યૂટ્યુબરે ઍક્સ (ટ્વિટર) પર એક જ વીડિયો પોસ્ટ કરીને 2.79 કરોડ રૂપિયા કેવી રીતે કમાઈ લીધા?

મિસ્ટર બીસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇમરાન રહેમાન-જોન્સ અને નતાલી શેરમન
    • પદ, બીબીસી ન્યૂઝ

વિશ્વના સૌથી જાણીતા યૂટ્યુબરે મિસ્ટર બીસ્ટે જણાવ્યું કે તેમને ઍક્સ (જે પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું હતું) પર એક વીડિયો પોસ્ટ કરીને 2.79 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પહેલાં તેમણે કહ્યું હતું કે ઍક્સ પર વીડિયો પોસ્ટ કરવાથી કશું જ નથી મળતું, કારણ કે કંપની જાહેરાતોથી થતી કમાણીનો એક ખૂબ જ નાનો ભાગ લોકોને આપે છે.

જોકે, તેમણે ગત સપ્તાહે પોતાનો એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો જેને અત્યાર સુધીમાં 16 કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

પોતાના બિઝનેસને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલા મિસ્ટર બીસ્ટના ઍક્સ પર પોસ્ટ કરેલા આ વીડિયો સ્ટંટને ખૂબ જ ધ્યાનથી જોવામાં આવી રહ્યો છે.

ઍક્સના માલિક એલન મસ્કે ઑક્ટોબર 2022માં કંપની ખરીદ્યા પછી તે ડીલને ફાયદાનો સોદો બતાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. જેમાં ખ્યાતનામ કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જાહેરાતની કમાણી શેર કરવાની વાત પણ સામેલ છે. યૂ ટ્યૂબ જેવા પ્લૅટફૉર્મ પહેલાથી જ આમ કરી રહ્યાં છે.

જોકે, મસ્કના પ્રયત્નો સફળ થયા હોય તેવું નથી લાગતું કારણ કે ઍક્સ પર ટ્રાફિક ઓછો થઈ રહ્યો છે.

ઍક્સની જાહેરાત દ્વારા થતી કમાણીમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે મસ્ક ફેક ન્યૂઝ અને ભડકાઉ ભાષણના મુદ્દે જાહેરાત આપનારાઓના વિરોધનો સામનો કરી રહ્યા છે.

મિસ્ટર બીસ્ટ કોણ છે?

મિસ્ટર બીસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

મિસ્ટર બીસ્ટનુ સાચુ નામ જીમી ડોનાલ્ડસન છે. તેઓ ભારત અને દુનિયાના અનેક દેશોના યુવાઓ અને બાળકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યૂ-ટ્યુબથી લાખો ડૉલરની કમાણી કરનાર મિસ્ટર બીસ્ટ પોતાની કમાણીનો એક ભાગ દાનમાં આપે છે.

યૂ-ટ્યુબ પર તેમની મુખ્ય ચૅનલ મિસ્ટર બીસ્ટના 23 કરોડ 40 લાખ સબસ્ક્રાઇબર્સ છે. તેમની બીજી ચાર યૂ-ટ્યુબ ચેનલ પણ છે.

“મિસ્ટર બીસ્ટ 2”ના ત્રણ કરોડ 63 લાખ, બીસ્ટ રિએક્ટસનાં ત્રણ કરોડ 19 લાખ, મિસ્ટર બીસ્ટ ગેમિંગના ચાર કરોડ 13 લાખ અને બીસ્ટ ફિલાન્થ્રોપીના બે કરોડ 12 લાખ સબસ્ક્રાઇબર્સ છે.

ઇન્સ્ટાગ્રામ પર મિસ્ટર બીસ્ટના ચાર કરોડ 93 લાખ અને ઍક્સ પર બે કરોડ 71 લાખ ફોલોઅર્સ છે.

તેમણે હાલમાં જ કહ્યું હતું કે ઍક્સ પર જો તેમને 100 કરોડ વ્યૂ મળે તો પણ તેમની સારી કમાણી નહીં થાય.

જોકે, તેમણે કહ્યું કે તેઓ એ જાણવા માટે ઉત્સાહીત છે કે તેમનો એક વીડિયો ઍક્સ પર કેટલી કમાણી કરી શકે છે.

મિસ્ટર બીસ્ટે સોમવારે કહ્યું કે આ કમાણી છેતરપિંડી જેવી લાગે છે.

એક પોસ્ટમાં તેમણે પોતાનો તર્ક આપતા કહ્યું, “જાહેરાત આપનારા લોકોએ જોયું કે આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ત્યાર પછી તેમણે આ વીડિયો પર પૈસા લગાવવાનું શરૂ કર્યું કદાચ એટલે જ મારી કમાણી સારી થઈ હતી.”

મિસ્ટર બીસ્ટે પહેલાં કહ્યું હતું એમ આ કમાણી તે દસ અજાણ્યા લોકોમાં વહેંચી દેશે.

વિશ્લેષકો પણ આ વાત સાથે સહમતી આપે છે કે મિસ્ટર બીસ્ટ સિવાય કોઈ અન્ય વ્યક્તિ હોત તો આટલી કમાણી ન થઈ હોત.

ડબ્લ્યૂ મીડિયાના કાસ્ટર્ન વાઈડ કહે છે કે તેમનો દાવો છે કે તેમણે 2.79 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક વીડિયો માટે આ ખૂબ જ સારી કમાણી છે. જોકે, આવી કમાણી માટે તમારી પોસ્ટ પર ભારે ટ્રાફિક આવવો ખૂબ જ જરૂરી છે.

ઇન્ટરનેટની પ્રસિદ્ધ વ્યક્તિઓ જેમને અંગ્રેજીમાં 'ઇન્ફ્લુએન્સર' કહેવામાં આવે છે. તેઓ ખૂબ જ મોટી કમાણી કરે છે. જોકે, આ કમાણી ઇન્ફ્લુએન્સરની પ્રસિદ્ધિ પર પણ આધાર રાખે છે. બધા જ એક સરખી કમાણી નથી કરી શકતા.

આ કમાણીની શું અસર થશે?

મિસ્ટર બીસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ફૉર્બ્સ મૅગેઝિને નવેમ્બર 2022માં લખ્યું હતું કે મિસ્ટર બીસ્ટે એક વર્ષમાં 54 મિલિયન (5.4 કરોડ) અમેરીકન ડૉલરની કમાણી કરી હતી.

મિસ્ટર બીસ્ટના ફોલોઅર્સની સંખ્યા ત્યાર પછી ખૂબ જ વધી ગઈ. હવે અનુમાન છે કે તેમની વાર્ષિક આવક 233 મિલિયન (23.3 કરોડ) અમેરીકન ડૉલર છે.

મિસ્ટર બીસ્ટની પ્રસિદ્ધિને કારણે કેટલીય મોટી કંપનીઓ તેમની સાથે જોડાઈ રહી છે. મિસ્ટર બીસ્ટનું કહેવું છે કે તે એક વીડિયો બનાવવામાં કરોડોનો ખર્ચ કરે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે તે એક મોટા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ સાથે એક મોટો કરાર કરવાના છે.

તેમણે ઍક્સ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે તે વીડિયો તેઓ યૂ ટ્યૂબ પર સપ્ટેમ્બર 2023 પર પોસ્ટ કરી ચૂક્યા છે. આ વીડિયોમાં તે અલગ-અલગ કારોની કિંમત વિશે વાત કરે છે.

આ સમયે યૂ-ટ્યુબ પર આ વીડિયોને 22 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. તેમની મોટાભાગની કમાણી યૂ-ટ્યૂબ પર આવા વીડિયોથી જ થાય છે.

ઇન્ફ્લુએન્સરની કમાણી પર નજર રાખતા પ્લૅટફૉર્મ વીએરિજ્મના અનુમાન પ્રમાણે મિસ્ટર બીસ્ટનો એક વીડિયો યૂ-ટ્યૂબ પર લગભગ એક મિલિયન (10 લાખ) અમેરીકન ડૉલરની કમાણી કરે છે.

જોકે, ઍક્સ પર માત્ર નવા વીડિયો જ કમાણી કરાવી શકે છે.

વીએરિજ્મની સંસ્થાપક જેની સ્તાઈએ કહ્યું, “એ જોવું રસપ્રદ રહેશે કે ભવિષ્યમાં ઍક્સ પર થતી કમાણી કઈ દિશામાં જશે.”

ડેવ વિસ્કુલ નેબુલાના મુખ્ય કાર્યકારી છે. નેબુલા વિશ્વનો એક પ્રિમિયમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે.

તેઓ કહે છે કે અત્યારે તો એ વિશે પણ જાણકારી નથી કે એક્સ પર મળતી એક ઇમ્પ્રેશનનું શું મહત્વ છે.

જોકે, તેમનુ કહેવું છે કે ઇનફ્લુંએન્સર હવે એક્સને વધારે ગંભીરતાથી લઈ રહ્યાં છે.

ડેવ વિસ્કુલે કહ્યું, “જો તમે યૂ-ટ્યુબ માટે પહેલાથી જ વીડિયો બનાવી રહ્યા છો તો તેને ઍક્સ પર પણ પોસ્ટ કરી શકો છો. તેમા શું સમસ્યા છે?”

જોકે, તેઓ કહે છે કે જે લોકો ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ નથી તેમના માટે આટલી મોટી કમાણી કરવી સરળ નથી.

બીબીસી ટેકનૉલૉજી સંપાદક જોઈ ક્લીનમૅનનું વિશ્લેષણ

એક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ટરનેટ પર મોટાભાગના ક્રિએટર્સ મિસ્ટર બીસ્ટની કમાણીની નજીક પણ નહીં આવી શકે અને વિશ્વભરના મીડિયા સંસ્થાનો તેમની તરફ ધ્યાન નહીં આપે.

જોકે, આ આંકડાઓ ઍક્સની સીઈઓ લિંડા યાચારિનોને જરૂર ખુશ કરશે. તેઓ જાહેરાતની દુનિયામાં એક સફળ કારકિર્દી પછી પાછલાં વર્ષે ઍક્સમાં જોડાયા.

કહેવામાં આવે છે કે તેમને ઍક્સની છાપ સુધારવા માટે ભારે મહેનત કરવી પડે છે. આ ખબરથી તેમનો ઉત્સાહ વધશે કે આ પ્લૅટફૉર્મ ઉપર પણ વિજ્ઞાપનો સારી રીતે કામ કરી શકે છે.

કંપનીના માલિક એલન મસ્કે સોમવારે ઑશ્વિટ્ઝ ડેથ કૅમ્પની મુલાકાત લીધી હતી. તે કૅમ્પની મુલાકાતે એવા સમયે ગયા હતા જ્યારે બધાની નજર તેઓ ઍક્સ પ્લૅટફૉર્મ પર યહૂદીઓ વિરોધી કન્ટેન્ટ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તેના પર છે.

આ એક એવો વિષય છે જેને માટે ઍક્સના કેટલાક યુઝર્સ અને સંભાવિત જાહેરાત આપનારા લોકો ચિંતિત છે. આ એક એવો મામલો છે જેને મસ્કે ગંભીરતાથી ઉકેલવો પડશે.

એવી પણ અટકળો છે કે મિસ્ટર બીસ્ટ પોતાના એક શો માટે એક મોટા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ સાથે વાતચીત કરી રહ્યા છે. જો આ વાતમાં તથ્ય છે તો ઍક્સ પર તેમણે જે પ્રયોગ કર્યો તેના થકી તેઓ ભાવતાલ કરવા માટે વધારે સારી સ્થિતિમાં રહેશે.