પાકિસ્તાન : યૂટ્યૂબમાં વીડિયો બનાવતું આખું ગામ, એક વર્ષના પગાર જેટલી કમાણી એક દિવસમાં

- લેેખક, પ્રિન્સ મલિક
- પદ, બીબીસી ઉર્દૂ ડોટ કૉમ
'આખા વર્ષના પગાર જેટલું તો હું એક દિવસમાં કમાઈ લઉં છું', આ શબ્દો છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેર રહીમયાર ખાનની પાસે આવેલા એક ગામડાના રહેવાસીના. તેઓ દોઢ વર્ષ પહેલાં એક સરકારી હૉસ્પિટલમાં કામ કરતા હતા.
રહીમયાર ખાન શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે કાઝી અબ્દુલ રહેમાન કોરેજા નામની વસાહત આવેલી છે. ત્યાંના 23 વર્ષીય હૈદર અલીએ તેમની સરકારી નોકરી દરમિયાન કંઈ નવું કરવાનો વિચાર કર્યો હતો. તેમણે માત્ર તેનું જ નહીં પરંતુ આખા ગામનું નસીબ બદલી નાખ્યું.
તેમને નોકરી કરવાને બદલે યૂટ્યૂબ ચૅનલમાંથી કમાણી કરવાનો વિચાર આવ્યો. પરંતુ તેમના માટે આ નિર્ણય પર પહોંચવું એટલું સરળ નહોતું.
તેમના જણાવ્યા મુજબ, YouTube ચૅનલ બનાવવાની તેમના વિચારનો પરિવારના જ સભ્યોએ ધાર્મિક કારણસર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેમણે સ્થાનિક ધાર્મિક વિદ્વાનો પાસેથી મત પણ લીધો હતો.
અને હવે તેમના ગામમાં ત્રણ વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધીના લોકો યૂટ્યૂબ માટે કૉન્ટેન્ટ બનાવીને પૈસા અને ખ્યાતિ એમ બંને કમાય છે.
એક યૂટ્યૂબર એવો પણ છે જે પોતાની દુબઈની નોકરી છોડીને પાછો ગામ આવ્યો હતો. અન્ય લોકોએ પણ કૉન્ટેન્ટ બનાવવા સરકારી નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો.
જ્યારે મને સોશિયલ મીડિયા દ્વારા આ નાનકડા ગામની ખ્યાતિ વિશે જાણ થઈ ત્યારે હું આ ગામની રોમાંચક હકીકત જાણવા આતુર હતો. સામાન્ય રીતે ખેતી સાથે જોડાયેલા આ ગામના લોકોએ આધુનિક સમયમાં નાણાં કમાવાનું નવું કૌશલ્ય શોધી કાઢ્યું છે.
ઇસ્લામાબાદથી લગભગ 800 કિમીનું અંતર કાપ્યા બાદ રહીમયાર ખાન પહોંચ્યા પછી હૈદર અલીએ તેમનું લૉકેશન મારી સાથે શૅર કર્યું. જેની મદદથી હું 80 ઘરોની વસાહત કાઝી અબ્દુલ રહેમાન કોરેજા પહોંચ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબનો આ દક્ષિણ પ્રાંત અન્ય પ્રદેશોની સરખામણીમાં બહુ વિકસિત નથી અને અહીંના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે.
પહેલી નજરે તો ગામના મોટા ભાગના યુવાનો અને બાળકો શેરીઓમાં ગપ્પાં મારવામાં વ્યસ્ત હોય તેવું લાગ્યું. નજીક જઈને જોયું તો ખબર પડી કે તેઓ યૂટ્યૂબના શૂટિંગમાં વ્યસ્ત હતા. જેમાં ત્રણ વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધીના લોકો સામેલ હતા. ત્રણ વર્ષનો બાળક પણ કૅમેરાથી ટેવાઈ ગયેલો હતો.
અહીં હું સૌપ્રથમ હૈદર અલીને મળ્યો હતો જે તેમની ટીમ સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા અને YouTubeના આગલા વીડિયોની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત હતા.
યૂટ્યૂબ ચૅનલનો વિચાર, બદનામી અને ફતવાઓનો ડર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે મેં હૈદર અલીને પૂછ્યું કે તેમને યૂટ્યૂબ ચૅનલ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો, તો તેમણે મને કહ્યું કે તેઓ રહીમયાર ખાનની એક સરકારી હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં ટેકનિશિયન તરીકે કામ કરતા હતા અને તેમનો પગાર ઘણો ઓછો હતો.
ત્યાર બાદ તેમણે તેમની છ વર્ષની નોકરીને અલવિદા કહ્યું અને ઘણું વિચારીને પોતાની યૂટ્યૂબ ચૅનલ ખોલી. તેમણે કહ્યું કે તેમનો પરિવાર ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવે છે, તેથી તેમણે આ વિચારનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આવી યૂટ્યૂબ ચૅનલ ખોલવાથી પરિવારનું નામ ખરાબ થશે.
વાત અહીં સુધી સીમિત ના રહી. હૈદર અલીએ કહ્યું કે તેમણે પરિવારને સમજાવવા માટે એક સ્થાનિક વિદ્વાનો પાસેથી મંજૂરી પણ લીધી કે આ ચૅનલના વીડિયો ઇસ્લામ વિરુદ્ધ ન હોય અને સમાજમાં વિકૃતિ પેદા ન કરતા હોય તો તે આ ચૅનલ ખોલી શકે છે.
હૈદર અલીના છ મહિના સુધી તેમની ચૅનલ શરૂ કરવા માટે સખત મહેનત કરી. ત્યાર બાદ તેમણે ચેનલનું (મૉનિટાઇઝેશન) તરીકે નોંધવામાં આવી. હવે તેમની ચૅનલની કમાણી જોઈએ તો તે સરકારી નોકરીમાં આખા વર્ષમાં કમાતા તેટલું એક જ દિવસમાં રળી લે છે.
જોકે, હૈદરના કહેવા પ્રમાણે આ બધું એક દિવસમાં નહોતું થયું. આ માટે તેમણે સરકારી નોકરી કરતાં ઘણી વધારે રાત-દિવસ મહેનત કરી હતી.
જો તમે હૈદર અલીની ચૅનલ પર એક નજર નાખો, તો તમને માનવતાવાદી સંદેશ, રમૂજનું તત્ત્વ અને ગામડાના જીવનને દર્શાવતા વીડિયો જોવા મળશે.
ગોલ્ડ અને સિલ્વર બટનો

હૈદર અલીને યૂટ્યૂબ તરફથી બે ગોલ્ડ અને છ સિલ્વર બટન મળ્યાં છે અને તેમની ચૅનલ 10 લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે.
નોંધનીય છે કે જો કોઈ ચૅનલ 10 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચે છે તો તે ચૅનલના માલિકને YouTube દ્વારા ગોલ્ડ બટન આપવામાં આવે છે. અને જ્યારે કોઈ ચૅનલના એક લાખ સબસ્ક્રાઇબર હોય તો તેને સિલ્વર બટન આપવામાં આવે છે.
હૈદર અલીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમની યૂટ્યૂબ ચૅનલે ઘણી મહેનત બાદ કમાણી શરૂ કરી ત્યારે તેમનામાંથી પ્રેરણા લઈને ગામના અન્ય લોકોએ પણ આ વ્યવસાયમાં રસ દાખવ્યો.
આમ હૈદર અલીએ લોકોને વીડિયો બનાવવાની પાયાની તાલીમ આપવાનું શરૂ કર્યું અને તેમના જણાવ્યા મુજબ હવે તેમના ગામમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કે જેનો કોઈ સભ્ય યૂટ્યૂબ પર વીડિયો ના બનાવતો હોય.
આ ગામની બીજી ખાસ વાત એ છે કે અહીં રહેતા 90% લોકો એક જ સમુદાયનાં સગાં-સંબંધીઓ છે.
હૈદર અલીએ કહ્યું કે દરેક વ્યક્તિની પોતાની યૂટ્યૂબ ચૅનલ નથી. પરંતુ તેઓ તેમની ટીમનો ભાગ છે. જેમને તેઓ તેમના માસિક પગાર સિવાય દરેક ફિલ્મ માટે કેટલાંક છૂટક નાણાં પણ ચૂકવે છે.
રુમાન વિદેશથી નોકરી છોડીને પાકિસ્તાન આવ્યા

રુમાન અહમદ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને ત્રણ વર્ષ પહેલાં આર્થિક તંગીને કારણે સારા ભવિષ્યની શોધમાં તેઓ દુબઈ ગયા હતા.
જોકે તેમનું કહેવું છે કે દુબઈમાં રહેવું પણ મુશ્કેલ હતું, કારણ કે તેમણે ગામમાં રહેતા પરિવારને પણ રૂપિયા મોકલવા પડતા હતા.
તેમણે કહ્યું કે આવા સંજોગોને લીધે તેઓ એક મિત્રની સલાહથી પાકિસ્તાન પરત ફર્યા.
પરંતુ રુમાન અહમદના જણાવ્યા અનુસાર, પરિવારને તેમનો પરત ફરવાનો નિર્ણય પસંદ ન હતો, માતા-પિતા અને સંબંધીઓના તેમને મેણાંટોણાં સંભળાવતાં હતાં.
ત્યાર પછી એક મિત્રની સલાહ પર રૂમાને તેમની યૂટ્યૂબ ચૅનલ પણ શરૂ કરી. થોડા મહિનાઓ પછી તેમની ચૅનલ પણ (મૉનિટાઇઝેશન) થઈ અને હવે તેમને ગોલ્ડ બટન પણ મળી ગયું છે.
તેમણે કહ્યું કે હવે તેમની પાસે કાર ઉપરાંત અન્ય સંપત્તિ પણ છે.
રુમાન અહમદે ચૅનલ ચલાવવા માટે દસ લોકોની ટીમ રાખી છે જેઓ જુદા જુદા વિષયો પર કામ કરે છે. આ બધા પણ એક જ ગામના છે.
એક મહિનામાં જ છ વર્ષ જેટલો પગાર મેળવો

ઝહીર-ઉલ-હક વ્યવસાયે શાળાના શિક્ષક છે અને સરકારી શાળામાં મધ્યમ વર્ગનાં બાળકોને વિજ્ઞાન ભણાવે છે.
તેઓ કહે છે કે તેમને પણ ચૅનલનો શોખ હતો, પરંતુ સરકારી નોકરીને કારણે તેઓ યૂટ્યૂબનું કામ કરી શક્યા નહીં.
પરંતુ પછી તંગ આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે પાર્ટટાઇમ કામ કરવાનું પણ શરૂ કર્યું અને પોતાની યૂટ્યૂબ ચૅનલ બનાવી.
થોડા સમયમાં તેમની ચૅનલને પણ મૉનિટાઇઝેશન મળી ગયું અને ઝહીર-ઉલ-હકના કહેવા પ્રમાણે તેઓ આ ચૅનલમાંથી એક મહિનામાં એટલા પૈસા રળી લે છે કે જેટલા તેઓ તેમની છ વર્ષની નોકરીમાં પણ ન કમાઈ શક્યા હોત.
ઝહીર-ઉલ-હકને પણ યૂટ્યૂબ તરફથી ગોલ્ડ બટન પણ મળ્યું છે.
તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેઓ પોતાનાં બાળકોને શહેરની મોટી ખાનગી શાળાઓમાં ભણાવી રહ્યા છે અને ઘરનું પણ સમારકામ કર્યું છે.
ઝહીર-ઉલ-હકે કહ્યું કે હવે તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે જેથી તેમને સરકાર તરફથી વધુ પૈસા મળી શકે.
80 વર્ષીય યૂટ્યૂબર

સામાન્ય રીતે પાકિસ્તાનમાં જો કોઈ વ્યક્તિ 80 વર્ષની થાય છે તો તે તેમનો મોટા ભાગનો સમય ઘરે જ પસાર કરતી હોય છે. પરંતુ હૈદર અલીની ટીમમાં એક 80 વર્ષના નઝીર અહમદ પણ સામેલ છે.
નઝીર અહમદે કહ્યું કે પહેલાં તેઓ ઘરે બેસી રહેતા હતા અને તેમની દિનચર્યા ઘરથી મસ્જિદ અને મસ્જિદથી ઘરની વચ્ચે જ પૂરી થતી હતી.
પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ હૈદર અલી સાથે પણ જોડાયા છે અને માત્ર આવક જ નથી મેળવતા, પણ પોતાનો સમય સારી રીતે પસાર કરે છે.
ગામના લોકોને રોજગારી મળે કે સકારાત્મક પ્રવૃતિમાં વ્યસ્ત હોય ત્યારે ગામના વડીલો પણ ખૂબ ખુશ થાય છે અને હવે તેઓ બાળકોને ઠપકો આપવાને બદલે તેમના કામમાં સુધારો કરવાની સલાહ આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












