નોકરી વિના વીડિયો અને રીલ્સ બનાવી લોકો ઘરેબેઠા કેવી રીતે કમાણી કરે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતીઓની એક ખાસિયત રહી છે કે તેઓ નવા વર્ષે કંઈક નવું કરવા ધારે છે.

કમાણી કરવાના પરંપરાગત નોકરી અને ધંધા જેવા રસ્તાઓ સિવાય હાલના ટ્રેન્ડ પ્રમાણે અનેક અવનવા રસ્તાઓ સામે આવી રહ્યા છે જેનાથી લોકો પૈસા પણ કમાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયાના આ યુગમાં અનેક પ્રકારના ઇન્ફ્લ્યુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રીએટર્સ પણ જોવા મળે છે જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જ અઢળક કમાણી કરે છે.

તમે જે અઢળક વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયા પર જુઓ છો એ આ ઇન્ફ્લ્યુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રીએટર્સે બનાવેલાં હોય છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ પ્રકારના વીડિયો બનાવીને લોકો ધૂમ મચાવી રહ્યા છે.

આ કન્ટેન્ટ ક્રીએટર્સ ઇન્ફ્લ્યુએન્સર્સ તરીકે તેમનો બિઝનેસ પણ ચલાવી રહ્યા છે. પરંતુ છતાં પણ લોકો તેને ‘અસલી નોકરી કે કામ’ તરીકે જોતા નથી.

આ સમજવા માટે સૌથી પહેલા કેટલાક ઇન્ફ્લ્યુએન્સર્સના અનુભવો જાણીએ.

યુટ્યૂબ

ઇમેજ સ્રોત, Getty Images

“મારો દિવસ ઘરના કામ સાથે શરૂ થાય છે. દીકરીને શાળાએ મોકલ્યા પછી હું મારી જાતને થોડો સમય આપું છું. તેના પછી 11 વાગ્યાથી હું મારું પ્રોફેશનલ કામ ચાલુ કરું છું. સૌથી પહેલા એક ટીમ મીટિંગ થાય છે જેમાં અમે આગળ શું કરીશું તેના પર બ્રેઇન સ્ટોર્મિંગ શરૂ કરીએ છીએ. આ મીટિંગમાં ફાઇનાન્સથી લઈને દરેક ટીમો સામેલ થાય છે. સવારનો સમય અમારા માટે કામના આગળના પ્લાનિંગ માટેનો હોય છે.”

“હું સામાન્ય રીતે અઠવાડિયામાં 35થી 40 કલાક કામ કરું છું. તમે સ્ક્રીન પર જુઓ છો તે વીડિયો માત્ર એક કે બે મિનિટનો હોય છે. પરંતુ તેને બનાવવામાં ઘણા લોકોની મહેનત લાગે છે અને કલાકોનો સમય લાગે છે. સદભાગ્યે, હવે મારી પાસે એક ટીમ છે જે મારા માટે કામ કરે છે, પરંતુ શરૂઆતમાં હું બધું એકલી જ કરતી હતી.”

આવું ફરાહ શેખનું કહેવું છે જેઓ પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રીએટર છે.

પરંતુ અન્ય કોઈ કામ કરતા વ્યક્તિની જેમ અઠવાડિયામાં 35-40 કલાક કામ કર્યા પછી પણ, લોકો કન્ટેન્ટ ક્રીએશનને વાસ્તવિક કામ કે નોકરી માનતા નથી.

પણ આવું કેમ છે?

ફરાહ છેલ્લાં છ વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલાં છે.

પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે જેઓ આ વ્યવસાયને કારકિર્દીના વિકલ્પ તરીકે જોતા નથી.

લોકો પૂછે છે નોકરી કઈ કરો છો?

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર

ઇમેજ સ્રોત, FARAH SHEIKH

ઇમેજ કૅપ્શન, ફરાહ શેખ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કન્ટેન્ટ ક્રીએશનમાં આવતા પહેલાં ફરાહ કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતાં હતાં. તે સમયે તેઓ ઘણી બ્રાન્ડ્સના ડિજિટલ માર્કેટિંગનું કામ કરતાં.

તેઓ તે ક્ષણને યાદ કરે છે જ્યારે તેમણે તેમના પરિવારને કન્ટેન્ટ ક્રીએશનના ક્ષેત્રમાં ઝંપલાવવાના પોતાના નિર્ણય વિશે જાણ કરી હતી.

તેઓ કહે છે, "તે દિવસોમાં હું ગર્ભવતી હતી. મેં મારાં માતાપિતા સમક્ષ કન્ટેન્ટ ક્રીએશનના ક્ષેત્રમાં જવાની મારી ઇચ્છા વ્યક્ત કરી. તેમને લાગ્યું કે ઠીક છે, હું અત્યારે આ કરીશ અને જો હું કંટાળી જઈશ તો પછી કંઈક બીજું કરીશ.”

તેઓ કહે છે કે માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ આસપાસના લોકો પણ તેને એક શોખ તરીકે જ જોતા હતા. લોકો એવું પણ પૂછતા હતા, "અચ્છા તમે આ કરો છો, પણ અસલમાં તમે શું કરો છો?"

ફરાહ કહે છે, “જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે લોકોએ વિચાર્યું ન હતું કે આ કોઈનું અસલી કામ પણ હોઈ શકે છે. લોકો આશ્ચર્યચકિત થઈને પૂછતા હતા કે આનાથી પણ પૈસા મળે છે? જ્યારે ટિકટૉક હતું ત્યારે લોકો વિચારતા હતા કે અરે યાર! શું તમે ડાન્સ કરીને પણ પૈસા કમાઓ છો?

પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે હવે લોકોની માનસિકતા બદલાઈ રહી છે અને તેઓ તેને એક વ્યવસાય તરીકે જોવા લાગ્યા છે.

જો ફરાહની વાત કરીએ તો હાલમાં તેની પાસે ઘણી બ્રાન્ડ્સ છે જેના માટે તે જાહેરાતો કરે છે.

તેમના મતે હવે ધીમે ધીમે લોકોની વિચારસરણી બદલાઈ રહી છે.

તેઓ કહે છે, "પહેલાં તેઓ વિચારતા હતા કે આ માત્ર એક મિનિટનો વીડિયો છે, તેમાં શું મોટી વાત છે. પરંતુ હવે લોકો સમજવા લાગ્યા છે કે આ કામમાં કેટલી મહેનત પડે છે."

લાંબા સમયથી મોટા ભાગના લોકો એવું પણ માનતા હતા કે આ કામ કરતા મોટા ભાગના લોકોમાં યુવાન સ્ત્રીઓની સંખ્યા વધારે છે.

કેટલાક લોકો તેને સન્માનજનક કામ તરીકે પણ જોતા ન હતા. પરંતુ હવે લોકોના અભિપ્રાયની સાથે સાથે આ વ્યવસાયમાં જોડાયેલા લોકોની કાર્યશૈલી પણ બદલાઈ રહી છે.

ઇન્ફ્લ્યુએન્સિંગનું બજાર ઊંચકાવાની આશા

દેબારતિ રિયા ચક્રવર્તી

ઇમેજ સ્રોત, DEBARATI RAI CHAKRAVART

ઇમેજ કૅપ્શન, દેબારતિ રિયા ચક્રવર્તી

ઇન્ફ્લુએન્સર્સ ડોટ ઇનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આ પ્રભાવશાળી બજાર આગામી પાંચ વર્ષમાં 25 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.

વર્ષ 2025 સુધીમાં આ માર્કેટ રૂ. 2200 કરોડ થવાની ધારણા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 62.2 ટકા બ્રાન્ડ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની શક્તિમાં માને છે.

આ બ્રાન્ડ્સ એ વાતથી વાકેફ છે કે ઇન્ફ્લુએન્સરો એ નવા ગ્રાહકો લાવવાનું મહત્ત્વનું માધ્યમ છે.

મોટી કંપનીઓ માટે તો આ બજાર તેમની ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

જ્યારે નાની કંપનીઓ પણ ઇન્ફ્લુએન્સર્સના મહત્ત્વને સમજે છે. પણ હજુ તેઓ માર્કેટિંગના આ ક્ષેત્રમાં એટલું રોકાણ કરી રહ્યા નથી.

ફરાહ કહે છે, “માત્ર લોકોનો અભિગમ જ બદલાયો છે એવું નથી, પણ બ્રાન્ડ્સ પણ ઘણી પ્રોફેશનલ બની ગઈ છે. બ્રાન્ડ્સે પણ આ માર્કેટિંગ વ્યૂહરચના પર સમય આપવાનું શરૂ કર્યું છે. કોઈ પણ રીતે, માર્કેટિંગનાં જૂનાં માધ્યમોની તુલનામાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઘણું સસ્તું છે અને બ્રાન્ડ્સનું વેચાણ પણ સારું થઈ રહ્યું છે.”

શું આ એક કારકિર્દીનો વિકલ્પ છે?

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર

ઇમેજ સ્રોત, ADITI

ઇમેજ કૅપ્શન, અદિતિ કોરિયન બ્યૂટી પ્રોડક્ટનું ડિજિટલ માર્કેટિંગ કરે છે

ડિજિટલ સ્ટ્રેટેજિસ્ટ અને લાઇફ કોચ દેબારતિ રિયા ચક્રવર્તી માને છે કે આ બિઝનેસનો લૅન્ડસ્કેપ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

તેઓ કહે છે, "સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના આગમન પછી કન્ટેન્ટ ક્રીએટર્સ પાસે કન્ટેન્ટ બનાવવાની સ્વતંત્રતા છે. લોકો પણ આ ઇન્ફ્લુએન્સર્સ સાથે ઘણું જોડાણ અને લગાવ અનુભવે છે."

આ સાથે જ તેઓ માને છે કે "હવે ઇન્ફ્લુએન્સર્સ એજન્સીઓ પણ સુધરી રહી છે. અગાઉ તે માત્ર બ્રાન્ડ્સને ક્રીએટરો સાથે જોડવાનું કામ કરતી હતી. પરંતુ હવે તેઓ સંપૂર્ણ સેવા આપી રહી છે. તે બ્રાન્ડ્સ અને ઇન્ફ્લુએન્સર્સ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કડી બની ગઈ છે."

'ધ મોબાઇલ ઇન્ડિયા'ના સંપાદક, સ્થાપક અને ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત સંદીપ બડકી માને છે કે હાલમાં ઇન્ફ્લુએન્સર્સ આ ક્ષેત્રને કારકિર્દી તરીકે જોવાને બદલે વ્યાવસાયિક રીતે જોઈ રહ્યા છે.

તેઓ કહે છે, "આ બે પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એટલો જ છે કે જો તેને વ્યાવસાયિક રીતે જોવામાં આવે તો વ્યક્તિ તેની સારી બાબતો, ખરાબ બાબતો અને તેને કેવી રીતે કરવું વગેરે બાબતો પર ધ્યાન આપે છે. તે વિચારે છે કે મારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી મારું નામ બગડે નહીં અને તે વસ્તુ હું લાંબા સમય સુધી કરી શકું. મને આ પ્રકારની ભાવના કારકિર્દીમાં ખૂટતી હોય તેવું લાગે છે.”

ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગના ફાયદા

ફરાહ શેખ

ઇમેજ સ્રોત, FARAH SHEIKH

બ્રાન્ડ્સ વિવિધ રીતે આ ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

ઉદાહરણ તરીકે, ફેશન અને બ્યૂટી બ્રાન્ડ્સ ફૅશન બ્લૉગર્સ અને ઇન્ફ્લ્યુએન્સર્સ સાથે ભાગીદારી કરી રહી છે.

જ્યારે ટ્રાવેલ બ્રાન્ડ્સ એ તેમના વેચાણને વધારવા માટે ટ્રાવેલ બ્લૉગર્સ સાથે ભાગીદારી કરી રહી છે તો ફૂડ બ્રાન્ડ્સ ફૂડ બ્લૉગર્સનો ઉપયોગ કરી રહી છે.

બ્રાન્ડ્સ માટે ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગનો એક ફાયદો એ છે કે તેઓ ચોક્કસ ગ્રાહકોને લક્ષ્ય બનાવી શકે છે.

બ્રાન્ડ્સ એ ઇન્ફ્લ્યુએન્સરને પસંદ કરી રહી છે જેઓ તેમના લક્ષિત ગ્રાહકો માટે સામગ્રી બનાવે છે.

દેબારતિ રિયા ચક્રવર્તી કહે છે, "કન્ટેન્ટ ક્રીએટર્સ પાસે જાહેરાત કરાવવા માટે માર્કેટમાં ઘણી સંભાવનાઓ છે. બ્રાન્ડ્સ પણ ટીવી અથવા અખબારો પર જાહેરાતને બદલે ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગમાં પોતાનો વિશ્વાસ દર્શાવી રહી છે. જ્યારે પણ કોઈ કંપની તેની જાહેરાત કરાવવા માટે ઇન્ફ્લ્યુએન્સર એજન્સીનો સંપર્ક કરે છે તો તે કંપની પૂછે છે કે આ ઇન્ફ્લ્યુએન્સરના કેટલા ફૉલોઅર્સ છે.”

“આ ફૉલોઅર્સ ઑર્ગેનિક છે કે નહીં? તેણે કઈ-કઈ બ્રાન્ડ સાથે કામ કર્યું છે? 5 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં બાળકોથી લઈને 80 વર્ષની ઉંમરના લોકો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.”

સંદીપ બડકી કહે છે, "માર્કેટિંગ જગતમાં દર દસ વર્ષે એક નવો ટ્રૅન્ડ આવે છે. અગાઉ ટીવી કે અખબારોમાં જાહેરાતો સિવાય કોઈ જાહેરાતો દેખાતી ન હતી. પછી રેડિયો પર જાહેરાતો દેખાવા લાગી અને હવે સમય એવો છે કે કંપનીઓ ખાસ લક્ષિત ગ્રાહકો માટે ઇન્ફ્લ્યુએન્સર્સનો સહારો લે છે."

"દરેક બ્રાન્ડની પોતાની કૅટેગરી હોય છે. કેટલાક ઇન્ફ્લ્યુએન્સર્સ એવા હોય છે કે જેમના પાંચ કે છ હજાર ફૉલોઅર્સ હોય છે તો તેનાથી પણ તેમનું કામ ચાલી જાય છે અને કેટલાક ઇન્ફ્લ્યુએન્સર્સ એવા પણ હોય છે કે જેમના લાખોની સંખ્યામાં ફૉલોઅર્સ હોય છે. તેથી બ્રાન્ડ્સ અને ઇન્ફ્લ્યુએન્સર્સ વચ્ચે જોડાણ એ વાત પર આધાર રાખે છે કે તેમનું ટાર્ગેટ ઑડિયન્સ શું છે, માત્ર ફૉલોઅર્સથી કામ થતું નથી."

પરંતુ સંદીપ એમ પણ કહે છે, "જૂની પેઢીની ખરીદીની પદ્ધતિ હજુ પણ 'વર્ડ ઑફ માઉથ' અને 'વેલ્યુ ફૉર મની' છે અને તેની પાછળનું વિશ્લેષણ તે પેઢી જાતે જ કરે છે. જ્યારે યુવા ગ્રાહકો વિચારે છે કે આ વ્યક્તિના ફૉલોઅર્સ ઘણા વધારે છે. તેણે પોતે ઘણું જોયું-જાણ્યું હશે, તેથી જ તેઓ આપણને કહી રહ્યા છે.”

કેવા સુધારાની જરૂર?

આ ક્ષેત્રમાં શું સુધારો લાવી શકાય તે અંગે દેબારતિ રિયા ચક્રવર્તી કહે છે કે અત્યારે લોકોનો એક મોટો વર્ગ એવું માને છે કે ઇન્ફ્લ્યુએન્સર્સનું કામ ગંભીર કામ નથી.

આ માધ્યમ ખૂબ જ કેઝ્યુઅલ છે તેથી ઘણી વાર લોકોને ગેરસમજણ થાય છે.

આ ક્ષેત્રમાં ઘણી વસ્તુઓ છે જેને સુધારવાની જરૂર છે, જેમ કે અહીં ચુકવણીની કે પગારની કોઈ સમાન પદ્ધતિ નથી. એજન્સીઓ આ ગેપને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ફરાહ એ પણ સ્વીકારે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક અનિશ્ચિતતાઓ પણ છે. "ઘણા દિવસો એવા હોય છે જ્યારે તમે ખૂબ કામ કરો છો પરંતુ ત્યારે તમને એટલું વળતર મળતું નથી. પરંતુ આવું ઘણાં ક્ષેત્રોમાં થાય છે."

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે ઇન્ફ્લ્યુએન્સર્સ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી છે તે જોઈને ફરાહ કહે છે, "હું ભવિષ્યમાં મારું પોતાનું કામ ચોક્કસપણે કરવાનું પસંદ કરીશ અને મારા કેસમાં એ વાત પણ નિશ્ચિત છે કે હું જે પણ કરીશ તે ઑનલાઇન જ રહેશે."