મિસ્ટરબીસ્ટ: વિશ્વના નં.1 યૂટ્યુબરની કહાણી જે વીડિયો બનાવીબનાવીને કરોડો રૂપિયા કમાયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટોમ ગેર્કન
- પદ, ટેકનૉલૉજી રિપોર્ટર
જીમી ડોનાલ્ડસન નામની આ વ્યક્તિને ઑનલાઇન જગત મિસ્ટરબીસ્ટ તરીકે ઓળખે છે અને તેઓ જગતનો સૌથી મોટા યૂટ્યુબર છે. આ લોકપ્રિયતા સાથે તેમને અઢળક કમાણી પણ થઈ રહી છે.
25 વર્ષનો આ યુવક વિડિયો બનાવતો હતો, તેમાંથી પ્રગતિ કરીને તે આજે પોતાની ફાસ્ટ-ફૂડ ચેઇન મિસ્ટરબીસ્ટ બર્ગર ચલાવે છે. આ અઠવાડિયે એક સમાચાર ચમક્યા કે તેમણે આ ચેઈન ચલાવનારી કંપની સામે દાવો માંડી દીધો છે. પોતાના ફેન લોકોને આ ફૂડચેઇનનું ભોજન ચીતરી ચડે એવું લાગ્યું એવો દાવો કરીને તેમણે કંપની સામે કેસ કરી દીધો છે.
જોકે હજીય તેમની સાચી ઓળખ તો યૂટ્યુબ પર જ છે. નવેમ્બર 2022માં, ફોર્બ્સે અંદાજ લગાવ્યો હતો કે તેણે વીડિયો બનાવીને, તેમાં સ્પૉન્સરશિપ ડીલ્સ કરીને અને જાહેરખબરો મેળવીને એક વર્ષમાં 54 મિલિયન ડૉલરની કમાણી કરી છે. તે પછીના સમયમાં તેમની મુખ્ય ચેનલને વધુ 60 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે અને તે સાથે કુલ 172 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ થઈ ગયા છે.
મુખ્ય ચેનલ સિવાય બીજી ચેનલ્સ પણ તેમણે શરૂ કરી દીધી છે અને તે બધામાં પણ તેમને લાખો સબ્સ્ક્રાઇબર્સ મળી ગયા છે. એક ચેનલ તેઓ દાન પ્રવૃત્તિ માટે ચલાવે છે અને બીજી એક વીડિયો ગેમ્સ માટેની છે.
તેમની કમાણી ખરેખર કેટલી છે તે સ્પષ્ટ નથી. ડોનાલ્ડસન એ માટે પણ જાણીતા થયા છે કે તેમને કમાણી થાય તેમાંથી ખર્ચ કરીને અતિ-ખર્ચાળ વીડિયોઝ બનાવીને મૂકે છે. કેટલાક વીડિયો બનાવવા માટે તેમણે લાખો ડૉલર ખર્ચી નાખ્યા છે. જૂનમાં એક પૉડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમણે કહ્યું હતું કે "હું મારી કમાણીના દરેક રૂપિયાનું" ફરીથી રોકાણ કરું છું.
સારું કન્ટેન્ટ તૈયાર કરવા માટે તેઓ લાખો ખર્ચી નાખે છે, કદાચ તેના કારણે જ તેમને જોનારો બહુ મોટો વર્ગ ઊભો થયો છે. આ રીતે તેઓ વધુને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરતા જાય છે.
આજ સુધીનો તેમનો સૌથી લોકપ્રિય વીડિયો છે તેને કુલ 472 મિલિયન વ્યૂઝ મળેલા છે. નેટફ્લિક્સની હિટ સ્ક્વિડ ગેમને તેમણે અસલ જિંદગીમાં કરી બતાવી હતી અને તેના માટે 4,56,000 ડૉલરનું ઈનામ પણ રાખ્યું હતું.
2017માં તેમનો એક વીડિયો બહુ ચાલ્યો હતો તે બહુ વિચિત્ર પ્રકારનો હતો. તેમાં તેઓ એક જ શબ્દ લોગન પૉલ સતત 17 કલાક સુધી બોલતા રહે છે. કુલ એક લાખ વાર તે આ શબ્દ બોલ્યો હતો. બીજો એક વીડિયો બહુ ચાલ્યો હતો તેમાં તેઓ પિત્ઝાની ડિલિવરી આપવા આવનારાને હજારો ડૉલરની ટિપ આપે છે. આ બંને વીડિયોને તે વખતે 20થી 40 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવા વીડિયો સિવાય ડોનાલ્ડસનની એક ઓળખ દાનવીર તરીકેની છે. તેમણે ઘણા બધા બિઝનેસ પણ શરૂ કર્યા છે. તેમણે લાયસન્સ સાથે એક સેવાભાવી સંસ્થા ખોલી છે, જે ફૂડ બેન્ક તરીકે કામ કરે છે અને સમગ્ર અમેરિકામાં ભૂખ્યાને અન્ન આપવાનું કામ કરે છે. પર્યાવરણના બચાવ માટે પણ તેમણે કરોડો ડૉલરનું ફંડ ઊભું કરવામાં મદદ કરી છે.
તેમના બિઝનેસમાં મિસ્ટરબીસ્ટ બર્ગરનો પણ સમાવેશ થાય છે, પણ તેઓ આ બિઝનેસમાંથી અત્યારે બહાર નીકળી જવા માગે છે. તેમણે નાસ્તા માટેની બીજી એક કંપની પણ ખોલી છે, જેનું નામ ફિસ્ટેબલ્સ છે, અને યુકેમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે એમ તેમનું કહેવું છે.

મિસ્ટરબીસ્ટની બ્રાન્ડ ડીલ્સ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યૂટ્યુબર્સ તેમની આવકનો એક હિસ્સો જાહેરખબરોમાંથી મેળવી શકે છે - પણ તેમાંથી એટલી કમાણી ના થાય કે મિસ્ટરબિસ્ટના વીડિયોના ખર્ચને પહોંચી વળાય.
દાખલા તરીકે જુલાઈમાં પોતાના ટ્વિટર સબ્સ્ક્રાઇબર્સ માટે ડોનાલ્ડસને પોસ્ટ કર્યું હતું કે તેમનો લેટેસ્ટ વીડિયો તૈયાર કરવા પાછળ અંદાજિત 30 લાખ ડૉલરનો ખર્ચ થયો છે. તે વીડિયો પર જાહેરખબરમાંથી તેમને માત્ર 1,67,000 ડૉલરની આવક થઈ હતી. આ વીડિયો વર્ષો સુધી ચાલ્યા કરે તે પછીય તેના પર જાહેરખબરમાંથી તેમને એટલી કમાણી થવાની નથી.
આવી સ્થિતિમાં સ્પૉન્સરશિપ ડીલમાંથી કમાણી કરવાની રહે છે. આ રીતે વીડિયો બનાવનારા માટે જાહેરખબર કરતાંય સ્પૉન્સર મળે તેમાંથી જ વધારે કમાણી થતી હોય છે.
લ્યુસી ઍડવર્ડ્સ પણ યૂટ્યુબર છે, જેના 705,000 સબ્સ્ક્રાઇબર્સ છે. 2019માં બીબીસી રેડિયો 1માં પ્રથમ અંધ પ્રેઝન્ટર તરીકે તેમને સ્થાન મળ્યું હતું. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેની મોટા ભાગની આવક આવી બ્રાન્ડ સ્પૉન્સરશિપમાંથી જ થાય છે.
તેઓ કહે છે, "હું હાલમાં શૅમ્પૂ અને હેર કેર બ્રાન્ડ પેન્ટેનના મૉડલ તરીકે જગતભરમાં ચમકું છું."
"તે સિવાય મને છુટક કૅમ્પેઇન પણ મળી જાય છે. દર મહિને ચારથી પાંચ ઍડ કૅમ્પેઇન મળી જાય છે. અમને ટિકટૉક અને યૂટ્યુબમાંથી બહુ ઓછી કમાણી થાય છે."
ડોનાલ્ડસનથી અલગ લ્યૂસી નાના નાના વીડિયો બનાવે છે. તેમનો સૌથી લોકપ્રિય વીડિયો પણ માત્ર અઢી મિનિટનો છે, પરંતુ તેને બે મિલિયન વ્યૂઝ મળેલા છે.
તેમના જણાવ્યા અનુસાર મિસ્ટરબીસ્ટ જેવા યૂટ્યુબર્સ લાંબા વીડિયો બનાવે છે અને તેથી તેમને વધારે કમાણી થઈ શકે છે. આ લોકોના વીડિયો સામાન્ય રીતે 10થી 20 મિનિટ જેટલા લાંબા હોય છે.
તેઓ કહે છે, "જો તમે લાંબા વીડિયો બનાવનારા હો તો તમને પ્રારંભમાં, છેલ્લે અને વચ્ચે પણ એડ મળી જાય. તમારો વીડિયો આઠ મિનિટથી લાંબો હોય તો તમને એડ રેવેન્યૂ વધારે મળી શકે".
"જોકે તમામ બ્રાન્ડ્સને ટૂંકા વીડિયો પણ જોઈતા હોય છે. એટલે તમારે બંને વચ્ચે એક બેલેન્સ રાખવાનું હોય છે."

'અમે અપલોડ કરીએ એટલે લોકો ક્લિક કરીને જોઈ લે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ડોનાલ્ડસનના વીડિયોનું વર્ગીકરણ કરવું મુશ્કેલ બની શકે છે.
તેમના વીડિયોમાં સામાન્ય રીતે કોઈ ચૅલેન્જને પાર પાડવાની વાત હોય છે. જેમ કે ઍન્ટાર્કટિકામાં કલાકો સુધી ટકી જવું, અથવા બહુ મોટી રકમની ગેમ્સ - દાખલા તરીકે દસ લાખ ડૉલરના ઈનામ સાથેની હાઇડ ઍન્ડ સિકની ગેમ.
જોકે આવી ચૅલેન્જ જેવી કેટેગરીમાં ના આવે એક વીડિયો તેમણે હાલમાં જ બનાવ્યો છે. તેમાં એક ટ્રેનને પાટા પરથી નીચે ઉતારીને દોડાવાઈ છે અને એક મોટા ખાડામાં ખાબકી દેવામાં આવે છે.
4,70,000 સબ્સ્ક્રાઇબર્સ સાથેના યુટ્યુબર સ્ટિવન બ્રિજીઝ બીબીસીને જણાવે છે કે ડોનાલ્ડસન તેમની સર્જનાત્મકતાને કારણે આટલા લોકપ્રિય થઈ શક્યા છે: "મને લાગે છે કે મિસ્ટરબીસ્ટ માટે સૌથી મજાની વાત એ છે કે તેમની દૃષ્ટિએ જે શ્રેષ્ઠ હોય તેવો વીડિયો બનાવવા માટે ધગશથી લાગી પડે છે."
"તેઓ વીડિયો અપલોડ કરે, ત્યારે લોકો ક્લિક કરે છે. તેઓ જાણે છે કે જ્યારે તેઓ મિસ્ટરબીસ્ટ વિડિયો પર ક્લિક કરે છે, ત્યારે એ ખરેખર મનોરંજક બન્યો હોય તે માટે ઘણી જ મહેનત કરવી પડી હોય છે."
બ્રિજીઝે તાજેતરનાં વર્ષોમાં નવેસરથી પોતાને યૂટ્યુબ પર સક્રિય કર્યો છે. તેમણે મૅજિક છોડીને હવે પત્તાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લંડનમાં ટુરિસ્ટને કેવી રીતે છેતરવામાં આવે છે તેમની ટ્રિક દર્શાવતો તેમનો તાજો વીડિયો 46 લાખ વાર જોવાયો છે.
તેઓ કહે છે, "યૂટ્યુબ પર 10 વર્ષ સુધી ટકી જવું ખરેખર મુશ્કેલ હોય છે."
"પરંતુ મિસ્ટરબીસ્ટ ફક્ત એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તે છે દર્શકોને સૌથી પ્રથમ ગણવા - પ્રેક્ષકોને હું શું આપી શકું કે તેમને ખૂબ ગમશે એ જ તેઓ વિચારતા રહે છે."
યૂટ્યુબ પર ડોનાલ્ડસનની સફળતા પાછળનું એક મોટું કારણ એ છે તે બહુ મોજીલો યુવાન છે. આ પ્લેટફોર્મ પર ટોચના કન્ટેન્ટ સર્જક બનીને તેમણે PewDiePie ચેનલને પણ પાછળ પાડી દીધી, ત્યારે તેમના હરીફ આ સર્જકે પણ તેમને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે તે તેના માટે લાયક છે.
ડોનાલ્ડસન યૂટ્યુબ પર વ્યક્તિગત રીતે સૌથી વધુ સબ્સ્ક્રાઇબ ધરાવે છે, પણ તેની ચેનલ યૂટ્યુબ પરની સૌથી મોટી ચેનલ નથી અને તે સ્થાનથી તે ઘણે દૂર છે.
ભારતની મ્યુઝિક કંપની ટી-સિરિઝ કંપની આ બાબતમાં સૌથી આગળ છે - તેના 246 મિલિયન (24.6 કરોડ)થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
જોકે એકલે હાથે 172 મિલિયન ચાહકો તેમણે મેળવી લીધા છે અને હજીય વધી રહ્યા છે. એટલે એક દિવસ ડોનાલ્ડસન આગળ વધીને ટી-સિરિઝને પણ પાછળ રાખી દેશે એવો દાવ લગાવવા માટે કોઈ પણ તૈયાર થઈ જશે.














