમાં રામનું પાત્ર ભજવ્યું હતું. યાદવે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તાળીઓનો ગડગડાટ એક દિવસ છત્તીસગઢના સિનેમા હોલમાં ગૂંજી ઊઠશે.
વર્ષો સુધી યૂટ્યૂબ વીડિયોમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા બાદ યાદવને એક પ્રાદેશિક ફિલ્મમાં ભૂમિકા મળી. તેમાં તેમણે અભિનયની કુશળતા માટે વ્યાપક પ્રશંસા મેળવી. આજે યાદવે માત્ર પોતાનું નામ જ નથી બનાવ્યું પરંતુ તેનાં આ કૌશલ્યને તેમણે આજીવિકા પણ મેળવી છે. તેઓ કહે છે, "યૂટ્યૂબ વિના આ બધું કંઈ શક્ય ન બનત. હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી."
યૂટ્યૂબ વીડિયો બનાવીને મહિલાઓનાં સપનાં સાકાર થયાં

ઇમેજ સ્રોત, Suhail Bhat
યૂટ્યૂબના કારણે આ ગામમાં મહિલાઓ માટે આ તકનીકી ક્રાંતિમાં કેન્દ્ર સ્થાને રહેવાનો માર્ગ મોકળો થયો છે.
તુલસીના ભૂતપૂર્વ સરપંચ દ્રૌપદી વૈષ્ણુના મતે યૂટ્યૂબ ભારત પ્રચલિત પૂર્વગ્રહોને પડકારવામાં અને સામાજિક ધોરણોને બદલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જ્યાં ઘરેલુ હિંસા એક ગંભીર મુદ્દો છે.
તેઓ કહે છે કે, "મહિલા પરત્વે દ્વેષ રાખતી પ્રથાઓ હજુ પણ પ્રચલિત છે. ખાસ કરીને પુત્રવધૂઓ સાથેના વર્તનમાં જોવા મળે છે. આ વીડિયો આ ચક્રને તોડવામાં મદદ કરે છે."
તાજેતરમાં 61 વર્ષીય દ્રૌપદીએ આ વિષય સંબંધિત એક વીડિયોમાં કામ કર્યું હતું. તેઓ કહે છે, "મને આ ભૂમિકા નિભાવવાનો આનંદ થયો, કારણ કે તે મહિલાઓ સાથે આદર અને સમાનતા સાથે વર્તવાની વાતને પ્રોત્સાહન આપતું હતું. આ મૂલ્ય મેં ગામના વડા તરીકેના મારા કાર્યકાળ દરમિયાન જાળવી રાખ્યું હતું."
28 વર્ષીય રાહુલ વર્મા મૅરેજ ફૉટોગ્રાફર છે. તેમણે ગામલોકોથી પાસેથી જ યૂટ્યૂબની કળા શીખી હતી. તેઓ કહે છે કે આ પ્લૅટફૉર્મ સતત પરિવર્તનશીલ રહ્યું છે. "શરૂઆતમાં અમારી માતાઓ અને બહેનો અમને ફક્ત મદદ કરતી હતી. હવે તેઓ પોતાની ચૅનલો ચલાવી રહ્યાં છે. આ એવી વસ્તુ છે જેની અગાઉ કોઈએ કલ્પના પણ નહોતી કરી."
વર્મા કહે છે કે તેમનો 15 વર્ષીય ભત્રીજો પણ ગામડાના કન્ટેન્ટ સર્જકોને મદદ કરે છે. "આ એક ગંભીર વ્યવસાય છે જેમાં દરેક વ્યક્તિ ભાગ લે છે."
2020માં ભારતે ટિકટૉક ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો તે પહેલાં કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતમાં ગ્રામીણ કન્ટેન્ટ સર્જકોનો વિસ્ફોટ થયો હતો. આ પ્રારંભિક લહેર વખતે મુખ્યત્વે પુરુષો કેન્દ્રમાં હતા એવું દિલ્હીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજીમાં ડિજિટલ ઍન્થ્રોપોલોજીના સહાયક પ્રોફેસર શ્રીરામ વેંકટરામન કહે છે.
જોકે, તેઓ જણાવે છે કે, કોવિડ પછી ઘણી વધુ મહિલાઓ સફળ રીતે સોશિયલ મીડિયા ચૅનલો ચલાવી રહી છે. આનાથી નવી આર્થિક તકો ઊભી થઈ છે.

ઇમેજ સ્રોત, Suhail Bhat
પરંતુ કેટલાક લોકો પૈસાની કોઈ આશા રાખતા નથી. 56 વર્ષીય રામકલી વર્મા કહે છે કે, "મને મારા ગામની ચૅનલો દ્વારા બનાવાતા વીડિયોમાં કામ કરવાનું ગમે છે. હું બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના તેમાં કામ કરું છું."
તેઓ પ્રેમાળ માતાની ભૂમિકા ભજવવા માટે ગામમાં પ્રખ્યાત છે. તેમની પ્રતિભાની ગામમાં ઘણી માગ છે.
રામકલી અભિનીત ભૂમિકામાં ઘણી વખત લિંગ આધારિત મુદ્દા ઉઠાવવામાં આવે છે. તેમાંથી એક વીડિયોમાં એક મહિલાને તેમનાં સાસુ જ વધુ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ કહે છે કે, "હું મહિલાઓમાં શિક્ષણ અને તેમની સફળતાની હિમાયત કરી શકું છું. આ અભિનય મને સંતોષ અને માનસિક શાંતિ આપે છે."
હવે એક સફળ અને આત્મનિર્ભર અભિનેત્રી સાહુ અન્ય યુવાન છોકરીઓને પ્રેરણા આપવા માગે છે. તેઓ કહે છે, "જો હું મારાં સપનાં પૂરાં કરી શકું છું તો તેઓ પણ કરી શકે છે."
તુલસીમાં સાહુ યુવાન મહિલાઓ માટે એક રોલમૉડલ બન્યાં છે. તેઓ જણાવે છે, "છોકરીઓ મોટાં સપનાં જુએ અને ઊંચું લક્ષ્ય રાખે તે મારી સફરનો સૌથી ફળદાયી ભાગ છે. હવે એવી છોકરીઓ પણ છે કે જેઓ ફિલ્મ નિર્માતા બનવાની ઇચ્છા રાખે છે."
તુલસી ગામની ભાગોળે સૂર્યાસ્ત થઈ રહ્યો છે ત્યારે રાજેશ દિવાર અને તેની ટીમ તેમના હિપ-હોપ બીટ્સને પરફેક્ટ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. તેઓ કહે છે, "કન્ટેન્ટ ક્રીએશનથી રૅપ મ્યુઝિક તરફ જવું એ સરળ નહોતું." દિવારની ચૅનલનું નામ લેથવા રાજા છે જેનો અર્થ "અમેઝિંગ કિંગ" થાય છે.
રાજેશ દિવારને આશા છે કે યૂટ્યૂબ લોકો માટે સાંસ્કૃતિક પરિવર્તન લાવી શકે છે. તેઓ કહે છે, "આપણી ભાષામાં લોકો રૅપ સૉંગ બનાવતા નથી હોતા. પરંતુ મને લાગે છે કે હું આને બદલી શકું છું. હું અમારા પ્રદેશમાં એક નવો સૂર ઉમેરવા માગું છું અને તુલસીને તેના વીડિયો જેટલું જ તેના સંગીત માટે પણ જાણીતું બનાવવા માગું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












